સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી ધરતી પર આવે છે... ઝુલાસણ તેમને કેવી રીતે યાદ કરે છે

સુનીતા વિલિયમ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં 20 સપ્ટેમ્બર, 2007માં એક કાર્યક્રમમાં પિતા દીપક પંડ્યા સાથે સુનીતા વિલિયમ્સ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ત્રણ મહિનાથી પણ વધુ સમયથી અંતરિક્ષમાં રહેલાં સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરે તેવી શક્યતા છે. 19મી સપ્ટેમ્બરના રોજ વિલિયમ્સનો 59મો જન્મદિન છે, એ પહેલાંથી જ ઝુલાસણ ગામના લોકો તેની તૈયારીઓમાં લાગી ગયા છે.

બંને અવકાશયાત્રી પાંચમી જૂનના રોજ બૉઇંગ કંપનીના સ્ટારલાઇનર નામના સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષમાં ગયાં હતાં, પરંતુ તકનીકી ખામીઓને કારણે આઠ દિવસ માટે અંતરિક્ષમાં ગયેલાં બંને અંતરિક્ષયાત્રીઓ હજી સુધી પાછાં આવી નથી શક્યાં.

દુનિયાભરના કરોડો લોકો આ ઘટના પર નજર રાખી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સુનીતા વિલિયમ્સના પૈતૃક ગામમાં લોકો તેમની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વિલિયમ્સના ભાઈ નવીન પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, “અમને ખબર નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે.”

આશરે 7000ની વસ્તીનું આ નાનકડું ગામ અમદાવાદથી આશરે 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જોકે કોઈ સામાન્ય ગામ કરતાં જુદું છે. ગામમાં મોટા બંગલા કે રો-હાઉસ વધુ જોવા મળે છે.

ગામની મોટા ભાગની વસ્તી હાલમાં વિદેશમાં વસવાટ કરે છે, માટે ઘણાં મકાનો પર ઝાડ-પાંદડા ઊગી ગયાં છે.

વિલિયમ્સે 2007 અને 2013ની તેમની બન્ને અંતરિક્ષયાત્રા બાદ ઝુલાસણ ગામની મુલાકાત લીધી હતી.

આ ગામમાં તેમના પિતા દીપક પંડ્યા રહેતા હતા અને MBBSના અભ્યાસ બાદ 1957માં અમેરિકા ભણવા ગયા હતા. તેઓ ત્યાં ઉર્સુલીના બોની નામનાં મહિલાને પરણ્યા હતા અને 1965માં સુનીતાનો જન્મ થયો હતો

વિલિયમ્સ અંતરિક્ષમાંથી હેમખેમ પાછાં ફરે તે માટે ગામલોકો તેમની સુરક્ષા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

હેમખેમ પાછાં ફરે તે માટે પૂજા

સુનીતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરી રહેલાં ઝુલાસણવાસીઓ

ઇમેજ સ્રોત, Kushal Batunge

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ઝુલાસણ ગામની મહિલાઓ દ્વારા મંદિરમાં પ્રાર્થના

બીબીસીની ટીમ ઝુલાસણ ગામે પહોંચી હતી ત્યારે ત્યાંના દાલા માતા મંદિરમાં સુનીતાની સલામતી માટે હવન યોજાઈ ગયો હતો અને તેમના જન્મદિને ફરીથી પૂજાઅર્ચના કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ગામલોકોને આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા છે.

દાલા માતા મંદિરના પૂજારી અને સુનીતાના સંબંધી દિનેશ પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમે તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું. અમને આશા છે કે દાલા માતા તેમની રક્ષા કરશે. તેઓ પોતે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. અંતરિક્ષમાં તેઓ ગણપતિદાદાની મૂર્તિ લઈને ગયાં હતાં.”

દિનેશભાઈ કહે છે કે, સુનીતા વિલિયમ્સના જન્મદિને આખું ગામ હવનના કાર્યક્રમમાં ભાગ લેશે. વિલિયમ્સે પોતાના ભારત પ્રવાસ દરમિયાન આ મંદિરની મુલાકાત લીધી હતી.

