અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓ કયા કયા જિલ્લાના છે?
અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા 33 ગુજરાતીને લઈને એક વિમાન આજે સવારે 6-30 કલાકે અમદાવાદના સરદાર પટેલ ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા આ 33 ગુજરાતીઓને અમૃતસરથી અહીં લાવવામાં આવ્યા હતા.
અગાઉ અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા ભારતીયોને લઈને અમેરિકાની સેનાનું વિમાન બુધવારના રોજ અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમાં ભારતનાં વિવિધ રાજ્યોના કુલ 104 ભારતીયો હતા.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સવારથી જ અમદાવાદ ઍરપૉર્ટ પર હતા. જોકે ગુજરાત સરકારે એવી વ્યવસ્થા ગોઠવી હતી કે કોઈ પણ ડિપૉર્ટ કરાયેલા લોકો મીડિયા સાથે વાતચીત ન કરી શકે.
રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર, "તેમના આવ્યા બાદ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમને કડક સુરક્ષાના પહેરા સાથે જિલ્લાવાર અલગ-અલગ વાહનોમાં બેસાડીને તેમના વતન લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી."
રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર આ તમામ 33 લોકો સામે હાલ કોઈ કાયદાકીય પ્રક્રીયા હાથ નહીં ધરાય.
અમેરિકાથી 104 લોકો પૈકી 33-33 ગુજરાત અને હરિયાણાના, 30 પંજાબના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના તથા બે ચંદીગઢના હોવાનું સામે આવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



