યુરોપનું ગેરકાયદે પ્રવેશદ્વાર : એવું ખતરનાક જંગલ જ્યાં પ્રવાસીઓ પાછળ કૂતરાં છોડી દેવાય છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસ્મિન ડાયર
- પદ, બીબીસી સંવાદદાતા
ડાવિત (આ તેમનું સાચું નામ નથી) એ ઇથોપિયાનો એક યુવાન છે.
અમે તેમને પોલૅન્ડના સૌથી મોટા શહેરોમાંના એકમાં શાંત હરિયાળા બગીચામાં મળીએ છીએ. તેઓ શરમાળ અને ધીમું બોલે છે, ઠંડા હવામાનને અનુકૂળ એવા હૂડવાળા પીળા અને કાળા પફર કોટમાં તેઓ સજ્જ છે.
તેઓ કહે છે કે તે બળજબરીથી થતી ભરતીથી બચવા તેના ઘરેથી ભાગી ગયો હતો અને કહે છે કે તેણે રશિયા અને બેલારુસ થઈને પોલૅન્ડની મુસાફરીમાં મદદ કરનારા માનવતસ્કરોને લગભગ 7,000 અમેરિકન ડૉલર ચૂકવ્યા હતા.
2021માં કટોકટી શરૂ થઈ ત્યારથી ગેરકાયદે રીતે બેલારુસ-પોલૅન્ડ સરહદ પાર કરનારા હજારો લોકોમાંના તેઓ એક છે.
આ સરહદની પાર એક વિશાળ પ્રાચીન જંગલના છેલ્લા અવશેષોમાંનું એક વન છે. જે એક સમયે આખા યુરોપને આવરી લેતું હતું.
બિયાલોવિઝા જંગલનું સ્થાન યુનેસ્કોની હેરિટેજ સાઇટની યાદીમાં છે. તે પર્યાવરણીય રીતે એક સુરક્ષિત વિસ્તાર છે. હવે લોકો તેનો ઉપયોગ યુરોપમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના માર્ગ તરીકે કરે છે.

'આપણે માનવતસ્કરોથી એક ડગલું આગળ રહેવું પડે'

ઇમેજ સ્રોત, Jack Garland
જંગલમાંથી પસાર થતી વખતે વચ્ચે લગભગ 120 માઈલ લાંબી વાડ આવેલી છે. આ વાડ પૉલિશ સરકારે 2022માં તેની અને યુરોપની વિશાળ સરહદને વધુ મજબૂત બનાવવા બનાવી હતી.
પોલૅન્ડના રક્ષકો દિવસ-રાત પગપાળા, વાહનોમાં અને સશસ્ત્ર લશ્કરી વાહનો લઈને સરહદ પર નજર રાખતા હોય છે. તેઓ આકાશમાંથી વિશિષ્ટ ડ્રોનનો ઉપયોગ કરીને પણ નિરીક્ષણ કરતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તાવાર ગણવેશમાં સજ્જ સરહદ દળના અધિકારી મિચલ બુરા અમને પાંચ મીટરથી વધુ ઊંચી વાડ પાસે લઈ જાય છે. શિયાળાના તેજસ્વી સૂર્યપ્રકાશમાં તીક્ષ્ણ કાંટાવાળી આ વાડ ચમકી રહી હતી.
"આપણે માનવતસ્કરોથી એક ડગલું આગળ રહેવું પડે. આપણા દુશ્મનોથી એક ડગલું આગળ રહેવાની જરૂર છે," એમ તેઓ કહે છે.
બુરા હવે આ દુશ્મનોમાં તેના બેલારુસિયન સમકક્ષ રક્ષકોનો પણ સમાવેશ કરે છે.
"(બેલારુસ) બાજુના રક્ષકો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સાથે કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "તેઓ તેમને એવી જગ્યા બતાવે છે કે જ્યાંથી તેઓ આ સરહદ ગેરકાયદેસર રીતે પાર કરી શકે. તેઓ તેમને વાડ ઓળંગવા માટે સીડી અને વાયર કટર જેવાં જરૂરી સાધનો પણ આપે છે."