આ મંદિરમાં હાલમાં અહીં અનેક મહિલાઓ દરરરોજ વિલયમ્સ હેમખેમ પાછાં ફરે તે માટે પૂજા કરે છે.

આ ગામનાં વતની, ગોમતી પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અમને વિશ્વાસ છે અને અમને ખબર છે કે, ભગવાન સુનીતાને જરૂર હેમખેમ પાછાં લાવશે.”

ઝુલાસણ ગામની શાળામાં સુનીતા વિલિયમ્સની લાગેલી તસવીરો

ઇમેજ સ્રોત, DINESH PATEL

ઇમેજ કૅપ્શન, ઝુલાસણ ગામની શાળામાં સુનીતા વિલિયમ્સની લાગેલી તસવીરો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મંદિરમાં પૂજા કરવા આવતાં મધુ પટેલે દાલા માતાની જય બોલાવતાં બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “જે થાય તે, સરકારે ગમે તે કરવું હોય તે કરે, જો એક નહીં તો બીજા સાધનનો ઉપયોગ કરીને પણ ગમે તેમ કરીને અમારી દીકરીને પાછી લાવે. અમને અમારી દીકરી પર ગર્વ છે.”

પટેલ હાલમાં જ અમેરિકાથી પરત ફર્યાં છે. પોતાના અમેરિકાના પ્રવાસ વિશે વાત કરતા તેઓ કહે છે કે, “વિદેશમાં ભારતીય લોકોના સન્માનમાં ખૂબ વધારો થયો છે. સુનીતા વિલિયમ્સના નામની સાથે ભારતનું અને તેમાંય ઝુલાસણનું નામ આવે, ત્યારે મને ગામ પર ખૂબ ગર્વ થાય.”

વિલિયમ્સના માનમાં ગામની સ્કૂલમાં એક પ્રદર્શની યોજવામાં આવી છે, જેમાં તેમની તસવીરો, રૉકટનાં મૉડલ વગેરે વસ્તુઓ મૂકવામાં આવી છે. આ શાળામાં તેમના જન્મદિને એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં તેમની તસવીરોમાં લખેલું છે – સુનીતા પંડ્યા (વિલિયમ્સ). હાલમાં વિલિયમ્સનો એક ફોટો મંદિરમાં પણ મૂકવામાં આવ્યો છે.

ગામનાં રહેવાસી સવીબહેન ઠાકોરે કહ્યું, “ભગવાનને એક જ પ્રાર્થના કે તેમને વહેલી તકે પાછાં ધરતી પર મોકલે.”

ધાર્મિક અને આધ્યાત્મિક વિશ્વાસની સાથે વિલિયમ્સનાં પાછાં ફરવાની તેમની આશા બંધાયેલી છે. આ માટે તેમની આસ્થા સ્વરૂપે મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે.

દિનેશ પંડ્યાએ કહ્યું, "જુલાઈ મહિનાથી આ જ્યોત અખંડ છે અને જ્યાં સુધી સુનીતા વિલિયમ્સ પાછાં ન આવી જાય ત્યાં સુધી તેને પ્રજ્વલિત રખાશે. હું પોતે આ જ્યોતનું ધ્યાન રાખું છું."

કેવું છે વિલિયમ્સનું વતન ઝુલાસણ?

સુનીતા વિલિયમ્સ

ઇમેજ સ્રોત, KUSHAL BATUNGE

ગુજરાતના અન્ય કોઈ NRI ગામ જેવું જ ગામ ઝુલાસણ પણ છે, જ્યાં મોટા ભાગની વસ્તી વિદેશમાં અને તેમાંય અમેરિકામાં વસવાટ કરે છે.

વિલિયમ્સના પરિવારનો આ ગામ સાથે ખૂબ જૂનો નાતો છે, કારણ કે તેમના પિતા દીપક પંડ્યા અમેરિકા સ્થાયી થયા તે પહેલાં આ ગામના એક નાનકડા મકાન ‘સરસ્વતી સદન’માં રહેતા.

