ઉત્તર ગુજરાતના યુવાનોમાં કેમ વિદેશ જવાની 'ઘેલછા' વધુ જોવા મળે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, SIDDHARAJ SOLANKI/EPA-EFE/REX/Shutterstock

ઇમેજ કૅપ્શન, થોડા દિવસ પહેલાં અમેરિકામાંથી 33 ગુજરાતીઓ સહિત 100 કરતાં વધુ લોકોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા હતા
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારા ગામનો વિકાસ તો જુઓ. આ બધું વિદેશમાં વસતા લોકોના ભંડોળથી થાય છે. આ રોડ, આ પાણીની સગવડ, આ મંદિરો, આ બધું એટલા માટે શક્ય બન્યું છે, કારણ કે અમારા ગામના 90 ટકા જેટલા લોકો આજે વિદેશમાં વસવાટ કરે છે."

ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામના એક વતનીએ પોતાના ગામની સગવડો તરફ ધ્યાન દોરતાં કંઈક આ વાત જણાવે છે.

ઉત્તર ગુજરાતમાં એવાં અનેક ગામડાં છે, જે સામાન્ય ગામડાંથી અલગ છે. આ ગામડાંને એનઆરઆઇ ગામ તરીકે ઓળખાય છે. હાલમાં અમેરિકાથી ગુજરાતમાં ડીપૉર્ટ કરાયેલા લોકોમાંથી ઘણા લોકો ઉત્તર ગુજરાતનાં વિવિધ ગામડાં તેમજ ટાઉનના રહેવાસી હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં 'બાળપણથી જ લોકો વિદેશમાં જવાનું સ્વપ્ન જોવા લાગે છે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, નારદીપુરનું બસ સ્ટેશન

જોકે, ઉત્તર ગુજરાતના લોકો વિદેશ તરફ કેમ આકર્ષાય છે એવા સવાલના જવાબમાં નારદીપુરના ઘણા લોકો એક સૂરમાં કહે છે કે વિવિધ સમુદાયના લોકો, ખાસ કરીને પાટીદાર સમુદાયના ઘણા લોકોનું બાળપણથી વિદેશમાં જઈને વસવાટ કરવાનું સપનું હોય છે, તે માટે તેઓ કોઈ પણ ખતરો વેઠવા માટે તૈયાર હોય છે.

આ લોકો એક વખત વિદેશમાં વસવાટ કરી લે, ત્યાર બાદ તેઓ કમાઈને તેઓ પરિવારજનોને પૈસા મોકલે છે અને તે ભંડોળથી ગામનું વિકાસ થાય છે.

નારદીપુર ગામની તસવીર એક આદર્શ ગામ જેવી દેખાય છે. આરસીસીના પાકા રોડ, સ્વચ્છ અને ખુલ્લા રસ્તા, ભવ્ય રામજી મંદિર અને મોટા બંગલા. અહીં રહેતા લોકોએ જણાવ્યું કે નારદીપુરના મોટા ભાગના લોકો વિઝિટર વિઝા પર અમેરિકા કે કૅનેડા જાય છે અને ત્યાર બાદ ત્યાં જ રહી જાય છે.

આ ગામનો પ્રચાર 'મંદિરોની નગરી' તરીકે કરવામાં આવે છે. ગામમાં પ્રવેશ કરતા જ ખબર પડી જાય કે આ કોઈ 'સામાન્ય ગામ' નથી.

એક સ્થાનિક રહેવાસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "આ મંદિર બનાવવા માટે વિદેશમાં રહેતા લોકોએ મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું."

આ ગામમાં રહેતી એક વ્યક્તિ પોતાનું નામ ન આપવાની શરતે જણાવે છે કે, "અમારા ગામના લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરી રહી છે, તેઓ બે નંબરમાં (ગેરકાયદેસર રીતે) ત્યાં જાય છે અને ત્યાં વસવાટ કરીને નાગરિક બની ગયા પછી પોતાના ગામના વિકાસ માટે યોગદાન આપે છે."

નારદીપુરથી આશરે 15 કિલોમીટરના અંતરે ચંદ્રાનગર ડાભલા ગામ આવેલું છે. આ ગામમાં પ્રવેશ કરતા મોટા બંગલા દેખાય છે.

બંગલાની આસપાસ મોટી જગ્યા, ગાડી, ચબૂતરા, અને ખુલ્લા રસ્તા જોવા મળે છે. આ ગામમાંથી પણ પાંચ લોકોને અમેરિકાથી ડિપૉર્ટ કરવામાં આવ્યા છે.

આ ગામના ચોતરે બેઠેલા અમુક લોકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે હવે, વિદેશમાં વસવાટ કરવા માટે પાટીદાર ઉપરાંત અન્ય સમાજના લોકો પણ વિદેશ ભણી જાય છે.

