'અમારી હાથ જોડીને વિનંતી છે, આ રીતે અમેરિકા ન જાઓ' – જેનું મૃત્યુ થયું તેના પરિવારે કહ્યું કે રસ્તામાં શું થયું હતું?

- લેેખક, રવિન્દરસિંહ રોબિન
- પદ, બીબીસી માટે
"અમે બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ રીતે બહાર ન જાઓ. અહીં રહો અને થોડું ખાઓ, પણ આ માર્ગે બહાર ન જાઓ."
"મને કોઈ જગ્યા નથી મળતી. હું આજીવન રડતો રહું છું."
આ અપીલ 33 વર્ષના ગુરપ્રીતસિંહના પરિવારની છે, જેમના નાના પુત્ર ગુરપ્રીતનું અમેરિકા પહોંચવાના રસ્તામાં મોત થયું છે.
અમૃતસરના રામદાસ નગરના રહેવાસી ગુરપ્રીતના ડૉન્કી રૂટ પર થયેલા મોતના સમાચાર પરિવાર સુધી પહોંચ્યા પછી કુટુંબમાં શોક પ્રસરી ગયો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, ગુરપ્રીતનું મોત ગ્વાટેમાલાના જંગલમાં ડૉન્કી રૂટ માર્ગે હૃદય રોગના હુમલાને કારણે થયું હતું.
ગુરપ્રીતની છ બહેનો અને એક મોટો ભાઈ છે.
બારમું ધોરણ પાસ કર્યા પછી ગુરપ્રીતે સાત વર્ષ સુધી મર્ચન્ટ નેવીમાં કામ કર્યું હતું. એ પછી તેઓ બ્રિટન ગયા હતા અને ત્યાં લગભગ ચાર વર્ષ રહ્યા હતા.
માર્ચમાં બ્રિટનથી પાછા ફર્યા બાદ ગયા વર્ષે નવેમ્બરમાં તેઓ અમેરિકા ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુરપ્રીતના મોટાભાઈ સિતારાસિંહે જણાવ્યું હતું કે ગુરપ્રીત પહેલાં ગુયાના ગયા હતા અને ત્યાંથી અમેરિકા જવા માટે તેમણે એક અન્ય એજન્ટનો સંપર્ક કર્યો હતો.
ગુરપ્રીતને અમેરિકા મોકલવા માટે પરિવારે 36 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
પરિવારે જણાવ્યું હતું કે ગુરપ્રીત ડૉન્કી રૂટ પર પ્રવાસ દરમિયાન કુટુંબીજનોના સંપર્કમાં હતા.
'અમે બહુ પ્રયાસ કર્યા, પણ તે માન્યો નહીં'

ગુરપ્રીતના પિતા ચિરમલસિંહે જણાવ્યું હતું કે તેમણે તેમના દીકરાને અમેરિકા નહીં જવા સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગુરપ્રીતે તેમની વાત માની ન હતી.
ચિરમલસિંહ કહે છે, "તેણે જીદ પકડી હતી કે મારે અમેરિકા જવું છે. આખા પરિવારે તેને રોકવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં."
"કદાચ તેનું મોત તેને ત્યાં ખેંચી ગયું હશે."
ચિરમલસિંહના કહેવા મુજબ, "ગુરપ્રીત રોકાયો નહીં, પરંતુ હું લોકોને અપીલ કરું છું કે તેઓ તેમના દીકરાઓને બચાવે. જેમણે પરદેશ જવું હોય તેમણે સીધા રસ્તે જવું જોઈએ."
લોન લઈને અમેરિકા ગયા

ગુરપ્રીતનાં માતા પ્રકાશ કૌરે જણાવ્યું હતું કે ગુરપ્રીત લોન ચૂકવવા માટે અમેરિકા ગયા હતા.
તેઓ કહે છે, "ગુરપ્રીતે અમેરિકા જવા માટે લોન લીધી હતી. ભાઈ-બહેનો પાસેથી થોડા પૈસા ઉધાર લીધા હતા. અનેકવાર રોકવા છતાં અમેરિકા જવાની જીદ તેણે છોડી ન હતી."
તેઓ ઉમેરે છે, "મેં તેને લગ્ન કરી લેવા ઘણીવાર કહ્યું હતું, પરંતુ તેણે કહ્યું કે એ અમેરિકા જઈને લગ્ન કરશે. અહીં ધંધો શરૂ કરવા માટે તેને મનાવવાના પ્રયાસ તેના ભાઈ-બહેનોએ પણ કર્યા હતા, પરંતુ એ માન્યો નહીં."
"અમે ગુરપ્રીતને અમેરિકા મોકલવા માટે અમારી બધી તાકાત લગાવી દીધી હતી. હવે અમે તેનો મૃતદેહ ઘરે લાવી શકતા નથી. સરકારને અમારી એટલી જ વિનંતી છે કે અમને અમારા દીકરાનું મોં છેલ્લીવાર જોવા દો. તેનો મૃતદેહ અહીં લાવો."
'ચાલતાં-ચાલતાં મારા પગના નખ પણ ઊખડી ગયા'

