'અમે માત્ર કાગળ પર યજમાન હતા', ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની જીત બાદ પાકિસ્તાની ફૅન્સનો વસવસો

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિજેતા, ન્યૂઝીલૅન્ડની હાર, પાકિસ્તાનમાં નિરાશા, રોહિત શર્મા,રચિન રવિન્દ્રન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે ન્યૂઝીલૅન્ડને ચાર વિકેટથી હરાવીને આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી - 2025 જીતી લીધી છે. ભારત આ ટુર્નામેન્ટની ઇતિહાસમાં ત્રીજી વખત ટ્રૉફી જીત્યું છે. અગાઉ 2013માં ભારત આ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું.

તમામ મૅચ એક જ સ્ટેડિયમમાં, પરિસ્થિતિથી સારી રીતે પરિચિત હોવું અને ભારતીય ટીમમાં ભરપૂર સ્પિનર્સ. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય બની રહ્યું એ બાબતે ભૂતપૂર્વ તથા વર્તમાન ખેલાડીઓ, વિશ્લેષકો અને પ્રશંસકોએ વિવિધ નિવેદન આપ્યાં છે.

આ ટીકા કદાચ વાજબી છે, પરંતુ ગઈ કાલે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ટુર્નામેન્ટમાં કોઈ પણ બીજી ટીમ ભારતીય ટીમની પ્રતિભા અને ગુણવત્તા સામે ટકી શકી નહીં. ન્યૂઝીલૅન્ડ તેના બીજા પ્રયાસમાં પણ સફળ થયું નહીં.

ભારતે ટીમમાં ચાર સ્પિનર્સની ફૉર્મ્યુલાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને જે રીતે વરુણ ચક્રવર્તી તથા કુલદીપ યાદવે કીવી બૅટ્સમૅનોને બાંધી રાખ્યા હતા તે નિશ્ચિત રીતે સ્પિન બૉલિંગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

કીવી ટીમે પોતાની લડાઈમાં કોઈ કસર રાખી હોય એવું પણ નથી. પહેલાં બૅટિંગ કરતાં ઓપનિંગ બૅટ્સમૅન રચીન રવીન્દ્રએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ભારતના ફાસ્ટ બૉલર્સનું સ્વાગત છગ્ગા અને ચોગ્ગા વડે કર્યું હતું.

જોકે, ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ તરત જ પોતાના ટ્રમ્પ કાર્ડ વરુણ ચક્રવર્તીને બૉલિંગ માટે બોલાવ્યા હતા. વરુણે રોહિતને નિરાશ કર્યો ન હતા અને તરત જ વિલ યંગને પેવેલિયનમાં પાછો મોકલી આપ્યા હતા.

એ પછી ચક્રવર્તીના જોડીદાર કુલદીપ યાદવ પણ બૉલિંગ આક્રમણમાં સામેલ થયા અને તેમણે 37 રને રમી રહેલા રચીન રવીન્દ્ર તથા પછી કીવી સ્ટાર બૅટ્સમૅન કેન વિલિયમસનને આઉટ કરીને મૅચમાં ભારતની સરસાઈ સુનિશ્ચિત કરી દીધી હતી.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

આઈસીસીએ જાણીજોઈને 'હાથચાલાકી' કરી હતી?

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિજેતા, ન્યૂઝીલૅન્ડની હાર, પાકિસ્તાનમાં નિરાશા, રોહિત શર્મા,રચિન રવિન્દ્રન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારની રસપ્રદ મૅચ અને તેમાં જોવા મળેલા ચડાવઉતાર વિશે આગળ વિસ્તૃત ચર્ચા થશે. સૌથી પહેલાં એ વાત જાણી લો, જેનાથી ફાઇનલની મૅચ પછી પ્રશંસકો ચોંકી ગયા હતા.

