'એકલતા એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલી ખતરનાક', તમારા શરીર પર તેની શું અસર થાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એકલતાને કારણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ વકરી શકે છે
    • લેેખક, આંડ્રે બિએર્નથ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

એકલતા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે. અમુક નિષ્ણાતોએ તો એટલે સુધી કહી દીધું છે કે આ વાત એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું જ ખતરનાક છે.

ભલે આપણે સતત આપણા સ્માર્ટફોન સાથે જોડાયેલા રહેતા હોઈએ, જેમાં એક દિવસમાં સેંકડો મૅસેજો આવતા હોય છે, પરંતુ તેનાથી આપણને હંમેશાં સારું નથી લાગતું.

હકીકતમાં તો આ સતત થનારો સંપર્ક આપણા પર ભારે પડી શકે છે. આના કારણે ઘણા લોકો થોડી ઘણી શાંતિ માટે પણ તરસી જાય છે. તો શું આ બધી વસ્તુઓ વચ્ચે કોઈ પ્રકારના સંતુલનની શોધ શક્ય છે?

બીબીસીએ આ અંગે હેલ્થ ઍક્સપર્ટ્સ સાથે વાત કરીને તેમનો મત જાણ્યો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

આમ તો આ એક જૂની સમસ્યા છે, પરંતુ કોવિડ મહામારી દરમિયાન ઘણા સમય સુધી લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટિન્સિંગને કારણે લાખો લોકો માટે એકલતા એક પડકાર બની ગઈ છે.

આનાથી ઘણા લોકો એકલતા અનુભવવા લાગ્યા.

બ્રિટનના શેફીલ્ડ હૉલમ યુનિવર્સિટીમાં એકલતા વિશે ભણાવતાં એન્ડ્રિયા વિગફીલ્ડનું કહેવું છે કે એકલતા એક અસહજ ભાવના છે.

આ ત્યારે પણ પેદા થઈ શકે છે, જ્યારે તમે તમારા સંબંધોની સરખામણી બીજા સાથે કરો છો અને તમને લાગે છે કે તમારી મિત્રતા એટલી મજબૂત નથી.

જો તમે એકલા હો, તો જલદી જ તમને એકલતાનો અનુભવ થઈ શકે છે. પરંતુ એ વાત પણ સત્ય છે કે ભીડમાં પણ તમે એકલતા અનુભવી શકો છો.

વિગફીલ્ડ ચેતવણી આપતાં કહે છે કે એવું અનુભવવું કે તમે કોઈના નથી કે તમારા સંબંધો એટલા મજબૂત નથી, આવું થવાથી પણ તમે દુ:ખી અને એકલા અનુભવી શકો છો.

કેટલીક ભાષાઓમાં લોકો એકલતા અને જાતે એકલા રહેવા માટે એક જ શબ્દનો ઉપયોગ કરે છે.

પરંતુ જાતે એકલા રહેવું એ થોડી અલગ વાત છે, કારણ કે આવું કરવાથી અમુક સમય માટે એકલા રહેવાથી શાંતિ અને આરામ અનુભવાય છે.

બ્રિટનની ડરહમ યુનિવર્સિટીમાં સાઇકૉલૉજીનાં ઍસોસિયેટ પ્રોફેસર થુઈ વી નુયેન કહે છે કે જાતે એકલા રહેવું એટલે બીજા સાથે વાત કર્યા વિના એકલા સમય પસાર કરવું અને એટલે સુધી કે સોશિયલ મીડિયા પર પણ કોઈની સાથે વાત ન કરવી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એકલતા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના તાજેતરના એક સંશોધનમાં ખબર પડી છે કે હૃદયની બીમારી, સ્ટ્રોક (મસ્તિષ્ક સુધી લોહીના પુરવઠામાં રુકાવટ) અને ટાઇપ 2 ડાયાબિટીસના ખતરામાં વધારો થઈ શકે છે.

આ સાથે જ ચેપ લાગવાની આશંકા પણ વધી જાય છે.

