ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની જીત પર પાકિસ્તાનના લોકો શું કહે છે, ICC સામે કેમ સવાલો ઉઠાવ્યા?

ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની જીત પર પાકિસ્તાનના લોકો શું કહે છે, ICC સામે કેમ સવાલો ઉઠાવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની જીત પર પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરોએ સવાલો ઉઠાવ્યા છે.

ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ભારતે 12 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. રવીન્દ્ર જાડેજાએ 49મી ઓવરના છેલ્લા બૉલે ચોગ્ગો ફટકારીને ભારતને આ વિજય અપાવ્યો હતો.

દુબઈની ધીમી પીચ પર ન્યૂઝીલૅન્ડના 252 રનના લક્ષ્યાંકનો પીછો કરવો કોઈ સરળ કામ નહોતું. પરંતુ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ 83 બૉલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમીને મજબૂત પાયો નાખ્યો હતો.

આ વખતે ચૅમ્પિયન્સ ટ્રૉફીની મેજબાની પાકિસ્તાન કરતું હતું પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇન્કાર કર્યા પછી કેટલીક મૅચ દુબઈ શિફ્ટ કરવી પડી હતી. ભારત પોતાની તમામ મૅચ દુબઈમાં જ રમ્યું હતું. ભારત ફાઇનલમાં પહોંચ્યું હોવાથી ફાઇનલ પણ દુબઈમાં યોજાઈ. ભારતના આ વલણને લઈને પાકિસ્તાનના લોકોમાં ઘણી નારાજગી છે.

ભારત સામે રમવા માટે પાકિસ્તાની ટીમ દુબઈ ગઈ તે અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર સકલેન મુશ્તાકે કહ્યું કે, "મને આશા છે કે તેઓ તેને બરાબર પાઠ ભણાવશે."

પરંતુ પાકિસ્તાન ભારતને હરાવી ન શક્યું, ટુર્નામેન્ટમાં ટકી પણ ન શક્યું અને મેજબાન હોવા છતાં પોતાના ઘરઆંગણે ફાઇનલ પણ રમાડી ન શક્યું.

બીબીસી ગુજરાતી ભારત ક્રિકેટ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન સકલૈન મુશ્તાક ઈન્ઝમામ ઉલ હક દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સક્લેન મુશ્તાકનું કહેવું છે કે તમામ ક્રિકેટ બોર્ડે હવે આઈસીસીને સવાલ કરવા જોઈએ

આવામાં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતની જીત પછી પાકિસ્તાનમાં અનેક પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે.

ભારતની જીત વિશે ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સકલેન મુશ્તાકે પાકિસ્તાની ન્યૂઝ ચૅનલ સિટી 42ના એક શોમાં કહ્યું, "હું ભારત પાસેથી આ જીતનો શ્રેય લેવા માંગતો નથી, પરંતુ દુનિયાભરનાં તમામ ક્રિકેટ બોર્ડે આઈસીસીને પૂછવું જોઈએ કે શું બધું યોગ્ય રીતે થયું છે? કોણ લાડકું છે, કોણ લાડકું નથી? શું ભવિષ્યમાં પણ આવી જ રીતે ક્રિકેટ રમાશે? શું આના કરતા પણ ખરાબ થશે? હવે ટુર્નામેન્ટ તો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે આઈસીસીને સવાલ પૂછવા જોઈએ."

સકલેન મુશ્તાકે ઉઠાવેલા સવાલોને પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે પણ ટેકો આપ્યો છે.

ઇન્ઝમામે પણ ઉઠાવ્યા સવાલો

બીબીસી ગુજરાતી ભારત ક્રિકેટ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન સકલૈન મુશ્તાક ઈન્ઝમામ ઉલ હક દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સકલેન મુશ્તાકે ઉઠાવેલા સવાલોને ઇન્ઝમામે પણ ટેકો આપ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સકલેન મુશ્તાકે કહ્યું કે, "જે ગંભીર ચિંતાનો વિષય છે તેને જોવું જોઈએ. જો તેને જોવામાં નહીં આવે તો મને લાગે છે કે ક્રિકેટ બીજી કોઈ દિશામાં જાય છે. આગળ એશિયા કપ આવવાનો છે. હવે એશિયા કપનું મૉડેલ કેવું હશે? રમતની ભાવના નીકળી જશે અને ક્રિકેટ ફરીથી પાવરની બની જશે. કૅન વિલિયમ્સન બહાર બેઠા હતા. જે ટીમે આટલું બધું ટ્રાવેલ કરવું પડે તેની તૈયારીઓ સારી રીતે નથી થતી."

