મૃત્યુ બાદ પણ શું આપણું મગજ કામ કરતું રહે છે, મોત સમયે મગજમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માર્ગરિટા રોડ્રિગ્ઝ
- પદ, બીબીસી મુંડો
મૃત્યુ એ જીવનનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ વ્યક્તિ મૃત્યુ પામે, ત્યારે મસ્તિષ્કમાં શું થાય છે, તે વિશે આપણે તદ્દન અજાણ છીએ, તે જાણીને ન્યૂરૉસાયન્ટિસ્ટ જીમો બોર્જીગિનને આશ્ચર્ય થયું હતું.
આ અનુભૂતિ તેમને આશરે એક દાયકા પહેલાં "યોગાનુયોગે" જ થઈ હતી.
તેઓ બીબીસી ન્યૂઝ મુંડોને જણાવે છે, "અમે ઉંદર પર પ્રયોગો કરી રહ્યાં હતાં અને સર્જરી પછી તેમના મસ્તિષ્કના ન્યૂરૉકેમિકલ સ્રાવો પર નજર રાખી રહ્યાં હતાં. અચાનક, તેમાંથી બે ઉંદર મરી ગયા. તેના કારણે મને તેમનાં મસ્તિષ્કની મૃત્યુની પ્રક્રિયાનું અવલોકન કરવાની તક મળી."
તેઓ વર્ણવે છે, "એક ઉંદરમાંથી સેરોટોનિનનો ઘણો સ્રાવ થયો. શું તે ઉંદર મતિભ્રમ અનુભવી રહ્યો હતો? કારણ કે, સેરોટોનિન મતિભ્રમ સાથે જોડાયેલું છે."
મૂડનું નિયમન કરનારાં રસાયણ એવા સેરોટોનિનનો વિસ્ફોટ જોઈને જીમો બોર્જીગિનને આ વિષય અંગે વધુ જાણવાની જિજ્ઞાસા થઈ.
"આથી આ વિષય પર વધુ જ્ઞાન મેળવવા માટે મેં વિકૅન્ડમાં લેખન સામગ્રી પર સંશોધન શરૂ કર્યું. પણ મને એ જાણીને આશ્ચર્ય થયું કે, મૃત્યુની પ્રક્રિયા વિશે આપણી જાણકારી ઘણી જ ઓછી છે."
ત્યારથી લઈને યુનિવર્સિટી ઑફ મિશિગનમાં મૉલેક્યુલર ઇન્ટિગ્રૅટિવ ફિઝિયૉલૉજીનાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર બોર્જીગિને તેમનું જીવન મૃત્યુ સમયે મસ્તિષ્કમાં શું થાય છે, તેના અભ્યાસ માટે સમર્પિત કરી દીધું છે.
અને તેમના જણાવ્યા પ્રમાણે, તેમને જે જાણવા મળ્યું, એ કલ્પનાતીત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મૃત્યુની પરિભાષા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ સમજાવે છે કે, લાંબા સમય સુધી જો કાર્ડિયાક અરેસ્ટ બાદ કોઈ વ્યક્તિની નાડી ચાલુ ન થાય, તો તે વ્યક્તિને ક્લિનિકલી ડેડ (તબીબી દૃષ્ટિએ મૃત) ગણી લેવામાં આવતી હતી.
આ પ્રક્રિયામાં હૃદય પર ધ્યાન આપવામાં આવે છેઃ "તેને કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે, પણ તેના માટે બ્રેઈન અરેસ્ટ શબ્દ નથી પ્રયોજાતો."
"વૈજ્ઞાનિક સમજૂતી એવી છે કે, મસ્તિષ્ક કામ ન કરતું હોય, એવું જણાય છે, કારણ કે કોઈ પ્રતિક્રિયા મળતી નથી, આવા લોકો વાત નથી કરી શકતા, ઊભા નથી થઈ શકતા કે બેસી નથી શકતા."
