અમેરિકાથી ગેરકાયદે લોકોને પરત મોકલ્યા બાદ હવે ભારતમાં તેમની સામે પગલાં લેવાશે?

અમેરિકાથી પાછા મોકલેલા લોકો, ભારતીયો, ગુજરાતીઓ, યુએસ રિટર્ન, ડિપૉર્ટ, અમેરિકા ગેરકાયદેસર નિવાસીઓ સામે ગુજરાતમાં કોઈ કાર્યવાહી થશે ? અમેરિકા ડિપૉર્ટેશન, ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, ગુજરાત સરકાર,

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી જે ગુજરાતીઓ પરત આવ્યા છે તેની સામે હવે ભારતમાં કોઈ કાર્યવાહી થશે?

અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ગુરુવારે વહેલી સવારે અસામાન્ય હલચલ જોવા મળી હતી. સુરક્ષા માટે જવાબદાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઈએસએફ) ઉપરાંત ગુજરાત પોલીસનો ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કારણ કે અમૃતસરથી આવેલી ફ્લાઇટમાં 33 ગુજરાતી ઊતર્યા હતા.

આ ગુજરાતીઓ સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના ગેટનંબર છમાંથી બહાર નીકળ્યા ત્યારે ગુજરાત પોલીસના કર્મીઓ તેમને ઘેરી વળ્યા હતા, જેથી કરીને તેઓ મીડિયા સાથે વાત ન કરી શકે. આગંતુકોના ચહેરા માસ્ક, રૂમાલ કે દુપટ્ટા પાછળ ઢંકાલેયલા હતા.

આ લોકો કોઈ ગુનેગાર ન હતા, પરંતુ આગલા દિવસે અમેરિકાનું જે સૈન્યવિમાન અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઊતર્યું હતું, તેમાં ડિપૉર્ટ થયા હતા. તેમની સાથે 71 અન્ય ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.

દરેક વ્યક્તિને તેના જિલ્લાના આધારે અગાઉથી નિર્ધારિત કરાયેલાં વાહનોમાં બેસાડીને પોત-પોતાના જિલ્લામાં મોકલી દેવાયા હતા.

હજુ આગામી દિવસો દરમિયાન ગુજરાતીઓ સહિત પાંચસોથી વધુ ભારતીયો વતન પરત ફરશે. ત્યારે શું ગુજરાતમાં તેમની સામે કોઈ કાર્યવાહી થશે? કેન્દ્ર સરકારે સમગ્ર ઘટનાક્રમ ઉપર કાયદાકીય રીતે કેવું વલણ અપનાવવાની વાત કહી છે ?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

અમેરિકામાં અપરાધી જેવું આચરણ

અમેરિકા ગેરકાયદેસર નિવાસીઓ સામે ગુજરાતમાં કોઈ કાર્યવાહી થશે ? મેરિકા ડિપૉર્ટેશન, ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, ગુજરાત સરકાર,

ઇમેજ સ્રોત, US Govt/Representative

ઇમેજ કૅપ્શન, અમેરિકી સેનાનું એક વિમાન અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા ભારતીય લોકોને લઈને બુધવારે અમૃતસરના ઍરપૉર્ટ પર ઊતર્યું

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન દેશમાં ગેરકાયદેસર રીતે નિવાસ કરતા ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. સાથે જ તેમણે ગેરકાયદેસર ઘૂસણખોરોને પોત-પોતાના દેશમાં મોકલી દેવાની વાત પણ કહી હતી.

તા. 20મી જાન્યુઆરીએ તેમણે પદભાર સંભાળતા સાથે જ અલગ-અલગ એજન્સીઓને ગુનાહિત તથા બિનગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ગેરકાયદેસર નિવાસીઓ સામે કાર્યવાહી કરી હતી.

ટ્રમ્પે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને મોકલવા માટે ખર્ચાળ હોવા છતાં સૈન્યવિમાનોનો પણ ઉપયોગ કરવાની વાત કરી છે.

જે 104 લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા, તેમાંથી 37ની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હતી. 30 તેમની ત્રીસીમાં હતાં. પરત મોકલાયેલામાંથી અમુક થોડા દિવસ પહેલાં જ અમેરિકા પહોંચ્યાં હોવાના અહેવાલ છે.

