અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને બહાર કાઢવાનો પ્લાન બનાવનાર 'માસ્ટરમાઇન્ડ' કોણ છે?

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની નવી ટીમમાં સ્ટીફન મિલર નીતિગત મામલાના ડેપ્યુટી ડાયરેક્ટર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી કડક ઇમિગ્રેશન નીતિ પાછળ કોઇ માસ્ટરમાઇન્ડ હોય તો એ સ્ટિફન મિલર છે. 39 વર્ષના આ ઘોર કન્ઝર્વેટિવ રિપબ્લિકને ટ્રમ્પ કરતાં પહેલાં ઇમિગ્રન્ટ પરિવારોને અલગ કરવા જેવા ઘણા કડક નિયમો બનાવ્યા હતા.

હવે, વ્હાઇટ હાઉસમાં મિલરે પોતાની તાકાત અને દરજ્જો વધારી દીધો છે.

તેઓ હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને નીતિગત મામલોના ડેપ્યુટી ડાયરેકટર છે.

ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે પદ સંભાળ્યું તે દિવસે જે ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં મિલરની સહી પહેલાથી જ કરાયેલી હતી.

આ આદેશોમાં જન્મજાત નાગરિકતા નાબૂદ કરવાનો અને દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો સમાવેશ થતો હતો.

આ પગલું એ ઉગ્ર રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે જેને આ રિપબ્લિકન સભ્ય 'ટ્રમ્પિઝમ'ના નામે શરૂઆતથી જ જોરશોરથી પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ મીડિયામાં પોતાના પ્રસ્તાવોનો બચાવ કરવામાં ખૂબ સક્રિય જોવા મળ્યા હતા.

"આ દેશને આ કબજામાંથી બચાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ અને નિર્દેશન હેઠળ, સંઘીય દળોની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીશું," તેમણે બુધવારે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું.

સ્ફિફન મિલરને વ્હાઇટ હાઉસના સૌથી કઠોર, નીડર અને પ્રતિષ્ઠિત વ્યક્તિ માનવામાં આવે છે.

સત્તા સુધી કેવી રીતે પહોંચ્યા?

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટિફન મિલરનાં લગ્ન કૅટી વાલ્ડમૅન સાથે થયાં છે, જેઓ પહેલાં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસનાં પ્રેસ સેક્રેટરી હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1985માં કૅલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં એક યહૂદી પરિવારમાં જન્મેલા મિલર રૂઢિચુસ્ત વ્યક્તિઓ અને મીડિયા પ્લૅટફૉર્મથી પ્રભાવિત હતા અને તેઓ નાની ઉંમરે જ રાજકારણમાં રસ લેતા હતા.

માત્ર 16 વર્ષની ઉંમરે, એમણે એક સ્થાનિક અખબારને એક પત્ર લખ્યો જેમાં તેમણે તેમની હાઇસ્કૂલમાં દેશભક્તિની ભાવના ઓછી હોવાની ટીકા કરી હતી. એક રૂઢિચુસ્ત કાર્યકર્તા તરીકે એમણે દલીલ કરી કે લેટિન મૂળના વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં ફક્ત અંગ્રેજી બોલવું જોઈએ.

તેમની રાજકીય તાલીમ ડ્યૂક યુનિવર્સિટીમાં થઈ, જ્યાં તેઓ 2007 માં રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા.

જ્યારે કૉલેજ લૅક્રૉસ ખેલાડીઓના એક જૂથ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો, ત્યારે મિલરે તેમના બચાવમાં અવાજ ઉઠાવ્યો. ખેલાડીઓ આખરે નિર્દોષ સાબિત થયા, જેના કારણે મિલરને મીડિયામાં ઝળકવાની તક મળી.

આ સમયની આસપાસ તેમણે પોતાને જાણીતા 'શ્વેત સર્વોપરિતાવાદી' રિચાર્ડ સ્પેન્સર જેવા વિવાદાસ્પદ વ્યક્તિઓ સાથે જોડવાનું શરૂ કર્યું. જોકે, બંને વચ્ચે ગાઢ સબંધ હોવાનો મિલરે ઇન્કાર કર્યો હતો.