જોકે, આ વખતે અમેરિકાથી ડિપૉર્ટ થયેલા લોકોમાં મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના ડાભલા, બોરુ, નારદીપુર, ઇન્દ્રપુરા, બાપુપુરા, જામલા અને માણસા વગેરે જેવા વિસ્તારોથી અમેરિકા પહોંચ્યા હતા.

શું માત્ર પાટીદાર સમાજના લોકો જ વિદેશ જાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, Pavan Jaiswal

ઇમેજ કૅપ્શન, ઉત્તર ગુજરાતના નારદીપુર ગામના રહેવાસીઓ ગામમાં થયેલા વિકાસ માટે અહીંથી વિદેશ ગયેલા લોકોના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણાવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં જે લોકોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે, તેમાંથી પાટીદાર સમુદાયના લોકોની સંખ્યા વધુ છે.

પરંતુ આ યાદીમાં પાટીદારો ઉપરાંત બીજી જ્ઞાતિના લોકો પણ છે. દાખલા તરીકે ઇન્દ્રપુરા, બાપુપુરા, ગોઝારિયા અને જામલા જેવાં ગામોમાં રહેતા પાટીદાર સિવાયના અન્ય સમાજના લોકો પણ આ યાદીમાં હતા.

જોકે આ ગામના લોકો સાથે બીબીસી ગુજરાતીએ જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે પોતાની ઓળખ જાહેર કરીને વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

પરંતુ અમુક લોકોએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

ચંદ્રનગર ડાભલા ગામનાં એક આગેવાન મહિલાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "હજી મહિના પહેલાં જ વિઝિટર વિઝા મેળવીને આ લોકો અમેરિકા પહોંચ્યા હતા. તેઓ બૉર્ડર પર જ પકડાઈ ગયા અને ત્યાર બાદ તેમને અહીં મોકલવામાં આવ્યા."

જોકે, પ્રશ્ન એ થાય છે કે ઉત્તર ગુજરાતથી જ કેમ આ પ્રકારે ઘણા લોકો વિદેશ તરફ જતા હોય છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને ઉત્તર ગુજરાતના સિનિયર નેતા નીતિનભાઈ પટેલ સાથે વાત કરી.

તેમણે જણાવ્યું કે, "આ કંઈ આજની વાત નથી, આ તો વર્ષોથી ચાલી રહ્યું છે. પરિવારના કે ગામના કોઈ માણસ વિદેશ ગયા હોય તો તેઓ આમને બોલાવે, તેમાં ખોટુ શું છે. આ લોકો યોગ્ય વિઝા વગર જતા હોય છે, તે વાત સાચી, પરંતુ ત્યાં પહોંચીને તેઓ એક સારા નાગરિક તરીકે જીવન પસાર કરે છે. ત્યાંના અર્થતંત્રને વેગ આપવા માટે આ લોકો મહેનત કરે છે. તેઓ એક સારા નાગરિક બનીને રહે છે."

તેઓ વધુમાં જણાવે છે કે, "ઉત્તર ગુજરાતના વિકાસમાં પણ આવા લોકોનો ખૂબ મોટો ફાળો છે."

બીબીસી ગુજરાતીએ આ વલણના વધુ કારણો સમજવા માટે બીજા પણ ઘણા સમાજિક કાર્યકર્તાઓ સાથે વાત કરી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, Pavan Jaiswal

ઉત્તર ગુજરાતના સમાજિક કાર્યકર અને સરદાર પટેલ ગ્રૂપના કલોલ વિસ્તારના આગેવાન ભાવેશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે :

"બધાને ખબર છે કે આ વિસ્તારમાં ધંધા-રોજગારીની ઝાઝી તકો નથી. મોંઘવારી ઘણી વધી ગઈ છે, અમદાવાદ જેવા વિસ્તારમાં એક દુકાન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે. આટલા પૈસા ખર્ચ કર્યા બાદ પણ સફળતા મળશે જ તેની કોઈ ગૅરંટી હોતી નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો વિચારતા હોય છે કે આટલા પૈસા નાખીને જો વિદેશ જઈ શકાય, અને જો ત્યાં પાંચ વર્ષ સુધી કામ કરી લીધું તો સારી એવી કમાણી કરી શકાય. આવું વિચારીને લોકો વિદેશમાં જવાનું વધારે પસંદ કરે છે."

ભાવેશ પટેલ 'માત્ર પાટીદાર સમાજમાંથી ઘણા લોકો વિદેશ જાય છે' એ વિચારને ભૂલભરેલું ગણાવતાં કહે છે કે, "એવું નથી કે માત્ર પાટીદાર સમાજના લોકો જ વિદેશ જાય છે, જે ગામડેથી પાટીદારો ગયા હતા, હવે તે જ ગામડેથી બીજી જ્ઞાતિના લોકો પણ વિદેશમાં જઈ રહ્યા છે, એટલે હવે ધીરે ધીરે એ માન્યતા પણ દૂર થઈ રહી છે કે માત્ર પાટીદારો જ વિદેશમાં રહેવા જાય છે."