બુધવારે 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયો સાથેનું અમેરિકાનું સૈન્યવિમાન પંજાબના અમૃતસર ઍરપૉર્ટ ઉપર ઊતર્યું હતું. 'શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ'માંથી બહાર નીકળીને અનેક પુરુષોએ જણાવ્યું હતું કે તેમના હાથમાં હાથકડી અને પગમાં સાંકળો પહેરાવવામાં આવી હતી.

મહિલાઓએ કહ્યું હતું કે તેમને પણ હાથકડીઓ પહેરાવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર શું કરશે ?

વીડિયો કૅપ્શન, અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓ કયા કયા જિલ્લાના છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે સવારે વિપક્ષ દ્વારા હોબાળા બાદ બપોરે રાજ્યસભામાં અમેરિકા દ્વારા ડિપૉર્ટેશન અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે વર્ષ 2009થી અમેરિકા દ્વારા ડિપૉર્ટ કરાયેલા લોકોના આંકડા આપ્યા હતા.

સાથે જ ઉમેર્યું હતું કે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને કેવી રીતે પરત મોકલવા તે અંગે અમેરિકાએ વર્ષ 2012થી નીતિ ઘડી છે અને તે મુજબ જ અત્યારસુધી પરત મોકલાયેલા લોકો સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો.

જયશંકરના કહેવા પ્રમાણે, ડિપૉર્ટ કરાયેલા પુરુષોની 'હરફરને નિયંત્રિત' કરવામાં આવી હતી અને સ્ત્રીઓ કે બાળકોને બંદી નહોતાં બનાવાયાં.

હવાઈ મુસાફરી દરમિયાન ડિપૉર્ટ કરાયેલા લોકોની ખાવા-પીવાની તથા બીજી જરૂરિયાતોની સંભાળ લેવામાં આવી હતી. આ સિવાય સંભવિત મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવાની સજ્જતા પણ રાખવામાં આવી હતી.

એસ. જયશંકરે જણાવ્યું હતું કે અમે અમેરિકાના અધિકારીઓ સાથે વાત કરી છે, જેથી કરીને તેમની સાથે ગેરવર્તાવ ન થાય. અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા લોકો સાથે વ્યવહાર અંગે એસ. જયશંકરે કહ્યું હતું :

"ઇલિગલ માઇગ્રૅશન ઇન્ડસ્ટ્રી સામે આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આશા છે કે ગૃહ આ બાબત સાથે સહમત થશે. પરત ફરેલા લોકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે (ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારા) એજન્ટ્સ તથા તેમની સાથે સંકળાયેલા લોકોની સામે એજન્સીઓ જરૂરી, નિરોધક તથા દાખલો બેસે એવી કાર્યવાહી કરશે."

સાથે જ એસ. જયશંકરે કાયદેસર મુસાફરી કરવા માગતા લોકોને વિઝા સરળતાથી મળી રહે તે માટે પ્રયાસ કરવાની વાત પણ કરી હતી.

વિપક્ષની માગ છે કે ભારતે અમેરિકામાં ગેરકાયદેસર નિવાસના આરોપ સબબ પકડાયેલા ભારતીયોને પરત લાવવા માટે પોતાના વિમાન મોકલવા જોઈએ.

ગુજરાત સરકાર કેવી કાર્યવાહી કરશે ?

અમેરિકા ગેરકાયદેસર નિવાસીઓ સામે ગુજરાતમાં કોઈ કાર્યવાહી થશે ? મેરિકા ડિપૉર્ટેશન, ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓને ભારત પરત મોકલવામાં આવ્યા, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, ગુજરાત સરકાર,

ઇમેજ સ્રોત, Kartik Jani

ઇમેજ કૅપ્શન, ડિંગુચાના પરિવારનાં કૅનેડા-અમેરિકા સરહદે મૃત્યુ બાદ ગુજરાત સરકારે માનવતસ્કરી સાથે જોડાયેલા એજન્ટો ઉપર તવાઈ ઉતારી હતી

ભારતની બંધારણીય વ્યવસ્થા પ્રમાણે અન્ય દેશો સાથે સંબંધ તથા વિદેશનીતિએ કેન્દ્ર સરકારને અધીન વિષયો છે, જ્યારે 'કાયદો અને વ્યવસ્થા' રાજ્યની ચૂંટાયેલી સરકારે સંભાળવાના હોય છે.