સ્નાતક થયા પછી, તેમણે કૉંગ્રેસના રિપબ્લિકન સભ્યોના કૉમ્યુનિકેશન સલાહકાર તરીકે કામ કર્યું અને 2009 માં તેઓ તત્કાલીન સેનેટર જેફ સેશન્સ સાથે જોડાયા, જેઓ ઇમિગ્રેશન પર તેમના કટ્ટર વલણ માટે જાણીતા હતા.

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મિલર ટ્રમ્પનો પક્ષ લેતા અને તેમની કૅરિયરમાં ટ્રમ્પની વાતનો વિરોધ કર્યો હોય તેવું નથી બન્યું

સેશન્સના નેતૃત્વમાં, મિલરે 2013 માં ઇમિગ્રેશન સુધારણા કાયદાનો વિરોધ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેનાથી ખુલ્લી સરહદોની નીતિ વિરોધી વ્યક્તિ તરીકેની તેમની છબી વધુ મજબૂત બની હતી.

2016 માં, તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ અભિયાનમાં નીતિગત સલાહકાર અને સ્પીચ રાઇટર તરીકે જોડાયા.

ટ્રમ્પના રાષ્ટ્રવાદી અને ઇમિગ્રેશન વિરોધી વલણને આકાર આપવાનો શ્રેય મિલરને આપવામાં આવે છે, ઉદાહરણ તરીકે ટ્રમ્પના 2017નું શપથ ગ્રહણ ભાષણ, મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર ઇમિગ્રેશન પ્રતિબંધ, અને અનિયમિત સ્થળાંતર કરનારાઓના પરિવારોને અલગ કરવાના નિર્ણયમાં મિલરની ભૂમિકા હતી.

પોલિટિકો પ્રમાણે, ટ્રમ્પના વિઝનનું અર્થઘટન અને એને આગળ વધારવાની મિલરની આવડતે, ટ્રમ્પ માટે 2017 અને 2021ની વચ્ચેના ગાળામાં એક જરૂરી વ્યક્તિત્વ બનાવી દીધા.

ત્યારથી મિલર ઇમિગ્રેશન પરના તેમના કટ્ટર વિચારો અને અત્યંત વિવાદાસ્પદ વિચારોને નક્કર નીતિઓમાં ફેરવવા માટે જાણીતા બન્યા છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ અનુસાર, આ રિપબ્લિકન સલાહકારની ગોપનીય રીતે કામ કરવાની અને આંતરિક વિરોધને ટાળવાની વ્યૂહરચનામાં નિપૂણતા હતી, જેણે તેમને 'ટ્રમ્પિઝમ'નાં કેટલાંક સૌથી આમૂલ પગલાં અમલમાં મૂકવામાં મદદ કરી હતી.

શું હતી મિલરની રણનીતિ?

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં સ્ટિફન મિલર તેમનું ભાષણ લખવા અને ઇમિગ્રેશન નીતિ બનાવવામાં સક્રિય હતા

તેમના બીજા કાર્યકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે મિલરને 'બોર્ડર ઝાર' ટૉમ હૉમન સાથે મુખ્ય નીતિ નિર્માતા બનાવીને ઇમિગ્રેશન ઍજન્ડાને વધુ તાકાત આપી.

નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે, મિલરે ટ્રમ્પના ઇમિગ્રેશન ઍજન્ડાને અમલમાં મૂકવા માટે અનેક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડરનો મુસદ્દો તૈયાર કરવામાં આગેવાની કરી હતી. જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશને પ્રતિબંધિત કરવાનો અને યુએસ ભૂમિ પર પહેલાથી જ રહેલા લોકોને દેશનિકાલ કરવાનો પ્રમુખ મુદ્દો હતો.

આમાંનો એક આદેશ જન્મ આધારિત નાગરિકતા નાબૂદ કરવાનો છે. આ એક એવું પગલું છે જે યુ.એસ. બંધારણના 14મા સુધારા હેઠળ આપવામાં આવેલા ઐતિહાસિક અધિકારને નકારી કાઢે છે અને તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

તેમણે ટાઇટલ 42 પુનઃસ્થાપિત કર્યું, જે જાહેર આરોગ્યના નામે મૅક્સીકન સરહદ બંધ કરવાની મંજૂરી આપે છે, તેમજ દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે.

