અમેરિકામાં ટ્રમ્પના નવા નિર્ણય બાદ હવે ભારતીય ગર્ભવતી મહિલાઓ કેમ ડરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સવિતા પટેલ
- પદ, લેખક
નેહા સાતપુતે અને અક્ષય પિસે પોતાના પ્રથમ બાળકને આવકારવાની તૈયારી કરી રહ્યાં છે.
છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ ભારતીય દંપતી અમેરિકામાં એચ-1બી વિઝા પર એન્જિનિયર તરીકે કામ કરે છે. નેહા ગર્ભવતી છે.
26 ફેબ્રુઆરીએ તેમને ત્યાં બાળક આવવાનું છે અને તેમને આશા હતી કે તેમનું બાળક જન્મતાની સાથે જ અમેરિકન નાગરિક ગણાશે.
તેઓ એક મોટી ટૅક્નૉલૉજી કંપનીમાં કામ કરે છે જ્યાં પૅરન્ટલ લીવ પૉલિસી બહુ સહાયક છે. તેમણે કૅલિફોર્નિયાના સેન હોઝે ખાતે પોતાનું જીવન બહુ વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે.
પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના એક ઑર્ડરના કારણે તેમનું અમેરિકન ડ્રીમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ટ્રમ્પે એક નિયમની જાહેરાત કરી છે જે મુજબ કામચલાઉ વિદેશી કામદારોના અમેરિકામાં જન્મેલા બાળકોને આપોઆપ નાગરિકત્વ નહીં મળે.
અત્યાર સુધી અમેરિકામાં બાળકને જન્મતાની સાથે જ નાગરિકત્વ મળી જતું હતું, ભલે પછી તેના માતાપિતાનું ઇમિગ્રેશન સ્ટેટસ ગમે તે હોય.
મૅરીલેન્ડના એક ફેડરલ જજે આ ઑર્ડર પર રોક લગાવતો આદેશ આપ્યો છે. તેમણે સિયેટલની કોર્ટ દ્વારા બે સપ્તાહ માટે અપાયેલા સ્ટેને આગળ લંબાવ્યો છે. તેનો અર્થ એવો થયો કે જ્યાં સુધી કોર્ટમાં આ મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી ટ્રમ્પનો ઑર્ડર લાગુ નહીં થાય. જોકે, ઉપલી અદાલતમાં કોઈ પણ ચુકાદાને પલટાવી નખાય તેવી સંભાવના હંમેશા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિઝેરિયન ડિલિવરીની પૂછપરછ વધી?

અક્ષય, નેહા અને તેમના જેવા ઘણા લોકો મૂંઝવણમાં છે.
આ વિશે ઘણા બધા કેસ દાખલ થયા છે અને કાનૂની પડકારો છે તેના કારણે લોકો અનિશ્ચિતતાનો ભોગ બની રહ્યા છે.
અક્ષય કહે છે, "તેની સીધી અસર અમારા પર પડે છે. જો આ ઑર્ડર લાગુ થશે તો અમે નથી જાણતા કે આગળ જતા શું થશે. આ અનિશ્ચિત બાબત છે."
સૌથી મોટો સવાલ એ છે કે બાળકની નાગરિકતાનું શું થશે?
ન્યૂ યૉર્ક સ્થિત ઇમિગ્રેશન ઍટર્ની સાઇરસ મહેતા કહે છે કે આ લોકોની ચિંતા વાજબી છે. તેઓ કહે છે, અમેરિકાના કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે અહીં જન્મેલી વ્યક્તિને નોન-ઇમિગ્રન્ટનો દરજ્જો આપવામાં આવે.
અક્ષય અને નેહાને ત્યાં બાળકનો જન્મ થાય તે દિવસ નજીક આવતો જાય છે ત્યારે તેમણે બાળક વહેલું જન્મે તે માટે ડૉક્ટરો સાથે વાત કરી છે.
