સુનીતા વિલિયમ્સ ધરતી પર ઊતર્યાં, 17 કલાકની મુસાફરી કરીને જમીન પર પગ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મૂળનાં અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સ્પેસઍક્સના અંતરીક્ષયાન ડ્રેગન મારફત પૃથ્વી પર પરત આવી ગયાં છે.
ગઈ કાલે સ્પેસઍક્સનું અંતરીક્ષયાન ડ્રૅગન હવે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનથી અલગ એટલે કે અનડૉક થઈ ગયું હતું.
આ સ્પેસફ્રાફ્ટના માધ્યમથી 17 કલાકની મુસાફરી બાદ અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર આવી ગયાં છે.

આ સિવાય નાસાના ઍસ્ટ્રોનૉટ્સ નિક હૉગ અને રશિયાની સ્પેસ એજન્સીના રૉસકૉસમૉસના અંતરીક્ષયાત્રી અલેન્સાંદ્ર ગોરબુનોવ પણ સાથે આવ્યા છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે 5 જૂન 2024ના રોજ પરીક્ષણયાન સ્ટારલાઇનર દ્વારા આઈએસએસ માટે ઉડાન ભરી હતી. ત્યાં આઠ દિવસ ગાળ્યા પછી તેમણે પરત આવવાનું હતું, પરંતુ યાનમાં ખરાબી સર્જાવાથી તેઓ ત્યાં અટકી ગયાં હતાં.

અંતરીક્ષથી પૃથ્વી સુધીની સફર એટલી આસાન નથી.
સુનીતા વિલિયમ્સ અને ચાલકદળને લઈને ડ્રૅગન કૅપ્સ્યૂલ અત્યંત તીવ્ર ગતિએ પૃથ્વીના વાયુમંડળમાં પુનઃપ્રવેશ કરશે. તે વખતે કૅપ્સ્યૂલે લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવું પડશે.
હીટ શિલ્ડની મદદથી સુનીતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને બીજા લોકોને ગરમીથી બચાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડ્રેગન અંતરીક્ષયાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતા જ તેની ગતિ ઘટી જશે. તે વખતે સેલની અંદર હાજર ચારેય લોકોએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળથી ચાર ગણા વધારે ગુરુત્વાકર્ષણબળનો સામનો કરવો પડશે.
અંતિમ તબક્કામાં 4 મોટા પેરાશૂટ ખોલવામાં આવશે. તે વખતે સેલની અંદર હાજર ચારેય લોકો ધ્રુજારીનો અનુભવ કરશે. પરંતુ તેનાથી ડ્રૅગન કૅપ્સ્યુલની ગતિ ધીમી પડી જશે અને તે સમુદ્રમાં સુરક્ષિત રીતે ઊતરી શકશે.

નાસાએ સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર ક્યારે પાછાં આવશે તેની માહિતી આપી છે.
- 18 માર્ચ સવારે 08.15 વાગ્યે – હેચ ક્લોઝ (યાનનો દરવાજો બંધ કરવામાં આવશે)
- 18 માર્ચ સવારે 10.35 વાગ્યે – અનડૉકિંગ (આઈએસએસથી યાન અલગ થશે)
- 19 માર્ચ સવારે 02.41 વાગ્યે – ડીઑર્બિટ બર્ન (વાયુમંડળમાં યાન પ્રવેશ કરશે)
- 19 માર્ચ સવારે 03.27 વાગ્યે – સ્પ્લેશડાઉન (સમુદ્રમાં યાનનું લૅન્ડિંગ)
- 19 માર્ચ સવારે 05.00 વાગ્યે – પૃથ્વી પર વાપસી અંગે પત્રકારપરિષદ
નાસાએ જણાવ્યું છે કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પ્લેશડાઉનની જગ્યા નક્કી કરવામાં આવશે. તે યાનની વાપસીનો સમય (અંદાજે) હશે.