પરંતુ પૉલિશ અધિકારીઓ પર સ્થળાંતર કરનારાઓ પર ગેરકાયદેસર વર્તન કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
'તેઓ મારા દેશમાં નથી આવી રહ્યા, તમારા દેશમાં જઈ રહ્યા છે'

ઇમેજ સ્રોત, Jack Garland
ડિસેમ્બર 2024ના હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં જાણવા મળ્યું છે કે પૉલિશ અધિકારીઓ "ગેરકાયદે અને ક્યારેક હિંસક રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોને તેમની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં લીધા વિના બેલારુસ પાછા ફરવા દબાણ કરી રહ્યા હતા."
2020માં બેલારુસની વ્યાપકપણે બદનામ થયેલી ચૂંટણી બાદ યુરોપે તેના પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. આ પછી તેના નેતા એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ કહ્યું હતું કે જો સ્થળાંતર કરનારાઓ - મોટા ભાગે મધ્ય પૂર્વ અને આફ્રિકાથી મુસાફરી કરતા - ગેરકાયદે રીતે પોલૅન્ડની સરહદ તરફ આગળ વધશે તો તેઓ તેમને નહીં રોકે.
લુકાશેન્કોએ 2021માં બીબીસીને જણાવ્યું હતું, "મેં તેમને (EU) કહ્યું હતું કે હું સરહદ પર સ્થળાંતર કરનારાઓને અટકાયતમાં લેવાનો નથી. તેમને સરહદ પર પકડી રાખવાનો પણ નથી. તેઓ આવતા રહેશે તો પણ હું તેમને રોકીશ નહીં, કારણ કે તેઓ મારા દેશમાં નથી આવી રહ્યા. તેઓ તમારા દેશમાં જઈ રહ્યા છે."
યુરોપમાં પ્રવેશવાના માર્ગ તરીકે બેલારુસ આ માર્ગનો ઉપયોગ કરવા માટે પ્રવાસીઓને પ્રોત્સાહિત કરે છે તેવો પણ આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે.
સ્થળાંતરની સમસ્યાના ઉકેલ માટે કટ્ટર અભિગમ

ઇમેજ સ્રોત, Jack Garland
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2021માં લુકાશેન્કોની સરકાર સંચાલિત એક ટ્રાવેલ એજન્સી પર EUએ પ્રતિબંધ મૂક્યો હતો. આ એજન્સી સરહદ પર પ્રવાસીઓને સુવિધાઓ આપતી હતી.
બીબીસીએ પુરાવા જોયા છે કે આ ટ્રાવેલ એજન્સી (Tsentrkurort)એ 2021માં બેલારુસિયન વિદેશ મંત્રાલયને પાંચ વર્ષથી નાનાં બાળકો સહિત અનેક ઇરાકીઓ માટે શિકાર પ્રવાસન વિઝા માટે અરજી કરી હતી.
આ વિઝા લોકોને પોલૅન્ડની ખૂબ નજીક આવેલા બેલારુસના બાયલોવિઝા ફોરેસ્ટના સંરક્ષિત વિસ્તારોમાં રહેવાનો કાનૂની અધિકાર આપે છે.
બેલારુસિયન બૉર્ડર ઑથૉરિટીએ સ્થળાંતર કરનારાઓને સરહદ પાર કરવામાં સક્રિય રીતે મદદ કરવાનો ઇનકાર કર્યો છે. સરહદની સુરક્ષા સાથે સંબંધિત મુદ્દાઓ પર તેમણે આપેલા અગાઉનાં નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે.
"સરહદ પર સ્થળાંતરની પરિસ્થિતિમાં વધારો થયો ત્યારથી બેલારુસની રાજ્ય સરહદ સમિતિએ વારંવાર EU દેશોનું ધ્યાન આ બાબતે દોર્યું છે. આમાં વાતચીત, સરહદ પર સહકાર જેવી બાબતોનો સમાવેશ થાય છે."
