અમેરિકામાંથી ગેરકાયદે પ્રવાસીઓને સેનાના વિમાનથી જ કેમ મોકલાઈ રહ્યા છે

ઇમેજ સ્રોત, US Govt/Representative
અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા અને પાછા મોકલેલા ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાના અહેવાલ પણ છે. USAથી ડિપૉર્ટ કરાયેલા આ તમામ ગુજરાતીઓને એક વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા છે. આ લોકોને તેમના વતન પહોંચાડવા માટે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી છે.
અગાઉ અમેરિકામાં 'ગેરકાયદેસર' રહેતા ભારતીયોને લઈને અમેરિકી સેનાનું એક વિમાન બુધવારના રોજ અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર આવી પહોંચ્યું હતું.
અમૃતસર પહોંચેલા ભારતીયોનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો પણ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સંખ્યા 100થી વધુ છે.
ટ્રમ્પે બીજી વાર સત્તા સાંભળ્યા બાદ ત્યાં રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાની પહેલી ઘટના છે.
ભારત સહિત અમેરિકાથી બ્રાઝિલ, ગ્લાટેમાલા, પેરુ અને હૉન્ડુરસના લોકોને પણ સેનાના વિમાનથી મોકલાયા છે.
સેનાના વિમાનથી ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં મોકલવાના નિર્ણયની ટીકા પણ થઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે કોલંબિયાના ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકન સેનાના વિમાનથી તેમના દેશ પાછા મોકલવાની જાહેરાત કરી ત્યારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેડ્રોએ વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે તેઓ પોતાના નાગરિકોની 'ગરિમા' જાળવવા માગે છે. ત્યાર બાદ કોલંબિયા વાયુસેનાનાં બે વિમાનો અમેરિકા ગયાં અને 'ગેરકાયદે' પ્રવાસીઓને લઈને રાજધાની બોગોટા પાછાં આવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ બ્રાઝિલના 'ગેરકાયદે' પ્રવાસીઓને તેમના દેશ પાછા મોકલતી વખતે અમેરિકાના સેનાના વિમાનની કેટલીક તસવીરો જાહેર કરાઈ હતી, જેમાં લોકોને હથકડી અને સાંકળોથી બાંધ્યા હતા.
આ તસવીરો સામે આવ્યા બાદ ટ્રમ્પ પ્રશાસનની નિંદા થઈ હતી. છતાં ટ્રમ્પે નરમ વલણ અપનાવ્યું નહીં અને અમેરિકન સેનાનો ઉપયોગ 'ગેરકાયદે' પ્રવાસીઓને તેમના દેશમાંથી બહાર મોકલવા માટે કરાઈ રહ્યો છે.
હવે અમેરિકા સેનાનું વિમાન ગેરકાયદે પ્રવાસી ભારતીયોને લઈને ભારતમાં મોકલાયું છે.
સેનાનો ઉપયોગ કેમ કરી રહ્યા છે ટ્રમ્પ?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ અનેક એક્ઝિક્યુટિવ ઑર્ડરો પર સહી કરી છે, જેમાં દેશની સીમાઓની રક્ષા માટે અમેરિકન સેનાને અધિકાર અપાયા હતા.
આ સિવાય એ સમયે અમેરિકાના કાર્યકારી રક્ષામંત્રી રૉબર્ટ સેલેસેસે એક વાર કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય દેશના ગૃહ સુરક્ષા મંત્રાલયને 'સૈન્યવિમાન આપશે', જેથી પાંચ હજારથી વધુ 'ગેરકાયદે ઍૅલિયન્સ'ને પાછા મોકલી શકાય.
તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગેરકાયદે પ્રવાસીઓને 'ઍલિયન્સ' અને 'ગુનેગાર' ગણાવી ચૂક્યા છે.
તાજેતરમાં રિપબ્લિકન પાર્ટીના સાંસદો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું, "ઇતિહાસમાં પહેલી વાર આપણે સૈન્યવિમાનમાં ગેરકાયદે ઍલિયન્સને બેસાડીશું અને ઊડીને ત્યાં છોડીશું, જ્યાંથી તેઓ આવ્યા હતા. આપણે ફરીથી સન્માન ઇચ્છીએ છીએ, વર્ષોથી તેઓ આપણી પર હસતાં રહ્યા, જાણે કે આપણે મૂર્ખ હોઈએ."
તો 24 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૅરોલિન લિએવિટે ઍક્સ પર સૈન્યવિમાનમાં હથકડી પહેરીને ચઢતાં લોકોની તસવીર શૅર કરી હતી.
તસવીર સાથે તેમણે લખ્યું હતું, "ડિપૉર્ટેશનની ઉડાનો શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આખી દુનિયાના મજબૂત અને સ્પષ્ટ સંદેશ મોકલી રહ્યા છે કે જો તમે અમેરિકામાં ગેરકાયદે આવશો તો પરિણામ ભોગવવું પડશે."
એવું માનવામાં આવે છે કે સેનાનાં વિમાનોનો ઉપયોગ કરીને ટ્રમ્પ સાંકેતિક રીતે એક મજબૂત સંદેશ આપવામાં માગે છે.
ગત ડિસેમ્બરે તેમણે કહ્યું હતું કે તેઓ ગેરકાયદે પ્રવાસીઓને તરત પાછા મોકલવાના પક્ષમાં છે, ન કે તેમને અટકાયતમાં રાખીને તેમને કાયદાકીય અપીલનો સમય આપવામાં આવે.
તેમણે કહ્યું હતું, "હું નથી ઇચ્છતો કે તેઓ 20 વર્ષ સુધી કૅમ્પમાં રહે. હું તેમને બહાર જોવા માગું છું અને એ દેશોએ તેમને પાછા લેવા પડશે."
સેનાનાં વિમાનોને આધિપત્યના સંકેત તરીકે પણ જોવાઈ રહ્યાં છે, જેના કારણે કોલંબિયાના રાષ્ટ્રપતિએ અમેરિકાના વિમાનને પોતાના દેશમાં ઊતરવા દીધું નહોતું. બાદમાં કોલંબિયાનું વિમાન અમેરિકા ગયું અને પોતાના લોકોને પાછા લાવ્યું હતું.
સૈન્યવિમાનમાં લોકોને બળજબરી બેસાડીને અન્ય દેશની જમીન પર ઊતરવું એને સંપ્રભુતા સાથે પણ જોડીને જોવાય છે. આ કારણે મૅક્સિકોનાં રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું, "તેઓ તેમની સીમામાં આ હરકત કરી શકે છે. પણ જ્યારે મૅક્સિકોની વાત આવે તો અમે અમારી સંપ્રભુતાની રક્ષા કરી શું અને સમન્વય માટે વાતચીતની શક્યતા શોધીશું."
ટ્રમ્પના નિર્ણયને તેમની તાકાત દર્શાવવાના અભિગમ તરીકે પણ જોવાઈ રહ્યો છે, કેમ કે સેનાના વિમાનના ઉપયોગથી ઘણો ખર્ચ થાય છે.
સેનાનાં વિમાનો મારફતે મોકલવાનો ખર્ચ વધી જાય

