સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરીક્ષમાં નવ મહિના શું કર્યું?

બીબીસી ગુજરાતી અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ બુચ વિલ્મોર નાસા સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, આઈએસએસ પરના સભ્યોએ ગયા વર્ષે ક્રિસમસ વખતે ઉજવણી કરી હતી
    • લેેખક, ટિમ ડોડ
    • પદ, આબોહવા અને વિજ્ઞાન સંવાદદાતા

મતદાન કરવું, ક્રિસમસ ડિનરનો આનંદ માણવો અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તંદુરસ્ત રહેવું. આ બધાએ બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સને ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન(આઈએસએસ)માં તેમના લાંબા રોકાણ દરમિયાન વ્યસ્ત રાખ્યાં હતાં.

આપણાથી 400 કિલોમીટર ઉપર પરિભ્રમણ કરી રહેલા નાસાના અંતરીક્ષયાત્રીઓનું જીવન કેવું રહ્યું હશે અને તેમણે એ સમય કેવી રીતે પસાર કર્યો હશે?

અલબત્ત, તેમને વ્યસ્ત રાખવા માટે ત્યાં બીજી ઘણી ગંભીર અંતરીક્ષ સંબંધી બાબતો હતી.

59 વર્ષનાં સુનીતા અને 62 વર્ષના બુચ આઈએસએસ પર ચાલી રહેલા મિશનની જાળવણી અને પ્રયોગોમાં મદદ કરી રહ્યાં હતાં. તેઓ સ્પેસવૉક પણ કરતાં હતાં.

સુનીતા જાન્યુઆરીની મધ્યમાં સાથી અવકાશયાત્રી નિક હેગ સાથે યાનનું સમારકામ કરવા માટે બહાર નીકળ્યાં હતાં, જ્યારે તેઓ અને બુચ મહિનાના અંતમાં સાથે યાનની બહાર ગયાં હતાં.

તેમનાં કાર્યોમાં આઈએસએસના ઓરિએન્ટેશનને નિયંત્રિત કરતા ઉપકરણોના સમારકામ, એનઆઈસીઈઆર એક્સ-પે ટેલિસ્કૉપ પર લાઇટ ફિલ્ટર ઉમેરવા અને આંતરરાષ્ટ્રીય ડોકિંગ એડેપ્ટર પર રિફ્લેક્ટર ડિવાઇસ બદલવાનો સમાવેશ થાય છે.

સુનીતા વિલિયમ્સે અંતરીક્ષમાં નવ મહિના શું કર્યું?

બીબીસી ગુજરાતી અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ બુચ વિલ્મોર નાસા સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, સ્પેસ સ્ટેશન પર સ્પેસવોક કરતા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર

સુનીતા અને બુચે ગમે તેવી પરિસ્થિતિમાં કામ પાર પાડ્યું હતું. સપ્ટેમ્બરમાં એક પત્રકારપરિષદમાં તેમણે કહ્યું હતું કે તેમને "અણધાર્યાની અપેક્ષા" રાખવાની તાલીમ આપવામાં આવી છે.

તેમને તેમના દેશમાંના જીવન વિશે ચિંતન કરવાની તક તો મળી જ હતી. એ સાથે ઘણા બધા સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની તક પણ મળી હતી.

આઈએસએસ દર 24 કલાકે પૃથ્વીનું 16 વખત ચક્કર કાપે છે. તે 16 સૂર્યોદય અને સૂર્યાસ્તમાંથી પસાર થાય છે. તેને લીધે યાનના બોર્ડ પરના લોકોને દર પોણી કલાકે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત જોવાની તક મળે છે.

સુનીતાએ સ્વીકાર્યું હતું કે પૃથ્વીનાં આવાં અનોખાં દર્શન સાથે જીવવાથી તેના વિશે ચિંતન કરવાનો પુષ્કળ સમય મળે છે.

તેમણે કહ્યું હતું, "એ થોડું અલગ રીતે વિચારવા માટેના દરવાજા ખોલી આપે છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે, તે આપણી પાસે છે અને આપણે તેની કાળજી લેવી જોઈએ."

"પૃથ્વી પરથી ઘણા બધા લોકો અમને સંદેશા મોકલે છે. તેને લીધે અમે બધા સાથે ઘરમાં જ હોઈએ એવી લાગણીનો અનુભવ થાય છે."

પ્રમુખપદની ચૂંટણીમાં અવકાશમાંથી મતદાન કર્યું

બીબીસી ગુજરાતી અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ બુચ વિલ્મોર નાસા સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સ જૂન 2024થી આઈએસએસ પર હતા

સુનીતા અને બુચ તેમજ તેમની સાથેના બે અન્ય અમેરિકન નાગરિકો ડોન પેટિટ તથા નિક હેગને ગયા વર્ષે અમેરિકાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળી હતી.

સુનીતાએ પત્રકારોને કહ્યું હતું, "નાગરિક તરીકે આપણી આ બહુ મહત્ત્વપૂર્ણ ફરજ છે."

બુચે જણાવ્યું હતું કે તેમના માટે ચૂંટણીમાં સામેલ થવાનું નાસાએ "ખૂબ જ સરળ" બનાવ્યું છે.

અંતરીક્ષયાત્રીઓ સરળતાથી મતદાન કરી શકે એટલા માટે હ્યુસ્ટનમાંના મિશન કન્ટ્રોલ સેન્ટરે આઈએસએસને એન્ક્રિપ્ટેડ ઇમેઇલ દ્વારા મતપત્રો મોકલ્યા હતા.

