સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યાં ત્યારે તેમને સ્ટ્રેચર પર કેમ લઈ જવામાં આવ્યાં?

સુનીતા વિલિયમ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યાં છે
    • લેેખક, નંદિની વેલ્લાસ્વામી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાની વેબસાઇટે અંતરીક્ષ મિશનમાંથી પૃથ્વી પર પાછા ફરેલા પોતાના વિજ્ઞાની વિક્ટર ગ્લોવરનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો હતો.

એ ઇન્ટરવ્યૂમાં વિક્ટરનાં પુત્રીએ તેમને પૂછ્યું હતું, "તમે પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે તમને પહેલી કઈ ગંધ આવી હતી?" વિક્ટરે જણાવ્યું હતું કે અવકાશયાન સમુદ્રમાં ઊતર્યું ત્યારે તેમણે સૌથી પહેલાં સમુદ્રની ગંધ અનુભવી હતી. તેમણે કહ્યું હતું, "ગંધ અને હવા અદ્ભુત હતી."

તેમણે જણાવ્યું હતું કે પૃથ્વી પર પાછા ફર્યા પછી તેમનું સ્વાસ્થ્ય સરસ હતું. તેમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ કે અસ્વસ્થતાનો અનુભવ થયો ન હતો.

જોકે, મોટો સવાલ એ છે કે શું બધા અવકાશયાત્રીઓને આવી અદ્ભુત ક્ષણોનો અનુભવ થાય છે, કારણ કે પૃથ્વી પર પાછા ફરતી વખતે અવકાશયાત્રીઓએ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેથી તેમને ઘણીવાર એવો અનુભવ થતો નથી.

આંતરરાષ્ટ્રીય અવકાશમથક (આઈએસએસ) પર 286 દિવસ રહ્યા પછી સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પાછાં ફર્યાં છે. ભારતીય સમય અનુસાર 19 માર્ચની સવારે લગભગ સાડા ત્રણ વાગ્યે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય નજીકના સમુદ્રમાં સ્પેસઍક્સ ડ્રૅગન અવકાશયાન તેમને લઈને આવ્યું હતું.

બુચ વિલ્મોર અને આઈએસએસના સાથી ક્રૂ સભ્યો અમેરિકન અવકાશયાત્રી નિક હેગ તથા રશિયન અવકાશયાત્રી ઍલેકઝાન્ડર કોર્બુનોવ સાથે સુનીતા પૃથ્વી પર પાછાં ફર્યાં હતાં.

વીડિયો કૅપ્શન, Sunita williams સ્પેસ સ્ટેશનથી ધરતી પર પાછાં ફર્યાં ત્યારે શું શું બન્યું?

સુનીતાને ડ્રેગન અવકાશયાનમાંથી નાસાની બચાવ ટૂકડીઓ દ્વારા સ્ટ્રેચર દ્વારા લઈ જવામાં આવ્યાં હતાં. તેનું કારણ શું હતું? અવકાશમાં નવ મહિનાથી વધુ સમય વિતાવ્યા પછી સુનીતા વિલિયમ્સના શરીરમાં કયા ફેરફારો થયા હશે?

અવકાશમાં રહેવાની માફક પૃથ્વી પર પાછા ફરવું એ એક મુશ્કેલ અને પડકારજનક પ્રવાસ હોય છે તેમ અવકાશયાત્રીઓએ પૃથ્વી પર પાછા ફર્યા પછી ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે.

વિજ્ઞાનીઓના મતાનુસાર, લાંબા સમય સુધી અવકાશમાં રહેતા અને પછી પૃથ્વી પર પાછા ફરતા અવકાશયાત્રીઓ ઘણીવાર સામાન્ય રીતે ઊભા રહી શકતા નથી કે ચાલી શકતા નથી.

તેથી પૃથ્વી પર આવ્યા પછી તરત જ તેઓ તેમના પ્રિયજનોને મળવા ઘરે પણ જઈ શકતા નથી. તેમણે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા પણ હોય છે.

