લાઇકાઃ માનવી પહેલાં અંતરીક્ષમાં જનાર શ્વાનનું મૃત્યુ કઈ રીતે થયું હતું, પૃથ્વી પરથી ગયા પછી કેટલું જીવ્યું હતું?

બીબીસી ગુજરાતી લાઈકા કૂતરી શ્વાન સ્પુટનિક 2 સોવિયેત યુનિયન અમેરિકા અંતરીક્ષયાન સ્પેસક્રાફ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંતરીક્ષમાંથી લાઇકા પાછી નહીં આવે તે પહેલેથી નક્કી હતું
    • લેેખક, ઈતિકલા ભવાની
    • પદ, બીબીસી ન્યૂઝ

માનવીએ અંતરીક્ષની સફર કરી તે અગાઉ પ્રયોગ ખાતર એક શ્વાને અંતરીક્ષયાત્રા કરી હતી.

સોવિયેટ યુનિયને 1957માં સૌથી પહેલી વખત કોઈ જીવને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલ્યો હતો. આ પ્રાણી એ મૉસ્કોની શેરીઓમાં રખડતી લાઇકા નામની કૂતરી હતી.

સ્પુતનિક 2 અંતરીક્ષયાનમાં લાઇકાને એકલી અંતરીક્ષમાં મોકલવામાં આવી હતી, જ્યાં કોઈ માનવીએ અગાઉ પગ મૂક્યો ન હતો. આ સાથે જ અંતરીક્ષમાં માનવીને મોકલવાનો માર્ગ ખુલી ગયો હતો.

તે સમયે અમેરિકા અને સોવિયેટ યુનિયન વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ હતું. નીલ આર્મસ્ટ્રૉંગ અને ઍડવિન ઍલ્ડ્રિને ચંદ્ર પર પગ મૂક્યો તેનાથી 20 વર્ષ અગાઉ અમેરિકા અને સોવિયેટ યુનિયને પ્રાણીઓને અંતરીક્ષમાં મોકલવાના પ્રયોગ કર્યા હતા.

અમેરિકનોએ વાંદરા અને ચિમ્પાન્ઝીને અંતરીક્ષમાં મોકલ્યા હતા, જ્યારે રશિયનોએ કૂતરાને સ્પેસમાં મોકલવાનો નિર્ણય લીધો કારણ કે તેમને તાલીમ આપવી સરળ હતી.

માનવીની જેમ કૂતરામાં પણ સામાજિક બંધન હોય છે અને તેઓ મિલનસાર હોય છે. રશિયનોએ અંતરીક્ષમાં મોકલવા માટે એક રખડતી માદા કૂતરી પસંદ કરી હતી.

વીડિયો કૅપ્શન, Vladimir Komarov: સ્પેસમાં મૃત્યુ પામનારા પ્રથમ અંતરીક્ષયાત્રીની કહાણી

રશિયન વૈજ્ઞાનિકો માનતા હતા કે આવા કૂતરા જન્મથી જ અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરતા હોય છે, તેથી અંતરીક્ષમાં સંશોધન માટે તે વધુ ઉપયોગી બને છે. તેમના પર મેડિકલ ટેસ્ટ કરાયા અને અંતરીક્ષમાં જવા માટેનું સૂટ પહેરાવવામાં આવ્યું.

ચોથી ઑક્ટોબર 1957ના રોજ સોવિયેટ યુનિયને સ્પુતનિક 1ને સફળતાપૂર્વક અંતરીક્ષમાં મોકલ્યું હતું.

ત્યાર પછી સોવિયેટ નેતા નિકિતા ખ્રુશ્ચેવે એક મહિનાની અંદર કૂતરાને અંતરીક્ષમાં મોકલવા આદેશ આપ્યો.

ખ્રુશ્ચેવનો આદેશ માનવા માટે એટલી બધી ઉતાવળ હતી કે લાઇકાને અંતરીક્ષમાં મોકલ્યા પછી જીવિત પૃથ્વી પર પરત કેવી રીતે લાવવી તે વિશે કોઈએ વિચાર્યું ન હતું. તારીખ ત્રીજી નવેમ્બર 1957ના રોજ લાઇકાને સ્પુતનિક 2 અંતરીક્ષયાનમાં બેસાડીને સ્પેસમાં મોકલવામાં આવી.

લાઇકાને સ્પેસક્રાફ્ટમાં મોકલનારા ઍન્જિનિયરોએ તે દિવસે તેને છેલ્લી વખત જોઈ હતી.

'લાઇકા બહુ ઍક્ટિવ અને બુદ્ધિશાળી હતી'

બીબીસી ગુજરાતી લાઈકા કૂતરી શ્વાન સ્પુટનિક 2 સોવિયેત યુનિયન અમેરિકા અંતરીક્ષયાન સ્પેસક્રાફ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાઇકા એક સામાન્ય કૂતરી હતી જેને મૉસ્કોની શેરીઓમાંથી પકડવામાં આવી હતી

લાઇકાનું વજન 6 કિલો હતું અને અંતરીક્ષમાં પ્રયોગ માટે મોકલતા પહેલાં તે મૉસ્કોની શેરીઓમાં રહેતી હતી.

