સુનીતા વિલિયમ્સ : અંતરીક્ષમાં જો તમે મહિનાઓ સુધી રહો તો શરીરમાં કેવા કેવા ફેરફાર થાય?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, સિરાજ
- પદ, બીબીસી તમિલ
ભારતીય મૂળનાં નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર 270થી વધુ દિવસ વિતાવ્યા છે. નાસાએ હવે તેમના પૃથ્વી પર પાછા ફરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને પૃથ્વી પર પાછા લાવવાનું કામ સ્પેસએક્સના માલિક ઇલૉન મસ્કને સોંપ્યું છે.

નાસાના જણાવ્યા અનુસાર, સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જેઓ લગભગ દસ મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર છે, તેઓ 19 કે 20 માર્ચે પૃથ્વી પર પાછાં ફરે તેવી અપેક્ષા છે.
આઠ દિવસના મિશન પછી કોઈ અવકાશયાત્રી નવ મહિના સુધી અવકાશમાં અટવાઈ જાય એ ઘટના ચર્ચાસ્પદ રહી હતી. જોકે આ પહેલી ઘટના નથી કે જ્યારે કોઈ અવકાશયાત્રી નિર્ધારિત દિવસોથી વધુ અવકાશમાં રહ્યો હોય.

અમેરિકન અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો સપ્ટેમ્બર 2022માં 6 મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશમથક ગયા હતા. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તે યોજના મુજબ પૃથ્વી પર પાછા ફરી શક્યા નહીં.
આખરે, તેઓ અવકાશમાં 371 દિવસ વિતાવ્યા પછી જ પૃથ્વી પર પાછા ફરવામાં સફળ રહ્યા હતા. જોકે, અવકાશમાં લાંબા સમય સુધી રહેવાને કારણે રુબિયોના શરીરમાં થયેલા ફેરફારોને કારણે બચાવ ટીમ દ્વારા તેમને કૅપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આપણે સૌ સુપેરે જાણીએ છીએ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણની અસર અનુભવાતી નથી. શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માનવશરીર પર વિવિધ અસરો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ એ છે કે અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માનવશરીર પર વિવિધ અસરો કરી શકે છે. આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો, અવકાશમાં દર મહિને અવકાશયાત્રીઓના હાડકાંની ઘનતા એકથી બે ટકા જેટલી ઘટે છે, એટલે કે છ મહિનામાં અવકાશયાત્રીઓનાં હાડકાંની ઘનતા દસથી બાર ટકા જેટલી ઘટી જાય છે.
જ્યારે પૃથ્વી પર પુરુષો અને સ્ત્રીઓનાં હાડકાંની ઘનતા દર વર્ષે સરેરાશ 0.5%-1% જેટલી ઘટે છે.
સુનીતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછાં ફર્યાં પછી, તેમનાં હાડકાંની ઘનતા સામાન્ય થવામાં ચાર વર્ષ જેટલો સમય લાગી શકે છે.
જોકે, થોડા મહિના પહેલાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં અવકાશમાં લાંબા સમય સુધી વિતાવનારા લોકોના સ્વાસ્થ્ય વિશે એક નવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુનાઇટેડ સ્ટેટ્સની પ્રખ્યાત જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં માનવ સ્ટેમસેલમાંથી બનેલી હૃદયની પેશીઓને આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર મોકલવામાં આવી હતી અને ત્રીસ દિવસ સુધી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેથી તે માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં કેવી રીતે કાર્ય કરે છે તે જોઈ શકાય.
સ્ટેશનમાંથી ત્રીસ દિવસ સુધી મળેલા ડેટા અનુસાર પૃથ્વી પર રહેતા મનુષ્યના હદયની સરખામણીએ અવકાશમાં રહેલી પેશીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણને કારણે વધુ નબળી પડી હતી. તેમના ધબકારા અનિયમિત હતા. આ ફેરફારો અવકાશમાં માનવહૃદયના ઝડપી વૃદ્ધત્વને સાબિત કરે છે
કાર્ડિયાક એજિંગ એટલે હૃદયના કાર્યમાં ધીમે ધીમે ઘટાડો થવો. આ એક કુદરતી પ્રક્રિયા છે જે માનવીની ઉંમર સાથે થાય છે. પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અવકાશમાં હોય ત્યારે તે વધુ ઝડપથી થાય છે.
આ અભ્યાસ અંગેનો એક અહેવાલ 'ધ પ્રોસિડિંગ્સ ઑફ ધ નૅશનલ ઍકેડૅમી ઑફ સાયન્સ' જર્નલમાં પણ પ્રકાશિત થયો હતો.
સામાન્ય રીતે, માનવહૃદયના પેશીઓના ધબકારા વચ્ચે લગભગ એક સેકન્ડનું અંતર હોય છે. જોકે, સ્પેસ સ્ટેશન પર સંગ્રહિત પેશીઓમાં આ ગૅપ પાંચ ગણો વધારે હતો. જોકે, જ્યારે તેમને પૃથ્વી પર લાવીને તપાસવામાં આવી, ત્યારે તેમનું કાર્ય ફરી યથાવત્ થઈ ગયું હોવાનું જણાયું હતું.
હૃદયની પેશીઓમાં થતા આવા અનિયમિત ધબકારાને એરિથમિયા કહેવામાં આવે છે. આ ફેરફારો મહિનાઓ કે વર્ષો અવકાશમાં વિતાવતા માનવોનાં હૃદય પર કેટલી અસર કરશે, અથવા પૃથ્વી પર પાછા ફર્યા પછી અસરો ઓછી થવામાં અને સામાન્ય થવામાં કેટલો સમય લાગશે. એનો જવાબ આગળના તબક્કાઓમાં મળશે.
અન્ય એક અભ્યાસ પ્રમાણે હૃદયરોગ વિશ્વભરમાં માનવમૃત્યુનું મુખ્ય કારણ છે. અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે 2021માં હૃદયરોગ સંબંધિત 25 મિલિયન મૃત્યુમાંથી લગભગ 80% મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થયા હતા.
પૃથ્વી પર, જ્યાં માનવજાત હજારો વર્ષોથી રહે છે, ત્યાં હૃદય સંબંધિત રોગો સામાન્ય છે. જો માનવજાતનું ભવિષ્યનું લક્ષ્ય 'અવકાશમાં મુસાફરી કરીને અન્ય ગ્રહો પર સ્થાયી થવાનું' શક્ય બને, તો શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં હૃદયમાં કઈ સમસ્યાઓ ઊભી થશે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે વૈજ્ઞાનિકો ઘણા અભ્યાસ કરી રહ્યા છે.
આ નવીનતમ અભ્યાસ જૉન્સ હોપકિન્સ યુનિવર્સિટીના બાયૉમેડિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