અવકાશમાંથી પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓના શરીરમાં કેવા ફેરફાર થાય છે? તેમાંથી તેઓ કેવી રીતે સ્વસ્થ થાય છે? તેમાં કેટલો સમય લાગે છે?

શરીરમાં પરિવર્તન

સુનીતા વિલિયમ્સ, નાસા, અંતરીક્ષ

ઇમેજ સ્રોત, Getty Images

અવકાશયાત્રીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં અવકાશમાં રહેતા હોય છે. તેઓ દર 90 મિનિટે સૂર્યોદય નિહાળતા હોય છે. એટલે કે આઈએસએસ દર 90 મિનિટે પૃથ્વીની પરિક્રમા કરે છે. તેથી તે પૃથ્વી પરથી રાતના ભાગમાં પસાર થાય છે ત્યારે રાત અને દિવસના ભાગમાં પસાર થાય છે ત્યારે દિવસ દેખાય છે. આ બધું અવકાશયાત્રીઓના શરીરમાં વિક્ષેપ સર્જે છે.

આઈએસએસ પર રહેવાની લાંબા ગાળાની અસરોમાંથી સ્વસ્થ થવામાં અવકાશયાત્રીઓને દિવસો, અઠવાડિયાં કે મહિનાઓ પણ લાગી શકે છે. તેમને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર તકલીફ થઈ શકે છે.

નાસાના અવકાશયાત્રીઓ સ્કૉટ કેલી અને ક્રિસ્ટિના કોચ આઈએસએસ પર લગભગ એક વર્ષ વિતાવનારા પ્રથમ અમેરિકન છે.

અવકાશમાં પસાર કરેલા સમય દરમિયાન શરીરમાં થતા ફેરફારોની તપાસ કરવા માટે સ્કૉટ કેલી અને તેમના જોડિયા ભાઈ તથા નિવૃત્ત વિજ્ઞાની માર્ક કેલી પર ટ્વિન સ્ટડી નામનો એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ માહિતી બહાર આવી હતી.

હાડકાંમાં નુકસાનથી માંડીને દૃષ્ટિની ક્ષતિ સુધી

નાસા, સ્કૉટ કેલી, અંતરીક્ષ, સુનીતા વિલિયમ્સ, બુચ વિલમોર

ઇમેજ સ્રોત, NASA

અવકાશમાં લાંબો સમય વિતાવતા અવકાશયાત્રીઓએ મુખ્યત્વે હાડકાં નબળા પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેનું કારણ એ છે કે અવકાશના શૂન્ય ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં કરોડરજ્જૂ અને પેલ્વિસ, પૃથ્વી પર માનવ વજનને ટેકો આપવા માટે જેટલી મજબૂત હોવી જરૂરી હોય છે તેટલી મજબૂત હોવાની જરૂર પડતી નથી. તેથી દિવસો પસાર થવાની સાથે હાડકાંની ઘનતામાં દર મહિને એકથી દોઢ ટકાનો ઘટાડો થાય છે.

આપણે પૃથ્વી પર કામ કરીએ છીએ તેમ તેમ સ્નાયુઓ મજબૂત થાય છે, પરંતુ અવકાશમાં સમાન પ્રમાણમાં શારીરિક કાર્ય કરી શકતા નથી. તેથી સ્નાયુઓનું નુકસાન પણ એક મોટી સમસ્યા છે.

વીડિયો કૅપ્શન, સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનથી ધરતી પર આવ્યાં ત્યારે કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્નાયુઓ અને હાડકાંને નબળા પડતાં રોકવા માટે અવકાશયાત્રીઓએ ટ્રેડમિલ અને ઍક્સરસાઇઝ બાઇક પર કસરત કરવી પડે છે, પણ તેઓ કસરત ન કરે તો શું થાય?

અવકાશમાં તરતા રહ્યા પછી પૃથ્વી પર પરત આવ્યા બાદ અવકાશયાત્રીઓ ઊભા રહી શકતા નથી કે ચાલી પણ શકતા નથી.

