શું તમને પણ ટૉઇલેટ બેઠાં બેઠાં મોડે સુધી મોબાઇલ પર રીલ્સ જોવાની ટેવ છે? આવું કરવું કેવી મુસીબત સર્જી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરંબેલકર
- પદ, બીબીસી સંવાદદાતા
મોબાઇલ ફોન હાથમાંથી મૂકવાનું મન નથી થતું? જમતી વખતે, રાતે સૂતી વખતે અને સવારે ઊઠ્યા પછી તરત જ ફોન હાથમાં લીધા વિના રહી શકતા નથી? એટલું જ નહીં, શૌચક્રિયા કરવા જતી વખતે પણ તમે તમારો મોબાઇલ ફોન સાથે રાખતા હો તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે.
મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ, ફોન કોલ્સ, મૅસેજો અને રીલ્સ વગેરેને કારણે શૌચાલયમાં પણ ફોન સાથે રાખવાની પ્રબળ ઇચ્છા થાય છે. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે માત્ર થોડા સમય માટે પોતાનો ફોન જોતા રહેવાથી તેમણે ખતરનાક પરિણામનો સામનો કરવો પડી શકે છે.
તેથી લોકો મોબાઇલ ફોન લઈને ટૉઇલેટમાં જાય છે ત્યારે તેમણે કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની માહિતી મેળવીએ.
ખરેખર શું સમસ્યા થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આપણામાંથી ઘણા લોકોને, ખાસ કરીને યુવાઓને ટૉઇલેટમાં મોબાઇલ ફોન લઈ જવાની આદત હોય છે. જે લોકો શૌચાલયમાં અડધા કલાકથી વધુ સમય વિતાવે છે તેમને ઘણા રોગ થાય છે.
આવા લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહે છે, કારણ કે તેઓ સતત મોબાઇલ ફોન ચેક કરતા હોય છે. તેનાથી ગુદા નજીકના સ્નાયુઓ પર વધારાનું દબાણ આવે છે. આ સ્નાયુઓ મળત્યાગમાં મદદ કરતા હોય છે.
બળજબરીથી મળત્યાગ કરવાથી તમામ અંગોમાં વિવિધ રોગ થવાની શક્યતા વધે છે. તેમાં હરસ, કબજિયાત, ભગંદર, અને મસા જેવા વિવિધ રોગોનો સમાવેશ થાય છે.
લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી રક્તના પરિભ્રમણમાં પણ વિક્ષેપ સર્જાય છે. એ જ સ્થિતિમાં બેસીને મળત્યાગ કરવામાં જોર લગાવવાથી કબજિયાત અને મળ વધારે કઠણ બનવાની સમસ્યા સર્જાય છે.
એ દબાણ ગુદાની નજીકની વાહિનીઓ પર દબાણ લાવે છે. એ કારણે તે ફૂલી જાય છે અને ત્યાં વિવિધ પ્રકારના ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આવા લોકોએ બાદમાં અનેક રોગોનો સામનો કરવો પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હકીકતમાં કોમોડ પ્રકારનું શૌચાલય તમારા ગુદા વિસ્તાર અને ત્યાંના સ્નાયુઓ પર દેખીતી રીતે તાણ લાવે છે.
એ ઉપરાંત તેના પર લાંબો સમય બેસી રહેવાથી તણાવ વધવાની શક્યતા સર્જાય છે. શૌચમાં વિલંબ થાય અને ત્રાસ શરૂ થાય ત્યારે લોકો વધારે જોર લગાવે છે અને સમસ્યાઓના ચક્રમાં ફસાઈ જાય છે.
તેથી એ યાદ રાખવું જોઈએ કે શક્ય તેટલા ઓછા સમયમાં શૌચક્રિયા પતાવવી જોઈએ અને ત્યાં એ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ.
લાંબા સમય સુધી ટૉઇલેટમાં બેસીને ફોન ચેક કરતા રહેવાથી તમારા અન્ય અંગો પર પણ દબાણ આવે છે. પરિણામે ગરદન અને પીઠમાં દુખાવાની સમસ્યા સર્જાય છે.
