ગુજરાતીઓ ગુજરાત છોડીને કેમ ભાગી રહ્યા છે, તેની પાછળ આ કારણો છે?

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએનના આંકડા પ્રમાણે લગભગ 1.80 કરોડથી વધુ ભારતીયો વિદેશમાં રહે છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર 'ગેરકાયદે માઇગ્રન્ટ્સ' સામે સખતાઈથી વર્તન કરી રહી છે અને સેંકડો લોકોને સૈન્ય વિમાનોમાં બેસાડીને તેમના દેશ પરત મોકલી રહી છે.

અમેરિકામાં વસતા 'ગેરકાયદે' માઇગ્રન્ટ્સમાં મેક્સિકો, ભારત, ચીન, ફિલિપીન્ઝ અને અલ-સાલ્વાડોરથી આવેલા લોકો મુખ્ય છે.

તાજેતરમાં અમેરિકન સેનાના વિમાનમાં બેસાડીને કેટલાક ભારતીયોને અમૃતસર લાવવામાં આવ્યા હતા.

અમેરિકાએ હાથકડીઓ અને સાંકળોથી માઇગ્રન્ટ્સના હાથપગ બાંધીને કલાકો લાંબી મુસાફરી કરાવીને ડિપૉર્ટ કર્યા તેના કારણે દેશમાં રાજકીય વિરોધ પણ થયો છે.

પરંતુ હકીકત એ છે કે ભારતમાંથી ગેરકાયદે અને કાયદેસર - એમ બંને રીતે વિદેશમાં સૅટલ થવાનું પ્રમાણ વધી રહ્યું છે.

સરકારી ડેટા દર્શાવે છે કે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે ભારતીય નાગરિકત્વ છોડી રહ્યા છે.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

કેટલા લોકો ભારતનું નાગરિકત્વ છોડી રહ્યા છે?

બીબીસી ગુજરાતી, ભારતીય નાગરિકત્વ, પાસપોર્ટ, ગુજરાત, અમેરિકા માઈગ્રન્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2023માં આખા વર્ષ દરમિયાન 2.16 લાખથી વધારે ભારતીયોએ પોતાનું નાગરિકત્વ છોડ્યું હતું

ભારતીય સિટીઝનશિપ છોડવા વિશે સરકાર સમયાંતરે સંસદમાં માહિતી આપતી હોય છે.

છેલ્લે 13 ડિસેમ્બર, 2024ના રોજ લોકસભામાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહે ભારતનું નાગરિકત્વ છોડનારા લોકોના આંકડા આપ્યા હતા.

તેમાં જણાવ્યું હતું કે 2023માં આખા વર્ષ દરમિયાન 2.16 લાખથી વધારે ભારતીયોએ પોતાની સિટીઝનશિપ છોડી હતી અને બીજા કોઈ દેશનું નાગરિકત્વ અપનાવ્યું હતું.

તેનાથી અગાઉ 2020માં 85,256 લોકો, 2021માં 1,63,370 લોકો, 2022માં 2,25,620 નાગરિકો અને 2023માં જૂન મહિના સુધીમાં 87,026 ભારતીયોએ પોતાનું નાગરિકત્વ છોડ્યું હતું.

રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી અનુસાર છેલ્લાં 13 વર્ષમાં 18 લાખથી વધુ ભારતીયોઓ પોતાનું નાગરિકત્વ છોડ્યું છે.

ભારતીયોમાં સિટીઝનશિપ સ્વીકારવા માટે અમેરિકા, કૅનેડા, યુકે, ઑસ્ટ્રેલિયા એ મનપસંદ દેશો છે. પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિજી, મ્યાનમાર, થાઇલૅન્ડ, નામિબિયા કે શ્રીલંકાના નાગરિકત્વ માટે પણ કેટલાકે ભારતીય નાગરિકત્વનો ત્યાગ કર્યો છે.

આ ઉપરાંત ભારતીયોએ રશિયા, ઇજિપ્ત, ચીન, સિંગાપોર, સાઉથ આફ્રિકા, તુર્કી, યુએઈ, વિયેતનામ, સુદાન જેવા દેશોનું નાગરિકત્વ પણ અપનાવ્યું છે.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

લોકો શા માટે ભારતીય નાગરિકત્વ છોડે છે?