આવી જ રીતે ઉત્તર ગુજરાતના એક સમાજિક કાર્યકર પૂર્વીન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અહીંથી કોઈ વિદેશમાં જવાનું નક્કી કરે અને તે માટે ખર્ચ કરવા તૈયાર થાય તો વિદેશમાં તેમને એક કે બીજી રીતે તેમના ગામના કે સમાજના લોકો દ્વારા મદદ મળી જાય છે. માનવતાના ધોરણે મળેલી આ મદદને કારણે તેમને ત્યાં વસવાટ કરવામાં મદદ મળે છે."

તેઓ વધુમાં કહે છે કે, "સમાન્ય રીતે મદદ કરનાર માણસને વિશ્વાસ હોય છે કે જો હું તેને કોઈ નાણાકીય મદદ કરીશ તો એ પૈસા પાછા આવશે. ગામમાં લોકો બધાને ઓળખતા હોય છે, માટે કોઈ ને કોઈ પણ પ્રકારનો અવિશ્વાસ રહેતો નથી."

પૂર્વીનભાઈ વધુમાં જણાવે છે કે, "યોગ્ય દસ્તાવેજો વગર વિદેશમાં જતા લોકોને તેમના પરિવારજનો, સમાજના લોકો કે પછી ગામલોકો તરફથી એટલી મદદ મળી જાય છે કે શરૂઆતના અમુક મહિના આ લોકો તેમની સાથે રહીને ધીરે ધીરે ત્યાં સેટ થઈ જાય છે."

વિદેશથી પરત ફરેલા યુવાને શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ઉત્તર ગુજરાતના એક ગામની તસ્વીર

કચ્છ જિલ્લામાં રહેતા એક યુવાને પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે તેઓ જ્યારે વિદેશમાં પહોંચ્યા ત્યારે અને ત્યાર બાદ તેમને કેટલી તકલીફ પડી હતી.

આ યુવાન સ્ટુન્ડન્ટ વિઝા પર યુકે ગયા હતા અને 2008 થી 2012 સુધી ત્યાં રહીને બેકરીમાં નોકરી કરી હતી.

તેઓ કહે છે કે, "હું તો એવું માનું છું કે જો કોઈ વ્યક્તિ મહિને 40-50 હજારની કમાણી અહીં રહીને કરી શકે તો તેવી વ્યક્તિને વિદેશ જવાની લાલચ રાખવી ન જોઈએ."

તેઓ આગળ કહે છે કે, "મારી ચામડીનો રંગ સફેદ ન હોવાને કારણે અનેક સ્થળે મને ભેદભાવનો અહેસાસ થયો હતો, તેની સાથે સાથે મારે મારો ખર્ચ કાઢવા માટે અમુક વખતે દિવસના 14 કલાક સુધી પણ કામ કરવું પડતું હતું. ભારતીય સમાજથી વિપરીત, ત્યાં કોઈ પણ પ્રકારની મદદ કે સહાય મળવી મુશ્કેલ છે."

તેઓ વધુમાં કહે છે કે, "વિદેશમાં જવાની લાલચ કરવા કરતા અહીં મહેનત કરવી મને વધારે યોગ્ય લાગી એટલે હું ચાર વર્ષે પાછો આવી ગયો અને હવે બધાને એવું જ કહું છું કે અહીં રહીને મહેનત કરો."

છેલ્લાં 15 વર્ષમાં 15 હજારથી વધુ લોકોને અમેરિકાએ પરત મોકલ્યા છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુવાનો, અમેરિકા, વિદેશ, ઉત્તર ગુજરાત, પાટીદાર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી 104 ભારતીયોને તાજેતરમાં ડિપૉર્ટ કરાયા હતા, જેમાં 33 ગુજરાતી પણ સામેલ હતા

વર્ષ 2009 થી 2024 સુધી લગભગ 15,756 જેટલા લોકોને અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા.

સંસદમાં આપેલા એક જવાબમાં વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું હતું, "આ પ્રથમ વખત નથી કે આવી રીતે લોકોને પાછા ભારત ડિપૉર્ટ કરવામાં આવ્યા હોય. 2024માં 1368, 2023માં 617, 2022માં 862 એમ ઘણા લોકોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે."

સંસદમાં રજૂ કરાયેલા આ જવાબ પ્રમાણે 2019માં સૌથી વધુ 2,042 લોકોને અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 2020માં 1889, 2016 માં 1303 લોકોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.