ગુજરાતીઓ સાથે આવેલા યાત્રીએ જણાવી આપવીતી, અમેરિકામાં પ્લેનમાં બેસાડ્યા પછી ભારત પહોંચતા સુધી તેમની સાથે શું થયું?

ઇમેજ સ્રોત, BBC/Gurpreet Chawla
"અમને ઘણી રીતે ત્રાસ આપવામાં આવ્યો. અમને વિમાનમાં બેસાડ્યા પછી મારા હાથ-પગ બાંધી દેવામાં આવ્યા. વિમાન ઘણી જગ્યાએ રોકાયું, પરંતુ આખરે અમે અમૃતસર પહોંચ્યા પછી જ મારા હાથ-પગ છૂટા કરવામાં આવ્યા."
આ શબ્દો છે અમેરિકાથી મિલિટરી વિમાનમાં બેસાડીને પરત મોકલી દેવાયેલા પંજાબના જસપાલસિંહના, જેમની સાથે આ પ્લેનમાં જ 30 વધારે ગુજરાતીઓ પણ હતા.


ઇમેજ સ્રોત, PTI
જે ગુજરાતીઓને અમેરિકાના મિલિટરી પ્લેનમાં બેસાડીને ભારત લાવવામાં આવ્યા હતા, તેમને બાદમાં ગુરુવારે સવારે અમૃતસરથી ગુજરાત લાવવામાં આવ્યા હતા અને તમામને પોલીસની સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા.
પંજાબના ગુરુદાસપુરના ફતેહગઢના ચૂડિયામાં રહેતા જસપાલસિંહ અમેરિકા ગયા તેને હજી માત્ર 11 દિવસ જ થયા હતા. ત્યાં જે તેઓ પકડાઈ ગયા અને તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે.
બીબીસી પંજાબીના સંવાદદાતા ગુરપ્રીત ચાવલા સાથે તેમણે વાત કરતાં કહ્યું, 'મારું અમેરિકા જવાનું સપનું ભાંગી ગયું.'
તેમના કહેવા પ્રમાણે એમની અમેરિકા યાત્રાની શરૂઆત લગભગ અઢી વર્ષ પહેલાં થઈ હતી. પોતાના સપનાને સાકાર કરવા માટે તેમણે ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
જસપાલસિંહનું કહેવું છે કે તેઓ વર્ષ 2022માં વિઝિટર વિઝા પર ઇંગ્લૅન્ડ ગયા હતા. જ્યાં એમનો સંપર્ક સ્પેનના એક પંજાબી એજન્ટ સાથે થયો હતો. આ પછી જુલાઈ 2024માં તેઓ યુરોપ પહોંચ્યા હતા. આ પછી લગભગ છ મહિના જુદા-જુદા દેશોમાં રહ્યા હતા. આખરે તેમણે પનામાના જંગલોમાંથી અમેરિકા જવાનો રસ્તો પકડ્યો.
જસપાલસિંહ કહે છે, 'રસ્તામાં ઘણી પદયાત્રા કરવી પડી હતી, આ યાત્રા ભયાનક હતી. મેં ત્યાં ફક્ત છોકરાઓ જ નહીં પણ છોકરીઓના મૃતદેહ પણ જોયા, ત્યાં મેં હાડપિંજર પણ જોયાં.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે અમેરિકા જતી વખતે આ યાત્રા દરમિયાન ખાવા પીવાની ખૂબ તકલીફ પડી. યાત્રા દરમિયાન, તેમને ખાવા માટે ફક્ત થોડી બ્રેડ અને એક કે બે બિસ્કિટ મળ્યાં હતાં.
જસપાલના કહેવા પ્રમાણે તેમણે અમેરિકાની સરહદ પાર કરી તેની સાથે જ અમેરિકન સૈન્યએ તેમની ધરપકડ કરી હતી.

ભારત લઈ આવતી વખતે તેમના પગ બાંધી દેવાયા?

