જેસલમેરના રણમાં પરિણીત યુગલના મૃતદેહો મળી આવ્યા, નીકળ્યું પાકિસ્તાન સાથે કનેકશન, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Latif Laghari
- લેેખક, શકીલ અખ્તર, રિયાઝ સોહેલ
- પદ, બીબીસી ઉર્દૂ
ગયા અઠવાડિયે રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાનના એક યુવાન પરિણીત યુગલના મૃતદેહ મળી આવ્યા હતા.
સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ દંપતી રણમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યું હતું અને કોઈપણ રહેણાક વિસ્તારમાં પહોંચતા પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.
બંનેની ઓળખ રવિ કુમાર અને શાંતિ બાઈ તરીકે થઈ છે. તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાના મીરપુર માથેલોના ગુલામ હુસૈન લગારી ગામના વતની હતા.
રવિ કુમારના પિતા દિવાનો મેંઘવાડ કહે છે કે તેમનો દીકરો ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો અને તે ક્યારે ભારત ગયો તેની તેમને ખબર જ નથી રહી.

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
જેસલમેરના એસપી સુધીર ચૌધરીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એક સ્થાનિક વ્યક્તિએ જેસલમેર જિલ્લાના તનોટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે ભારત-પાકિસ્તાન સરહદથી લગભગ 15 કિલોમીટર દૂર ભારતીય ક્ષેત્રમાં બે અજાણ્યા લોકોના મૃતદેહ પડેલા જોવા મળ્યા છે.
તેમણે કહ્યું, "જ્યારે 28 જૂને પોલીસ ટીમ ત્યાં પહોંચી, ત્યારે એક ઝાડ નીચે એક માણસનો મૃતદેહ મળી આવ્યો. તેણે આકાશી વાદળી સલવાર અને કુર્તો પહેર્યો હતો. તેના ગળામાં પીળો સ્કાર્ફ હતો."
"તેની પાસેથી પાકિસ્તાની સિમ કાર્ડવાળો સેમસંગ ફોન પણ મળી આવ્યો હતો."
તેમણે જણાવ્યું કે ત્યાંથી લગભગ 50 ફૂટ દૂર એક મહિલાનો મૃતદેહ મળ્યો જેણે પીળા રંગના ઘાઘરા સાથે કુર્તો પહેર્યો હતો. તેના હાથમાં લાલ અને સફેદ બંગડીઓ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એસપીએ જણાવ્યું હતું કે બંને મૃતદેહો પેટના બળ પર પડેલા હતા. એવું લાગતું હતું કે તેઓ 8 થી 10 દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા. બંનેના મૃતદેહો ખૂબ જ ખરાબ હાલતમાં હતા જેના કારણે તેમના ચહેરા પણ ઓળખવા મુશ્કેલ હતા. પ્રારંભિક તપાસમાં એવું જણાય છે કે તેઓ રણમાં ભારે ગરમી અને તરસને કારણે મૃત્યુ પામ્યાં હતાં."
તેમણે કહ્યું કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે પરંતુ રિપોર્ટ હજુ આવ્યો નથી.
એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે તે વ્યક્તિના કબજામાંથી બે પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યા હતા જેના દ્વારા તે વ્યક્તિની ઓળખ દિવાન જીના પુત્ર રવિકુમાર અને મહિલાની ઓળખ ગુલ્લુજીનાં પુત્રી શાંતિબાઈ તરીકે થઈ છે. જેસલમેરમાં તેમના સંબંધીઓએ બંનેની ઓળખની પુષ્ટિ કરી છે.
બાપ-દીકરા વચ્ચે ઝઘડો કેમ થયો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાની પત્રકાર લતીફ લગારી પણ રવિકુમાર અને શાંતિબાઈના ગામના છે. તેમણે બીબીસીને જણાવ્યું કે ડાંગરના પાકને પાણી આપવા અંગે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.