ડૉક્ટરે કહ્યું કે બધું બરાબર જશે તો 40મા સપ્તાહમાં બાળક જન્મી શકે છે. પરંતુ તેમણે હજુ રાહ જોવાનું નક્કી કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
નેહા કહે છે કે, "મારી ઇચ્છા છે કે બધું કુદરતી રીતે થાય."
અક્ષય કહે છે કે, "ડિલિવરી સુરક્ષિત હોય અને મારી પત્નીની હેલ્થ જળવાઈ રહે તે મારી પ્રાથમિકતા છે. નાગરિકત્વ એ ત્યાર પછીની વાત છે."
અમેરિકામાં ઘણા પરિવારો સિઝેરિયન કરાવવા ઇચ્છે છે તેવા મીડિયા અહેવાલો પછી અમેરિકન ઍસોસિયેશન ઑફ ફિઝિશિયન ઑફ ઇન્ડિયન ઓરિજિન (એએપીઆઈ)ના પ્રેસિડન્ટ ડૉ. સતીશ કથૂલાએ ભારતીય મૂળના પ્રસૂતિ નિષ્ણાતો સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ન્યૂ જર્સીમાં કેટલાક કિસ્સાને બાદ કરતા મોટા ભાગના ડૉક્ટરો પાસે આવી કોઈ ઇન્કવાયરી નથી આવી."
ઓહાયો સ્થિત ડૉક્ટરે જણાવ્યું કે, "મેડિકલના ચુસ્ત નિયમો ધરાવતા દેશમાં હું માત્ર સિટીઝનશિપ માટે સમયથી અગાઉ સિઝેરિયન ન કરાવવાની સલાહ આપું છું. આપણા ડૉક્ટરો નીતિમત્તામાં માને છે અને મેડિકલી જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ સી-સેક્શન નહીં કરે."
50 લાખથી વધુ ભારતીયો પાસે નોન-ઇમિગ્રન્ટ વિઝા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાનું નાગરિકત્વ ઇચ્છતા લોકોની સંખ્યા બહુ મોટી છે. ખાસ કરીને એચ-1બી વિઝાધારકોમાં તેની બહુ માંગ છે. અમેરિકામાં ભારતીયો એ બીજા ક્રમે સૌથી મોટો ઇમિગ્રન્ટ સમૂહ છે.
ઇમિગ્રેશન પૉલિસીના નિષ્ણાત સ્નેહા પુરી ચેતવણી આપે છે, "જન્મસિદ્ધ નાગરિકતા અંગેના ઑર્ડરથી ભારતીયો પર મોટી અસર પડશે. અમેરિકામાં 50 લાખથી વધુ ભારતીયો પાસે નોન-ઇમિગ્રન્ટ વિઝા છે."
તેમણે બીબીસીને જણાવ્યું, "જો તેને લાગુ કરવામાં આવશે તો ભવિષ્યમાં અમેરિકામાં જન્મેલાં કોઈ પણ બાળકને નાગરિકત્વ નહીં મળે."
ટૂંક સમયમાં માતાપિતા બનવાનાં હોય તેવા દક્ષિણ એશિયન દંપતીઓ ટ્રમ્પના ઑર્ડરથી ચિંતિત છે અને ઑનલાઈન ગ્રૂપમાં પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
ટ્રમ્પના ઍક્ઝિક્યૂટિવ ઑર્ડરમાં જણાવાયું છે કે કાયદેસરના કાયમી નાગરિકોનાં બાળકોને અમેરિકન નાગરિકત્વ મેળવવામાં કોઈ તકલીફ નહીં પડે.
પરંતુ અમેરિકામાં ભારતીયોને કાયમી રેસિડન્સી મેળવવા માટે ગ્રીન કાર્ડ મેળવવામાં સૌથી વધારે રાહ જોવી પડે છે.