મૅચ પૂર્ણ થઈ પછી પુરસ્કાર વિતરણ સમારંભનો સમય આવ્યો ત્યારે યજમાન દેશ પાકિસ્તાનનો કોઈ પ્રતિનિધિ મંચ પર જોવા મળ્યો ન હતો. તે આ ટુર્નામેન્ટની પરંપરાથી વિપરીત હતું.

ચૅમ્પિયન્સ ટ્રૉફીના યજમાન દેશના પ્રતિનિધિની ટ્રૉફી અર્પણ સમારંભમાં ગેરહાજરી સોશિયલ મીડિયા યૂઝર્સમાં ચર્ચાનો વિષય બની છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે તેના એક વીડિયો મૅસેજમાં કહ્યું હતું, "મેં એક અજબ બાબત જોઈ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો એકેય પ્રતિનિધિ ત્યાં હાજર ન હતો. આ વખતે ચૅમ્પિયન્સ ટ્રૉફીનું યજમાન પાકિસ્તાન હતું અને સમાપન સમારંભમાં પીસીબીનો કોઈ પ્રતિનિધિ ઉપસ્થિત ન હતો."

"કોઈ ટ્રૉફી આપવા કે પ્રતિનિધિત્વ કરવા આવ્યું કેમ નહીં, એ હું સમજી શકતો નથી. આ વિશ્વ મંચ છે. કોઈ હોવું જોઈતું હતું. આનાથી બહુ નિરાશા થઈ."

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિજેતા, ન્યૂઝીલૅન્ડની હાર, પાકિસ્તાનમાં નિરાશા, રોહિત શર્મા,રચિન રવિન્દ્રન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

પત્રકાર ફૈઝાન લખાણીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઍક્સ પર લખ્યું હતું, "પીસીબીના ચીફ ઑપરેટિંગ ઑફિસર સમીર અહમદ સૈયદ સ્ટેડિયમમાં હાજર હોવા છતાં યજમાન પીસીબી તરફથી કોઈને મંચ પર સામેલ કરવામાં આવ્યા ન હતા. શું તે આઈસીસી દ્વારા જાણીજોઈને કરવામાં આવેલી હાથચાલાકી છે?"

એક યૂઝરે ઍક્સ પર લખ્યું હતું, "શું પીસીબી માત્ર કાગળ પર જ યજમાન દેશ હતો?"

અબ્દુલ રઉફે ઍક્સ પર લખ્યું હતું, "પાકિસ્તાન 29 વર્ષ પછી ચૅમ્પિયન્સ ટ્રૉફીની યજમાની કરી રહ્યું હતું. પહેલાં તો તેમણે હાઇબ્રિડ મોડેલ દ્વારા સ્પર્ધાના આયોજનને બરબાદ કરી નાખ્યું."

"પછી ચાર દિવસમાં જ બહાર કાઢી નાખીને તેમણે લાખો પાકિસ્તાનીઓનાં દિલ તોડી નાખ્યાં. પછી ખરાબ વ્યવસ્થાને લીધે વરસાદે મૅચ ખરાબ કરી અને અંતે પાકિસ્તાનના એકેય પ્રતિનિધિને મંચ પર બોલાવવામાં આવ્યા નહીં."

વીડિયો કૅપ્શન, જોઈ ન શકતાં પૅરા ઍથ્લીટ કેવી રીતે ટ્રૅક પર દોડે છે, માર્ગદર્શક દોડવીરો કેવી રીતે કરે છે મદદ?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે રમાયેલી ફાઇનલ મૅચ વખતે પીસીબીના સીઈઓ સમીર અહમદ સૈયદ સ્ટેડિયમમાં હાજર હોવાની વાતને પીસીબીના પ્રવક્તા સમીઉલ હસને બીબીસી સાથે વાત કરતી વખતે સમર્થન આપ્યું હતું.

