સુનીતા વિલિયમ્સ અવકાશમાં જ્યાં રહ્યાં એ સ્પેસ સ્ટેશન પૃથ્વી સાથે કેમ ટકરાશે, અને ક્યાં પડશે?

ઇમેજ સ્રોત, Keegan Barber/NASA via Getty Images AND Reuters
ભારતીય મૂળનાં અમેરિકન અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ નવ મહિના સુધી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યાં હતાં. આ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનનું મિશન 2031માં પૂરું થવા જઈ રહ્યું છે.
1998માં લૉન્ચ કરવામાં આવેલું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન વર્ષોથી સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિનું પ્રતીક રહ્યું છે.
પૃથ્વીથી 400-415 કિલોમીટરની ઊંચાઈ પર આવેલું આ સ્પેસ સ્ટેશન ફૂટબૉલના મેદાન જેટલું મોટું છે અને તેનું વજન 400 ટન (80 આફ્રિકન હાથી જેટલું વજન) છે. તેનું નિર્માણ 1998થી 2011 વચ્ચે થયું હતું.
પૃથ્વીથી 40થી વધારે સ્પેસ પ્રોગ્રામ્સ મારફતે સામાન પહોંચાડવામાં આવ્યો અને અંતરીક્ષમાં આ સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું. તો હવે આ વિશાળ સ્પેસ સ્ટેશનનો અંત આવશે ત્યારે શું થશે?
પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં આવેલું સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી 415 કિલોમીટર દૂર છે. તો આ તૂટશે તો તેના ટુકડા પૃથ્વી પર ક્યાં પડશે?

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને કેમ નિવૃત્ત કરાઈ રહ્યું છે?
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન 17,500 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. સ્પેસ સ્ટેશન એક દિવસમાં પૃથ્વીની ફરતે 16 વખત ચક્કર લગાવે છે, એટલે કે દર 90 મિનિટે એક વખત પૃથ્વીનું એક ચક્કર પૂરું કરી લે છે.
આટલી ઝડપથી પૃથ્વીના ચક્કર લગાવતું વજનદાર સ્પેસ સ્ટેશન જ્યારે અચાનક ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે શું થઈ શકે છે તેની કલ્પના પણ ભયાવહ છે.
આવી જ કોઈ પણ ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે નાસાએ 2031માં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ છે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ખાસું જૂનું થઈ ગયું છે. રશિયા, અમેરિકા, કૅનેડા, જાપાન અને અનેક યુરોપિયન દેશોના સહિયારા પ્રયાસોથી 1998માં સ્પેસ સ્ટેશનનું નિર્માણ શરૂ થયું હતું. પછી અલગઅલગ તબક્કે તેને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. જોકે શરૂઆતમાં તેને 15 વર્ષ સુધી ઑપરેટ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિક રિસર્ચમાં સતત મળેલી સફળતા અને સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં આંતરરાષ્ટ્રીય સહયોગને કારણે સ્પેસ સ્ટેશનનું જીવન ઘણાં વધુ વર્ષો સુધી લંબાતું ગયું છે.
2021માં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમ્યાન સ્પેસ સ્ટેશનનું આયુષ્ય 2030 સુધી લંબાવવાનું નક્કી કરાયું હતું.

ઇમેજ સ્રોત, NASA
એ જ વર્ષે 2021માં રશિયાએ સ્પેસ સ્ટેશન અંગે ચેતવણી આપી હતી. રશિયાએ કહ્યું હતું કે સ્પેસ સ્ટેશનમાં જૂનાં ઇક્વિપમેન્ટ અને હાર્ડવેરને કારણે એવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેનો ઉકેલ શક્ય નહીં હોય.
પૂર્વ રશિયન કૉસ્મોનૉટ વ્લાદિમીર સોલોવયોવે કહ્યું હતું કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના રશિયન હિસ્સામાં 80 ટકા ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ્સ જૂની થઈ ગઈ છે અને તેમાં નાની તિરાડો પડી ગઈ છે જે સમય જતાં વધુ મોટી થઈ શકે છે.
આ દરમિયાન હાલમાં જ ઇલૉન મસ્કે તેમના ઍક્સ પેજ પર ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન માટે 2030 સુધીની સમયમર્યાદા ન રાખવી જોઈએ અને તેને બે વર્ષમાં જ સેવાનિવૃત્ત કરી દેવું જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિર્ણય લેવો જોઈએ.
ઇલૉન મસ્કે પોતાની પોસ્ટમાં કહ્યું કે, "આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને ડિઑર્બિટ કરવાનો સમય આવી ગયો છે. જે હેતુથી તેની સ્થાપના કરાઈ હતી તે પૂરું થઈ ગયો છે. હવે આપણે મંગળ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન કેવી રીતે ખતમ થશે?