હાલના અમેરિકન નિયમો પ્રમાણે કોઈ પણ એક દેશના લોકોને અપાતા ગ્રીન કાર્ડની સંખ્યા કુલ ગ્રીન કાર્ડના સાત ટકા કરતા વધુ હોઈ ન શકે.
ગ્રીન કાર્ડ મેળવવામાં દાયકા વીતી જશે

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં દર વર્ષે અપાતા એચ-1બી વિઝામાંથી 72 ટકા વિઝા ભારતીયોને મળે છે. કેટો ઇન્સ્ટિટ્યૂટ મુજબ રોજગારીના આધારે ગ્રીન કાર્ડ ઈચ્છતા લોકોનો જે બૅકલૉગ છે તેમાં ભારતીયોનું પ્રમાણ 62 ટકા છે.
એટલે કે 2023ના આંકડા મુજબ 11 લાખ લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે ભારતીયોને રોજગારીના આધાર પર ગ્રીન કાર્ડ મળે છે તેમણે છેક 2012માં અરજી કરી હતી.
કેટોના ઇમિગ્રેશન સ્ટડીઝના ડાયરેક્ટર ડેવિડ બિયરે પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી છે, "નવા ભારતીય અરજકર્તાઓએ આખી જિંદગી રાહ જેવી પડે તેવી શક્યતા છે. લગભગ ચાર લાખ લોકોને મૃત્યુ સુધી ગ્રીન કાર્ડ ન મળે તેવી સંભાવના છે."
તેની તુલનામાં બીજા દેશોના મોટા ભાગના ઇમિગ્રન્ટ્સને અરજી કર્યાના એક જ વર્ષમાં પર્મેનન્ટ રેસિડન્સી (પીઆર) મળી જાય છે, જેથી તેઓ વધુ ઝડપથી નાગરિકત્વ મેળવી શકે છે.
ટ્રમ્પનો ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર લાગુ કરવામાં આવશે તો તે અમેરિકામાં ગેરકાયદે આવેલા માઇગ્રન્ટ્સને પણ અસર કરશે.
અત્યાર સુધી આવા લોકોનાં બાળકોને યુએસમાં જન્મતાની સાથે જ નાગરિકત્વ મળી જતું હતું. આ બાળકો 21 વર્ષનાં થાય ત્યારે પોતાનાં માતાપિતાને ગ્રીન કાર્ડ અપાવવા માટે સ્પોન્સર કરી શકતાં હતાં.
પ્યુ રિસર્ચના અંદાજ પ્રમાણે 2022 સુધીમાં અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ હતા. એટલે કે તેઓ અહીં ત્રીજું સૌથી મોટું જૂથ છે.
તેની તુલનામાં માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ મુજબ આ આંકડો 3.25 લાખનો છે અને ભારતીયો પાંચમા ક્રમે છે.
અમેરિકાની કુલ વસતીમાં બિનસત્તાવાર ઇમિગ્રન્ટ્સનો હિસ્સો ત્રણ ટકા છે અને વિદેશમાં જન્મેલા કુલ લોકોમાં તેમનું પ્રમાણ 22 ટકા છે.
અમેરિકા માટે સ્કીલ્ડ કામદારો આવશ્યક

ઇમેજ સ્રોત, Getty Images
એચ-1બી વિઝા પર આવેલા ભારતીયોની મુખ્ય ચિંતા તેમના બાળકના જીવનની ગુણવત્તાને લઈને છે.
આવા વિઝાધારકોએ ફરજિયાત રીતે અમેરિકા બહાર જઈને તેમના વિઝા પર વિદેશી યુએસ ઍમ્બેસીનો સ્ટેમ્પ મરાવવો પડે છે. જે લોકો સ્ટેમ્પ મરાવવા માટે ભારત આવે તેમને ઘણી વખત ઍપૉઇન્ટમેન્ટ મેળવવા માટે રાહ જોવી પડે છે.