હાથ-પગમાં ઝણઝણાટી, પગમાં જડતા અથવા હાથને એક જ સ્થિતિમાં રાખવાને કારણે થોડા સમય માટે અંગોના હલનચલનમાં અસમર્થતા જેવી સમસ્યાઓ પણ સર્જાય છે.
લાંબા સમય સુધી બેઠા રહી, ગરદન ઝુકાવીને મોબાઇલ ફોન ચેક કરતા રહેવાથી ગરદન તથા પીઠમાં દુખાવો થઈ શકે છે.
કોરોના પછીનાં છેલ્લાં પાંચ વર્ષમાં બેઠાડુ જીવનશૈલીની અસરો વધારે સ્પષ્ટ થઈ છે. સતત બેઠા રહેવાનું, બેસીને જ કામ કરવાનું, ઘરની બહાર ન નીકળવાનું, કસરત કે યોગાસનનો અભાવ અને ફાસ્ટ ફૂડ તથા પૅકેજ્ડ ફૂડ ખાવાનું પ્રમાણ વધ્યું છે.
વળી મોટા ભાગના વ્યવહારો મોબાઇલ ફોન દ્વારા કરી શકાતા હોવાથી મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે. ફોનના સતત ઉપયોગને કારણે ઘણા લોકોને ટૉઇલેટમાં પણ ફોન લઈ જવાની આદત પડી ગઈ છે.
એક જગ્યાએ બેસી રહેવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, ગરદન તથા કમરનો દુખાવો, સ્નાયુઓમાં નબળાઈ, વેરિકોઝ વેઈન્સ અને સ્નાયુઓ તથા સાંધામાં દુખાવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. એ ઉપરાંત પેટ ફૂલી જવાની, વજનમાં બિનજરૂરી વધારાની અને ધીમા ચયાપચયની સમસ્યાઓ માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.
આવી બેઠાડુ જીવનશૈલી ચિંતા, હતાશા, તણાવ અથવા ઇટિંગ ડિસોર્ડર્સ જેવી સમસ્યાની કારક બની શકે છે.
સતત બેઠા રહેવાથી શું થાય છે?
બેઠાડુ જીવનશૈલી અને કોઈ શારીરિક પ્રવૃત્તિ વિના એક જ જગ્યાએ લાંબો સમય બેઠા રહેવાથી જીવનની ગુણવત્તા પર અસર થાય છે તથા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનું જોખમ વધે છે.
લાંબા સમય સુધી બેઠા રહેવાથી બ્લડશુગર અને ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવાની શરીરની ક્ષમતામાં ખલેલ સર્જાય છે. તેથી ટાઇપ ટુ ડાયાબિટીસ, ચિંતા, હતાશા, સાંધા તથા સ્નાયુઓમાં દુખાવો, બ્લડપ્રેશર અને કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે તેમજ સ્ટ્રોક તથા હૃદયરોગનું જોખમ સર્જાય છે.
લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેઠા રહેવાથી પીઠના સ્નાયુઓ પર દબાણ આવે છે અને કરોડરજ્જુની સમસ્યાઓ સર્જાય છે. બેઠાડુ જીવનશૈલી કમરના-ગરદનના દુખાવા, ઓસ્ટિયોપોરોસિસ અને વેરિકોઝ વેઇન્સ જેવા રોગને આમંત્રણ આપે છે.
ટૉઇલેટમાં મોબાઇલ ફોન વાપરવાની આદત કેવી રીતે છોડવી?

ઇમેજ સ્રોત, Getty Images
દરેક જગ્યાએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની આ આદતથી છુટકારો કેવી રીતે મેળવવો? આ સવાલ અમે મુંબઈની લીલાવતી હૉસ્પિટલના જનરલ સર્જન ડૉ. નરેન્દ્ર નિકમને પૂછ્યો.
ડૉ. નિકમે કહ્યું હતું, "લાંબા સમય સુધી શૌચાલયમાં બેઠા રહેવાથી આપણે પેલ્વિક મસલ્સ એટલે કે નાભિથી નિતંબ સુધીના સ્નાયુઓ નબળા પડી જાય છે. એ કારણે પેશાબ તથા મળના નિયંત્રણમાં સમસ્યાઓ સર્જાય છે. તેથી શૌચાલયમાં પાંચ કે દસ મિનિટથી વધારે સમય વિતાવવો ન જોઈએ. સ્નાયુઓ પર વધુ પડતી તાણ ન સર્જવી જોઈએ. સમસ્યા ન સર્જાય તે માટે દરરોજ બેથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. તમારા આહારમાં ફાઇબર્સનું પ્રમાણ વધુ હોવું જોઈએ."
