બે વર્ષ પહેલાં અમેરિકા જવા નીકળેલા નવ ગુજરાતીઓ જે એક ટાપુ પર ગયા પછી ખોવાઈ ગયા, પછી એમની સાથે શું થયું?

 અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, MANISHA PATEL

ઇમેજ કૅપ્શન, અવની પટેલ
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારા પતિને ક્યાંકથી તક મળે અને અમને ફોન કરે તેવી આશાએ છેલ્લાં બે વર્ષથી હું અને અમારા પરિવારના લોકોના મોબાઇલમાં એક સેકન્ડ માટે પણ ઇન્ટરનેટ બંધ થવા દેતા નથી."

"મારા પતિ સાથે મારે છેલ્લે 3 ફેબ્રુઆરી, 2023ની રાત્રે 12 વાગે ફોન પર વાત થઈ હતી. પછી વાત થઈ નથી. કોઈ એક બે વ્યકિત હોય તો તેમની ભાળ ન મળે પરંતુ આ તો નવ લોકો હતા. જેમના સારા કે ખરાબ કોઈ જ સમાચાર મળી રહ્યા નથી. કોઈ એકના તો કંઇ સમાચાર મળવા જોઈએ."

આ શબ્દો છે અમેરિકા જતા રસ્તામાં બે વર્ષથી ગુમ થયેલા ભરત દેસાઈનાં પત્ની ચેતના દેસાઇના કે જેઓ બે વર્ષથી પોતાના પતિ પરત આવી જાય તેની રાહ જોઈ રહ્યાંં છે.

ચેતના દેસાઈ જ નહીં, પરંતુ ગુજરાતના નવ પરિવાર છે, જેઓ તેમનાં સ્વજનોની આવવાની રાહ જોઈ રહ્યાં છે.

ભરત દેસાઈ સહિતના નવ લોકો જાન્યુઆરી 2023માં વિઝા વગર અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં જ ગુમ થઈ ગયા છે. હાલ ક્યાં છે કેવી હાલતમાં છે તે અંગે કોઈને કંઇ જ ખબર નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. ભારતના 104 લોકોને લઈને અમેરિકાનું સૈન્યવિમાન 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર પહોચ્યું હતુ. આ લિસ્ટમાં ગુજરાતના 33 લોકો હતા જેઓ કાયદેસરના દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા હતા.

આ ગુમ થયેલા નવ લોકો જાન્યુઆરી 2023માં મુંબઈથી અલગ અલગ દેશમાં ફરતાં ફરતાં અમેરિકા જવાના હતા.

આ નવ લોકો પાસે અમેરિકાના વિઝા નહોતા. તેમની પાસે ડોમેનિકા રિપબ્લિક દેશ સુધીના વિઝા હતા.

ડોમેનિકા રિપબ્લિકમાં હતા ત્યારે પરિવાર સાથે છેલ્લો સંપર્ક થયો હતો. ત્યારે તેમણે ઍન્ટિગુઆ ટાપુ તરફ જવા નીકળવાની વાત કરી હતી.

આ સમગ્ર ઘટનામાં પીડિત પરિવારોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને વિદેશની ધરતી ઉપર ગુમ નવ લોકોના જીવ બચાવવા માટે સત્તાવાળાઓને જરૂરી આદેશ આપવા દાદ માગી છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

પરિવારોનું શું કહેવું છે ?

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા વાઘપુર ગામના ભરત દેસાઈનું નામ પણ ગુમ થયેલા નવ લોકોની યાદીમાં છે.

બીબીસી ગુજરાતીએ ભરત દેસાઈનાં પત્ની ચેતનાબહેન સાથે વાત કરી હતી. રડતી આંખે ચેતનાબહેને કહ્યું, "મારા પતિ વિના હું અને મારાં બાળકો લાચાર છીએ. હું પશુપાલન કરીને ગુજરાન ચલાવું છું."