ગુરુત્વાકર્ષણના અભાવે શરીરમાં પ્રવાહી માથાની તરફ ઉપર જાય છે. તેના કારણે આંખોમાં દબાણ અને દૃષ્ટિની સમસ્યાઓ સર્જાઈ શકે છે.

નાસાના જણાવ્યા મુજબ, લાંબા ગાળાની અવકાશયાત્રાથી વજનમાં ઘટાડો થાય છે. એ ઉપરાંત ન્યૂરોલોજિકલ ફેરફારો, દૃષ્ટિની સમસ્યાઓ અને ત્વચાની સમસ્યાઓ પણ સર્જાય છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. એસ. પાંડિયન કહે છે, "આપણે અવકાશમાં હોઈએ ત્યારે આપણે ઊંચાઈ વધે છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ 150 સેમી ઊંચી હોય તો તેની ઊંચાઈમાં ત્રણ-ચાર સેન્ટિમીટર વધારો થાય છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને કારણે કરોડરજ્જૂની ડિસ્ક નીચે તરફ ખેંચાય છે. અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી તે ડિસ્ક ખેંચાય છે. તેને કારણે ઊંચાઈ વધે છે."

નાસાએ તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે સાવચેતી રાખવામાં ન આવે તો શરીરમાં ડિહાઈડ્રેશનને કારણે કિડનીમાં પથરી થવાની સંભાવના હોય છે.

ચાલવામાં, ઊભા રહેવામાં પણ મુશ્કેલી

હાડકાની ઘનતામાં ઘટાડો દર્શાવતી છબી

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, હાડકાની ઘનતામાં ઘટાડો દર્શાવતી તસવીર

નાસાના જણાવ્યા મુજબ, "તેના લીધે "મસ્તક-આંખના સંકલન, હાથ-આંખના સંકલન અને સંતુલનમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેટલાક અવકાશયાત્રીઓને તેઓ પૃથ્વી પર પણ અવકાશની જેમ તરતા હોય તેવી અનુભૂતિ થઈ શકે છે."

એ ઉપરાંત કાનના પડદા પરનું દબાણ ન્યૂરલ ટ્યુબની સમસ્યા તરફ દોરી જાય તે શક્ય છે. ડૉ. પાંડિયન કહે છે, "આપણા શરીરના સંતુલનમાં કાનના પડદાનો પણ સમાવેશ થાય છે. તેમાં કોઈ સમસ્યા સર્જાય તો ઊભા રહેવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે."

અવકાશમાંથી પાછા ફરતા લોકોને ચક્કર આવવા અને તેઓ બેહોશ થવાની શક્યતા વધુ હોય છે, કારણ કે તેઓ પૃથ્વી પર સીધા ઊભા રહેવાને કારણે તેઓ તેમને બ્લડ પ્રેશરને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતા નથી.

ડૉ. પાંડિયનના જણાવ્યા મુજબ, લાંબી સ્પેસફ્લાઇટ પછી અવકાશયાત્રીઓ ઊભા રહી શકતા નથી. તેમને સ્ટ્રેચર પર લઈ જવા પડે છે.

અવકાશયાત્રીઓને કઈ સારવાર અને તાલીમ આપવામાં આવે છે?

(ડાબેથી) બુચ વિલ્મોર, સુનીતા વિલિયમ્સ, ઍલેક્ઝાન્ડર ગોર્બુનોવ, નિક હેગ

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, (ડાબેથી) બુચ વિલ્મોર, સુનીતા વિલિયમ્સ, ઍલેક્ઝાન્ડર ગોર્બુનોવ, નિક હેગ

અવકાશયાત્રીઓને લગભગ 45 દિવસ નાસાના કેન્દ્રમાં રાખવામાં આવશે અને તેમને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ થવામાં મદદરૂપ તાલીમ આપવામાં આવશે.

ડૉ. પાંડિયન કહે છે, "અકસ્માતમાંથી સાજા થતા લોકો તેમની બધી સામાન્ય પ્રવૃત્તિ તાત્કાલિક કરી શકતા નથી તેવી જ રીતે અવકાશયાત્રીઓની હાલત પણ ખરાબ હોય છે. તેઓ તાત્કાલિક ઊભા રહી શકતા નથી કે ચાલી શકતા નથી. ઘણીવાર તેઓ બેભાન અવસ્થામાં હોય છે."