નિષ્ણાતો કહે છે કે પ્રત્યાર્પણ કામગીરી હાથ ધરવા માટે અભૂતપૂર્વ લશ્કરીકરણને વાજબી ઠેરવવા માટે આ કરવામાં આવે છે.

તેમણે આશ્રય આપવાની અરજીઓ નકારી કાઢી છે. તેમણે વધુ શરણાર્થીઓને પ્રવેશ આપવાનો પણ ઇન્કાર કર્યો છે અને ડ્રગ કાર્ટેલને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કર્યું છે.

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાર્યકાળ ગ્રહણ કર્યા બાદ ટ્રમ્પે અનેક કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઇમિગ્રેશન નીતિ મામલાનો આદેશ પણ હતો. આ નીતિ બનાવવા પાછળ મિલરનો હાથ છે

એક સાથે આટલા આદેશો પસાર કરવાને કેટલાક જાણકાર એમને સેચુરેશન સ્ટ્રેટેજી કહે છે. એમનું માનવું છે કે આની પાછળ પણ મિલર જ માસ્ટરમાઇન્ડ છે.

પોલિટિકો કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને નવી નીતિઓનો બચાવ કરવા માટે ન્યાય વિભાગ પર વિશ્વાસ નહોતો. તેમણે ખાતરી કરી કે શક્ય તેટલા ઓછા કાનૂની અવરોધો સાથે તેનો અમલ કરી શકાય. આ માટે તેણે બહારના વકીલોની મદદ લીધી.

આવો અભિગમ દર્શાવે છે કે મિલરે ટ્રમ્પના પહેલા કાર્યકાળમાંથી શીખ્યા છે, જ્યારે ટ્રાવેલ બૅન જેવાં પગલાં કાનૂની અવરોધોનો સામનો કરતાં હતાં.

મિલરે સરકારની બહારના પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વ્યૂહાત્મક સંબંધો સ્થાપિત કર્યા છે, જેમ કે ઉદ્યોગપતિ એલન મસ્ક, જેમણે તાજેતરમાં ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવ્યું છે.

ટ્રમ્પના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે રૂઢિચુસ્ત કાનૂની સંગઠન 'અમેરિકા ફર્સ્ટ લીગલ'ની રચના કરી છે, જે ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ અને સંગઠનો સામે ચાલતા મુકદ્દમા અને મીડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપે છે.

આમ, સ્ટીફન મિલર ફક્ત 'ટ્રમ્પિઝમ'ની સૌથી ક્રાંતિકારી નીતિઓના શિલ્પી નથી, પણ એક વ્યૂહરચનાકાર પણ છે જેમણે તેમને અસરકારક રીતે અમલમાં મૂકવાની યુક્તિઓમાં નિપુણતા મેળવી છે.

ટ્રમ્પ પ્રત્યેની વફાદારી

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે એલન મસ્ક પર મિલરનો પ્રભાવ છે

વર્ષ 2016ના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સ્ટિફન મિલરે ડોનોલ્ડ ટ્રમ્પ પ્રત્યે વફાદારી બતાવી હતી અને ટ્રમ્પના સૌથી અંગત મિત્ર બની ગયા હતા.

મિલર જ્યારે ટ્રમ્પની ટીમમાં જોડાયા ત્યારે એમની વ્હાઇટ હાઉસની રેસમાં ગણતરી પણ નહોતી થતી. મિલરે ટ્રમ્પની શરૂઆતનાં કેટલાંક ભાષણો લખ્યાં હતાં. ટ્રમ્પના રાષ્ટ્રવાદી વલણને સફળતાપૂર્વક આકાર આપ્યો.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ પ્રમાણે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન મિલરે વ્હાઇટ હાઉસના આંતરિક વિવાદોમાં સામેલ ન થતા પ્રશાસનના સૌથી કટ્ટર અને ઉદારવાદી બંને વર્ગ સાથે સારા સબંધો રાખ્યા.

પણ ટ્રમ્પના વર્તુળમાંથી બહાર કોઇ પણ વ્યક્તિની એમણે તરફેણ ન કરી. જેમ જૅફ સેશન્સના મામલે થયું. જૅફ સેશન્સ એમના પૂર્વ ગુરુ અને સેનેટમાં એમના બૉસ હતા.

