24 લાખ બાળકોના જીવ બચાવ્યા એ વ્યક્તિના લોહીમાં શું ખાસ હતું?

બ્લડ ડોનેશન, મેડીકલ, એન્ટી-ડી

ઇમેજ સ્રોત, Australian Red Cross Lifeblood

ઇમેજ કૅપ્શન, જેમ્સ હેરિસનની એમના પૌત્ર સાથેની એક તસવીર
    • લેેખક, કેલી એનજી
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વના ટોચના રક્તદાતાઓમાંના એક જેમ્સ હેરિસનનું ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના એક નર્સિંગ હોમમાં ઊંઘમાં જ અવસાન થયું છે.

જેમ્સ હેરિસનના બ્લડ પ્લાઝ્માએ 2.4 મિલિયનથી (24 લાખ) વધુ બાળકોના જીવ બચાવ્યા છે, જેમના લોહીમાં ઍન્ટી-ડી નામના દુર્લભ ઍન્ટીબૉડી હતા.

હકીકતમાં સગર્ભા સ્ત્રીઓના લોહીમાં જન્મેલા બાળક પર જોખમ રહેલું હોય છે અને આ ઍન્ટીબૉડીનો ખાસ આની દવા બનાવવામાં ઉપયોગ થાય છે.

ઑસ્ટ્રેલિયામાં જેમ્સને 'ગોલ્ડન આર્મ' ધરાવતા માણસ તરીકે ઓળખવામાં આવતા હતા.

ઑસ્ટ્રેલિયન રેડ ક્રૉસ બ્લડ સર્વિસે જેમ્સને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, '14 વર્ષની ઉંમરે સર્જરી દરમિયાન તેમણે આજીવન દાતા બનવાનો નિર્ણય લીધો હતો.'

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

જેમ્સ હેરિસન કોણ છે?

જેમ્સ હેરિસને 18 વર્ષની ઉંમરથી જ લોહીના પ્લાઝ્માનું દાન કરવાનું શરૂ કર્યું હતું અને 81 વર્ષના થયા ત્યાં સુધી દર બે અઠવાડિયે આમ કરવાનું ચાલુ રાખ્યું હતું.

તેમણે 2005માં બ્લડ પ્લાઝ્મા દાનનો વિશ્વ રેકૉર્ડ બનાવ્યો હતો.

જોકે 2022માં એક અમેરિકન વ્યક્તિએ તેમને પાછળ છોડી દીધી અને નવો વિશ્વ રેકૉર્ડ બનાવ્યો હતો.

જેમ્સની પુત્રી ટ્રેસી મેલોશિપે કહ્યું કે મારા પિતાને બાળકોના જીવ બચાવવાનો ખૂબ ગર્વ હતો.

"તેઓ હંમેશાં કહેતા હતા કે તેનાથી કોઈ નુકસાન થતું નથી, તમે જે જીવ બચાવો છો તે તમારો પોતાનો બની જાય છે."

ટ્રેસી અને હેરિસનનાં બે પૌત્ર-પૌત્રીઓને પણ ઍન્ટી-ડીની ઍન્ટિબૉડી રસી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું, "મારા પિતા અમારા જેવા લાખો બીજા પરિવારો વિશે સાંભળીને ખુશ થયા, જેઓ તેમની દયાને કારણે ખુશહાલ જીવન જીવી રહ્યા છે."

એન્ટી-ડી શું છે?

ઍન્ટી-ડી ઍન્ટીબૉડી ગર્ભમાં રહેલાં શિશુઓ અને નવજાત શિશુઓને હેમોલિટિક અને એચડીએફસી જેવા રોગોથી રક્ષણ આપે છે.

આ રોગને કારણે ગર્ભાવસ્થા દરમિયાન માતાના લાલ રક્તકણો નવજાતના રક્તકણો સાથે સુસંગત હોતા નથી.

આ કિસ્સામાં માતાની રોગપ્રતિકારક શક્તિ બાળકના રક્તકોશિકાઓને ખતરો માને છે અને તેમના પર હુમલો કરવા માટે ઍન્ટીબૉડીઝ ઉત્પન્ન કરે છે.