રાજ્ય સરકાર દ્વારા અમૃતસર પહોંચેલા ગુજરાતીઓને પરત લાવવા માટે ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) દરજ્જાના અધિકારીને મોકલ્યા હતા. ઇમિગ્રૅશન, વૅરિફિકેશન તથા જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તેઓ આ ગુજરાતીઓને અમૃતસરથી અમદાવાદ લાવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રેસ વિજ્ઞપ્તી બહાર પાડીને 'સહાનુભૂતિ અને સંવેદનશીલતા' સાથે આગળ વધવાની વાત કરી છે.

જે 33 લોકોને ગુજરાત પરત મોકલવામાં આવ્યા, તેમાંથી 7 મુસાફર 15 વર્ષથી ઉંમરના સગીર હતા. ડિપૉર્ટ કરાયેલા લોકોમાં ગાંધીનગરના 13, મહેસાણાના 10, પાટણના ચાર, અમદાવાદના બે, ઉપરાંત ભરૂચ, પાટણ, વડોદરા અને આણંદના રહીશ છે.

તેઓ અમદાવાદ ઍરપૉર્ટ ઉપર ઊતર્યાં ત્યારે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા ત્યાં ઉપસ્થિત હતા. તેણે જણાવ્યું કે, "ફ્લાઇટ ઉતરી એટલે તેમની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને જે-તે જિલ્લાના પોલીસવાહનમાં બેસાડવામાં આવ્યા હતા. આ વાહન અગાઉથી જ ઍરપૉર્ટ ખાતે તહેનાત હતા."

રાજ્ય સરકાર દ્વારા ડિપૉર્ટ કરાયેલા નાગિરકો જે જિલ્લાના છે, ત્યાં નૉડલ ઑફિસરની નીમવામાં આવ્યા હતા. જેમણે પરત ફરેલા લોકોને તેમા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી.

રૉક્સી ગાગડેકર છારા જણાવે છે, "ગુજરાત પોલીસ ભારત પરત ફરેલા લોકોના નિવેદન નોંધશે અને કયા એજન્ટ મારફત ગયા હતા? કેવી રીતે ગયા હતા? કેટલી રકમ ચૂકવવામાં આવી હતી? સહિતની માહિતી મેળવવા માટે પ્રયાસ કરશે."

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે પણ સંસદમાં આ મામલે જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે ભારતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના ધંધા પર કાર્યવાહી કરવા પર ભાર મૂકતા કહ્યું હતું, "આપણું ધ્યાન ગેરકાયદેસર માઇગ્રેશન ઇન્ડસ્ટ્રી પર કાર્યવાહી કરવા અને કાયદેસર વિદેશ જતા લોકો માટે વીઝાની પ્રક્રિયાને સરળ કરવા પર હોવું જોઈએ."

તેમણે આગળ કહ્યું કે, "અમેરિકાથી પાછા આવેલા લોકોએ એજન્ટ્સ અને અન્ય લોકો વિશે આપેલી માહિતીના આધારે કાયદા અને વ્યવસ્થા એજન્સીઓ પગલાં લેશે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "અધિકારીઓને અમેરિકાથી (ડિપોર્ટ કરવામાં આવેલા) પાછી ફરેલી દરેક વ્યક્તિ સાથે બેસી એ જાણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા હતા, એજન્ટ કોણ હતા અને આપણે શું સાવચેતી રાખીએ કે આવું આગળ ન થાય."

જાન્ચુઆરી-2022માં કૅનેડાના બર્ફિલા રસ્તે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે મહેસાણાના ડિંગુચા જિલ્લાનું દંપતી અને તેમનાં બે બાળકો મૃત્યુ પામ્યાં હતાં. એ પછી રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનો પ્રયાસ કરનારા એજન્ટ્સ ઉપર તવાઈ ઉતારી હતી.

ટ્રમ્પ સરકાર દ્વારા 203 ભારતીયોના નામ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા હતા. એમાંથી જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ, એવા 104 લોકોને પરત મોકલવામાં આવ્યા છે. વધુ 99માંથી 96 લોકો ભારતીય હોવાનું વૅરિફિકેશન થઈ ગયું છે.

વધુ 497 ભારતીયોને ડિપૉર્ટ કરવામાં આવશે, જેમાંથી 298 લોકોના નામ ભારતને મોકલી દેવામાં આવ્યા છે. જેમનું ભારત સરકાર દ્વારા વૅરિફિકેશન હાથ ધરવામાં આવશે.

આ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે કહ્યું હતું કે જેમની ખરાઈ થઈ શકશે એવા 'વિશ્વભરમાંથી ડિપૉર્ટ કરાયેલા ભારતીયોને તે સ્વીકારશે.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.