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય પાસપૉર્ટ સરન્ડર કરવામાં ગુજરાત, પંજાબ, દિલ્હી વગેરે અગ્રણી રાજ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકો શા માટે ભારતીય નાગરિકત્વ છોડે છે તેની ચોક્કસ માહિતી સરકાર પાસે નથી.

રાજ્યકક્ષાના વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહે લોકસભામાં કહ્યું હતું કે ભારતીય નાગરિકત્વ છોડવા પાછળનું કારણ પર્સનલ હોય છે તેથી સરકાર પાસે તેનો ડેટા નથી.

તેમણે કહ્યું કે "વિદેશમાં સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી ડાયસ્પોરા હોય તે ભારત માટે ઍસેટ સમાન છે. ભારત તેમને સૉફ્ટ પાવર ગણે છે અને તેમના જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરવા ભારત સરકાર પ્રયાસ કરી રહી છે."

જોકે, વધુ સારાં જીવનધોરણ, શિક્ષણમાં વધારે તક, આર્થિક પ્રગતિ કરવાની તક, સોશિયલ સિક્યૉરિટી અને આરોગ્યની સગવડો તથા વિદેશમાં ડ્યુઅલ સિટીઝનશિપની જોગવાઈ જેવાં કારણોથી ભારતીયો પોતાના દેશનું નાગરિકત્વ છોડતા હોવાનું માનવામાં આવે છે.

કીર્તિવર્ધનસિંહે એમ પણ જણાવ્યું હતું કે બંધારણની કલમ 9 મુજબ ભારતમાં ડ્યુઅલ સિટીઝનશિપ એટલે કે બેવડાં નાગરિકત્વની છૂટ નથી. એટલે કે બીજા દેશનું નાગરિકત્વ અપનાવવું હોય તો ભારતીય નાગરિકત્વ છોડવું પડે.

ઑગસ્ટ 2005માં ભારતે OCI (ઓવરસિઝ સિટિઝન્સ ઑફ ઇન્ડિયા) સ્કીમ રજૂ કરી હતી જેમાં ભારતીય મૂળના તમામ (વિદેશી) નાગરિકો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

મંત્રાલય પાસે ડિસેમ્બર 2024ના આંકડા પ્રમાણે 51 લાખ કરતા વધુ લોકોને ઓસીઆઈ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાણકારોનું કહેવું છે કે વર્ક લાઇફ બૅલેન્સ માટે પણ લોકો વિકસિત દેશોની નાગરિકતા અપનાવે છે

અમદાવાદ સ્થિત વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકરે જણાવ્યું, "ગુજરાતના કેટલાક ભાગોમાં સોશિયલ સ્ટેટસ માટે પણ વિદેશ જવાનું આકર્ષણ જોવા મળે છે. પરંતુ મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં સારું શિક્ષણ મેળવ્યા પછી પણ સારા પગારની જૉબની અછત છે. તેથી શિક્ષિત લોકો માટે તકનો અભાવ એ ભારતીય સિટીઝનશિપ છોડવા માટે મુખ્ય પ્રેરક ગણી શકાય."

"બીજું, વિદેશનું વર્ક કલ્ચર આપણા કરતાં અલગ છે. વિદેશમાં અઠવાડિયામાં બે દિવસની રજા હોય છે અને રજાના દિવસે કોઈ કર્મચારીને ડિસ્ટર્બ કરવામાં આવતા નથી. તેથી વર્ક લાઇફ બૅલેન્સ માટે લોકો આધુનિક દેશોની સિટીઝનશિપ પસંદ કરે છે."

ભાવિન ઠાકર માને છે કે "તાજેતરમાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે માઇગ્રન્ટ્સ સામે પગલાં લીધાં તેની સારી અસર જોવા મળશે. તાજેતરમાં ગેરકાયદે યુએસ જનારાઓની સંખ્યા અસાધારણ રીતે વધી ગઈ હતી. હવે તેની સામે પગલાં લેવાયાં છે તેથી લોકો અંગ્રેજી ભાષા શીખીને કાયદેસર અમેરિકા કે બીજા દેશ જવાનું વિચારશે."