પેટ બગડ્યાના અથવા પેટમાં દુખાવાનાં લક્ષણો બે દિવસથી વધુ સમય રહે તો ડૉક્ટરને દેખાડવું જરૂરી છે, એમ પણ ડૉ. નિકમે જણાવ્યું હતું.
ફોન ફ્રી ઝોન
મુંબઈ નજીકના ડોમ્બિવલીની એઇમ્સ હૉસ્પિટલમાં કાર્યરત્ જનરલ સર્જન ડૉ. શાહિદ પરવેઝે પણ અનેક બાબતો તરફ ધ્યાન દોર્યું હતું.
તેમણે કહ્યું હતું, "મૂળવ્યાધ અથવા તે સંબંધી રોગોનું કારણ માત્ર ઓછા ફાઇબરવાળો ખોરાક જ નથી. લાંબા સમય સુધી શૌચાલયમાં બેસી રહેવાથી અને ત્યાં સતત ફોનનો ઉપયોગ કરતા રહેવાની આદત પણ એ માટે જવાબદાર હોય છે. ગુદા નજીકના વાહિનીઓ પર દબાણ આવવાને કારણે લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મૂળવ્યાધમાં રક્ત નીકળવા લાગે ત્યારે અતિશય ત્રાસ થાય છે. ઉપરાંત મોબાઇલ ફોન પરના જંતુઓ તમારા ચહેરા અને હાથના સંપર્કમાં આવે તો તેનો ચેપ પેટ સુધી ફેલાવાની શક્યતા સર્જાય છે."
ડૉ. શાહિદ પરવેઝના જણાવ્યા મુજબ, લોકોએ તેમના ઘરમાં એક ફોન ફ્રી ઝોન બનાવવો જોઈએ. એ વિસ્તારમાં ફોનનો ઉપયોગ કરવો ન જોઈએ. બેડરૂમ અને ડાઇનિંગ એરિયાની માફક શૌચાલયમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવાનો નિયમ બનાવવો જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે મોબાઇલ ફોનના ઉપયોગ પર કેટલાક નિયંત્રણો લાદી શકાય છે. અભ્યાસ દરમિયાન વિરામ લેવા ખુરશી પરથી ઊઠવું, હાથ-પગ હલાવવા અને તમે સ્ક્રીનનો ઉપયોગ કરતા હો તો તમારી આંખને આરામ આપવા જેવાં પગલાં લઈ શકો છો.
હરસ અને ફિશરનું કારણ બને છે કબજિયાત

ઇમેજ સ્રોત, Getty Images
કબજિયાત અથવા આંતરડાની સમગ્ર પ્રક્રિયામાં અવરોધ અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે.
પાચનતંત્ર ખરાબ થાય પછી ગુદામાર્ગ પર દબાણ આવે છે. તેના કારણે હરસ અને ફિશર જેવી સમસ્યાઓ સર્જાય છે. ખાસ કરીને 45 વર્ષથી વધુ વયના લોકોમાં આવી સમસ્યા જોવા મળે છે.
આવા દર્દીઓમાં હરસ અને ફિશર જેવી સમસ્યા સર્જાવાની શક્યતા વધુ હોય છે. ગંભીર કિસ્સામાં કબજિયાતને લીધે ઘણી વાર ગુદામાર્ગ પર વધુ પડતા જોરને કારણે લોહી ગંઠાઈ શકે છે, જે હાર્ટ ઍટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. એ સ્થિતિમાં ભાવિ સમસ્યાને ટાળવા માટે કબજિયાતનો તાત્કાલિક ઉપચાર કરવો મહત્ત્વપૂર્ણ છે.