પ્રોફેસર વિક્ટર યાસ્તોસ્કીએ બીબીસીને જણાવ્યું કે તેઓ એક બાળક તરીકે હંમેશાંથી લાઇકા સાથે રમવા માંગતા હતા. લાઇકાને તાલીમ અપાતી હતી ત્યારે તેમના પિતા એક મેડિકલ ઑફિસર હતા.

તેમણે કહ્યું, "મારા પિતા લાઇકાને પ્રયોગશાળાના વાતાવરણમાંથી થોડો સમય બહાર લાવવા માંગતા હતા. અમે તેમને ઘરે લઈ આવતા અને તેની સાથે રમતા. લાઇકા બહુ ઍક્ટિવ હતી. બધા કહેતા કે લાઇકા બહુ બુદ્ધિશાળી હતી અને તેને તાલીમ આપવી સરળ હતી."

અંતરીક્ષમાં લાઇકાના મોત પછી તેની યાદમાં સ્પેશિયલ ટપાલ ટિકિટ અને કવર બહાર પાડવામાં આવ્યા હતા. તે વખતે લાઇકાના નામ સાથે સિગરેટ પૅકેટ અને બાકસના બૉક્સ પણ બનાવાયાં હતાં.

નાસાની વેબસાઇટ પ્રમાણે લાઇકા વિશ્વની સૌથી વિખ્યાત શ્વાન હતી અને તેનું અસલી નામ કુદ્રીયાવકા હતું. પરંતુ પછી તેનું નામ બદલીને લાઇકા કરવામાં આવ્યું હતું.

અવકાશયાત્રા માટેના ચુસ્ત સૂટમાં લાઈકા

બીબીસી ગુજરાતી લાઈકા કૂતરી શ્વાન સ્પુટનિક 2 સોવિયેત યુનિયન અમેરિકા અંતરીક્ષયાન સ્પેસક્રાફ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પુતનિક 2 યાનમાં મોકલતા પહેલાં લાઇકાને સ્પેસસૂટ પહેરાવી તાલીમ અપાઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્પુતનિક 2 બીજું સ્પેસક્રાફ્ટ હતું જે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગયું હતું. તે કોઈ સજીવને અંતરીક્ષમાં લઈ જનાર પ્રથમ યાન હતું. નાસા મુજબ સ્પુતનિકને એક શંકુના આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ચાર મીટર ઊંચું હતું અને તળિયાનો વ્યાસ બે મીટર હતો. તેમાં કેટલાંક કમ્પાર્ટમેન્ટ હતાં.

સ્પુતનિકમાં કેટલાક વૈજ્ઞાનિક સાધનો રાખવામાં આવ્યાં હતાં, જેમ કે લાઇકા માટે સ્પેશિયલ કેબિન, રેડિયો ટ્રાન્સમીટર, પૃથ્વી પર ડેટા મોકલવા માટે ટેલિમેટ્રી સિસ્ટમ, થર્મલ કન્ટ્રોલ સિસ્ટમ અને લાઇકા પર નજર રાખવા માટે ટીવી કૅમેરા પણ લગાવાયો હતો.

લાઇકા જે કૅબિનમાં બેઠી હતી ત્યાંથી પૃથ્વી પર દર સેકન્ડે 10 ફ્રેમ તસવીરો મોકલવામાં આવતી હતી.

જોકે, લાઇકાની કૅબિન બહુ નાની હતી. તેમાં સુવાની કે ઊભા રહેવા માટે જગ્યા ન હતી.

સ્પેસ મિશન દરમિયાન લાઇકાની તબિયત પર નજર રાખવા માટે તેની સ્કીન પર એક ટ્રાન્સમીટર ફિટ કરવામાં આવ્યું હતું જે મુખ્ય નસ સાથે જોડાયેલું હતું. પ્રોફેસર વિક્ટરે કહ્યું કે તેની પાંસળી અને ગરદનમાં પણ ટ્રાન્સમીટર ફિટ કરાયેલાં હતાં.

લાઇકા શ્વાસ લઈ શકે તે માટે એક ઍર રિજનરેશન સિસ્ટમ રાખવામાં આવી હતી જેથી ઑક્સિજન મળી શકે. કચરો એકઠો કરવા માટે એક બૅગ લગાવાઈ હતી. લાઇકા માટે જેલી સ્વરૂપમાં ખોરાક અને પાણી રાખવામાં આવ્યું હતું.

સ્પેસક્રાફ્ટમાં પ્રાણી મોકલીને સોવિયેટ યુનિયન એ દેખાડવા માંગતું હતું કે સ્પેસ ટેકનૉલૉજીની રેસમાં તે અમેરિકા કરતા આગળ છે.

લાઇકાનું મોત કઈ રીતે થયું?

