અમેરિકામાં ગુજરાતીઓ સહિત ગેરકાયદે રહેતા લોકોને કોણ પકડી પાડે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, અમદાવાદ
અમેરિકાથી પોતાના વિમાનથી ગેરકાયદે વસતા લોકોને ભારત મોકલ્યા બાદ ગુજરાતમાંથી ગેરકાયદે જતા લોકોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને પ્રવેશવા માગતા ઇમિગ્રન્ટ્સ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાઈ છે.
એક અનુમાન પ્રમાણે, લગભગ એક કરોડ 20 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. ન કેવળ તેમના પર, પરંતુ કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા બાદ અલગ-અલગ પ્રકારની ભૂલ કરનારા લોકોનો પણ દેશનિકાલ થઈ શકે છે.
આ સાથે જ લોકો કેવી રીતે અમેરિકામાં પ્રવેશે છે અને બૉર્ડર પર કેવી કેવી યાતનાઓનો સામનો કરે છે એવા પણ અહેવાલો ચર્ચામાં આવ્યા છે.
ટ્રમ્પ સરકારે આ સિવાય ઘરઆંગણે પણ ગેરકાયદેસર રીતે વસતા ઇમિગ્રન્ટ્સ પર ગાળિયો કસ્યો છે. ત્યારે ઇમિગ્રેશન સંબંધિત કાયદાઓના અમલીકરણ સાથે સંકળાયેલી અલગ-અલગ એજન્સીઓ આ કામમાં લાગી ગઈ છે.
અમેરિકાની આ કાર્યવાહી બાદ ત્યાં વસતા લોકોને કોણ પકડે અને કેવી રીતે પકડી પાડે છે એની પણ ચર્ચા થઈ રહી છે. આ અહેવાલ એ જાણવાનો પ્રયાસ કરીએ તો અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કોણ પકડી પાડે છે.

અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહીની કેમ જરૂર પડી?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2001માં 9/11ના ઉગ્રવાદી હુમલાના 11 દિવસ બાદ જ આ વિભાગ અસ્તિત્વમાં આવ્યો. પૅન્સિલવેનિયાના ગવર્નર ટોમ રિજ તેના પહેલા ડાયરેક્ટર જનરલ બન્યા. તેની ઑફિસ વ્હાઇટ હાઉસમાં છે.
એજન્સીની વેબસાઇટ પર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, વર્ષ 2002માં કાયદેસર ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી ઍક્ટ પસાર થયો. એ દેશમાં સંરક્ષણ મંત્રાલયની સ્થાપના પછી આ સૌથી મોટો વહીવટી સુધાર હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કાયદા દ્વારા દેશની સુરક્ષામાં લાગેલા 22 અલગ-અલગ સંઘીય વિભાગ તથા એજન્સીઓને એકિકૃત કરીને આ એજન્સી બનાવવામાં આવી, જેથી કરીને તેમની વચ્ચેનું સંકલન સુગમ રહે.
હાલમાં તે દેશની સુરક્ષા સંબંધિત એકમાત્ર કૅબિનેટસ્તરનો વિભાગ છે, જે તમામ બાબતોનું સંકલન કરે છે.
આ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કામ દેશને આંતરિક રીતે સુરક્ષિત રાખવાનું છે. બે લાખ 60 હજાર કરતાં વધુ કર્મચારીઓ આ વિભાગમાં કામ કરે છે.
તે જમીન, જળ અને હવાઈ સીમાઓની સુરક્ષા કરે છે અને 'ઇમર્જન્સી રિસ્પૉન્સ' આપી શકે છે. સાયબર સિક્યૉરિટીથી માંડીને કેમિકલના નિષ્ણાતો આ સંગઠન માટે કામ કરે છે.
વ્યાપક પરામર્શ બાદ જુલાઈ-2006માં ડીએસએસનો છ-સૂત્રીય એજન્ડા નક્કી થયો, જેમાં ઇમિગ્રેશનનો પણ સમાવેશ થાય છે.