સિતારાસિંહના જણાવ્યા મુજબ, તેમનો એજન્ટ ગુરપ્રીતને એવું કહીને લઈ ગયો હતો કે એ તેને ફ્લાઇટમાં અમેરિકા લઈ જશે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેણે ગુરપ્રીતને ટેક્સીમાં બેસાડીને રવાના કરી દીધો હતો.
સિતારાસિંહ કહે છે, "એજન્ટે અમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. ગુરપ્રીતે મને ફોન પર જણાવ્યું હતું કે તેને ચાલવા માટે એટલો મજબૂર કરવામાં આવ્યો હતો કે તેના પગના નખ ઊખડી ગયા હતા."
"મારી એકમાત્ર વિનંતી છે કે કોઈએ પણ આ રીતે પરદેશ ન જવું જોઈએ. પછી તેમને કશું નહીં મળે. તેઓ આજીવન રડતા રહેશે."
પંજાબના સરકારના મંત્રીએ શું કહ્યું?

પંજાબના કેબિનેટ પ્રધાન કુલદીપસિંહ ધાલીવાલે ગુરપ્રીતસિંહના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
એનઆરઆઈ મામલાઓના પ્રધાન કુલદીપસિંહ ધાલીવાલે પણ લોકોને અપીલ કરી છે કે તેઓ ગેરકાયદે રીતે અન્ય કોઈ દેશમાં ન જાય.
ધાલીવાલના જણાવ્યા મુજબ, તેમણે મૃતકના મૃતદેહને લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
"મૃતકની વય 33 વર્ષ હતી અને તે વિવિધ દેશોમાંથી થઈને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનાં માતા-પિતા પણ પરેશાન છે. તેઓ તેમના પુત્રનો મૃતદેહ તેમને સોંપવાની માગણી કરી રહ્યા છે."
તેઓ ઉમેરે છે, "મેં પંજાબમાં મારા વિભાગ મારફત મૃતદેહને મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ હું તમામ વાલીઓ અને પંજાબના તમામ યુવાનોને અપીલ કરું છું કે તેઓ ગેરકાયદે રીતે એકેય દેશમાં ન જાય."
ડૉન્કી રૂટ શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંજાબથી અમેરિકા, બ્રિટન અને યુરોપ સુધી ખતરનાક રસ્તાઓ પરથી પ્રવાસ કરવાને ક્ષેત્રીય ભાષામાં ડૉન્કી રૂટ કહેવામાં આવે છે. પંજાબ અને હરિયાણાના અનેક યુવાનો અગાઉ પણ વિવિધ કારણસર મોતનો શિકાર થયા છે.
એજન્ટો યુવાનોને વિવિધ માર્ગે ગેરકાયદે અમેરિકા લઈ જાય છે. તેમને પહેલાં લેટિન અમેરિકન દેશોમાં પહોંચાડવામાં આવે છે. તેનું કારણ આ દેશોની સરળ વિઝા વ્યવસ્થા છે.
ડૉન્કી રૂટ મારફત અમેરિકા પહોંચેલા એક યુવાનને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે એજન્ટો પહેલાં કેટલાક લોકોને ઇક્વાડોર લઈ જાય છે. ત્યાંથી ગધેડા પર સવારી કરીને કોલંબિયા અને બાદમાં પનામાં લઈ જાય છે.
પનામાના ખતરનાક જંગલને પાર કરીને તેમને કોસ્ટા રિકા અને ત્યાંથી નિકારાગુઆ પહોંચાડવામાં આવે છે.
હૉન્ડુરાસમાં તેમનો પ્રવેશ નિકારાગુઆમાંથી કરાવવામાં આવે છે. ત્યાંથી તેઓ ગ્વાટેમાલા અને મેક્સિકો સુધી પહોંચે છે.
મેક્સિકો પહોંચ્યા બાદ યુવાનો સીમા પાર કરીને અમેરિકામાં પ્રવેશ કરે છે.
કેટલાક એજન્ટો યુવાનોને બ્રાઝિલ અને વેનેઝુએલાના માર્ગે મેક્સિકો પણ લઈ જાય છે.
આ રૂટનું અંતર તેના સેટિંગ અને જે દેશમાં તેમનું નેટવર્ક સારું હોય તેના પર આધારિત હોય છે.
યુવાનોને ગેરકાયદે રીતે એક દેશમાંથી બીજા દેશમાં ઘુસાડવામાં મદદ કરતી હોય એવી વ્યક્તિ માટે ડૉંકર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