"કમનસીબે રચનાત્મક વાતચીતમાં જોડાવાને બદલે પડોશી EU દેશોએ સરહદ લશ્કરીકરણ, મુકાબલો અને સરહદ સહયોગના મુદ્દાઓ પ્રત્યે અવગણનાનો માર્ગ પસંદ કર્યો છે. આજે તેઓ વધતી જતી સ્થળાંતર સમસ્યાને ઉકેલ માટે કટ્ટર અભિગમ અપનાવી રહ્યા છે."
પોલૅન્ડ બેલારુસના વચ્ચે સરહદ સંબંધો

ઇમેજ સ્રોત, Jack Garland
સ્થળાંતર કરનારાઓના વધતા પ્રવાહનો અર્થ એ થાય કે બંને બાજુ સરહદનું સંચાલન કરતા લોકો વચ્ચેના સંબંધો નાટકીય રીતે બદલાઈ ગયા છે.
"થોડાં વર્ષો પહેલાં સુધી... અમે તેમની સાથે વાત કરતા હતા, સાથે સિગારેટ પીતા હતા. હવે અમે ફક્ત એકબીજા પર નજર રાખીએ છીએ. અમારો તેમની સાથે કોઈ સંપર્ક નથી," એમ બુરા કહે છે.
પોલૅન્ડ તરફથી વધેલા પ્રયાસો છતાં 2024માં સરહદ પાર કરવાના લગભગ 30,000 પ્રયાસો થયા હતા. જે 2021માં કટોકટી શરૂ થયા પછી નોંધાયેલો બીજો સૌથી મોટો આંકડો હતો.
અને આમાંથી ઘણા સફળ થાય તો પણ ખરાબ સ્થિતિમાં જ પહોંચે છે.
જંગલનો પ્રદેશ ગાઢ અને કઠોર છે. 5.5 મીટરની ઊંચી કાંટાળા તારની વાડનો અર્થ એ થાય કે તેમાં ભયાનક ઈજાઓ પણ થાય છે.
વીઆર મૉનિટરિંગ ગ્રૂપ અનુસાર 89 લોકો સરહદ પાર કરતી વખતે મૃત્યુ પામ્યા છે.
સ્થળાંતર કરનારાઓ કહે છે કે તેમને સરહદ પાર કરવામાં મદદ કરવા માટે સાધનો આપવામાં આવ્યા છે. આ રક્ષકદળ કોઈ પણ ભોગે લોકોને તેમના પ્રદેશમાંથી બહાર હાંકીને EUમાં ધકેલી દેવા માગતા હોય છે.
'જો તમે દોડશો, તો તેઓ તમારી પાછળ એક કૂતરો દોડાવશે'

ઇમેજ સ્રોત, Jack Garland
શિયાળામાં પરિસ્થિતિ ખાસ કરીને ખૂબ જ ગંભીર બની જાય છે. હાયપોથર્મિયા અને હિમ લાગવાથી ચામડીનું સોજી જવું સામાન્ય છે.
"જો તમે દોડશો, તો તેઓ તમારી પાછળ એક કૂતરો દોડાવશે," ડેવિટ મને કહે છે.
"મેં લોકોની ગરદન અને પગ પર પણ કરડવાનાં નિશાન જોયાં છે."
ઓલ્ગા એક ચેરિટી માટે કામ કરે છે જે નવા આવનારા પ્રવાસીઓને સહાય પૂરી પાડવા માટે જંગલમાં જાય છે. તેઓ કહે છે કે તે જે લોકોને મળે છે તે ઘણી વાર ડરેલા હોય છે અને તેમને તબીબી સહાયની જરૂર હોય છે.
"તેમને વાડના રેઝર વાયરથી ઘણી ઈજાઓ થઈ હોય છે. ક્યારેક વાડ પરથી કૂદવાને કારણે તેમના હાથ, પગ પણ તૂટી જાય છે."
અમે ઓલ્ગાને ચેરિટીના મુખ્યાલયમાં મળીએ છીએ.