2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ સાથે મતભેદ વચ્ચે એટર્ની જનરલના પદ પરથી સેશન્સે રાજીનામું ધરી દીધું હતું. મિલરની વફાદારી પોતાના લીડર પ્રત્યે રહી હતી અને પોતાના પૂર્વ સહયોગી સાથે મિલરે અંતર રાખ્યું હતું.

તેઓ કોઇ પણ દલીલબાજી કર્યા વગર ટ્રમ્પના આદેશને હંમેશા માને છે અને આદર આપે છે.

પોલિટિકો અનુસાર મિલર અંગત બેઠકમાં ક્યારેય રાષ્ટ્રપતિની કોઇ વાત વચ્ચેથી કાપતા નથી. ટ્રમ્પ જે કંઇ પણ નિર્ણય લે એમાં તેઓ પોતાની જાતને ઢાળી દે છે. આ જ કારણે પહેલા કાર્યકાળ દરમિયાન કૅબિનેટમાં થયેલા બદલાવો અને પાર્ટીના આંતરિક વિવાદોથી પોતાની જાતને દૂર રાખી શક્યા.

2020માં બાઇડનનું ચૂંટણી જીતવું એક ધાંધલી હતી એવી વિવાદાસ્પદ થિયરીનું પણ મિલરે સમર્થન કર્યું છે.

વિભાજનવાદી વ્યક્તિત્વ

અમેરિકા, ગુજરાતી, ડિપૉર્ટ, દેશનિકાલ, ગેરકાયદે વિઝા, ડંકી રૂટ, બીબીસી ગુજરાતી, ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પના પ્રશાસનમાં મિલર સૌથી વિવાદિત શખસ છે

ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા અને બીજા કાર્યકાળમાં સ્ટિફન મિલર દ્વારા ડિઝાઇન કરેલી નીતિઓ અમેરિકી રાજનીતિ અને સમાજમાં વિભાજનને જન્મ આપે છે.

એમના વિરોધીઓ કે જેમાં ડેમૉક્રેટિક જનપ્રતિનિધિઓ અને માનવાધિકાર સંગઠનના સભ્યો સામેલ છે એમના કહેવા પ્રમાણે મિલરનો ઍજન્ડા અમેરિકાના મૂળભુત સિદ્ધાંતો અને નબળા સમુદાયને ટાર્ગેટ કરે છે.

અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન અને સદન પૉવર્ટી લૉ સેન્ટર જેવા ગ્રૂપ આ નીતિઓને ભેદભાવપૂર્ણ માને છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સે કેટલાક વિશ્લેષકો સાથે વાત કરી હતી. જેમાં એમણે ચેતવણી આપી હતી કે મિલર દ્વારા આગળ કરવામાં આવેલી નીતિઓ ઇમિગ્રન્ટ્સ પ્રત્યેની અમેરિકાની કાર્યપદ્ધતિમાં મોટો બદલાવ લાવી શકે એમ છે. અત્યાર સુધી ઇમિગ્રન્ટસ માટે ખુલ્લા રહેતા અમેરિકાના દરવાજા હવે બંધ થઇ શકે એમ છે.

આલોચકો માને છે કે સીમા પર લશ્કર તહેનાત કરવાથી મૅક્સિકો જેવા પાડોશી દેશો સાથે તણાવ વધારશે અને એક નવા માનવીય સંકટને આમંત્રણ આપશે.

જોકે ટ્રમ્પ સમર્થકો માટે મિલર એક દૂરંદેશી રણનીતિકાર છે જે અમેરિકનોની સલામતીની રક્ષા કરે છે. જેમણે ઇમિગ્રેશન નીતિઓને રાષ્ટ્રવાદી વલણ સાથે બીજી વાર પરિભાષીત કરી છે.

આખરે એમની રાજનીતિક વિરાસત પર તેની શું અસર થશે એ તો આવનારો સમય કહેશે.

પણ મિલર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી નીતિઓની અસર એ થઈ રહી છે કે લાખો ઇમિગ્રન્ટ્સનું ભવિષ્ય અધ્ધરતાલ છે. આ નીતિઓ આગામી ચાર વર્ષ સુધી વિવાદીત રહેવાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.