બીબીસીના એક સવાલના જવાબમાં તેમણે એટલું જ કહ્યું હતું કે "ટુર્નામેન્ટના ડિરેક્ટર સમીર અહમદ સૈયદ ફાઇનલ વખતે હાજર હતા. તેમણે સમગ્ર મૅચ પર નજર રાખી હતી અને પોતાની સંપૂર્ણ જવાબદારી પાર પાડી હતી."

અલબત્ત, તેમને મંચ પર શા માટે બોલાવવામાં આવ્યા ન હતા, એ સવાલનો જવાબ માત્ર આઈસીસી જ આપી શકે.

બીબીસીએ પ્રતિભાવ માટે આઈસીસીનો સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

યાદ રહે કે આ વખતે ચૅમ્પિયન્સ ટ્રૉફીનું વાસ્તવિક યજમાન પાકિસ્તાન હતું, પરંતુ ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ભારતે ઇન્કાર કર્યો હતો. એ કારણે ટુર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કરવામાં ઘણો વિલંબ થયો હતો.

એ પછી ભારતીય ટીમની બધી મૅચ હાઇબ્રિડ મોડલ હેઠળ દુબઈમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. ભારત સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચે તો પણ તમામ મૅચ દુબઈમાં જ રમવાની હતી.

પાકિસ્તાની ટીમ તો સ્પર્ધાના છઠ્ઠા દિવસે જ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી, પરંતુ ટુર્નામેન્ટની મૅચ બે દેશમાં હોવાને કારણે અન્ય ટીમોએ પણ પ્રવાસમાં વધારાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

માઇકલ બ્રેસવેલની આક્રમક અડધી સદી

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિજેતા, ન્યૂઝીલૅન્ડની હાર, પાકિસ્તાનમાં નિરાશા, રોહિત શર્મા,રચિન રવિન્દ્રન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ટૉમ લેથમને રવીન્દ્ર જાડેજાએ એલબીડબલ્યુ આઉટ કર્યો ત્યારે ન્યૂઝીલૅન્ડ 24મી ઓવરમાં 108 રને ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ટીમને 50 ઓવર્સ રમાડવાની જવાબદારી ડેરેલ મિચેલના ખભા પર આવી ગઈ હતી.

ફિલિપ્સ અને મિચેલે આક્રમક બૅટિંગ માટે છેલ્લી ઓવર્સ સુધી રાહ જોવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ એ ભારતીય સ્પિનર્સ માટે બહુ અનુકૂળ હતું. તેમણે કીવી જોડીને એકેય આસાન બૉલ ફટકારવા આપ્યો ન હતો.

ભારતીય સ્પિનર્સે 50માંથી 38 ઓવર્સ બૉલિંગ કરી હતી અને માત્ર 144 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. તેનાથી વિપરીત મોહમ્મદ શામી અને હાર્દિક પંડ્યાની બૉલર જોડી 12 ઓવરમાં 104 રન આપીને માત્ર એક વિકેટ ઝડપી શકી હતી.

માઇકલ બ્રેસવેલની આક્રમક અડધી સદીની મદદથી ન્યૂઝીલૅન્ડ ભારતને 251 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું હતું.

તેના જવાબમાં ભારતે સિનિયર કીવી બૉલર મેટ હેનરીની ગેરહાજરીમાં પાવરપ્લેનો પૂરેપૂરો લાભ લીધો હતો અને રોહિત શર્માની આક્રમક બેટિંગની મદદથી પહેલી 10 ઓવરમાં 64 રન બનાવ્યા હતા. ભારતની પહેલી વિકેટ પડી ત્યારે સ્કોર 19 ઓવરમાં 108 રનનો થઈ ગયો હતો.

ન્યૂઝીલૅન્ડના સ્પિનર્સે મૅચમાં સારી વાપસી કરી હતી અને એક પછી એક વિકેટ ઝડપીને ભારત પર દબાણ લાવવાનું સુનિશ્ચિત કર્યું હતું, પરંતુ પહેલાં શ્રેયસ અય્યર તથા પછી કે.એલ. રાહુલે જવાબદારી સંભાળી અને ભારતને આસાન વિજય અપાવ્યો હતો.