ઝુલાસણ ગામના લગભગ 2000થી વધુ લોકો હાલમાં અમેરિકામાં વસવાટ કરે છે. અમેરિકામાં હવે તો એક ઝુલાસણ સમુદાય પણ બની ગયો છે અને દર વર્ષે તેમના કાર્યક્રમો થતા હોય છે.

અમેરિકા સુધી પહોંચીને બીજા લોકો માટે રસ્તો ખોલી આપનારામાં ગામના દીપક પંડ્યાનું નામ મોખરે છે.

તેમનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ 1957માં અમેરિકા માટે રવાના થયા હતા.

ગામના અનેક લોકો હજી સુધી 1972ના એક સરઘસને યાદ કરે છે, જેમાં દીપકભાઈ, તેમનાં પત્ની અને સુનીતાને ઊંટ પર બેસાડીને આખાં ગામમાં ફેરવ્યાં હતાં.

નવીનભાઈ કહે છે કે, “તે સમયના અમારા વડીલો ઇચ્છતા હતા કે દીપકકાકાની જેમ બીજા લોકો પણ અમેરિકા જાય અને તે માટે દીપકકાકાનું સન્માન કરવામાં આવ્યું હતું.”

દીપકભાઈના નજીકના સંબંધમાં અહીં કોઈ નથી, પરંતુ તેમના પિતરાઈ ભાઈઓ આ ગામમાં હજી વસવાટ કરે છે.

પંડ્યા જ્યારે અહીંયાં રહેતા તે સમયના તેમના પાડોશી ભરત ગજ્જર 68 વર્ષના છે અને તેમને એ સમયની વાતો હજી યાદ છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગજ્જર કહે છે, “ઊંટ પર બેસાડીને તેમનો પરિવાર આખું ગામ ફર્યો હતો, મેં તે કાર્યક્રમની તૈયારીમાં ભાગ લીધો હતો.”

સુથારીકામ કરનાર ગજ્જર હાલમાં નિવૃત્ત જીવન વિતાવે છે.

તેઓ વધુમાં કહે છે, “મારા દાદા અને ભોળાભાઈ માસ્તર જેઓ દીપકભાઈના સંબંધી હતા, તેઓ ખૂબ સારા મિત્રો હતો. જ્યારે દીપકભાઈની આવક સારી થવા માંડી હતી ત્યારે આ મકાન બનાવાયું હતું.”

ઝુલાસણ ગામની શાળામાં સુનીતા વિલિયમ્સના માનમાં રાખવામાં આવેલાં પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Kushal Batunge

ઇમેજ કૅપ્શન, ઝુલાસણ ગામની શાળામાં સુનીતા વિલિયમ્સના માનમાં રાખવામાં આવેલું પ્રદર્શન

દીપકભાઈના પિતા નર્મદાશંકર અને માતા રંભાબહેન હતાં. દીપકભાઈની નાની ઉંમર હતી, ત્યારે તેમનાં માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તેમને દિનેશભાઈ રાવળે ખૂબ મદદ કરી હતી, જેઓ તેમના ફોઈના દીકરા થાય.

જોકે 1972 બાદ ગામના લોકોના માનસમાં એવી કોઈ યાદ નથી કે સુનીતા કે તેમના પરિવારજનો એ ગામની મુલાકાત લીધી હોય. આ પ્રવાસ બાદ લોકોના મનમાં વિલિયમ્સના 2007 અને 2013ના પ્રવાસની યાદગીરી છે.

સુનીતાના પિતરાઈ કિશોરભાઈ લગભગ દરેક સરકારી કાર્યક્રમમાં પંડ્યા પરિવારના પ્રતિનિધિ તરીકે હાજરી આપે છે.

2007માં તેઓ જ્યારે સુનીતાને મળ્યા હતા, તે સમયની તેમની મુલાકાત વિશે વાત કરતા તેઓ કહે છે કે, “મારી ભાંગેલી તૂટેલી અંગ્રેજીમાં મેં તેમને કહ્યું – I am your brothers. તો તેઓ ખુશ થઈ ગયાં અને કહ્યું – Oh.. My brother. આમ કહીને મારો હાથ પકડી લીધો. મને તે સમયે ખૂબ ગર્વ થયો કે આટલી મોટી વ્યક્તિ હજી સુધી અમને પોતાનાં પરિવારજન ગણે છે.”