તેઓ કહે છે કે "અમેરિકાની કેટલીક નીચલા સ્તરની યુનિવર્સિટીઓ માત્ર કમાણીના સાધન તરીકે વિદેશી વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહી છે. તેમાં ઍડમિશન લીધાના પહેલા જ દિવસથી લોકો કૅમ્પસ બહાર ફૂલ ટાઇમ જૉબ પર લાગી જતા હોય છે. ટ્રમ્પનું વહીવટીતંત્ર નિયમોનો દુરુપયોગ કરતી આવી સંસ્થાઓ સામે પગલાં લે તેવી સંભાવના છે તેથી ટોચની અને પ્રસ્થાપિત સંસ્થાઓમાં જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવાનું વિચારવું જોઈએ."

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

એક દાયકાથી વધુ સમયમાં કેટલા લોકોએ સિટીઝનશિપ છોડી

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીયોમાં અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા અને કૅનેડા મનપસંદ દેશો છે

અગાઉ ઑગસ્ટ 2023માં રાજ્યસભામાં એક સવાલના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી. મુરલીધરને જણાવ્યું હતું કે 2018માં 1,34,561 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી. 2019માં 1,44,017 લોકોએ ભારતીય સિટીઝનશિપનો ત્યાગ કર્યો હતો.

આ આંકડાને સંદર્ભ તરીકે જોવામાં આવે તો 2011માં 1,22,819 લોકો, 2012માં 1,20,923 લોકો, 2013માં 1,31,405 લોકો, 2014માં 1,29,328 લોકો, 2025માં 1,31,489 લોકો, 2026માં 1,41,603 લોકો, 2017માં 1,33,049 લોકોએ ભારતનું નાગરિકત્વ છોડ્યું હતું.

બીજો એક સવાલ એ કરાયો હતો કે ભારતીય નાગરિકત્વ છોડનારાઓમાં કેટલા બિઝનેસમેન છે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાસે આની કોઈ માહિતી નથી.

ભારતીય સિટીઝનશિપ છોડનારાઓમાં કેટલા વૈજ્ઞાનિકો, કલાકારો, જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો છે તેવા સવાલના જવાબમાં પણ સરકારે કહ્યું કે તેની પાસે કોઈ ડેટા નથી.

ત્રીજો સવાલ એ હતો કે લોકો શા માટે ભારતીય નાગરિકત્વ છોડે છે તેના કારણ જાણવા સરકારે કોઈ અભ્યાસ કર્યો છે કે નહીં. તેના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે લોકો પોતાનાં અંગત કારણોથી ભારતીય નાગરિકત્વ છોડતા હોય છે.

ગુજરાત, પંજાબ સહિતના રાજ્યોના યુવાનો અમેરિકા, યુકે, ઑસ્ટ્રેલિયા, કૅનેડા વગેરે આધુનિક દેશોમાંથી ડિગ્રી મેળવ્યા પછી ત્યાં સૅટલ થવાનું પસંદ કરતા હોય છે. શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે 2022માં લગભગ 7.70 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા અને છેલ્લાં છ વર્ષમાં આ સંખ્યા ટોચ પર હતી.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

કેટલા ગુજરાતીઓએ ભારતીય પાસપૉર્ટ સરન્ડર કર્યા?

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીયો કોઈ અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે ભારતીય પાસપૉર્ટને સરન્ડર કરી દેવો પડતો હોય છે.

10 ઑગસ્ટ, 2023ના રોજ સરકારે રાજ્યસભામાં આંકડા આપીને જણાવ્યું કે 2014થી 2022 સુધીમાં કયા રાજ્યના કેટલા લોકોએ પાસપૉર્ટ સરન્ડર કરી દીધા છે.

તેમાં જણાવાયા મુજબ દિલ્હીના સૌથી વધુ 60,414 લોકોએ પોતાના પાસપૉર્ટ સોંપી દીધા હતા. બીજા નંબર પર પંજાબ રાજ્યના 28,117 લોકોએ પાસપૉર્ટ સરન્ડર કર્યા હતા.

આ લિસ્ટમાં ગુજરાત ત્રીજા ક્રમે હતું અને 2014થી 2022 સુધીમાં ગુજરાતના 22,300 લોકોએ પોતાના પાસપૉર્ટ સોંપી દીધા હતા. આ ઉપરાંત ગોવાના 18,610, મહારાષ્ટ્રના 17,171, કેરળના 16,247 અને તામિલનાડુના 14,046 લોકોએ ભારતીય પાસપૉર્ટ સરન્ડર કર્યા હતા.