તે ઇમિગ્રેશનને લગતા કાયદાઓનું અમલીકરણ કરાવે છે. જેમાં લોકોને યુએસમાં ગેરકાયદેસર પ્રવેશતા અટકાવવા, આવી ગયા હોય તેમને પકડવા તથા તેમને દેશની બહાર કરવાની કામગીરી કરે છે.
ગેરકાયદેસર ઇમિગ્રન્સ્ટ્સ અને માનવતસ્કરો સામે કાર્યવાહી અને દેશમાં ડ્રગ્સ વિશેષ કરીને ફેન્ટાનિલને પ્રવેશતી અટકાવવાએ ડીએચએસની તાત્કાલિક પ્રાથમિકતા છે. આ સિવાય તે સાયબર સિક્યૉરિટી અને સુરક્ષા માટે પ્રવૃત્તિઓ પણ કરે છે.
ઇમિગ્રેશન મુદ્દે સીબીપી અને યુએસસીઆઈએસ જેવી એજન્સીઓ સાથે મળીને ડીએસએસ આ કામ કરે છે.
અમેરિકામાં દસ્તાવેજ વિનાના લોકોનું કેવી રીતે ચેકિંગ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઇસની વેબસાઇટ પ્રમાણે, ઍલેકઝાન્ડર હેમિલ્ટન અમેરિકાના સ્થાપકોમાંથી એક હતા. તેઓ દેશના પ્રથમ નાણામંત્રી પણ હતા. તેમણે દેશની અંદર આવતા સામાન પર જકાત નાખવાની કામગીરી હાથ ધરી. આમ આઇસની પુરોગામી સંસ્થાનો જન્મ થયો.
એ પછીની બે સદીઓ દરમિયાન કાયદા તથા સંજોગોના આધારે તેની ભૂમિકામાં ફેરફાર થતા રહ્યા, પરંતુ સૌથી મોટું પરિવર્તન માર્ચ-2001માં આવ્યું.
ત્યારે ઇમિગ્રેશન તથા કસ્ટમ માટે જવાબદાર અલગ-અલગ સંગઠનોના બદલે યુ.એસ. ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ એજન્સી સ્થપાઈ, જે ટૂંકમાં 'આઇસ' તરીકે ઓળખાય છે.
આઈસીઈ અમેરિકામાં 400થી વધુ સંઘીય કાયદાઓનું અમલીકરણ કરાવવા માટે જવાબદાર છે. તે નાગરિક તથા ફોજદારી સત્તાઓ ધરાવતું અનોખું સંગઠન છે.
આઇસની દેશ-વિદેશમાં 400થી વધુ ઑફિસો છે, જેમાં 20 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે અને તેનું વાર્ષિક બજેટ આઠ અબજ ડૉલર જેટલું છે.
આઈસીઈની ચાર પાંખો છે, જેમાંથી ઈઆરઓ (ઍન્ફોર્સમેન્ટ ઍન્ડ રિમૂવલ) એ ઇમિગ્રેશન સંબંધિત કામગીરી કરે છે અને સંબંધિત કાયદાઓનું અમલીકરણ કરાવે છે.
આઇસ ગેરકાયદેસર નિવાસીઓની અટકાયત અને તેમને બહાર કાઢવાની કામગીરી કરે છે. આ સિવાય અન્ય દેશોની સરકારો માટે વાંછુકોને શોધીને કાયદાકીય પ્રક્રિયાના અંતે તેમને પોત-પોતાના દેશમાં મોકલવાનું કામ પણ આઇસ કરે છે.
આઈસીઈનો લગભગ 10 ટકા સ્ટાફ દક્ષિણપશ્ચિમે આવેલી મૅક્સિકો સરહદે આવતા લોકો તથા સામાનનું સ્કેનિંગ કરવા માટે તહેનાત રહે છે. ઉત્તરની સરહદે પણ તે સક્રિય છે અને દેશની અંદર પણ ઑપરેશન્સ કરે છે.