તરુણ લેઉવા યુવા વકીલ છે, તેઓ કહે છે કે, “સુનીતા વિલિયમ્સ અમને પ્રેરણા આપતાં રહ્યાં છે. ગામમાં તેમની મુલાકાત બાદ અનેક બાળકો તેમની જેમ સફળ થવા ઇચ્છે છે.”

મંથન લઉવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તૈયારીઓ કરી રહ્યાં છે, તેઓ કહે છે કે, “તેમની એક સ્પીચમાં તેમણે કહ્યું હતું કે આપણે આપણા કામને પ્રેમ કરવો જોઈએ અને સફળતા મળે જ છે. તેમની આવી અનેક વાતો મને ગમે છે અને એટલા માટે તેઓ મારાં માટે આદર્શ છે.”

ઘણા લોકો માને છે કે, તેઓ અહીં આવ્યાં એ પછી આ ગામનું નામ દેશભરમાં ચર્ચાતું થયું છે.

પરિવારનો વારસો

સુનીતા વિલિયમ્સના સુરક્ષિત આગમન માટે ગામના મંદિરમાં પ્રજવલિત અખંડ દીવાની તસવીર

ઇમેજ સ્રોત, Kushal Batunge

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સના સુરક્ષિત આગમન માટે ગામના મંદિરમાં પ્રજવલિત અખંડ દીવો

પરિવારની વારસાની વાત કરીએ તો દીપકભાઈ રહેતા હતા, તે ઘર અને સુનીતાનાં દાદા-દાદીના નામની લાઇબ્રેરી હજી સુધી આ ગામમાં તેમના પરિવારની ઓળખ સમાન છે.

રંભાબહેન નર્મદાશંકર પુસ્તકાલયનું સંચાલન કિશોરભાઈ કરે છે. તેઓ કહે છે કે, “લાઇબ્રેરીની હાલત સારી નથી. લોકો બહુ વાંચવા આવતા નથી અને તેનો ખર્ચ પણ કાઢી શકાતો નથી માટે લાઇબ્રેરીનો એક ભાગ ભાડેથી આપીને તે ભાડામાંથી લાઇબ્રેરીનો ખર્ચ, પગાર વગેરે કાઢીએ છીએ. જો સરકાર આ વિશે મદદ કરે તો સારું.”

કિશોરભાઈ ગામમાં જ મીઠાઈની દુકાન ચલાવે છે. તેઓ કહે છે કે, “જ્યાં સુધી દીપકકાકા હતા, ત્યાં સુધી પરિવાર સાથે સહેલાઈથી વાત થઈ શકતી, હવે અમે બહુ સંપર્કમાં નથી રહી શકતા માટે અમને ખબર નથી કે સુનીતાની ખરેખર કેવી હાલત છે.”

ગામની શાળામાં તેમનાં દાદા-દાદીની તસવીર હજી સુધી મૂકેલી છે અને ગામની સ્કૂલના બોર્ડ પર દાતા તરીકે સુનીતા વિલિયમ્સનું નામ શાળા સંચાલકોએ ગર્વથી લખેલું છે.

શાળાના પ્રિન્સિપાલ અંબાલાલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “તેમણે અમને અઢી લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.”

ઝૂલાસણ ગામ, સરસ્વતી સદન, નામનું સુનીતા વિલિયમ્સનું પૈતૃક ઘર

ઇમેજ સ્રોત, Kushal Batunge

લોકોનું વિદેશમાં સ્થળાંતર ઉપરાંત ઝુલાસણ ગામમાં અનેક સમસ્યાઓ છે. જેમ કે હજી સુધી ગામની સફાઈ માટે કોઈ ખાસ યોજના નથી અને રખડતા ઢોરથી આખું ગામ પરેશાન છે. ઘણી વખત પાણીની સમસ્યા હોય છે, તો ક્યારેક સ્વચ્છતાની.

એક રહેવાસીએ બીબીસી ગુજરાતીને કહ્યું, “શું કરીએ, ગામનું નામ મોટું છે, પણ કોઈ વિકાસ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.