વાસ્તવમાં સકલેન મુશ્તાકનું કહેવું છે કે ટીમ ઇન્ડિયાએ ક્યાંય પ્રવાસ કરવો ન પડ્યો અને દુબઈના એક જ સ્ટેડિયમમાં બધી મૅચ રમવાનો ફાયદો ભારતને થયો છે. ભારતે પાકિસ્તાન જવાની ના પાડી તેથી બાકી ટીમોએ ભારત સાથે રમવા માટે પાકિસ્તાનથી દુબઈ આવવું પડ્યું હતું.

આ શોમાં હાજર પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે "બધી ચીજો ભારતની તરફેણમાં હતી તે વાત ઠીક છે. છતાં બધી ટીમોને હરાવવું અને આ રીતે રમવું તેની ક્રૅડિટ તો આપવી જ પડે. રોહિત પોતે બહુ સારું રમ્યા અને ટીમને પણ સારી રીતે મૅનેજ કરી."

ઇન્ઝમામે કહ્યું, "સકલેને જે વાત કરી તેમાં હકીકત છે. અગાઉ પાકિસ્તાન આ બધી વાતોને લઈને દેકારો કરતું હતું, પરંતુ આ વખતે બીજા દેશોના ક્રિકેટરોએ પણ વાંધો ઉઠાવ્યો છે. હવે બધાની નજરમાં આ વાત આવી છે. પરંતુ ભારતના વખાણ થવા જોઈએ. ઘણી વખત તમે પોતાના દેશમાં પણ સિરીઝ હારી જાવ છો. તેથી જીતવા માટે તમારે સારું ક્રિકેટ રમવું પડે છે."

ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું, "ન્યુઝીલૅન્ડે આજે જે રીતે શરૂઆત કરી હતી, તેમાં તેણે 280 રન બનાવ્યા હોત તો ભારત માટે પડકાર વધી ગયો હોત. ભારતે આ સ્ટેડિયમમાં સૌથી વધુ 250 રનનો પીછો કર્યો છે. તેમાં ભારતને 49 ઓવર લાગી ગઈ. જો ભારત સામે 280થી વધુ રનનો ટાર્ગેટ હોત તો તે મુશ્કેલ સાબિત થયો હોત."

"ભારતના બે સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતની જીતમાં ઑલરાઉન્ડ પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતીય બૉલરો ન્યૂઝીલૅન્ડને 250 રન સુધી રોકી શક્યા ન હોત તો ભારતીય બૅટ્સમૅનો પર દબાણ વધી ગયું હોત. ભારતીય બૉલરોને જીતનો શ્રેય આપવો જોઈએ. ભારતના સ્પિનરોએ સમગ્ર રમત દરમિયાન ન્યૂઝીલૅન્ડને નિયંત્રણમાં રાખ્યું હતું."

કુલદીપ યાદવની કમાલ

બીબીસી ગુજરાતી ભારત ક્રિકેટ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન સકલૈન મુશ્તાક ઈન્ઝમામ ઉલ હક દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચૅમ્પિયન્સ ટ્રૉફી સાથે રોહિત શર્મા

ઇન્ઝમામે કહ્યું, "સકલેન જે મુદ્દા ઉઠાવે છે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તમે સારું રમશો તો તમે જીતી જશો પણ બીજાને એવું ન લાગવું જોઈએ કે તેમની સાથે યોગ્ય વર્તન નથી થઈ રહ્યું."

સકલેન મુશ્તાકે કહ્યું, "કુલદીપ યાદવે વિલિયમ્સનને આઉટ કરીને મોટો આંચકો આપ્યો હતો. તે અગાઉ રચીન રવીન્દ્રના આઉટ થવાના કારણે ન્યૂઝીલૅન્ડની કમર તૂટી ગઈ. જાડેજા દોઢ મિનિટમાં ઓવર પૂરી કરી નાખતા હતા. ફટાફટ ઓવરો પૂરી થતી હતી. સ્ટ્રાઇક રોટેટ પણ થતી ન હતી. ઇન્ડિયાની બેટિંગ વખતે સ્ટ્રાઇક રોટેટ થતી હતી જ્યારે ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ આવું કરી શકતા ન હતા."