અંતરીક્ષયાત્રીઓએ મતદાન કરીને એ મતપત્રોને ઉપગ્રહોમાં ટ્રાન્સમિટ કર્યા હતા, જે ન્યૂ મૅક્સિકોના ગ્રાઉન્ડ ટર્મિનલ પર રીલે કરવામાં આવ્યા હતા.

એ મતપત્રો ત્યાંથી લૅન્ડલાઇન્સ દ્વારા મિશન કન્ટ્રોલમાં ટ્રાન્સમિટ કરવામાં આવ્યા હતા. એ પછી મતપત્રોને ફાઇલિંગ માટે અવકાશયાત્રીઓના કાઉન્ટી ક્લાર્કને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવ્યા હતા.

શૂન્ય ગુરુત્વાકર્ષણમાં તંદુરસ્તીની જાળવણી

બીબીસી ગુજરાતી અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ બુચ વિલ્મોર નાસા સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ 2012માં આઈએસએસ મિશન દરમિયાન ટ્રેડમિલ પર કસરત કરે છે

બુચનો દિવસ સવારે સાડા ચાર વાગ્યે શરૂ થાય, જ્યારે સુનીતા થોડાં મોડાં, લગભગ સાડા છ વાગ્યે દિવસની શરૂઆત કરે.

બંનેએ જણાવ્યું હતું કે અંતરીક્ષમાં રહેવાથી હાડકાંની ઘનતાને નુકસાન થાય છે. તે સમસ્યાના સામના માટે તેઓ દરરોજ બે કલાક કે તેથી વધુ સમય કસરત કરવાનો આનંદ માણે છે.

બુચે કહ્યું હતું, "શરીરના સાંધા દુખતા નથી. તે બહુ સારી વાત છે."

શૂન્ય ગુરુત્વાકરણમાં રહેવાની અસરનો સામનો કરવામાં ત્રણ અલગ-અલગ મશીન મદદ કરે છે.

એડવાન્સ્ડ રેઝિસ્ટિવ એક્સરસાઇઝ ડિવાઇસ (એઆરઈડી)નો ઉપયોગ સ્ક્વોટ્સ, ડેડલિફ્ટ અને રો માટે થાય છે. આ બધું સ્નાયુઓની જાળવણીમાં ઉપયોગી થાય છે. ટ્રેડમિલ પર કસરત કરતી વખતે ક્રૂએ પોતાના શરીર પર પટ્ટો બાંધવો પડે છે. એન્ડ્યુરન્સ ટ્રેનિંગ માટે ત્યાં સાઇકલ અર્ગોમીટર પણ છે.

સુનીતા વિલિયમ્સે આકાશમાં ક્રિસમસની ઉજવણી કેવી કરી?

બીબીસી ગુજરાતી અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ બુચ વિલ્મોર નાસા સ્પેસ સ્ટેશન

ઇમેજ સ્રોત, NASA

ઇમેજ કૅપ્શન, અંતરીક્ષયાત્રીઓએ સ્પેસ સ્ટેશનમાં સતત પ્રયોગો પણ કર્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈએસએસ પરના અંતરીક્ષયાત્રીઓએ ક્રિસમસ પરથી એક મૅસેજ મોકલ્યો હતો. તેમાં તેમણે પૃથ્વી પરના તેમના દોસ્તો અને પરિવારજનોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.

અંતરીક્ષયાત્રીઓની ટીમે સાન્ટા ટોપી અને રેન્ડિયરનાં શિંગડાં પહેર્યાં હતાં. તેમણે ધીમે ધીમે ફરતાં એકમેક તરફ માઇક્રોફોન ફેંકીને વાતો કરી હતી, જ્યારે કેન્ડી વાન્સ તેમના માથાની આસપાસ તરતા હતા.

આઈએસએસ પરની ક્રૂ માટે તે તેમના વાળ ખુલ્લા છોડવાની તક હતી. જોકે, સુનીતાના કિસ્સામાં તે માથાના વાળને 'ઉપર' છોડવાનો મામલો હતો. શૂન્ય ગુરુત્વાકર્ષણે સુનીતાને એક એવી સ્ટાઈલ આપી છે, જે પૃથ્વી પર જાળવી રાખવા માટે તેમણે અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો પડશે.

આઈએસએસ પર સુનીતા અને બુચની અંતિમ ફરજો પૈકીની એક ફરજ તેમના બદલે અંતરીક્ષમથકમાં આવેલા લોકોને આવકારદાયક અનુભૂતિ કરાવવાની હતી.

સ્પેસએક્સનું એક કૅપ્સ્યૂલ નવી ક્રૂને લઈને 16 માર્ચે આઈએસએસ પર પહોંચ્યું હતું. સુનીતા અને બૂચ માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના હતી, કારણ કે તેનાથી તેમના ઘરે પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો.

ડોન પેટિટ આઈએસએસ પર જ રહેવાના છે. તેમણે એ ઉત્સાહને કૅમેરામાં કેદ કર્યો હતો. આઈએસએસની નજીક આવતી અને ડોકિંગ કરતી સ્પેસએક્સની કૅપ્સ્યૂલ એક વીડિયો તેમણે બનાવ્યો હતો. તેને પોસ્ટ કર્યો હતો.

સુનીતાએ અવકાશયાત્રી એલેક્સી ઓવચિનિનને કમાન્ડ સોંપ્યો ત્યારે બુચે ઔપચારિક ઘંટડી વગાડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.