ઇમેજ સ્રોત, ISRO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અગાઉ જણાવ્યું તે મુજબ ફૂટબૉલના મેદાનના આકારનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરે છે અને સમયાંતરે વાયુમંડળના ખેચાણના કારણે તેની કક્ષાને અસર થાય છે.
જો તેને આમ જ છોડી દેવામાં આવે તો તેના પર સૂર્યની અસર પડશે અને એક કે બે વર્ષની અંતર તે પોતાની ભ્રમણકક્ષા છોડીને પૃથ્વી પર આવી પડશે.
તેના કારણે પૃથ્વી પર રહેતા લોકો માટે મોટો ખતરો પેદા થશે. તેથી રિ-બૂસ્ટની પ્રક્રિયા જારી છે. તેમાં અંતરીક્ષ સ્ટેશનને ચાલુ રાખવામાં આવે છે.
નાસાનું કહેવું છે કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને બંધ કરવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
તેના હેઠળ શરૂઆતમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને વાયુમંડળના ખેંચાણ હેઠળ આપોઆપ નષ્ટ થવા દેવાશે. એટલે કે રિ-બૂસ્ટની પ્રક્રિયા ઘટાડી દેવાશે.
આ ઉપરાંત ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની ગતિ ધીમી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાશે. તેના માટે અંતરીક્ષયાન અને સ્પેસ સ્ટેશનમાં હાજર પ્રોગ્રેસ (રશિયાનું અંતરીક્ષયાન) જેવા અન્ય પ્રોપલ્ઝન મૉડ્યુલનો ઉપયોગ કરાશે.
તેના બિનજરૂરી મૉડ્યુલને અલગ કરીને એક પછી એક કક્ષામાંથી હટાવી શકાય છે.
2026થી 2030 દરમિયાન તેની ઊંચાઈ 415 કિલોમીટરમાંથી ધીમે ધીમે ઘટાડવામાં આવશે.

ઇમેજ સ્રોત, NASA
ત્યાર પછી અંતરીક્ષ સ્ટેશનની ઊંચાઈ ઘટાડીને 280 કિમી સુધી લાવવામાં આવશે. ત્યાર પછી એક ખાસ અંતરીક્ષયાનની મદદથી તેના અંતરને 120 કિમી સુધી ઘટાડીને અંતિમ બૂસ્ટ આપવામાં આવશે.
બધું આયોજન મુજબ થશે તો ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી 120 કિમીના અંતર સુધી આવે તેવી અપેક્ષા છે.
સ્પેસ સ્ટેશન જ્યારે 120 કિમીના અંતરે પહોંચશે ત્યારે 29 હજાર કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ તે પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાશે.
જોકે, નાસાનું કહેવું છે કે વાતાવરણમાં પ્રવેશતી વખતે ભયંકર ગરમી પેદા થશે જેથી ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનનો મોટા ભાગનો હિસ્સો સળગીને રાખ થઈ જશે.
તેનો અમુક બચી ગયેલો ભાગ પેસિફિક સમુદ્રમાં 'પૉઇન્ટ નીમો' તરીકે ઓળખાતી જગ્યા પર પડશે. નાસાનું કહેવું છે કે આનાથી કોઈ નુકસાન નહીં થાય, કારણ કે આ નિર્જન વિસ્તાર છે. મોટાં ભાગનાં નકામાં અંતરીક્ષયાનને અહીં પાડવામાં આવે છે.
ગયા વર્ષે જૂનમાં નાસાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ કરવા અને તેને નષ્ટ કરવા માટે ઇલૉન મસ્કની કંપની સ્પેસઍક્સની પસંદગી કરી હતી. તેના માટે કંપની સાથે 84.30 કરોડ ડૉલરનો કરાર કરવામાં આવ્યો હતો.
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનનો વિકલ્પ શું છે?

ઇમેજ સ્રોત, NASA
નાસાનું કહેવું છે કે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થાય તે પહેલાં પ્રાઇવેટ સ્પેસ સ્ટેશન શરૂ થઈ જશે. તેનાથી પૃથ્વીની નીચલી કક્ષામાં કૉમર્શિયલ સ્પેસ સર્વિસ શરૂ થઈ શકશે.
તેના માટે એક્સિઓમ સ્પેસ અને બ્લૂ ઓરિજિન જેવી કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. નાસાએ એમ પણ કહ્યું કે 2031 પછી તે પૃથ્વીની નીચલી કક્ષાની પાર ચંદ્ર અને મંગળ જેવા સ્થળો પર માનવીને મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
હાલમાં બીજા દેશો પણ પોતાના સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના કરે છે.
ભારત 2035 સુધીમાં ભારતીય અંતરીક્ષ સ્ટેશન નામે એક સ્પેસ સ્ટેશન સ્થાપવાની યોજના ધરાવે છે. ઈસરોના પૂર્વ ચૅરમૅન એસ સોમનાથે ગયા વર્ષે કહ્યું હતું કે 2028માં તેના પ્રથમ તબક્કા પર કામ શરૂ થઈ જશે.
પ્રથમ તબક્કો શરૂ થયાના સાત વર્ષ પછી ભારત પોતાના અંતરીક્ષ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન કરવાને લાયક બની જશે.
ચીને 2022માં પોતાના અંતરીક્ષ સ્ટેશનના પ્રથમ મોડ્યુલ તિયાંગોંગ (સ્વર્ગનું મહેલ)ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરી દીધું હતું. હાલનું ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન ઘણા દેશોએ મળીને બનાવ્યું છે, પરંતુ ચીને એકલા હાથે સ્પેસ સ્ટેશન બનાવ્યું છે.
ચીનનું માનવું છે કે 2031 પછી તે પાકા ધોરણે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની જગ્યા લેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