એજન્સીના વર્ષ 2024ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, વર્ષ દરમિયાન તેણે 192 દેશના બે લાખ 71 હજાર 484 લોકોને દેશમાંથી બહાર કાઢ્યા હતા, જેમાંથી 88 હજાર 763 ઉપર આરોપો હતા કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. દરેક ક્રિમિનલ ઉપર સરેરાશ 5.63 કેસ હતા કે દોષિત ઠર્યા હતા.
યુ.એસ. સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (યુએસસીઆઈએસ) દ્વારા ઇમિગ્રેશન, નાગરિકત્વ સંબંધિત આવેદનો અને પિટિશનો સંબંધિત પ્રક્રિયા કરે છે.
અમેરિકાની સરહદે નિયંત્રણ અને ઇમિગ્રેશન સંબંધિત કામગીરી

ઇમેજ સ્રોત, Getty Images
1789માં યુ.એસ. કસ્ટમ સર્વિસ તેની પુરોગામી છે. એ પછી અલગ-અલગ સમયે ભિન્ન-ભિન્ન એજન્સીઓની સ્થાપના થતી ગઈ અને જવાબદારીઓનું વિભાજન થયું હતું.
પરંતુ 9/11ના હુમલા બાદ તેમને એકીકૃત કરવાની જરૂર જણાઈ એટલે પહેલી માર્ચ 2001ના દિવસે સીબીપી અસ્તિત્વમાં આવ્યું.
સીબીપીમાં 60 હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે, જે 300થી વધુ પોર્ટ પર ફરજ બજાવે છે. તેની કુલસંખ્યામાંથી બહુ થોડા જ 'વર્દીધારી' હોય છે. તે કૅનેડા, આયર્લૅન્ડ અને યુએઈસીમાં પણ ઑફિસો ધરાવે છે.
સીબીપીનું મુખ્ય કામ નશાકારક પદાર્થો, ગેરકાયદેસર સામાન, હથિયારો અને આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવાનું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય પ્રવાસ તથા વેપારમાં મદદરૂપ થવાનું છે.
સીબીપી અલગ-અલગ પોર્ટ-ઑફ-ઍન્ટ્રીની વચ્ચે તથા દેશમાં પ્રવેશ સમયે તેનો અમલ કરાવે છે. એજન્સીની વેબસાઇટ પર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, તે અમેરિકાની પહેલી એકીકૃત સરહદ નિયમન કરતી સંસ્થા છે.
જે સરહદના સંચાલન અને નિયંત્રણ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનનાં કામો, બૉર્ડર સિક્યૉરિટી અને ઍગ્રિકલ્ચર પ્રોટેક્શનનાં કામો કરે છે.
જાન્યુઆરી-2006માં સીબીપીએ તેની મરીન અને હવાઈ પાંખો ઊભી કરી, જે દરિયાઈ અને હવાઈ સીમાઓની સુરક્ષા કરે છે. ઑક્ટોબર-2006માં ઑફિસ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડની સ્થાપના કરવામાં આવી, જે આંતરરાષ્ટ્રીય વેપારને સુગમ બનાવવાનું કામ કરે છે.
સીબીપીના આંકડા પ્રમાણે, સંગઠને વર્ષ 2024 દરમિયાન 90 હજાર 415 ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા અટકાવ્યા હતા. વર્ષ 2023માં આંકડો 96 હજાર 917 તથા વર્ષ 2022માં 63 હજાર 927નો હતો.
જોકે, અલગ-અલગ એજન્સીઓ દ્વારા અલગ-અલગ પદ્ધતિથી ઇમિગ્રન્ટ્સ તથા તેમના નિકાલની ગણતરી કરવામાં આવતી હોવાથી તેમના આંકડાઓમાં તફાવત જોવા મળે છે.
ઉપરોક્ત એજન્સીઓ ઉપરાંતની સંઘીય એજન્સીઓ, રાજ્ય પોલીસતંત્ર, સ્થાનિક (કે કાઉન્ટી) પોલીસ તથા જનજાતીય એજન્સીઓ સાથે મળીને કામ કરે છે. ઘણી વખત આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો પણ સહયોગ મળતો હોય છે.
