ઔરંગઝેબ : પિતાને કેદમાં ધકેલ્યા, ભાઈઓને મૃત્યુદંડ, કેવું હતું તેમનું શાસન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
- પદ, બીબીસી તામિલ
મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી શાસક માનવામાં આવતા ઔરંગઝેબે 1658 થી 1707 સુધી લગભગ અડધી સદી સુધી ભારતના 'બાદશાહ' તરીકે શાસન કર્યું.
ઔરંગઝેબના સમયમાં હિન્દુસ્તાન વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ સામ્રાજ્યોમાંનું એક હતું. ત્યારબાદ મુઘલ સામ્રાજ્ય ધીમેધીમે તેની શક્તિ ગુમાવવા લાગ્યું હતું.
ઔરંગઝેબના લાંબા શાસનકાળ દરમિયાનના તેમણે કરેલા ઘણાં કાર્યો તેમને વિવાદાસ્પદ બનાવે છે.
લગભગ અડધી સદી સુધી ભારતમાં ફેલાયેલા મુઘલ સામ્રાજ્યનાં શાસક ઔરંગઝેબને ઇતિહાસમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવે છે.
તેના વિશે કઈ માહિતી જાણવાની જરૂર છે? ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ખરેખર શું બન્યું હતું? તેમનું શાસનકાળ કેવું હતું?

નાની ઉંમરે સિંહાસન માટે સ્પર્ધા

ઇમેજ સ્રોત, Oxford
ઔરંગઝેબનો જન્મ ત્રણ નવેમ્બર 1618ના રોજ ગુજરાતના દાહોદમાં મુઘલ રાજકુમાર ગુરાટ (પાછળથી શાહજહાં તરીકે ઓળખાયા) અને તેમનાં પત્ની મુમતાઝને ત્યાં થયો હતો. તે સમયે શાહજહાં સત્તા પર આવ્યો ન હતો તેમનાં પિતા જહાંગીરનું શાસન ચાલી રહ્યું હતું.
ઔરંગઝેબ શાહજહાંનો ત્રીજો પુત્ર હતો. ઔરંગઝેબ પહેલાં બે પુત્રો દારા શિકોહ અને શાહ શુજા જન્મ્યા હતા. ચારેયને રાજકુમારોનું શિક્ષણ મળ્યું.
શાહજહાં પછી રાજગાદી પર બેસવા માટે રાજકુમારોમાં નાનપણથી જ હરીફાઈ શરૂ થઈ ગઈ. મુઘલો મધ્યએશિયન પરંપરાનું પાલન કરતા હતા. જે મુજબ "પરિવારના બધા પુરુષ સભ્યોને રાજકીય સત્તાનો સમાન અધિકાર હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઔરંગઝેબના જીવનચરિત્ર "ઔરંગઝેબ: ધ મૅન ઍન્ડ ધ મિથ" ના લેખક ઑડ્રે ટ્રુશ્કે કહે છે. અકબરના શાસનકાળ દરમિયાન ઉત્તરાધિકારનો આ અધિકાર ફક્ત પુત્રો સુધી જ મર્યાદિત હતો.
શાહજહાં ઇચ્છતા હતા કે તેમનો મોટો પુત્ર દારા શિકોહ તેમના પછી તખત સંભાળે. 1633માં દારા શિકોહનાં લગ્ન મુઘલ ઇતિહાસમાં અભૂતપૂર્વ ભવ્ય રીતે થયાં.
હાથીઓનું યુદ્ધ જેણે ઔરંગઝેબનું ભવિષ્ય બદલી નાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ ઑડ્રે ટ્રુશ્કે કહે છે કે દારા શિકોહનાં લગ્નના થોડા મહિના પછી બનેલી એક ઘટનાએ ઔરંગઝેબનું ભવિષ્ય બદલી નાખ્યું હતું.
શાહજહાંએ હાથીઓની લડાઈનું આયોજન કર્યું. રાજા રાજકુમારો સાથે આ લડાઈ જોઈ રહ્યા હતા. પછી એક હાથી ઔરંગઝેબ તરફ ધસી ગયો. ઔરંગઝેબે ભાલાથી તેના પર હુમલો કર્યો. હાથી વધુ ગુસ્સે થયો અને તેમના પર હુમલો કરવા માટે પાછો ફર્યો. ઔરંગઝેબ ઘોડા પરથી પડી ગયા.
ઔરંગઝેબના ભાઈ શુજા અને રાજા જયસિંહે આડે આવ્યા અને હાથીને બીજી દિશામાં વાળ્યો. આ હોબાળો ચાલુ હતો, ત્યારે દારા શિકોહ ક્યાંય દેખાતો ન હતો. આ ઘટનાથી શાહજહાંની નજર ઔરંગઝેબ પર પડી.