વિગફીલ્ડ કહે છે કે એ વાતના પણ પુરાવા મળ્યા છે કે એકલતાથી યાદશક્તિમાં કમી, ડિપ્રેશન, ચિંતા અને સમય પહેલાં મૃત્યુનો ખતરો પણ વધી જાય છે.

એ વાત સ્પષ્ટ નથી કે એકલતા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે.

ડૉક્ટરોનું માનવું છે કે આવું એટલા માટે થાય છે, કારણ કે એકલતાના કારણે શરીર પર વધુ તાણ પડે છે અને માનસિક ગતિવિધિ ઘટે છે.

આનાથી માનસિક સ્વાસ્થ્ય સમસ્યા વધુ વકરી શકે છે. એકલતા એ મોટી સમસ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ચારમાંથી એક વૃદ્ધ વ્યક્તિ સામાજિકપણે એકલાઅટૂલા અનુભવી શકે છે. તેમજ પાંચથી 15 ટકા સુધી કિશોરો પણ આ સમસ્યાતી પીડાતા હોય છે.

કેટલાંક વિશેષ સમૂહોમાં એકલતાનો ખતરો વધુ હોય છે, ભલે તેમની ઉંમર ગમે એ હોય.

તેમાં પ્રવાસી, જાતીય લઘુમતીમાં આવતા લોકો, શરણ ઇચ્છતા લોકો, એલજીબીટીક્યૂ લોકો, દેખરેખ રાખનારા લોકો અને સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો સામેલ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

હાલનાં વર્ષોમાં, એકલતાની મહામારીનો સામનો કરવાના હેતુસર ઘણા દેશોની સરકારોએ ઘણી પહેલો શરૂ કરી છે.

હવે આ એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે, કારણ કે સ્વાસ્થ્ય દેખરેખ, સામાજિક સેવાઓ અને અર્થતંત્ર પર આનો ખર્ચ વધુ હોય છે.

સંશોધન પરથી ખબર પડી છે કે સ્વયંસેવક તરીકે સેવા આપવાથી એકલતાને રોકવામાં મદદ મળી શકે છે.

હૉન્ગકૉન્ગમાં 375 સ્વયંસેવકો પર કરાયેલ એક અભ્યાસથી ખબર પડી છે કે પોતાનો ફાજલ સમય તમને પસંદ હોય એવા કામમાં લગાડવાથી એકલતા ઘટી શકે છે.

ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ ખૂબ ફાયદાકારક હોય છે.

ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ એકલતા ઘટાડવા માટે એક અલગ રસ્તો અપનાવી રહ્યા છે.

આ બંને દેશો વૃદ્ધો અને યુવાનોને કૉમ્યુનિટી સેન્ટર કે રેસિડેન્સિયલ વિસ્તારો જેવી જગ્યાઓએ એક સાથે સમય પસાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

બ્રિટનમાં , 'સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ'નું ચલણ પણ વધી રહ્યું છે. અહીં હવે ડૉક્ટરો દવા દેવાના સ્થાને એવા કાર્યક્રમની સલાહ આપી શકે છે, જે એકલા લોકોને બીજા લોકો સાથે જોડાવામાં મદદ કરે.

બાળકો અને કિશોરોના સાઇકિયાટ્રિસ્ટ (માનસિક બીમારીઓના ઇલાજ કરનારા ડૉક્ટર) હોલાન લિંયાંગનું કહેવું છે કે આવાં સમાવેશી સમુદાયોનું નિર્માણ કરવું એ મહત્ત્વપૂર્ણ વાત છે, જ્યાં લોકો એક સાથે મળીને કામ કરે અને દરેક વ્યક્તિ ત્યાં મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન હોવાનું અનુભવે.

લિયાંગ કહે છે કે, "બીજાના હાલચાલ જાણવા, દયાળુ હોવાનો ભાવ દેખાડવો અને બીજાની મદદ કરવાથી એકલતાને રોકવામાં મદદ મળે છે."