આના પરિણામે ગર્ભસ્થ બાળકનું હૃદય પણ બંધ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં બાળક અથવા ગર્ભનું મૃત્યુ પણ થઈ શકે છે.

આવી સ્થિતિમાં 'ઍન્ટી-ડી' ઍન્ટીબૉડી બાળકની માતાના લોહીમાં ઉત્પન્ન થતી હાનિકારક અસરોને તટસ્થ કરી નાંખે છે.

આ પ્રક્રિયાનું પૂરું નામ ઍન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલીન છે.

આ પ્રક્રિયાને વ્યાપકપણે સલામત સારવાર માનવામાં આવે છે.

બ્લડ ડોનેશન, મેડીકલ, એન્ટી ડી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીસેમ્બર 1992માં 537મું રક્તદાન કરતા જેમ્સ હેરિસન

'એન્ટી-ડી' ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1960ના દાયકા પહેલાં એચડીએફસી ધરાવતાં બે બાળકોમાંથી એકનું મૃત્યુ થતું હતું.

આવી સ્થિતિમાં આ રોગ ગર્ભવતી માતાઓ અને બાળકો માટે એક મોટો પડકાર હતો.

આ અંતર્ગત ઘણી સારવાર માટે સંશોધન ચાલી રહ્યું હતું.

1960ના દાયકાના મધ્યમાં ઍન્ટી-ડી ઍન્ટીબૉડીની શોધથી આવા ઘણા લોકોના જીવન બચાવવાનો માર્ગ મોકળો બન્યો.

આ પછી આ પ્રકારની મુશ્કેલી ધરાવતા બાળકોના મૃત્યુદરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

જોકે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો હજુ સુધી સ્પષ્ટ રીતે સમજાવી શક્યા નથી કે જેમ્સ હેરિસનમાં ઍન્ટીબૉડીઝ કેવી રીતે વિકસિત થયા હતા.

કેટલાક અહેવાલો કહે છે કે જેમ્સ હેરિસને 14 વર્ષની ઉંમરે જ્યારે તેમની સર્જરી થઈ હતી ત્યારે જ આ પ્રકારની ઍન્ટીબૉડી વિકસાવી હતી.

તેમની સર્જરી દરમિયાન મોટી માત્રામાં લોહી ચઢાવવામાં આવ્યું હતું.

ઑસ્ટ્રેલિયામાં 200થી ઓછા ઍન્ટી-ડી બ્લડ પ્લાઝ્મા દાતાઓ છે.

ઑસ્ટ્રેલિયન રેડ ક્રૉસ બ્લડ સર્વિસ અનુસાર તેમના બ્લડ પ્લાઝ્મા દાનથી દર વર્ષે અંદાજે 45,000 માતાઓ અને તેમનાં બાળકોને મદદ મળે છે.

લાઇફબ્લડ ઑસ્ટ્રેલિયાના વોલ્ટર અને એલિઝા હૉલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ સાથે મળીને હેરિસન અને અન્ય દાતાઓના લોહી અને રોગપ્રતિકારક કોષોની નકલ કરીને લેબમાં ઍન્ટી-ડી ઍન્ટીબૉડીઝ વિકસાવવા માટે કામ કરી રહ્યાં છે.

સંશોધકોને આશા છે કે પ્રયોગશાળામાં બનાવેલ 'ઍન્ટી-ડી'નો ઉપયોગ એક દિવસ વિશ્વભરની ગર્ભવતી સ્ત્રીઓને મદદ કરવા માટે થઈ શકે છે.

"નવી ઍન્ટિબોડી સારવાર વિકસાવવી એ લાંબા સમયથી એક પડકાર રહ્યો છે," લાઇફબ્લડના ડિરેક્ટર ડેવિડ ઇરવિંગે જણાવ્યું હતું.

તેમણે ઍન્ટી-ડી પ્લાઝ્મા દાન માટે દાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.