ભારતીય સમય પ્રમાણે 19 માર્ચ 2025ના રોજ તેમની વાપસી થશે ત્યારે તેમણે અંતરીક્ષમાં કુલ 286 દિવસો ગાળ્યા હશે. આ સાથે જ તેઓ એક જ સફરમાં ત્રીજી સૌથી વધુ દિવસો સુધી આઈએસએસ પર દિવસો વિતાવનાર મહિલા વૈજ્ઞાનિક પણ બની જશે.
આ મામલે ક્રિસ્ટીના કોચ પ્રથમ ક્રમે છે જેમણે 328 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા છે. જ્યારે પેગી વિટ્સન 289 દિવસ સાથે બીજા ક્રમે છે.
આઈએસએસ પર એક વખતમાં સૌથી વધુ દિવસો અંતરીક્ષયાત્રી ફ્રેન્ક રુબિયોએ ગાળ્યા છે જેઓ 371 દિવસ સુધી ત્યાં રહ્યા હતા. કુલ મળીને સૌથી વધારે દિવસો ગાળવાનો રેકોર્ડ પેગી વિટ્સનના નામે છે જેઓ કુલ 675 દિવસ સ્પેસમાં રહ્યા છે.
અંતરીક્ષમાં સ્પેસ વૉકનો રેકૉર્ડ સુશાન હેલમ્સ અને જેમ્સ વોસના નામે છે. તેમણે એક વખત 8 કલાક 56 મિનિટ સુધી સ્પેસવૉક કર્યું હતું.
સુનીતા વિલિયમ્સ કુલ સ્પેસવૉકના મામલે પ્રથમ ક્રમે છે.
સુનીતા વિલિયમ્સ પોતાની ત્રીજી અંતરીક્ષયાત્રા સહિત કુલ નવ વખત સ્પેસવૉક કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 62 કલાક છ મિનિટ સુધી સ્પોસવૉક કર્યું છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નીલ આર્મસ્ટ્રૉંગ. આ નામને કોઈ પરિચયની જરૂર નથી. ચંદ્ર પર પ્રથમ ઉતરાણ અને સંશોધન મિશન પૂર્ણ કર્યા પછી આર્મસ્ટ્રૉંગ અને એલ્ડ્રિન 24 જુલાઈ, 1969ના રોજ નાસાના એપોલો 11 અંતરીક્ષયાનમાં પૃથ્વી પર પાછા ફરી રહ્યા હતા.
તેઓ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે તેમની ગતિ 39,000 કિમી/કલાક હતી. થોડીવારમાં, એપોલો 11 કેપ્સ્યુલની આસપાસની હવાનું તાપમાન લગભગ 3000 ડિગ્રી ફેરનહાઇટ (1650 ડિગ્રી સેલ્સિયસ) સુધી પહોંચી ગયું. 1650 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ઊકળતા લાવાના તાપમાન કરતાં પણ વધુ હોય છે.
પરંતુ થોડીવારમાં જ અંતરીક્ષયાન પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઊતર્યું અને તરતું રહ્યું. 13 માઇલ દૂર ઊભેલા બચાવ જહાજ યુએસએસ હૉર્નેટે નીલ આર્મસ્ટ્રૉંગ સહિત ત્રણ અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે તેમાંથી ઉતારી લીધા.
આટલી અસાધારણ ગતિએ પૃથ્વીની નજીક આવતું અંતરીક્ષયાન કેવી રીતે ધીમું પડે છે, કેવી રીતે અતિશય તાપમાનનો સામનો કરે છે અને કેવી રીતે સુરક્ષિત રીતે ઉતરાણ કરે છે?
આ પ્રક્રિયાને વાતાવરણમાં પુનઃપ્રવેશ કહેવાય છે. તે અવકાશયાત્રાના સૌથી ખતરનાક તબક્કાઓમાંનો એક છે.
નાસાના મતે આ પ્રક્રિયામાં અત્યાધુનિક ગરમી-પ્રતિરોધક બખ્તર, પેરાશૂટ સિસ્ટમ્સ અને ચોકસાઈયુક્ત માર્ગદર્શન તકનીકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અંતરીક્ષયાન સ્ટારલાઇનરમાં પેદા થયેલી સમસ્યાના કારણે બંનેને પરત લાવવામાં મુશ્કેલી પેદા થઈ છે.
સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી. યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ગૅસ ખાલી થઈ ગયો હતો. જેને લીધે બળતણવાળા ઈંધણ પર યાનને નિર્ભર રહેવું પડ્યું અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.
ત્યાર પછી પણ યાનમાં અમુક ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી.
61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઇંગ સ્ટારલાઇનર અંતરીક્ષયાન દ્વારા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં. આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.
અંતરીક્ષયાન નિયમિતપણે ઉપયોગમાં લેવાતા પહેલા નવા અંતરીક્ષયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે આ એક પરીક્ષણ હતું.
જોકે, જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ કેટલીક સમસ્યાઓ થવા લાગી. તેની પ્રોપલ્શન સિસ્ટમમાં લિકેજ થયું હતું અને કેટલાંક થ્રસ્ટર્સ પણ બંધ થવાં લાગ્યાં હતાં.
બૉઇંગ સ્ટારલાઇનરમાં કોઈ પ્રકારની સમસ્યા પ્રકાશમાં આવી હોય તેવું આ પ્રથમ વખત નથી. તેની પ્રથમ માનવરહિત ફ્લાઇટ ડિસેમ્બર 2019માં મોકલવામાં આવી હતી, પરંતુ સૉફ્ટવૅરમાં ખામીને કારણે આ ફ્લાઇટ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી શકી ન હતી.
તે વખતે નાસાએ કહ્યું હતું કે ઑટોમેશન અને ટાઇમર્સમાં સામંજસ્ય ન હોવાના કારણે સ્ટારલાઇનરને રસ્તામાંથી જ પરત આવવું પડ્યું હતું.
બીજો પ્રયાસ 2022માં કરવામાં આવ્યો હતો ત્યારે માનવરહીત યાનને સ્પેસ સ્ટેશન માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ યાનના કેટલાક થ્રસ્ટરે યોગ્ય રીતે કામ કર્યું ન હતું.
2024માં નાસાના સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બુચ અને સુનીતાને ધરતી પર લાવવા માટે સ્પેસઍક્સે જવાબદારી લીધી હતી.