મગજને કામ કરવા માટે ભરપૂર પ્રમાણમાં ઑક્સિજનની જરૂર પડે છે. જો હૃદય રક્તનું પમ્પિંગ ન કરે, તો ઑક્સિજન ત્યાં સુધી પહોંચતો નથી.
ડૉક્ટર બોર્જીગિન સમજાવે છે, "આથી, તમામ ઉપરછલ્લા સંકેતો દર્શાવે છે કે, મસ્તિષ્ક હવે કામ નથી કરી રહ્યું અથવા તો મસ્તિષ્ક અતિસક્રિય નથી, બલ્કે અલ્પ સક્રિય છે."
જોકે, તેમની ટીમનું સંશોધન જુદી જ સ્થિતિ રજૂ કરે છે.
મસ્તિષ્ક 'હાઇપરડ્રાઇવમાં'
2013માં ઉંદર પર હાથ ધરાયેલા અભ્યાસમાં તેમણે પ્રાણીઓનાં હૃદય ધબકતાં બંધ થઈ ગયાં બાદ ઘણાં ન્યૂરૉટ્રાન્સમીટરોમાં તીવ્ર ગતિવિધિ નોંધી હતી.
સિરોટોનિન 60 ગણું વધી ગયું હતું અને સારી લાગણીનો અનુભવ કરાવનારા કેમિકલ ડોપામાઇનનું પ્રમાણ 40થી 60 ગણું વધી ગયું હતું.
"એ જ રીતે, માનવીને સતર્ક કરનારા કેમિકલ નોરેપિનેફ્રાઇનનું પ્રમાણ આશરે 100 ગણું વધી ગયું હતું."
તેઓ જણાવે છે કે, પ્રાણી હયાત હોય, તે સમયે આટલું ઊંચું સ્તર જોવા મળવું અસંભવ છે.
2015માં ટીમે મૃત્યુ પામી રહેલાં ઉંદરોનાં મસ્તિષ્ક પરનો વધુ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો.
ડૉક્ટર બોર્જીગિનના મતે, "બંને કેસમાં 100 ટકા પ્રાણીઓએ મોટાપાયે કાર્યાત્મક મસ્તિષ્ક ઍક્ટિવેશન જોવા મળ્યું હતું."
"મસ્તિષ્ક હાઇપરડ્રાઇવમાં છે, હાઇપરઍક્ટિવ સ્થિતિમાં છે."
ગામા વેવ્ઝ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2023માં તેમણે એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે કોમામાં હોય અને લાઇફ સપૉર્ટ પર હોય, એવા ચાર દર્દીનો અભ્યાસ કર્યો હતો. આ દર્દીઓનાં શરીરમાં ઇલેક્ટ્રૉએન્સેફેલોગ્રાફી ઇલેક્ટ્રૉડ્ઝ લગાવવામાં આવ્યાં હતાં, જે મસ્તિષ્કની પ્રવૃત્તિને સ્કૅન કરી રહ્યાં હતાં.
એ ચાર વ્યક્તિ મૃત્યુની નજીક સરકી રહી હતી. ડૉક્ટરો અને પરિવારજનો એકઠા થઈ ગયા હતા. "તેમણે માની લીધું હતું કે, હવે કશું થઈ શકે તેમ નથી. આથી, તેમણે આ દર્દીઓને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું."
સંબંધીઓની પરવાનગી લઈને તેમનાં વૅન્ટિલેટર્સ બંધ કરી દેવાયાં.
એ પછી સંશોધકોને માલૂમ પડ્યું કે, તે પૈકીના બે દર્દીઓનાં મસ્તિષ્ક અત્યંત સક્રિય હતાં, જે જ્ઞાનાત્મક પ્રક્રિયાનો સંકેત છે.
એટલું જ નહીં, મસ્તિષ્કનાં સૌથી ઝડપી વૅવ્ઝ એવાં ગામા તરંગો પણ મળી આવ્યાં. ગામા વેવ્ઝ જટિલ માહિતી પ્રોસેસિંગ તથા સ્મૃતિ સાથે સંકળાયેલાં હોય છે.