ઍક્સપર્ટ્સે બીબીસીને જણાવ્યું કે દરેક વ્યક્તિ માટે એ વસ્તુની તપાસ જરૂરી છે કે તેઓ પોતાના સંબંધો અને મિત્રતાથી કેટલા ખુશ છે.

તમારે એકલતાનાં લક્ષણો પર પણ ધ્યાન આપવું જોઈએ. જેમ કે લાંબા સમય સુધી ઉદાસ રહેવું, લોકો સાથે મળવાની ઇચ્છા ન રાખવી કે ઘરે જ વધુ સમય પસાર કરવું.

આ સિવાય બીજાં લક્ષણોમાં, અન્યોથી એકલાઅટૂલા અનુભવવું કે પોતાની આસપાસની જગ્યાઓથી જોડાણ ન અનુભવવું વગેરે સામેલ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા
બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનુષ્ય એક સામાજિક પ્રાણી હોવાને કારણે સામાન્યપણે લોકો વિચારે છે કે એકલા સમય પસાર કરવું એ ખરાબ બાબત છે

પ્રોફેસર ગુયેન એ વાત પર વધુ ભાર આપે છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જેને મજબૂત સહાયક સંબંધોની જરૂરિયાત હોય છે. તેથી તેઓ જીવતા રહેવા માટે કેટલાક નિયમોનું પાલન કરે છે.

તેઓ કહે છે કે, "લોકો સામાન્ય રીતે વિચારે છે કે એકલા સમય પસાર કરવો એ ખરાબ વાત છે, કારણ કે આપણે સાથે રહેવાના મહત્ત્વ પર ખૂબ વધુ ધ્યાન આપીએ છીએ. એકલા રહેવાથી ખરેખર તો આપણને શાંત અને તણાવમુક્ત અનુભવવામાં મદદ મળે છે."

બ્રિટનમાં યુનિવર્સિટી ઑફ રીડિંગના એક સંશોધનથી ખબર પડી છે કે આની સારી અને ખરાબ બંને પ્રકારની અસરો થઈ શકે છે.

સંશોધકોએ 178 પુખ્ત વયના લોકો પર 21 દિવસ સુધી નજર રાખી. આ દરમિયાન, આ લોકોએ તણાવનું સ્તર, ખુશી, આઝાદી અને એકલતાની ભાવનાઓનો ટ્રૅક રાખવા માટે ઘણા સવાલોના જવાબ આપ્યા.

આ પ્રયોગથી ખબર પડી છે કે એકલા વધુ સમય પસાર કરવાથી આપણા તાણમાં કમી હોય છે અને આપણે પોતાની જાતને સ્વતંત્ર અનુભવી શકીએ.

સંશોધકો અનુસાર, આનાથી ખબર પડે છે કે એકલા રહેવાથી શાંતિનો અહેસાસ થાય છે.

જોકે, જ્યારે જ્યારે આ લોકોએ પોતાનો વધુ સમય એકલા પસાર કર્યો, ત્યારે તેઓ પોતાની જાતને એકલા અને ઓછા સંતુષ્ટ લાગ્યા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

અભ્યાસોથી ખબર પડે છે કે એકલા સમય પસાર કરવાથી તમને તમારી ભાવનાઓને કંટ્રોલ કરવામાં અને આઝાદ અનુભવવામાં મદદ મળે છે.

આ વિશેષપણે ત્યારે મદદરૂપે સાબિત થઈ શકે છે જ્યારે તમે ખૂબ જ તણાવગ્રસ્ત મહેસૂસ કરી રહ્યા હો.

એકલા સમય પસાર કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય બહેતર થઈ શકે છે અને તમે ભાવનાત્મક દૃષ્ટિએ મજબૂત બની શકો છો. પરંતુ એકલા સમય પસાર કરવાની વાત એ અમુક લોકો માટે મુશ્કેલ બની શકે છે.