તેમણે કહ્યું, "રવિના પિતા દીવાનોએ તેમના પુત્રને ડાંગરના પાકને પાણી આપવા કહ્યું હતું, પરંતુ જ્યારે રવિકુમારે ના પાડી ત્યારે તેમના પિતાએ તેમને થપ્પડ મારી દીધી. આનાથી ગુસ્સે થઈને તેઓ તેમનાં પત્ની સાથે મોટરસાયકલ પર ઘરેથી નીકળી ગયા હતા."
દીવાનોનાં 10 સંતાનો છે, જેમાંથી રવિકુમાર ત્રીજા નંબરના હતા.
લતીફ લગારીના જણાવ્યા મુજબ, દીવાનો જાણતા હતા કે તેમના પુત્ર રવિ સરહદી વિસ્તારમાં ખેજુમાં નૂરપુરની દરગાહ પાસે હાજર છે. તેઓ રવિને શોધવા માટે ત્યાં ગયા હતા પરંતુ તેમને પુત્રનો કોઈ પત્તો લાગ્યો ન હતો, ત્યાર બાદ તેઓ નિરાશ થઈને પાછા ફર્યા હતા.
ભારતીય ચેનલો પર રવિ અને તેમનાં પત્ની શાંતિના મૃત્યુના સમાચાર દર્શાવવામાં આવ્યા અને તેમના પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યાના સમાચાર મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવ્યા પછી, દીવાનો મેંઘાવડને ખબર પડી કે તેમના પુત્ર અને પુત્રવધૂનું મૃત્યુ થઈ ગયું છે.
લતીફ લગારીએ જણાવ્યું કે રવિના કેટલાક સંબંધીઓ પણ ભારતમાં રહે છે અને તેમણે ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
'રવિએ દોઢ વર્ષ પહેલાં ભારતીય વિઝા માટે અરજી કરી હતી'

પાકિસ્તાનથી રાજસ્થાન આવતા હિંદુઓ માટે કામ કરતી સંસ્થા સીમાંત લોક સંગઠનના વડા હિંદુસિંહ સોઢાએ બીબીસીને જણાવ્યું કે રવિકુમારના ઘણાં સંબંધીઓ જેસલમેરમાં રહે છે.
સોઢાએ કહ્યું કે તેમણે રવિના નાનાના ભાઈ સાથે વાત કરી હતી, જેમણે તેમને કહ્યું કે રવિનો તેમના પિતા સાથે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં તેઓ તેમનાં પત્ની સાથે ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
સોઢાના જણાવ્યા મુજબ, રવિનું ઘર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ભારતીય સરહદથી લગભગ 60 કિલોમીટર દૂર છે. તેમણે કહ્યું કે રવિએ દોઢ વર્ષ પહેલાં ભારતીય વિઝા માટે અરજી કરી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી. "તેમના પિતા સાથેના ઝઘડા પછી, રવિ અને શાંતિ ભારત તરફ ગયાં કારણ કે આ તેમની ઝંખના હતી."
તેમણે જણાવ્યું કે, ''જેસલમેરનો આખો વિસ્તાર રણ છે અને તે ખૂબ મોટો વિસ્તાર છે. "અહીં વસ્તી ખૂબ ઓછી છે અને સરહદોની નજીક 25 કિલોમીટરની અંદર કોઈ રહેતું નથી. આ વિસ્તારમાં જૂન મહિનામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને નજીકમાં ક્યાંય પાણીનો કોઈ સ્ત્રોત નથી."
"રવિ અને શાંતિ સિંધથી પગપાળા ભારત આવ્યાં હતાં અને કોઈ પણ વસ્તીવાળા વિસ્તારમાં પહોંચતા પહેલાં, ભીષણ ગરમીમાં ભૂખ અને તરસને કારણે રસ્તામાં જ બંનેનું મૃત્યુ થયું હતું."
તેમણે કહ્યું કે સ્થાનિક લોકોની મદદથી રવિ અને શાંતિના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે જેસલમેરમાં કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