"હું અને મારાં ત્રણ બાળકો દિવસ-રાત મારા પતિની રાહ જોઈ રહ્યાં છીએ. રાતે કોઈના ફોનની રિંગ વાગે તો મને લાગે કે એમનો ફોન હશે? કોઈ અજાણ્યા નંબરનો ફોન આવે તો મને લાગે કે એમનો ફોન હશે? અમે તેમની કાગડોળે તેમની રાહ જોઈએ છીએ. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ મારા પતિ સહિતના નવ લોકોને શોધીને પરત લાવે."

અમેરિકા જવા પાછળનાં કારણો અંગે વાત કરતાં ચેતનાબહેન જણાવે છે," મારા પતિ અમેરિકા ગયા તે પહેલાં પણ અમે સાથે મળીને પશુપાલન જ કરતાં હતાં. જોકે અમારું ગુજરાન ચાલતું હતું, પરંતુ તે ત્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા માટે જ ગયા હતા. જેથી બાળકોનું ભવિષ્ય સુધરી જાય. જોકે, હવે અમે એટલું જ ઇચ્છીએ છીએ કે તે સહીસલામત પાછા આવી જાય. મરચુંને રોટલો ખાઈ લઈશું પરંતુ એમને ક્યાંય જવા નહીં દઈએ."

ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામની અવનીએ બીસીએનો અભ્યાસ કર્યો હતો. 30 વર્ષની અવની સાથે પરિવારે 3 ફેબ્રુઆરી, 2023ના રોજ છેલ્લે વાત થઈ હતી.

અવનીનાં માતા મનિષાબહેન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મારી દીકરીનો અવાજ સાંભળે અમને બે વર્ષ થઈ ગયાં. બે વર્ષથી દિવસ રાત અમે તેની રાહ જોઈએ છીએ. અમેરિકાએ આ 33 લોકોને પરત મોકલ્યા તેમ અમારી દીકરી અને તેની સાથે ગયેલા આઠ લોકોને પણ શોધીને પરત મોકલે તેવી અમારી અરજી છે."

"મારી અવની જાન્યુઆરી-2023માં મુંબઈથી નેધરલૅન્ડ થઇને ડોમેનિકા દેશ ગયા હતા. તેની પાસે ડોમેનિકા દેશના કાયદેસરના વિઝા હતા. ડોમેનિકાથી તેઓ ઍન્ટિગુઆ જવા નીકળશે એવી છેલ્લે વાત થઈ હતી. જોકે, ત્યારબાદ અમારો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. અવની અને તેની સાથે નીકળેલા આઠ લોકો ક્યાં ગયા, શું થયું? તે અંગે અમને કંઈ જ ભાળ મળી નથી."

ગુમ થયેલા નવ લોકોને શોધવા માટે જાહેર હિતની અરજી

હર્ષિલ ધોળકીયા, અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, SAGAR PATEL

ઇમેજ કૅપ્શન, હર્ષિલ ધોળકીયા કે જેઓ આ નવ ગુમ થયેલા લોકોના વકીલ છે

ભારત સરકાર તેમજ ગુમ થયેલા લોકોની લીગલ ટીમ દ્વારા અલગ-અલગ દેશ અને ટાપુઓની ઑથૉરિટી સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના વકીલ હર્ષિલ ધોળકીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું,"જાન્યુઆરી 2023માં ગુજરાતના 9 નાગરિકો ડોમેનિકા સુધી ગયા હતા. તેમના પ્લાન મુજબ ડોમેનિકાથી તેઓ દરિયાઈ માર્ગે આગળ જવાના હતા. આ નવ લોકો 3 ફેબ્રુઆરીએ ડોમેનિકા રિપબ્લિકથી દરિયાઇ માર્ગે ઍન્ટિગુઆ ટાપુ જવા નીકળ્યા હતા."

"3 ફેબ્રુઆરી, 2023થી 7 ફેબ્રુઆરી, 2025 સુધી એ લોકોની કોઈ ભાળ મળી નથી. નવમાંથી કોઈએ પણ તેમના પરિવારનો સંપર્ક કરેલ નથી.