પ્રોફેસર ગુયેન એકલા સમય પસાર કરવાને એક નિયમિત આદત બનાવવાની સલાહ આપે છે. તેઓ પોતાની જાત સાથે સમય પસાર કરવા ફોને કે સ્ક્રીનનો ઉપયોગ કર્યા વગર સમય પસાર કરવાની સલાહ આપે છે.

તેઓ કહે છે કે, "જ્યારે પણ લોકો મને પૂછે છે કે એકલા રહેવાનો લાભ કેવી રીતે ઉઠાવી શકાય, તો હું હંમેશાં એક જ સલાહ આપું છું કે નાની-નાની વસ્તુઓથી શરૂઆત કરો, એટલે કે દિવસમાં માત્ર 15 મિનિંટનો સમય પોતાના માટે કાઢો."

આ મર્યાદિત સમયમાં, તમે એ વાત પર નજર રાખી શકો છો કે તમે કેવું અનુભવી રહ્યા છો. તમને શું કરવું પસંદ છે. જેમ જેમ દિવસો વીતતા જાય, તમે એકલા રેહવાના આ સમયને એક એક મિનિટ કરીને વધારવાની શરૂઆત કરી શકો છો.

તેઓ કહે છે કે, "ક્યારેક ક્યારેક લોકો અમુક દિવસ માટે પોતાનો સ્ક્રીન ટાઇમ કે સોશિયલ મીડિયાના ઉપયોગ ઘટાડવા માગે છે. આનાથી તેમને પરેશાની થઈ શકે છે અને તેઓ ભવિષ્યમાં આને ફરી વાર અજમાવવા નહીં ઇચ્છે."

શું એકલા રહેવાની કોઈ મર્યાદા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, માનસિક સ્વાસ્થ્ય, એકલા રહેવું, એકલતા

યુનિવર્સિટી ઑફ રીડિંગના આંકડાથી ખબર પડે છે કે જ્યારે જ્યારે લોકો એકલા વધુ સમય પસાર કરે છે, ત્યારે તેઓ વધુ એકલતા અને ઓછા ખુશ હોવાનું અનુભવે છે.

પછી ભલે તેમણે એકલા રહેવાનું પોતાની ઇચ્છાથી પસંદ કર્યું હોય, પરંતુ આનાથી તેમને સારો અનુભવ નથી થાતો. જોકે, આ ભાવનાઓ ઘણા દિવસ સુધી મહેસૂસ નથી થાતી.

ગુયેન પ્રમાણે એકલા પસાર કરવાના સમયનું યોગ્ય સંતુલન જાળવવા માટે કલાકોની કોઈ નિર્ધારિત સંખ્યા નથી. આ સંતુલન એ વાત પર નિર્ભર કરે છે કે એ સમય કેટલો સારો અને પૉઝિટિવ લાગે છે.

તેઓ જણાવે છે કે કેટલાંક સંશોધનો પરથી ખબર પડે છે કે એકલતાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે જાગતી અવસ્થા દરમિયાનના 75 ટકા સુધીનો સમય એકલા પસાર કરીએ છીએ.

તેઓ કહે છે કે એકલા રહેવાનો યોગ્ય સમય બધા માટે અલગ-અલગ હોય છે અને આ એ વાત પર આધાર રાખે છે કે તમે દરરોજ કેવું અનુભવો છો. પરંતુ એકલા રહેતી વખતે શું કરવું જોઈએ?

નિષ્ણાતો એવી વસ્તુઓ કરવાની સલાહ આપે છે જે તમારા દિમાગને ઍક્ટિવ રાખે અને તમને આરામ કરાવવામાં મદદરૂપ સાબિત થાય.

આના માટે આપણી પાસે ઘણા વિકલ્પો છે. જેમ કે વાંચન, ઝાડ-છોડ ઉગાડવાં, પ્રકૃતિમાં ફરવું, ગીતો સાંભળવાં, ભોજન રાંધવું અને સજાવટની વસ્તુઓ બનાવવી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.