નજીકના ગામની બહાર આ ત્રણ રૂમનું મકાન છે. આ મકાન સ્થાનિક સમુદાયના સહાયક સભ્ય દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે.
તેઓ સ્થળાંતર કરનારાઓના ધસારોથી ગુસ્સે થયેલા સ્થાનિક લોકોથી આ સ્થાન ગુપ્ત રાખે છે.
આ મકાન સાધનોથી ભરેલું છે. તેમાં ગરમ કપડાં, ખોરાક, પાટો અને પ્રાથમિક સારવાર કીટનો પુરવઠો છે. ખૂણામાં બે સિંગલ બેડ છે જ્યાં સ્વયંસેવકો સૂઈ જાય છે, જો શિફ્ટ પરવાનગી આપે તો.
મદદ માટે હાકલ દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે આવી શકે છે અને આવનારા લોકોના પ્રકાર જાતજાતના હોય છે.
"મોટા ભાગે હવે (શિયાળામાં) યુવાન પુરુષો હોય છે. પરંતુ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં લગભગ અડધી યુવાન છોકરીઓ હતી. જેમાંની ઘણી બધી તો કિશોરીઓ હતી."
જ્યાં શક્ય હોય ત્યાં ચેરિટી પ્રાથમિક સારવારનું સંચાલન કરે છે અને આશ્રય કેમ લેવો તે અંગેની સલાહ પણ પૂરી પાડે છે.
દરમિયાન, જંગલમાં લાગેલી આગ અને પ્રતિબંધિત ક્ષેત્રમાંથી પસાર થતા લોકો દ્વારા ફેંકી દેવામાં આવેલા કચરાને કારણે બાયલોવિઝાના પ્રાણીઓનું વર્તન બદલાઈ રહ્યું છે.
માનવગંધથી બચવા માટે યુરોપિયન બાઇસનનાં ટોળાં હવે જંગલના એવા ભાગોમાં જઈ રહ્યા છે કે જેને તેઓ પહેલાં અવગણતા હતા.
વધતી જતી સંખ્યા પોતાની સાથે નવી પ્રજાતિઓ પણ લાવે છે જેને દૂર કરવા માટે વન નિષ્ણાતોએ કામ કરવું પડે છે.
માતેયુઝ શિમુરા 20 વર્ષથી વધુ સમયથી વન રેન્જર તરીકે કામ કરે છે અને તેઓએ આખું જીવન બાયલોવિઝાના જંગલમાં ગાળ્યું છે.
જ્યારે અમે ગાઢ જંગલમાં બરફથી ઢંકાયેલા પુલ પર ચાલીએ છીએ ત્યારે તેઓ મને કહે છે કે તેઓ તેમના કામ દરમિયાન તે ઘણી વાર સ્થળાંતર કરનારાઓને જુએ છે અને બેલારુસ તરફથી કાર્યવાહીના અભાવથી ચિંતિત થાય છે.
તેઓ કહે છે, "બાયલોવિઝા જંગલ માટે સમસ્યાઓ વધતી જ રહેશે જો તેઓ (બેલારુસ) આ સુરક્ષિત વિસ્તારોમાં રહેવાની મંજૂરી આપતા રહેશે."
જોકે ઘણા લોકો માટે આ યુરોપની યાત્રા દરમિયાન આવતો એક પડાવ માત્ર છે.
અને જ્યાં સુધી ગેરકાયદેસર પ્રવાસીઓ બેલારુસના રાજકીય રમતની તાકાતનો ઉપયોગ કરશે, ત્યાં સુધી આ કટોકટી યુરોપની સરહદોને અસર કરતી જ રહેશે.
ડાવિત મને કહે છે કે તેમની યાત્રામાં તેમને મળેલા ઘણા લોકો યુકે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, તેમણે પોલૅન્ડમાં આશ્રય માટે અરજી કરી છે અને તેનો દાવો કોર્ટમાં ચાલુ છે.
"હું ફક્ત સલામત રહેવા માગું છું. અને તેથી જ હું અહીં રહું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