એક દર્દીના મસ્તિષ્કની બંને તરફ ટૅમ્પોરલ લોબ્ઝમાં વધુ પ્રવૃત્તિ જોવા મળી.
ડૉક્ટર બોર્જીગિન નોંધે છે કે, જમણું ટેમ્પોરોપેરિએટલ જંક્શન સહાનુભૂતિ માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.
"કાર્ડિયાક અરેસ્ટમાં બચી ગયેલા અને મોતના મુખમાંથી પાછા ફરેલા (નિયર ડેથ ઍક્સપિરિયન્સ - એનડીઈ) ઘણા દર્દીઓ કહે છે કે, આ અનુભવે તેમને બહેતર માનવી બનાવ્યા અને તેઓ અન્યો પ્રત્યે અનુકંપાની લાગણી અનુભવી શકે છે."
મોતના મુખમાંથી પાછા ફરવાના અનુભવો

ઇમેજ સ્રોત, Getty Images
એનડીઈમાંથી પસાર થઈ ચૂકેલા કેટલાક લોકો કહે છે કે, તે ક્ષણોમાં તેમને તેમનું જીવન તેમની નજર સમક્ષ તરવરતું દેખાયું હતું અથવા તો જીવનની મહત્ત્વની ક્ષણો સ્મૃતિપટ પરથી પસાર થઈ હતી.
તો, ઘણાં લોકોનું કહેવું છે કે, તેમને તીવ્ર પ્રકાશ દેખાયો હતો. જ્યારે અન્યોએ શરીર છોડી દીધું હોય અને ઉપરથી આ દૃશ્ય જોઈ રહ્યા હોય, એવો અનુભવ થયાનું વર્ણવ્યું હતું.
ડૉક્ટર બોર્જીગિનના અભ્યાસોમાં આવરી લેવાયેલું હાઇપરઍક્ટિવ મસ્તિષ્ક શું એ સમજાવી શકે છે કે, મૃત્યુના દ્વાર પર ઊભેલા અમુક લોકોને કયાં કારણોસર આવા ઉત્કટ અનુભવો થતા હોય છે?
તેઓ જવાબ આપે છે, "હા, મને લાગે છે કે, આવું જ થતું હોય છે. કાર્ડિયાક અરેસ્ટમાંથી બચી ગયેલા ઓછામાં ઓછા 20થી 25 ટકા લોકોએ તેમને શ્વેત પ્રકાશ જોયો હોવાનું, કશું જોયું હોવાનું જણાવ્યું હતું, જે સૂચવે છે કે, તે સમયે વિઝ્યુઅલ કોર્ટેક્સ સક્રિય હોય છે."
વૅન્ટિલેટર્સ બંધ કરી દેવાયા પછી જેમનામાં મસ્તિષ્કની ઊંચી પ્રવૃત્તિ જોવા મળી હતી, એવા બે દર્દીઓનાં વિઝ્યુઅલ કૉર્ટિસિસ (જે સચેતન દૃષ્ટિને સહાય કરે છે)માં ઘણી સક્રિયતા નોંધાઈ હતી, "જે સંભવતઃ આ વિઝ્યુઅલ અનુભવ સાથે સંબંધિત છે."
નવી સમજ
ડૉક્ટર બોર્જીગિન સ્વીકારે છે કે, માનવો પરના તેમના અભ્યાસો ઘણા ઓછા છે અને જ્યારે વ્યક્તિ મૃત્યુ પામી રહી હોય, ત્યારે દિમાગમાં શું ગતિવિધિ ચાલી રહી હોય, તે વિષય પર વધુ સંશોધનો હાથ ધરવા જરૂરી છે.
જોકે, આ ક્ષેત્રમાં 10 વર્ષ કરતાં વધુ સમય સુધી સંશોધન કર્યા પછી એક બાબત પર તેઓ સ્પષ્ટ છે: "મને લાગે છે કે, કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન મસ્તિષ્ક હાઇપોઍક્ટિવ હોવાને બદલે હાઇપરઍક્ટિવ હોય છે."