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અત્યાર સુધી ગેરકાયદે રહેતા લોકોને પાછા મોકલવા માટે કૉમર્શિયલ વિમાનની વ્યવસ્થા કરતું રહ્યું છે. તેમજ તેની જવાબદારી અમેરિકાના કસ્ટમ્સ ઍન્ડ ઇમિગ્રેશન ઍન્ફોર્સમૅન્ટ(આઇસીઇ) પાસે રહેતી હતી.
આ ઉડાનોના ખર્ચાની ચર્ચા પણ નહોતી થતી, કેમ કે આ નાનાં વિમાનોની ઉડાન હતી. પણ હવે ટ્રમ્પ પ્રશાસન સેનાનાં સી-17 ગ્લોબમાસ્ટર જેવાં મોટાં વિમાનોને ગેરકાયદે પ્રવાસીઓને પાછા મોકલવામાં કરી રહ્યું છે.
સમાચાર એજન્સી રૉયટર્સે બંને તરફની ઉડાનના ખર્ચાના આંકડા કાઢ્યા છે.
આ રિપોર્ટ અનુસાર, છેલ્લા અઠવાડિયા સેનાએ ગ્વાટેમાલાના ગેરકાયદે પ્રવાસીઓને પાછા મોકલ્યા હતા. તેમાં દર મુસાફર પર 4675 ડૉલર એટલે કે અંદાજે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ઇમેજ સ્રોત, Reuters
આ ખર્ચ ગ્વાટેમાલા માટે અમેરિકન ઍરલાઇનની એકતરફી ફર્સ્ટ ક્લાસ ટિકિટની કિંમત 853 ડૉલર (અંદાજે 74 હજાર રૂપિયા)થી પાંચ ઘણો વધારે હતો.
રૉયટર્સ અનુસાર, આઇસીઇના તત્કાલીન કાર્યકારી ડાયરેક્ટર ટાઇ જૉન્સને એપ્રિલ 2023માં બજેટ પર સાંસદોએ કહ્યું હતું કે ડિપોર્ટેશનની અંદાજે પાંચ કલાકની ફ્લાઇટમાં 135 ગેરકાયદે પ્રવાસીઓને મોકલવાનો ખર્ચ 17000 ડૉલર (અંદાજે 15 લાખ રૂપિયા) થાય છે.
તેની અપેક્ષાએ અમેરિકન સેનાનાં સી-17 મિલિટરી ટ્રાન્સપૉર્ટ વિમાનનો ખર્ચ અનેક ગણો વધારે છે. રૉયટર્સના રિપોર્ટ અનુસાર, આ વિમાનનો દર કલાકનો ખર્ચ 28500(અંદાજે 24 લાખ રૂપિયા) છે.
અત્યાર સુધીમાં કેટલાં વિમાનનો ઉપયોગ થયો?

ઇમેજ સ્રોત, Reuters
તાજેતરમાં શરૂ થયેલી ડિપોર્ટેશનની પ્રક્રિયામાં અત્યાર સુધીની સૌથી લાંબી ઉડાન ભારતની જ છે. અમેરિકન સેનાનાં વિમાન ગ્વાટેમાલા, પેરુ, હૉન્ડુરસ અને ઇક્વાડૉર પણ ગયાં છે.
ધ ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, માત્ર છ મહિનામાં સૈન્યવિમાનોની ઉડાન અત્યાર સુધીમાં અમેરિકાથી ગઈ છે.
એવા પણ રિપોર્ટ્સ છે કે ટ્રમ્પ પ્રશાસન બિન-સૈન્યવિમાનોનો પણ ગેરકાયદે પ્રવાસીઓને મોકલવા માટે ઉપયોગ કરી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