ઇમેજ સ્રોત, PTI
અમેરિકામાં દસ્તાવેજ વિના રહેતા ભારતીયોને લઈને અમેરિકાની સેનાનું વિમાન બુધવારના રોજ અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. જેમાં ગુજરાત સહિત ભારતનાં વિવિધ રાજ્યોનાં લોકો હતાં. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર આ પ્લેનમાં 104 ભારતીયો હતા.
જસપાલે અમેરિકા આવતી વખતે યાત્રીઓ સાથે અને તેમની સાથે વિમાનમાં શું થયું હતું તેની વિગતો પણ આપી હતી.
તેઓ કહે છે, "અમને ઘણી રીતે ત્રાસ આપવામાં આવ્યો. અમને વિમાનમાં બેસાડ્યા પછી મારા હાથ-પગ બાંધી દેવામાં આવ્યા. વિમાન ઘણી જગ્યાએ રોકાયું, પરંતુ આખરે અમે અમૃતસર પહોંચ્યા પછી જ મારા હાથ-પગ છૂટા કરવામાં આવ્યા."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફતેહગઢ સાહિબ જિલ્લાના કાહનપુરા ગામના જસવિંદર સિંહ પણ ઑકટોબર, 2024માં અમેરિકા ગયા હતા. જસવિંદર સિંહના કાકા કરનૈલ સિંહે બીબીસીને કહ્યું કે જસવિંદર સિંહને પોલીસ અધિકારી મોડી રાતે ઘરે મૂકી ગયા હતા.
એમણે પોતાના પરિવારને જણાવ્યું કે તેમને હાથકડી પહેરાવીને અમેરિકાથી વિમાનમાં લાવવામાં આવ્યા હતા.
જસવિંદર સિંહ 22 દિવસ પહેલાં અમેરિકા પહોંચ્યા હતા જ્યાં એમની ધરપકડ કરવામાં આવી હતી.
તેમના કાકા કરનૈલ સિંહ કહે છે, 'જસવિંદરની તબિયત ઘરે પહોંચ્યા પછી એકદમ ખરાબ છે. હાલ તણાવમાં છે.' જસવિંદરસિંહને સવારે અચાનક બિમાર પડ્યા બાદ લુધિયાણા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
તેઓ કહે છે, 'જસવિંદરે પરિવારને જણાવ્યું હતું કે શિબિરમાં ખાવા માટે કશું આપવામાં આવ્યું ન હતું. માત્ર અડધું સફરજન અથવા તો ક્યારેક જ્યૂસ આપવામાં આવતું હતું'
જસવિંદરસિંહના મોટા ભાઈ હાલ ખેતી કરી છે અને બંને ભાઈઓ પાસે જમીન છે. ગયા વર્ષે એક એજન્ટના માધ્યમથી તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું.
એમણે જણાવ્યું કે, 'અમેરિકા જવા માટે પરિવારે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ પૈસા માટે અમે ઘરેણા ગીરવે મૂક્યાં હતાં અને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતા'

વિદેશમંત્રીએ સંસદમાં આ મામલે શું જવાબ આપ્યો?
અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને પાછા મોકલાયા પછી સંસદમાં આજે ભારે હંગામો થયો.
વિપક્ષે આ મામલે સરકાર પાસે જવાબ માગ્યો જેના જવાબમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, " બધાના હિતમાં એ જ છે કે આપણે કાયદેસર રીતે જવાને પ્રોત્સાહન આપીએ અને ગેરકાયદેસર રીતે જવાને પ્રોત્સાહિત ન કરવું જોઈએ. આ બધા દેશોની ફરજ છે કે તેઓ વિદેશમાં ગેરકાયદેસર રહેતા પોતાના નાગરિકોને પાછા લે. ડિપોર્ટેશનની પ્રક્રિયા નવી નથી."
રાજ્યસભામાં આ મામલે જવાબ આપતા વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે કહ્યું કે, "અધિકારીઓને અમેરિકાથી (ડિપોર્ટ કરવામાં આવેલા) પાછા ફરેલી દરેક વ્યક્તિ સાથે બેસી એ જાણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા હતા, એજન્ટ કોણ હતા અને આપણે શું સાવચેતી રાખીએ કે આવું આગળ ન થાય."
રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ રણદીપસિંહ સુરજેવાલાના સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, "અમને જાણકારી છે એ મુજબ 104 ભારતીયોને કાલે પાછા મોકલવામાં આવ્યા છે. અમે જ તેમની નાગરિકતાની ખરાઈ અમે જ કરી છે. આપણે એવું ન દેખાડવું જોઈએ કે આ નવો મામલો છે. આ પહેલાં પણ થતું રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