પરંતુ, જ્યારે મગજને ભાન થાય છે, કે તેને ઑક્સિજન નથી મળી રહ્યો, ત્યારે શું થાય છે?
તેઓ કહે છે, "એ સમજવાની અમે કોશિશ કરી રહ્યાં છીએ. તે અંગે ઘણું ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે. સાચું કહું તો, આ અંગે કોઈ માહિતી નથી."
ડૉક્ટર બોર્જીગિને શીતસમાધિનો ઉલ્લેખ કરીને મને જણાવ્યું હતું કે, તેઓ આ પ્રમાણેની પરિકલ્પના ધરાવે છેઃ ઉંદરો અને માનવો સહિતનાં પ્રાણીઓ ઑક્સિજનના અભાવની સ્થિતિનો સામનો કરવા માટે અંતર્જાત તંત્ર (ઇન્ડોજીનસ મિકેનિઝમ) ધરાવતાં હોય છે.
"અત્યાર સુધી મસ્તિષ્કને કાર્ડિયાક અરેસ્ટનું નિર્દોષ દર્શક ગણવામાં આવતું હતું: જ્યારે હૃદય કામ કરતું બંધ થઈ જાય છે, ત્યારે મસ્તિષ્ક પણ મરી જાય છે. વર્તમાન વિચારણા આ પ્રકારની છેઃ મસ્તિષ્ક આ સ્થિતિ સામે ટકી શકતું નથી અને મૃત્યુ પામે છે."
પણ તેની સાથે જ તેઓ એ પણ સ્વીકારે છે કે, આ બાબત સંપૂર્ણ સાચી છે કે કેમ, તે આપણે નથી જાણતાં.
તેમનું માનવું છે કે, મસ્તિષ્ક સહેલાઈથી હાર નથી માનતું. અન્ય કટોકટની સ્થિતિની માફક, આવા સમયે પણ તે લડત આપે છેઃ
"મારા મતે, મસ્તિષ્ક વાસ્તવમાં ઑક્સિજનના અભાવની સ્થિતિ સામે ટકવા માટે સુસજ્જ છે, તે દર્શાવવા માટે સુષુપ્તાવસ્થા ઉત્તમ ઉદાહરણ છે, પણ તે શોધનો વિષય છે."
હજી ઘણું સંશોધન બાકી

ઇમેજ સ્રોત, Universityo f Michigan
ડૉક્ટર બોર્જીગિનનું માનવું છે કે, તેમણે અને તેમની ટીમે અભ્યાસોના આધારે જે જાણકારી મેળવી છે, તે સમુદ્રનાં એક ટીપાં સમાન છે અને આ મામલે હજી ઘણું સંશોધન કરવાનું બાકી છે.
"મને લાગે છે કે, મસ્તિષ્ક જ્યારે ઑક્સિજનથી વંચિત થઈ જાય, ત્યારે તે અંતર્જાત તંત્ર ધરાવતું હોય છે, જે વિશે આપણે સમજી નથી શકતાં.
"ઉપરછલ્લી રીતે આપણે જાણીએ છીએ કે, કાર્ડિયાક અરેસ્ટમાંથી પસાર થઈ ગયેલા લોકો આ અજોડ અનુભવ કરી ચૂક્યા છે અને ડેટા દર્શાવે છે કે, એ અનુભવ મસ્તિષ્કની તીવ્ર ગતિવિધિને આભારી હોય છે.
"હવે સવાલ એ થાય કે: મૃત્યુની નિકટ જઈ રહેલા મસ્તિષ્કની ગતિવિધિ કેમ આટલી વધી જાય છે?
"આ સમજવા, આ અભ્યાસ હાથ ધરવા અને આ ક્ષેત્રે સંશોધન કરવા માટે આપણે સાથે એકજૂટ થવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