તેઓ ઉમેરે છે, "અવકાશયાત્રીઓને ચાર તબક્કામાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. વોર્મ-અપ નામના કસરતના પ્રથમ તબક્કાથી શરૂ કરીને તેમને સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ અને કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝની સઘન તાલીમ આપવામાં આવશે. તેઓ અવકાશમાં ટ્રેડમિલ તથા સાયકલ પર કસરત કરતા હતા તેમ પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ એક કસરત કરવાનું ચાલુ રાખશે."

અવકાશયાત્રીઓ આ બધું એકલા કરી શકતા નથી. તેઓ આ ઉચ્ચ લાયકાત ધરાવતા તબીબી નિષ્ણાતોની ટીમની દેખરેખ હેઠળ આ બધું કરશે. એ માટે નાસાની ગાઈડલાઈન્સ પણ છે.

હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનાવવાની કસરતો, મસાજ થેરપી તથા હાઇડ્રોથેરપી પણ આપવામાં આવશે. ડૉ. પાંડિયનના કહેવા મુજબ, "અવકાશયાત્રીઓને સંપૂર્ણપણ સ્વસ્થ થવામાં લગભગ છ મહિના લાગશે, કારણ કે હાડકાંને થયેલા બધા જ નુકસાનને એક દિવસમાં ઠીક કરી શકાતું નથી. બધું ધીમે ધીમે નોર્મલ થઈ જશે."

જોકે, નાસાના મતે હાડકાંમાં થતા ફેરફારો સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવા ન પણ હોય. નાસાએ તે પણ નોંધ્યું છે કે ફ્રેક્ચરનું જોખમ વધારે હોતું નથી.

ડો. પાંડિયન કહે છે, "અવકાશયાત્રીઓ રાબેતા મુજબ ખાઈ શકશે નહીં. તબીબી ટીમની દેખરેખ હેટળ તેમને શાકભાજી અને ફળોનો સંતુલિત આહાર આપવામાં આવશે. તેમના શરીરમાં અન્ય કોઈ ફેરફારો અથવા સમસ્યાઓ સંબંધે તેમની તપાસ કરવામાં આવશે અને તે મુજબ જરૂરી સારવાર કરવામાં આવશે."

માનસિક સ્વાસ્થ્ય પરામર્શ

નાસાના વૈજ્ઞાનિક બૉબ હાઇન્સ આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર કસરત કરતા જોવા મળ્યા

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, નાસાના વૈજ્ઞાનિક બૉબ હાઇન્સ આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર કસરત કરતા જોવા મળ્યા

માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો વિવિધ પરિબળોને કારણે અવકાશમાં માનસિક થાક પેદા કરી શકે તેવા હોર્મોન્સનું સ્તર વધે છે.

લાંબા સમય સુધી પરિવારોથી દૂર હોવાથી અને વિવિધ ભાવનાત્મક ક્ષણો દરમિયાન પરિવારની સાથે ન હોવાને કારણે અવકાશયાત્રીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

નાસાના જણાવ્યા મુજબ, આ કારણે વર્તણૂંક સંબંધી અથવા માનસિક સમસ્યાઓ સર્જાઈ શકે છે.

કોઈપણ જાતના મનોરંજન વિના અવકાશમાં રહેવાની તાલીમ અવકાશયાત્રીઓને આપવામાં આવી હોય છે.

તેવી જ રીતે, પૃથ્વી પર પાછા ફર્યા પછી માનસિક રીતે નોર્મલ થવામાં સમય લાગે છે. એ સંબંધી તાલીમ માટે માનસિક સ્વાસ્થ્ય સલાહકારો ઉપલબ્ધ હોય છે. ડૉ. પાંડિયન કહે છે, "એ ઉપરાંત આમાં કૌટુંબિક સહયોગ મહત્ત્વપૂર્ણ હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.