બીબીસી ગુજરાતી લાઈકા કૂતરી શ્વાન સ્પુટનિક 2 સોવિયેત યુનિયન અમેરિકા અંતરીક્ષયાન સ્પેસક્રાફ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પુતનિક 2ની કેબિનમાં લાઇકા

સ્પુતનિક 2 યાન અપેક્ષા પ્રમાણે જ ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. નાસાના કહેવા પ્રમાણે સ્પુતનિકમાં 10 દિવસ ચાલે તેટલો ઑક્સિજનનો પુરવઠો હતો. જોકે, એક સપ્તાહ પછી સોવિયત યુનિયને જાહેરાત કરી કે લાઇકાનું અંતરીક્ષયાનમાં દર્દરહિત મોત થયું છે. સ્પેસમાં મોકલાયા પછી સોવિયેટ યુનિયનમાં લાઇકા રાષ્ટ્રીય હીરો બની ગઈ હતી.

પરંતુ લાઇકાનું વાસ્તવમાં કઈ રીતે મોત થયું તેની મહત્ત્વની માહિતી 40 વર્ષ પછી આવી. તેમાં જાણવા મળ્યું કે લાઇકા સ્પેસક્રાફ્ટમાં માત્ર સાત કલાક સુધી જીવિત રહી શકી હતી. અંતરીક્ષમાં તે ભય અને અસહ્ય ગરમીના કારણે મૃત્યુ પામી હતી.

મૉસ્કો ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોલૉજિકલ પ્રોબ્લેમ્સના વૈજ્ઞાનિક દમિત્રી માલાશેન્કોવે 2002માં અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ સ્પેસ કૉન્ફરન્સ દરમિયાન આ રહસ્ય ખોલ્યું હતું.

વૈજ્ઞાનિકોએ એકત્ર કરેલા ટેલિમેટ્રી ડેટા પ્રમાણે લાઇકાને સ્પેસમાં આઘાત લાગ્યો હતો. માલાશેન્કોવે આપેલા પુરાવા મુજબ લૉન્ચ દરમિયાન લાઇકાના હૃદયના ધબકારા સામાન્ય કરતા ત્રણ ગણા વધી ગયા હતા.

અંતરીક્ષયાન ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળ્યું પછી આવું થયું હતું. એટલે કે લાઇકા તીવ્ર તણાવ અનુભવતી હતી.

ટેલિમેટ્રી રેકૉર્ડ પ્રમાણે સ્પેસક્રાફ્ટ લૉન્ચ કરવામાં આવ્યાના પાંચથી સાત કલાક પછી લાઇકાના કોઈ સિગ્નલ મળ્યા ન હતા.

ચોથા રાઉન્ડની શરૂઆતમાં ભેજ અને તાપમાન વધી ગયું. તે વખતે ગરમી અને સ્ટ્રેસના કારણે લાઇકા મૃત્યુ પામી.

જોકે, નાસા પોતાની વેબસાઇટ પર કહે છે કે લાઇકા બે દિવસ સુધી જીવિત હતી.

અંતરીક્ષમાં પહોંચ્યા બાદ સ્પુતનિક 2 યાનનો શંકુ આકારનો ભાગ સફળતાપૂર્વક અલગ થઈ ગયો. પરંતુ તેનો બ્લૉક-એ આયોજન પ્રમાણે અલગ ન થયો.

બીબીસી ગુજરાતી લાઈકા કૂતરી શ્વાન સ્પુટનિક 2 સોવિયેત યુનિયન અમેરિકા અંતરીક્ષયાન સ્પેસક્રાફ્ટ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, 1957માં સ્પુતનિક 2 યાન અંતરીક્ષમાં છોડાયું હતું

તાપમાન કન્ટ્રોલ કરવાની સિસ્ટમ પણ અસરકારક ન રહી. ઇન્સ્યુલેશન સિસ્ટમ ઢીલી પડી ગઈ અને કૅબિનનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.

લાઇકા ક્યારે મૃત્યુ પામી તે વિશે અલગ-અલગ વિગત મળે છે. પરંતુ એક વાત નક્કી છે કે લાઇકાનું મોત એક અઠવાડિયાની અંદર હીટસ્ટ્રોક, અત્યંત ભય અથવા હીટ ઍક્ઝોશનથી થયું હતું.

સ્પુતનિક 2 સ્પેસ મિશન દરમિયાન લાઇકા મૃત્યુ પામશે તે પહેલેથી નક્કી હતું કારણ કે જીવિત પ્રાણીને અંતરીક્ષમાંથી પૃથ્વી પર પાછા લાવવાની ટેકનૉલૉજી શોધાઈ ન હતી.

ત્યાર પછી સ્પુતનિક 2 યાને પાંચ મહિના સુધી પૃથ્વી આસપાસ 2570 પ્રદક્ષિણા કરી હતી. ત્યાર પછી તે 1958માં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું અને સળગીને રાખ થઈ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.