રોહિત શર્માએ 75, શ્રેયસ અય્યરે 48 અને રાહુલે 34 રન બનાવ્યા હતા, જ્યારે મિચેલ સેન્ટનર અને બ્રેસવેલે બબ્બે વિકેટો ઝડપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તેના સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહની મદદ વિના આ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યું છે.

રોહિત શર્મા ભારતના 'મહાનતમ કૅપ્ટન' છે?

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ભારત વિજેતા, ન્યૂઝીલૅન્ડની હાર, પાકિસ્તાનમાં નિરાશા, રોહિત શર્મા,રચિન રવિન્દ્રન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યજમાન પીસીબીના પદાધિકારી સ્ટેડિયમમાં હાજર હોવા છતાં તેમને બોલાવવામાં ન આવ્યા હોવાનો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આક્રોશ

રોહિત શર્માએ ટાર્ગેટનો પીછો કરતાં જે રીતે કીવી બૉલર્સ પર આક્રમણ કર્યું હતું તેને કારણે ન્યૂઝીલૅન્ડને ભારત પર, સતત વિકેટ પડી હોવા છતાં દબાણ વધારવાની તક મળી ન હતી, કારણ કે રોહિત આઉટ થયા ત્યારે અડધાથી વધારે રન બની ચૂક્યા હતા અને ભારતીય મિડલ ઑર્ડર બૅટ્સમૅનને અનુભવ વગરના કીવી બૉલર્સ સામે સતર્ક વલણ અપનાવવાનો સમય મળી ગયો હતો.

ક્રિકેટ કૉમેન્ટેટર આતિફ નવાઝે લખ્યું હતું, "શું રોહિત શર્મા ભારતના મહાનતમ કૅપ્ટન છે?"

ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું હતું, "ભારતે ફરી એક વાર સાબિત કર્યું છે કે વ્હાઇટ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અજેય રહીને તે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે. 2023ના વર્લ્ડકપ પછી ભારત આઈસીસી ટુર્નામેન્ટમાં 24 મૅચ રમ્યું છે અને એ પૈકીની 23 જીત્યું છે. તે અવિશ્વસનીય છે."

ન્યૂઝીલેન્ડે રવિવારે સારી ફિલ્ડિંગ પણ કરી હતી. તેમ છતાં બે કૅચ છૂટ્યા અને એક વખત મિસફિલ્ડ થઈ.

ફાઇનલ મૅચ દરમિયાન ગ્લૅન ફિલિપ્સે ઝડપેલા શુભમન ગિલના ઉત્તમ કૅચને જોઈને એક યૂઝરે લખ્યું હતું, "મેદાનનો 71 ટકા હિસ્સો પાણીથી ઢંકાયેલો છે, જ્યારે બાકીનો 29 ટકા હિસ્સો કીવી ફિલ્ડર્સ દ્વારા ઢંકાયેલો છે."

એક અન્ય યૂઝરે લખ્યું હતું, "ગ્લૅન ફિલિપ્સને બે ફિલ્ડર જેવો ગણવો જોઈએ."

ભારતીય ટીમના વિજય બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું હતું, "ચૅમ્પિયન્સ ટ્રૉફી પાછી લાવવા બદલ મને અમારી ટીમ માટે ગર્વ છે. તેમણે આખી ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે."

પત્રકાર મેલિંડા ફેરેલે લખ્યું હતું, "ભારત ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ હતું અને તેણે વિવિધ રીતે સરસાઈ મેળવી હતી. તેમ છતાં ન્યૂઝીલેન્ડે તેને પ્રેશરમાં રાખી. શાનદાર શરૂઆત પછી તે નિશ્ચિત રીતે અવિશ્વસનીય હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.