અમેરિકામાં ઇમિગ્રેશનનાં મૂળ અને ઇતિહાસ
20મી સદીની શરૂઆત સુધી માત્ર 'મુક્ત અને શ્વેત' લોકો જ અમેરિકામાં નાગરિકત્વ માટે અરજી કરી શકતા હતા. આ માટે વર્ષ 1789માં અમલમાં આવેલો કાયદો જવાબદાર હતો.
એ સમયે ભારતએ બ્રિટનનું સંસ્થાન હતું, એટલે અહીંના લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવી શકતા ન હતા. અલબત્ત, અમુક લોકોએ સિટીઝનશિપ મેળવવા માટે કેસ કર્યા હતા અને આંશિક સફળતા પણ મેળવી હતી.
1857માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે આફ્રિકન અમેરિકન લોકો ક્યારેય અમેરિકાના નાગરિક બની ન શકે.
1865માં 13મા બંધારણીય સુધાર દ્વારા અમેરિકાએ ગુલામીપ્રથાને નાબૂદ કરી. આ સાથે આફ્રિકન મૂળના લોકો અને તેમના સંતાનોની નાગરિકતા અંગે સવાલ ઊભા થયા.
વર્ષ 1868માં અમેરિકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું એ પછી બંધારણીય સુધાર દ્વારા પૂર્વ ગુલામ અને તેમનાં સંતાનોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું.
સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા આ આ ઇમિગ્રેશન માત્ર આફ્રિકન મૂળના લોકો સુધી મર્યાદિત ન રહ્યું તથા અન્ય વંશના લોકો સુધી પણ વિસ્તર્યું, જેનો લાભ સૌ પહેલાં એક ચાઇનીઝ મૂળના ઇમિગ્રન્ટના સંતાનને થયો.
1917માં અમેરિકાની કૉંગ્રેસે નવો કાયદો પસાર કર્યો અને 'પ્રતિબંધિત વિસ્તારો'માંથી શ્રમિકોના આગમન ઉપર નિષેધ મૂક્યો અને ભારત આવો જ વિસ્તાર હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સંસ્થાન હોવાને કારણે ભારતીયોએ અનેક મોરચે મિત્રરાષ્ટ્રોની લડાઈઓ બહાદુરીપૂર્વક લડી હતી. વર્ષ 1943માં લ્યૂસ-સૅલર ઍક્ટ પસાર થયો, જેમાં દર વર્ષે 100 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ આપવાનો ક્વૉટા નક્કી થયો.
વર્ષ 1952માં 'વંશીય ઓળખ' ક્રાઇટેરિયા હઠાવી દેવામાં આવ્યો, જેના કારણે ભારતીયો સહિત એશિયનો માટે અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરવાનો માર્ગ ખુલ્લી ગયો.
વર્ષ 1965માં કૌશલ્યવાનો માટે જન્મના દેશના આધારે ક્વૉટાની વ્યવસ્થા કાઢી નાખવામાં આવી, જેના કારણે અમેરિકાની જનસંખ્યા અને તેના ઘટક હંમેશાં માટે બદલી જનાર હતા.
9/11ની ઘટના પછી અમેરિકાએ ટૂરિસ્ટ વિઝા, કામ માટે આવતા લોકો માટેના વિઝા તથા નાગરિકત્વને લગતા કાયદા કડક કર્યા. આ સિવાય ત્યાં વસતા ગેરકાયદેસર રહીશો ઉપર કાર્યવાહી શરૂ કરી.
એ પછી પણ ડૉલરિયા દેશમાં પ્રવેશવા માટે 'કબૂતરબાજી', 'ડંકી રૂટ' અને 'ગ્રૂપ ચાર્ટર્ડ ફ્લાઇટ' જેવા રસ્તા અપનાવે છે. તેઓ આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન વેઠે છે અને ક્યારેક જીવ પણ ગુમાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