આ જાહેરહિતની અરજીને મામલે અત્યાર સુધીમાં શું પ્રક્રીયા થઈ તે અંગે વાત કરતાં હર્ષિલ ધોળકીયા જણાવે છે કે "ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જાહેર હિતની અરજીના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, યુનિયન ઑફ ઇન્ડિયાને નોટિસ પાઠવી હતી. મંત્રાલયો તરફથી જે-તે ટાપુ અને જે-તે દેશમાં સ્થિત ભારતીય હાઇકમિશનને સૂચના આપી હતી કે ગુમ થયેલા આ નવ નાગરિકોની ભાળ મેળવવા માટે જેટલા પણ પ્રયત્ન કરવા પડે તે પ્રયત્ન કરો અને તે અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરો."

"ભારત સરકારનાં સંબધિત મંત્રાલયો તરફથી હાઇકમિશનને જે-તે દેશ અને ટાપુ પર મોકલીને શોધખોળ શરૂ કરી હતી. તેમણે સ્થાનિક પોલીસ તેમજ મેરિટાઇમ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત તેમણે સ્થાનિક ડિટેન્શન સેન્ટર, જેલ વગેરે જગ્યાઓ પર પણ સંપર્ક કર્યો હતો. પરંતુ આજ દિન સુધી કોઈ પણ જગ્યાઓ પર પણ આ નવ નાગરિકો અંગે કોઈ માહિતી મળી નથી."

"જોકે અમે તો એ પણ તૈયારી બતાવી છે કે આ લોકોની કોઈ ભાળ મળે તો અમારી ઍડ્વોકેટની ટીમ તે દેશમાં જાય અને ત્યાંના પ્રવર્તમાન કાયદાઓના અનુસંધાનમાં રહીને આ નાગરિકોને ભારત પરત લાવીએ. પરંતુ તેમની ભાળ ન મળે ત્યાં સુધી આ તમામ પગલાં લેવાં વ્યર્થ છે.

"આ જાહેરહિતની અરજીની આગામી સુનાવણી 7 માર્ચ 2025નાં રોજ છે."

ગુમ થયેલા લોકો કયાં ફર્યા હતા?

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જાહેર હિતની અરજીમાં જણાવ્યા અનુસાર નવ લોકો 12 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈથી નેધરલૅન્ડના ઍમસ્ટર્ડેમ ગયા હતા.

ઍમસ્ટર્ડેમથી પૉર્ટ ઑફ સ્પેન, ત્યાંથી લ્યુસિયા અને ત્યારબાદ ડોમેનિક રિપબ્લિક ગયા હતા.

આ નવ લોકોની તેમના પરિવાર સાથે ડોમેનિક રિપબ્લિકમાં હતા ત્યાં સુધી સંપર્કમાં હતા.

ડોમેનિક રિપબ્લિકથી તેઓ ઍન્ટિગુઆ જવા રવાના થયા હતા, પરંતુ ત્યારબાદ સંપર્ક થઈ શક્યો નથી.

તેઓ ઍન્ટિગુઆથી અમેરિકામાં પ્રવેશ કરીને રાજ્યાશ્રય મેળવવાનો પ્રયત્ન કરવાના હતા.

અમેરિકા જવા નીકળ્યા બાદ ગુમ થયેલા ગુજરાતીઓ

1. પ્રાંતિજના વાઘપુરના ભરત દેસાઈ

2. ગાંધીનગરના કલોલના અંકિત કાંતિ પટેલ

3. મહેસાણાના આબલિયાસણના કિરણકુમાર તુલસી પટેલ

4. ગાંધીનગરના સરઢવનાં અવની જિતેન્દ્રકુમાર પટેલ

5. મહેસાણાના હેડુવાના સુધીરકુમાર હસમુખ પટેલ

6. નડિયાદના ઉત્તરસંડાના પ્રતીકભાઈ હેમંત પટેલ

7. મહેસાણાના સિપોરના નિખિલકુમાર પ્રહલાદ પટેલ

8. મહેસાણાના આબલિયાસણનાં ચંપા ફતેસિંહ વસાવા

9. ગાંધીનગરના નારદીપુરના ધ્રુવરાજસિંહ બલવંતસિંહ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.