શાહજહાંએ ઔરંગઝેબને 16 વર્ષની ઉંમરથી સરકારી કાર્યોમાં સામેલ કરવાનું શરૂ કર્યું. 1635 થી 1657 સુધી તેમણે અનેક યુદ્ધોમાં ભાગ લીધો અને ગુજરાત, મુલતાન અને દખ્ખણના પ્રદેશોના વહીવટમાં સામેલ રહ્યા.
ઑડ્રે કહે છે કે આ સમય દરમિયાન ઔરંગઝેબને દિલ્હીથી મળેલા ઘણા આદેશ તેમની પ્રતિભાને દબાવે તેવા હતા. ઉદાહરણ તરીકે, 1650 ના દાયકામાં જ્યારે ઔરંગઝેબ દખ્ખણ યુદ્ધમાં નિર્ણાયક વિજય નજીક હતો, ત્યારે શાહજહાંએ લડાઈ બંધ કરવાનો આદેશ આપ્યો.
એ સમયે ચર્ચા હતી કે દારા શિકોહની સલાહના કારણે શાહજહાંએ આમ કર્યું હતું.
ઔરંગઝેબે પોતાના પિતાને જેલમાં ધકેલી દીધા

ઇમેજ સ્રોત, GUILLAUME THOMAS RAYNAL
સપ્ટેમ્બર 1657માં શાહજહાંની તબિયત બગડી, ત્યારે ચારે ભાઈઓને લાગતું હતું કે બાદશાહ ફરી ક્યારેય સ્વસ્થ થશે નહીં. તેથી તેઓ સિંહાસન માટેની સ્પર્ધામાં લાગી ગયા.
અનેક યુદ્ધો પછી વિજયી બનેલા ઔરંગઝેબની 1658 અને 1659 એમ બે વાર તાજપોશી કરવામાં આવી.
ઔરંગઝેબે થોડા મહિનાના શાસન પછી બે ભાઈઓ દારા શિકોહ અને મુરાદને મૃત્યુદંડની સજા ફટકારી, એ સમયે શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ રાખવામાં આવ્યા હતા.
મુઘલ ભાઈઓ વચ્ચે ગાદી માટે લડાઈ સામાન્ય હતી, પરંતુ શાસન કરતા બાદશાહને કેદ રાખી મૂકવાની બાબત અહીં અભૂતપૂર્વ હતી. ઘણા લોકોએ તેની ટીકા કરી હોવા છતાં ઔરંગઝેબે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. આગ્રા મહેલમાં લગભગ સાડા સાત વર્ષ કેદ રહ્યા બાદ શાહજહાંનું અવસાન થયું હતું.
ઔરંગઝેબનું શાસન કેવું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઔરંગઝેબના શાસનનો મોટાભાગનો સમય બળવાખોરોને દબાવવામાં, સામ્રાજ્યના વિસ્તરણ માટે યુદ્ધો લડવામાં અને વહીવટી સુધારા કરવામાં વિત્યો હતો. ઔરંગઝેબે સૌપ્રથમ કૂટનીતિ દ્વારા પોતાના રાજ્ય માટે ખતરારૂપ લોકોને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો.
જ્યારે આ શક્ય ન બન્યું ત્યારે તેણે લશ્કરી બળ દ્વારા તેમને દબાવવાનો પ્રયાસ કર્યો. ઑડ્રે કહે છે કે ઘણી વાર તે ક્રૂર વર્તન કરતા ખચકાટ નહોતો થતો.
1681 માં ઔરંગઝેબે દખ્ખણ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. અકબરના સમયથી જ સામ્રાજ્યએ દક્ષિણમાં કેટલીક જીત મેળવી હતી. તે તેને સંપૂર્ણ રીતે જીતવા માંગતા હતા. પરિણામે ઔરંગઝેબે પોતાના શાસનનો પાછળનો સમય દક્ષિણમાં વિતાવ્યો.
ઔરંગઝેબે 1680માં બીજાપુર અને ગોલકોંડા કબજે કર્યાં અને તમિલનાડુ તરફ આગળ વધ્યા. તેમણે મરાઠાઓ પાસેથી ઉત્તર તમિલનાડુના કેટલાક ભાગો કબજે કર્યા.
ઔરંગઝેબે પોતાના શાસનના પહેલા દાયકા દરમિયાન અગાઉના મુઘલ સમ્રાટોના રિવાજોનું પાલન કર્યું, પરંતુ પછીથી તેને અનુસરવાનું બંધ કર્યું.