દીર્ઘકાલીન કબજિયાત એટલે કે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી પેટ સાફ ન થવું. તેનાં લક્ષણોમાં પેટનું ફૂલવું, પેટમાં પીડા, મળત્યાગ દરમિયાન તાણ અને અપૂર્ણ મળત્યાગની સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેની તાત્કાલિક સારવાર કરવામાં ન આવે તો વધુ પડતું દબાણ ગુદામાર્ગની પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી હરસ અને ફિશર જેવી સમસ્યાઓ સર્જાય છે. તેમાં પારાવાર પીડા અને રક્તસ્રાવ થાય છે.
આ બાબતે અમે ડૉક્ટર્સ પાસેથી વધુ માહિતી મેળવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈની અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના જનરલ સર્જન ડૉ. લકિન વીરાએ કહ્યું હતું, "ક્રોનિક કબજિયાતનાં કારણોમાં ખોરાકમાં ફાઇબરનો અભાવ, કસરતનો અભાવ, પ્રોસેસ્ડ ફૂડનું સેવન, અમુક દવાઓ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ તેમજ ગર્ભાવસ્થા અને વૃદ્ધાવસ્થા દરમિયાન આંતરડામાં અવરોધ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ક્રોનિક કબજિયાતમાં ગુદામાર્ગમાંની નસો પર વધારાનું દબાણ આવે છે, જેના કારણે સોજો આવે છે અને હરસ થાય છે. સતત તાણ દર્દીના ગુદામાં અલ્સર અથવા ચાંદાનું કારણ બની શકે છે. તે અલ્સર ગુદાની અંદર અથવા બહાર એમ બંને જગ્યાએ થઈ શકે છે. સ્થિતિ વધારે ગંભીર બને તો રક્તસ્રાવ અને વેદના પણ થઈ શકે છે."
ડૉ. વીરાએ ઉમેર્યું હતું, "45થી 65 વર્ષના વયના આશરે 20 ટકા લોકો કબજિયાતની ફરિયાદ સાથે હૉસ્પિટલમાં દાખલ થાય છે. દસમાંથી બે લોકો કબજિયાતથી પીડાય છે, જે ગુદામાર્ગ પર તાણ લાવે છે અને તેમાં હરસ તથા ફિશરનું જોખમ રહેલું હોય છે. દર્દીઓને કબજિયાત અને હરસ તથા ફિશર વચ્ચેના સંબંધ વિશે જાગૃત કરીને સ્ટૂલ સોફ્ટનર લેવાની સલાહ પણ આપવામાં આવે છે."
મુંબઈની ઝેનોવા શેલ્બી હૉસ્પિટલના જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જન ડૉ. હેમંત પટેલે જણાવ્યું હતું કે હાલ અમારી પાસે આવતા મોટા ભાગના દર્દીઓ કબજિયાતથી પીડાય છે. 45થી 65 વર્ષની વયના લગભગ 15 ટકા લોકો કબજિયાત, પેટના ફૂલી જવાની અને પેટમાં દુખાવાની ફરિયાદ લઈને આવે છે.
કબજિયાતનો સમયસર ઈલાજ કરવાથી હરસ અને ફિશર જેવી સમસ્યાઓ ટાળી શકાય છે. કેળાં, સફરજન, ચિયા સીડ્ઝ, ગાજર અને બીટ સહિતનો ફાઇબરયુક્ત આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને પૂરતું પાણી પીવાથી આંતરડાના કાર્યમાં સુધારો થાય છે. મળ વિસર્જન દરમિયાન જોર કરવાનું ટાળવાથી અને આહારમાં પ્રોબાયોટિક્સનો સમાવેશ કરવાથી આંતરડાના સ્વાસ્થ્યની જાળવણીમાં મદદ મળી શકે છે.
તેમણે કહ્યું હતું, "સમયસરની સારવાર લાંબા ગાળાની સમસ્યાઓને અટકાવી શકે છે અને હરસ તથા ફિશર જેવી તકલીફોનું જોખમ ઘટાડી શકે છે."
તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઇચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઇચ્છતા હો અથવા વ્યાયામની શરૂઆત કરવા ઇચ્છતા હો તો ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ લેવી જરૂરી છે. આપણા શરીર અને લક્ષણોની ડૉક્ટર પાસે યોગ્ય તપાસ કરાવવી તથા તેમની સલાહના આધારે જીવનશૈલીમાં ફેરફાર કરવો ઇચ્છનીય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