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે વિખ્યાત ક્રિકેટ શો સ્પૉર્ટ્સ સેન્ટ્રલમાં જણાવ્યું કે, "હાલમાં ભારતની જે ક્રિકેટ ટીમ છે તે ગમે ત્યાં રમે તો પણ જીતી ગઈ હોત. લોકો વાતો કરે છે કે ભારતના બધી મૅચ દુબઈમાં રમાયા તેથી તેને ફાયદો થયો. પરંતુ મને લાગે છે કે પાકિસ્તાનમાં રમ્યા હોત તો પણ જીતી જાત. 2024નું ટી-20 વર્લ્ડકપ પણ ભારત કોઈ પણ ગેઇમ હાર્યા વગર જીતી ગયું હતું. ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ તેઓ કોઈ પણ ગેઇમ હાર્યા વગર જીતી ગયા."

આ જ શોમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વકાર યુનૂસે કહ્યું કે "મને લાગે છે કે કુલદીપે કમાલ કરી છે. અમને લાગતું હતું કે રોહિત 20 ઓવર પછી કુલદીપને લાવશે પણ તેણે પહેલાં લાવીને અમને ચોંકાવી દીધા."

વકારે કહ્યું કે "મને નથી લાગતું કે ન્યુઝીલૅન્ડના ઓપનરોએ કુલદીપ આવશે તેવી આશા રાખી હશે. કુલદીપને લાવવાની રણનીતિ જોરદાર હતી. કુલદીપે આવતાની સાથે જ બે વિકેટ ખેરવી. વિલિયમ્સનને કન્ટ્રોલ કરવાનું આસાન ન હતું.

વસીમ અકરમે રોહિત શર્માની પ્રશંસા કરતા ક્હયું કે, "રોહિતે છેલ્લાં ચાર વર્ષમાં પાવર પ્લૅમાં 70 છગ્ગા ફટકાર્યા છે. આજે પણ રોહિત જરાય વધારાનો પ્રયાસ કર્યા વગર સહજ બેટિંગ કરતા હતા. તેમની ટાઇમિંગ બહુ કમાલની હોય છે. તેઓ જોર લગાવીને સિક્સર નથી મારતા."

શોએબ અખ્તરને કઈ વાતની નવાઈ લાગી?

બીબીસી ગુજરાતી ભારત ક્રિકેટ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન સકલૈન મુશ્તાક ઈન્ઝમામ ઉલ હક દુબઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જીતની ઉજવણી કરતા રવીન્દ્ર જાડેજા અને ગૌતમ ગંભીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કૉમેન્ટેટર રમીઝ રાજાએ જણાવ્યું કે, "તમે ભલે કહો કે ભારતને એક જ પીચ પર રમવાનો ફાયદો થયો છે, પરંતુ જીતવા માટે સારું રમવું જરૂરી હોય છે. ભારતે કોઈ પણ મૅચ હાર્યા વગર ટાઇટલ જીત્યું છે. ભારત હવે ઘણું આગળ નીકળી ગયું છે. ચાર-પાંચ સ્પિનરનો ઉપયોગ કરવો એટલો આસાન નથી હોતો."

તેમણે કહ્યું કે, "મને લાગે છે કે કુલદીપ યાદવે કમાલ કરી છે. રચીન રવીન્દ્ર અને વિલિયમ્સનને આઉટ કરીને કુલદીપે ન્યૂઝીલૅન્ડની કમર તોડી નાખી હતી. ત્યાર પછી ન્યૂઝીલૅન્ડ તેમાંથી બહાર આવી શક્યું નહીં. કુલદીપની ગૂગલી બહુ જોરદાર છે. રોહિત શર્માએ કુલદીપનો ઘણો સારો ઉપયોગ કર્યો."

પાકિસ્તાનના ભૂતપૂર્વ બૉલર શોએબ અખ્તરે સવાલ ઉઠાવ્યો છે કે પાકિસ્તાન હોસ્ટ દેશ હતો, પરંતુ ફાઇનલ મૅચમાં ટ્રૉફી આપતી વખતે પાકિસ્તાનના કોઈ પણ પ્રતિનિધિ કેમ હાજર ન હતા?

શોએબ અખ્તરે જણાવ્યું કે, "આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી ભારતે જીતી લીધી છે, પરંતુ એક અજબ ઘટના બની. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ પણ પ્રતિનિધિ ત્યાં હાજર ન હતા. પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્ર઼ૉફીને હોસ્ટ કરતું હતું છતાં આવું છે. મને સમજાતું નથી કે કોઈ ટ્રૉફી આપવા કેમ ન આવ્યું? મને લાગે છે કે પાકિસ્તાનમાંથી કોઈએ અહીં હોવું જોઈતું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.