ઔરંગઝેબે હિંદુ ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતા દરબારના રિવાજો બંધ કર્યા. સંગીતને મળતી મદદ બંધ કરી દેવામાં આવી. તેમણે દરબારના ઇતિહાસકારને બરતરફ કર્યા.
ઔરંગઝેબે 1669માં જનતાને દર્શન આપવાની પ્રથા પણ બંધ કરી દીધી. તેમણે પોતાના જન્મદિવસ પર સોનું અને ચાંદી આપવાનું અને નિમિતે દાન કરવાની પ્રથા પણ બંધ કરી દીધી.
ઔરંગઝેબે 1679માં દિલ્હી છોડી દીધું અને તેઓ ક્યારેય પાછા ફર્યા નહીં. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન સંબંધીઓને પદ આપવામાં આવ્યાં હોવા છતાં જો તેઓ તેમની જવાબદારીઓ યોગ્ય રીતે ન નિભાવે તો તેમણે તેમના પર કોઈ દયા દાખવવામાં આવતી નહીં.
ઔરંગઝેબે ધર્મને કારણે મંદિર નહોતાં તોડ્યાં ?

ઇમેજ સ્રોત, Getty Images
સંબંધીઓને આપવામાં આવેલી સજાઓ સામાન્ય લોકોને આપવામાં આવતા દંડ કરતાં પણ વધુ કઠોર હતી. 1681માં ઔરંગઝેબના પુત્ર અકબરે પોતાને સમ્રાટ જાહેર કર્યો.
પરંતુ ઔરંગઝેબે તેને દેશમાંથી હાંકી કાઢ્યો. તે પર્શિયા ભાગી ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો. ઔરંગઝેબ પોતાના દુશ્મનો પ્રત્યે પણ ખૂબ જ ક્રૂર રહ્યા હતા. જોકે, અમુક ઇતિહાસકારોના મતે આવી સજાઓનું કારણ ધાર્મિક નહીં પણ મુઘલ સામ્રાજ્યના વિરોધી હોવાને કારણે હતું.
ઘણા હિંદુઓએ ઔરંગઝેબની સેવામાં મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શાહજહાંના શાસનકાળ દરમિયાન નાણામંત્રી રહેલા રાજા રઘુનાથે પણ ઔરંગઝેબનાં દરબારમાં હતા. તેમને મોટાં બિરુદ પણ આપવામાં આવ્યાં હતાં.
બીજા ઘણા હિન્દુઓએ પણ તેમના માટે કામ કર્યું. ઔરંગઝેબે પોતાના શાસન હેઠળના વિસ્તારોમાં દારૂ, અફીણ અને વેશ્યાવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તેમના શાસન હેઠળના વિસ્તારોમાં ઘણાં હિંદુ અને જૈન મંદિરો હતાં. જ્યાં સુધી હિન્દુઓનો સવાલ હતો તેમણે તેમને ઇસ્લામિક કાયદાના આધારે રક્ષણ આપ્યું.
જો કોઈ પૂજાસ્થળ તેમનાં વહીવટ અને સત્તાની વિરુદ્ધનું જણાય, તો ઔરંગઝેબને તેના વિનાશનો આદેશ આપવામાં ખચકાટ નહોતો થતો. ઑડ્રે કહે છે કે મુસ્લિમ હોવાને કારણે તેમણે હિંદુ મંદિરોનો નાશ કર્યો તેમ માનવું ભૂલભરેલું છે.
ઔરંગઝેબનાં છેલ્લાં વર્ષો યુદ્ધોથી ભરેલાં હતાં. તેમને મુઘલ સામ્રાજ્યના ભવિષ્યની પણ ચિંતા હતી. તેમનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમના ત્રણ પુત્રો હજુ પણ જીવિત હતા. તેમ છતાં તેમણે તેમાંથી કોઈને પણ ભાવિ બાદશાહ બનવા માટે લાયક માન્યા ન હતા.
વર્ષ 1707ની શરૂઆતમાં અહમદનગરમાં વૃદ્ધાવસ્થામાં ઔરંગઝેબનું અવસાન થયું. મહારાષ્ટ્રના ખુલ્તાબાદમાં એક સૂફી સંતના સ્થળે ઔરંગઝેબની અંતિમવિધિ ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવી હતી.
ઔરંગઝેબ બાદ મુઘલ સામ્રાજ્યનું પતન થવા લાગ્યું હતું. તેના પછી બનેલા સમ્રાટ બહાદુરશાહનું મૃત્યુ 1712માં થયું. આ પછી મુઘલ સામ્રાજ્યનું વધુ ઝડપથી પતન થયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