'એરિથમિયા' વિશે જાણતા પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માનવહૃદયને કેવી રીતે અસર કરે છે.
IIT મદ્રાસના બાયૉમેડિકલ એન્જિનિયરિંગ વિભાગનાં સહાયક પ્રોફેસર ડૉ. સ્વાતિ સુધાકર આ વાત સમજાવતા કહે છે, "અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણને કારણે શરીરનું પ્રવાહી ઉપર તરફ ખસે છે. આનાથી 'કેન્દ્રીય રક્ત' (શરીરની મુખ્ય કેન્દ્રીય વાહિનીઓમાં, ખાસ કરીને હૃદય તરફ વહેતું લોહી)નું પ્રમાણ વધે છે. હૃદય ઓછું લોહી પમ્પિંગ કરે છે, જે કાર્ડિયાક આઉટપૂટ ઘટાડે છે."
ડૉ. સ્વાતિ સુધાકર આ અંગે વધુમાં જણાવતા કહે છે કે આ બ્લડપ્રેશર, હૃદયના ધબકારા અને મગજમાં વહેતા લોહીના પ્રમાણને અસર કરે છે અને પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓને ચક્કર આવવા, બેભાન થઈ જવું અને અનિયમિત ધબકારા જેવાં લક્ષણો માટે પણ કારણભૂત છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓને થોડા સમય માટે યોગ્ય તબીબી દેખરેખની જરૂર પડી શકે છે.

જૉન્સ હોકિન્સ યુનિવર્સિટીના અભ્યાસ અને ડૉ. સ્વાતિ સુધાકરના સમજૂતી મુજબ, અવકાશમાં લાંબા સમય સુધી રહેવા દરમિયાન હૃદયના ધબકારા અનિયમિત ચાલુ રહે છે.
તો, જો આ એરિથમિયા લાંબા સમય સુધી ચાલુ રહે, તો માનવશરીર પર તેની શું અસર થશે?
યુનાઇટેડ સ્ટેટ્સની 137 વર્ષ જૂની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) એરિથમિયાને નીચે મુજબ સમજાવે છે:
"કસરત જેવી પ્રવૃત્તિઓ દરમિયાન તમારા હૃદયના ધબકારા ઝડપથી વધે અને આરામ કરતી વખતે કે સૂતી વખતે ધીમા પડી જાય તે સામાન્ય છે. સમયાંતરે તમારા હૃદયના ધબકારા છૂટી જાય તેવું અનુભવવું પણ સામાન્ય છે. પરંતુ જો તમને વારંવાર, અનિયમિત ધબકારા આવે છે, તો તેનો અર્થ એ છે કે તમારું હૃદય તમારા શરીરમાં પૂરતું લોહી પંપ કરી રહ્યું નથી. તમને બેભાન થવું અને ચક્કર આવવા જેવાં લક્ષણોનો અનુભવ થઈ શકે છે."
NIH ચેતવણી આપે છે કે અનિયમિત ધબકારાનો ઉપચાર કરી શકાય છે, પરંતુ જો સારવાર ન કરવામાં આવે તો તે હૃદય, મગજ અને અવયવોને ગંભીર નુકસાન થઈ શકે છે.
NIH કહે છે, "લાંબા ગાળાના એરિથમિયા સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટનું પણ કારણ બની શકે છે."

IIT મદ્રાસના બાયૉમેડિકલ એન્જિનિયરિંગ વિભાગનાં સહાયક પ્રોફેસર ડૉ. સ્વાતિ સુધાકર કહે છે, "લાંબા અવકાશ મિશન પર રહેલા અવકાશયાત્રીઓએ તેમના હૃદયને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી જોઈએ અને શરીરના પ્રવાહીમાં થતા ફેરફારોને રોકવા માટે કૃત્રિમ ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરી શકે છે."
સ્નાયુઓની શક્તિ અને હાડકાંની ઘનતામાં ઘટાડો અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશમથક પર અવકાશયાત્રીઓ દિવસમાં 2થી 2.5 કલાક કસરત કરે છે.
યુરોપિયન સ્પેસ એજન્સીની વેબસાઇટ કહે છે કે આ માટે ટ્રેડમિલ અને પૈડાં વગરની કસરત બાઇક જેવાં સાધનો છે.
ડૉ. સ્વાતિ સુધાકર વધુમાં કહે છે, "પોષ્ટિક ખોરાક તેમજ બ્લડપ્રેશર અને શરીરના પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરતી દવાઓ ચોક્કસપણે ફાયદાકારક નીવડી શકે જે આ અવકાશયાત્રીઓને આપવામાં આવે છે. પરંતુ માનવશરીરને અવકાશ વાતાવરણમાં અનુકૂલન કરવા અંગે હજુ વધુ અભ્યાસ કરવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