ઇમિગ્રન્ટ્સ નથી ઇચ્છતા કે તેમના અમેરિકામાં જન્મેલાં બાળકોને પણ આવી જ બ્યૂરોક્રેટિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે.
અક્ષય પણ કેટલાંય વર્ષોથી ગ્રીન કાર્ડની લાઇનમાં રાહ જોઈ રહ્યા છે. તેમને ખબર છે કે એક વખત અમેરિકન નાગરિકત્વ મળી જાય તો જીવન કેટલું સરળ બની જાય છે.
તેઓ કહે છે, "અમે 10 વર્ષ કરતાં વધુ સમયથી અહીં છીએ. મારાં માતાપિતાની ઉંમર વધતી જાય છે તેથી મને યુએસ સિટીઝનશિપ મળે તે બહુ જરૂરી છે. વિઝાના સ્ટેમ્પિંગના સમયને અનુકુળ આવે તેવી રીતે પ્રવાસ કરવો મુશ્કેલ બની જાય છે. હવે અમને બાળક આવવાનું છે તેથી મુશ્કેલી વધી જશે."
અમેરિકામાં વિદેશી સ્કીલ્ડ કામદારોએ આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેથી ઘણા ડૉક્ટરો ટ્રમ્પના ઑર્ડરનો વિરોધ કરે છે.
ડૉ. કેથુલા કહે છે કે, "નોર્થ અને સાઉથ ડાકોટા જેવા ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય ડૉક્ટરો બહુ મહત્ત્વપૂર્ણ છે. તેમના વગર હેલ્થકૅરની સુવિધા ભાંગી પડશે. હવે તેઓ પોતાનો પરિવાર શરૂ કરવા વિશે ગડમથલમાં છે."
તેઓ કહે છે કે ગ્રીન કાર્ડની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ અને જેમનાં માતાપિતાએ અમેરિકામાં ઘણું યોગદાન આપ્યું છે તેમનાં બાળકોને જન્મજાત નાગરિકત્વ આપવું જોઈએ.
કાયદાકીય અનિશ્ચિતતા વધી

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના ઑર્ડરે સ્ટુડન્ટ અને વર્ક વિઝા પર આવેલા ભારતીયોમાં પણ ચિંતા વધારી દીધી છે. તેઓ પહેલેથી પોતાની અનિશ્ચિત કાનૂની સ્થિતિથી વાકેફ છે. અત્યાર સુધી તેમને ખાતરી હતી કે તેમના અમેરિકામાં જન્મતા બાળકને નાગરિકત્વ મળી જશે, પરંતુ હવે તે પણ અનિશ્ચિત છે.
સેન હોઝેના રહેવાસી પ્રિયાંશી જાજૂને ત્યાં એપ્રિલમાં બાળક આવવાનું છે. તેઓ પણ સંભવિત ફેરફારો વિશે સ્પષ્ટતાની શોધમાં છે.
તેઓ કહે છે કે "શું મારે પાસપૉર્ટ માટે ભારતીય કૉન્સ્યુલેટનો સંપર્ક કરવો પડશે? કયા વિઝા લાગુ થશે? ઑનલાઈન કોઈ માહિતી નથી મળતી."
બાળકના જન્મનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ અનિશ્ચિતતાના કારણે નેહાની ચિંતા વધતી જાય છે.
તેઓ કહે છે કે, "ગર્ભાવસ્થામાં આમેય બહુ સ્ટ્રેસ હોય છે. અમને લાગતું હતું કે અમે એક દાયકાથી અહીં રહીએ છીએ તેથી બધુ સરળ થઈ જશે. પરંતુ હવે આ ચિંતા ઊભી થઈ છે."
તેના પતિ અક્ષય કહે છે કે, "કાયદેસરના અને ટૅક્સ ચૂકવતા ઇમિગ્રન્ટ તરીકે અમારા બાળકને અમેરિકાનું નાગરિકત્વ મળવું જોઈએ. કાયદો આવું જ કહે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