2020માં ગુજરાતના 241 લોકોએ પાસપૉર્ટ સોંપી દીધા હતા, 2023માં આ સંખ્યા વધીને 485 થઈ હતી અને 2024માં મે મહિના સુધીમાં 244 ગુજરાતીઓએ પોતાના પાસપૉર્ટ સરન્ડર કરી દીધા હતા.

ભારતીય પાસપૉર્ટ સરન્ડર કરવામાં ગોવા પણ અગ્રણી રાજ્ય છે. જૂન 2023ના ઇન્ડિયન ઍક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક દાયકામાં લગભગ 70 હજાર ભારતીયોએ પોતાના પાસપૉર્ટ સરન્ડર કર્યા છે જેમાંથી 40 ટકા ગોવાના નાગરિકો હતા.

ભારતીય પાસપૉર્ટ સરન્ડર કરનારા 90 ટકા લોકો આઠ રાજ્યો - ગોવા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, દિલ્હી અને ચંડીગઢના હતા.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ભારતીયો કયા દેશની નાગરિકતા મેળવે છે?

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં જ્યૉર્જિયા ખાતે યુએસ નાગરિકત્વ માટે શપથ લઈ રહેલા લોકો

ભારતીયો માટે અમેરિકા, કૅનેડા, યુકે અને ઑસ્ટ્રેલિયા મનપસંદ દેશ છે જેની નાગરિકતા સ્વીકારવા માટે તેઓ ઉત્સુક હોય છે.

સરકારે આપેલા ડેટા અનુસાર 2019થી 2022 વચ્ચે વિદેશમાં ભારતીય મિશન અથવા પોસ્ટ પર પોતાના પાસપૉર્ટ સરન્ડર કરનારાઓની સંખ્યા આ મુજબ છે.

અમેરિકા માટે 2019માં 5, 2020માં 161, 2021માં 4,830 અને 2022માં 8,048 પાસપોર્ટ સરન્ડર કરાયા હતા.

યુકે ખાતે 2019માં 21 ભારતીય, 2020માં 105, 2021માં 485 અને 2022માં 1100 પાસપૉર્ટ સરન્ડર કરાયા.

કૅનેડા ખાતે 2019માં 28, 2020માં 156, 2021માં 781 અને 2022માં 6,507 પાસપૉર્ટ સરન્ડર કરાયા હતા. ઑસ્ટ્રેલિયા માટે 2022માં 1,275 ભારતીયોએ પાસપૉર્ટ સરન્ડર કર્યા હતા.

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

અમેરિકામાં કેટલા ઇમિગ્રન્ટ વસે છે?

બીબીસી ગુજરાતી ભારતીય નાગરિકત્વ પાસપોર્ટ ગુજરાત અમેરિકા માઈગ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા યુવાનો મોટા ભાગે ત્યાં જ સૅટલ થઈ જવા પ્રયાસ કરે છે.

દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા માટે દરેક દેશના લોકોમાં આકર્ષણ જોવા મળે છે અને ત્યાં મળતી તકોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં 'ગેરકાયદે' ઘૂસતા હોય છે.

પ્યૂ રિસર્ચના સપ્ટેમ્બર 2024ના એક અહેવાલ પ્રમાણે દુનિયામાં કુલ ગેરકાયદે માઇગ્રન્ટ્સમાંથી એકલા અમેરિકામાં પાંચમા ભાગના માઇગ્રન્ટ વસે છે. અમેરિકામાં 2023માં 4.78 કરોડ લોકો એવા હતા જેઓ વિદેશમાં જન્મેલા હતા.

2022માં અમેરિકામાં લગભગ 1.06 કરોડ ઇમિગ્રન્ટ્સમાં મૅક્સિકોમાં જન્મેલા હતા. એટલે કે કુલ ઇમિગ્રન્ટ્સમાં તેમનું પ્રમાણ 23 ટકા હતું.

બીજા નંબર પર ભારતીયો હતા અને તેમની સંખ્યા 28 લાખ હતી. એટલે કે કુલ ઇમિગ્રન્ટમાં ભારતીયો 6 ટકા છે. ત્યાર બાદ ચીનનો હિસ્સો પાંચ ટકા અને ફિલિપીન્ઝનો હિસ્સો ચાર ટકા હતો.

અમેરિકા બહાર જન્મેલા જે લોકો અમેરિકામાં વસવાટ કરે છે તેમાંથી 77 ટકા કાયદેસર છે જ્યારે 23 ટકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હોવાનું જણાવાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.