સુનીતા વિલિયમ્સ : અંતરીક્ષ શું હોય અને ધરતીથી ઉપર તેની હદ ક્યારે શરૂ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર અવકાશમાં નવ મહિના વિતાવીને ભારતીય સમય મુજબ બુધવાર, 19 માર્ચની સવારે 3.28 વાગ્યે પૃથ્વી પર પાછાં ફર્યાં છે.
બંને સ્પેસઍક્સના ડ્રૅગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછાં ફર્યાં છે. સુનીતા વિલિયમ્સ પાછાં આવતાં ગુજરાતના મહેસાણામાં આવેલા તેમના પૈતુક ગામ ઝુલાસણમાં પણ ઉત્સાહનો માહોલ છે.

અગાઉ અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ જણાવ્યું હતું કે એ યાન લગભગ 17 કલાકની મુસાફરી કરશે અને ફ્લોરિડાના દરિયાકાંઠે ઊતરશે. અને એ રીતે જ ઉતરાણ થયું છે.
હવે સવાલ એ થાય કે આ અંતરીક્ષ શું છે? તે પૃથ્વીની સપાટીથી કેટલું ઉપર શરૂ થાય છે?
કર્મન રેખા શું છે અને સબઑર્બિટ શું છે વગેરે જેવા સ્પેસ ટેકનોલૉજીના મુદ્દાઓને આ લેખમાં સમજીએ.

મોટા ભાગના દેશો એ વાત સાથે સહમત છે કે સમુદ્રની સપાટીથી 100 કિલોમીટર (3,28,000 ફૂટ)ની ઊંચાઈએ પહોંચ્યા પછી 'કર્મન રેખા'ની પેલે પારથી અંતરીક્ષ શરૂ થાય છે.
અલબત્ત, તે ઊંચાઈએ પણ કેટલીક જગ્યાએ પાર્થિવ વાતાવરણ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઊંચાઈએ પહોંચ્યા પછી કોઈ પણ પદાર્થ, જે ભ્રમણકક્ષાનો વેગ પ્રાપ્ત કરતો નથી તે પૃથ્વી પર પાછો પડી જાય છે.
જોકે, અમેરિકા માને છે કે પૃથ્વીથી 80 કિલોમીટર આગળ જવું એ અવકાશમાં જવા જેવું છે.
અમેરિકાનું સૈન્ય અને નાસા એમ પણ કહે છે કે અંતરીક્ષ કર્મન રેખાની 12 માઈલ નીચેથી અથવા 50 માઈલ (80 કિલોમીટર)થી શરૂ થાય છે.
આ 80 કિલોમીટરના અંતરને 'અવકાશયાત્રી રેખા' કહેવામાં આવે છે. અમેરિકાએ 1960થી તેને અવકાશની સીમા તરીકે સ્વીકૃતિ આપી છે. કોઈ પણ વ્યક્તિએ, પછી ભલે તે સંશોધક હોય કે મુસાફર, આ ઊંચાઈ પાર કરી હોય તેને ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશન દ્વારા "અવકાશયાત્રી" તરીકે માન્યતા આપવામાં આવે છે.
જોકે, અવકાશની સીમા ક્યાંથી શરૂ થાય છે એ બાબતે કોઈ આંતરરાષ્ટ્રીય કરાર નથી.
હાઈ-એલ્ટિટ્યૂડ ફ્લાઇટ રેકૉર્ડ્સને પ્રમાણિત કરતું વર્લ્ડ ઍર સ્પૉર્ટ્સ ફેડરેશન અને ફેડરેશન એરોનોટિક ઇન્ટરનૅશનલ કર્મન રેખાને 100 કિલોમીટર અંતરે વ્યાખ્યાયિત કરે છે તથા તેને એ અંતરથી આગળની ફ્લાઇટ માને છે.

કેલગરી યુનિવર્સિટીના સંશોધકોએ અવકાશની સીમાને સચોટ રીતે નક્કી કરવાના ઉદ્દેશ સાથે 2009માં સુપ્રા થર્મલ આયન ઈમેજર નામનું એક સાધન લૉન્ચ કર્યું હતું.
તેનો ઉપયોગ પૃથ્વીના વાતાવરણમાં સામાન્ય પવનો અને અવકાશમાં ખતરનાક પ્રવાહો વચ્ચેના તફાવતને માપવા માટે કરવામાં આવ્યો હતો.
એ સાધન દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાને આધારે તેમણે તારણ કાઢ્યું હતું કે અવકાશની સીમા સમુદ્રની સપાટીથી 73 માઈલ (118 કિલોમીટર) ઉપરથી શરૂ થાય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૃથ્વી અને અવકાશ વચ્ચેની સીમાને 'કર્મન લાઇન' કહેવામાં આવે છે. તે માત્ર કાલ્પનિક રેખા છે.
આ રેખાનો પ્રસ્તાવ હંગેરીના વિજ્ઞાની થિયોડોર વૉન કર્મને મૂક્યો હતો. તેથી તેને કર્મન લાઇન કહેવામાં આવે છે.
ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે કોર્નેલ યુનિવર્સિટીને 'ધ એજ ઑફ સ્પેસઃ રિવિઝિટિંગ ધ કર્મન લાઇન' નામનો એક દસ્તાવેજ સુપ્રત કર્યો હતો. તેમાં તેમણે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે અવકાશયાનની ભ્રમણકક્ષા અને સબઓર્બિટલ માર્ગોને ધ્યાનમાં લઈને કર્મન લાઇન એટલે કે પૃથ્વી અને અવકાશ વચ્ચેની સીમાને 100 કિલોમીટર પર નહીં, પરંતુ 80 કિલોમીટર પર સેટ કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે તેઓ તેને ઐતિહાસિક, ભૌતિક અને ટેકનોલૉજિકલ દૃષ્ટિકોણથી અવકાશની સીમા તરીકે પ્રસ્તાવિત કરે છે.
(સ્રોતઃ નાસા, ફેડરેશન ઍરોનોટિક ઇન્ટરનૅશનલ, નૅશનલ એન્વાયર્ન્મેન્ટલ સેટેલાઇટ ડેટા ઍન્ડ ઇન્ફર્મેશન સર્વિસિસ – અમેરિકા અને ધ એજ ઑફ સ્પેસઃ રિવિઝિટિંગ ધ કર્મન લાઇન)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