સુનીતા વિલિયમ્સ નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે. એ સાથે જ તેઓ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર પ્રથમ મહિલા બની ગયાં છે.
જોકે, સુનીતાનો આ પહેલો રેકૉર્ડ નથી. 2006-07માં તેમની પ્રથમ અવકાશયાત્રામાં 29 કલાક અને 17 મિનિટ તેઓ ચાલ્યાં હતાં.
આ અત્યાર સુધીની સૌથી લાંબી રેકૉર્ડેડ સ્પેસવૉક હતી જે કોઈ મહિલા દ્વારા કરવામાં આવી હતી.
આ પહેલાં આ રેકૉર્ડ અવકાશયાત્રી કેથરિન થૉર્નટનના નામે હતો. તેમણે 21 કલાકથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.
સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. ત્રણેય પ્રવાસ સહિત તેમણે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવૉક કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે સ્પેસવૉકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા હતા.
સુનીતા વિલિયમ્સ એક નિવૃત્ત નૅવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જ્યારે વિલ્મોર ભૂતપૂર્વ ફાઇટર જેટ પાઇલટ છે. આ પહેલાં પણ વિલ્મોર બે વખત અવકાશની યાત્રા કરી ચૂક્યા છે.

સ્પેસઍક્સ ક્રૂ ડ્રેગન એક અંતરીક્ષયાન છે. તેને ઇલૉન મસ્કની કંપની સ્પેસઍક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેના દ્વારા અવકાશયાત્રીઓને આઇએસએસ સુધી લઈ જવાય છે.
તેને નાસાની એ યોજના હેઠળ વિકસાવવામાં આવી હતી, જેના હેઠળ અમેરિકન સરકારે સ્પેસ સ્ટેશનની ફ્લાઇટ્સ ખાનગી કંપનીઓને સોંપી હતી. આ પહેલાં અમેરિકા રશિયન પ્રક્ષેપણ પર નિર્ભર રહેતું હતું.
ક્રૂ ડ્રેગન 16 ડ્રેકો થ્રસ્ટર્સથી સજ્જ છે. તેને ફાલ્કન 9 રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એક સમયે સાત અવકાશયાત્રીઓ મોકલી શકાય છે. તે વારંવાર વાપરી શકાય છે. અવકાશમાંથી પાછા ફરતી વખતે આ વાહન અવાજની ગતિથી પણ 25 ગણી ઝડપે પસાર થાય છે.
તે પોતાની જાતને અન્ય અંતરીક્ષયાન સાથે જોડી શકે છે. જો તેની ઉડાન દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પડે તો તે લૉન્ચ એસ્કેપ સિસ્ટમથી પણ સજ્જ છે, જે તરત જ ક્રૂ ડ્રેગનને રૉકેટથી અલગ કરી દે છે.
અંતરીક્ષયાત્રીઓને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે તેમાં પેરાશૂટ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લાઇટ કમ્પ્યુટર અને થ્રસ્ટર્સ ફેલ થયાં પછી પણ તે સ્પેસક્રાફ્ટ ક્રૂને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સક્ષમ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












