પાટીદાર યુવાનો સામેના કેવા પ્રકારના કેસ ગુજરાત સરકારે પાછા ખેંચ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેરાત કરી છે કે પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા વધુ 14 કેસ પાછા ખેંચવામાં આવશે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારપરિષદ દરમિયાન આ વાતની જાહેરાત કરી હતી. આ સાથે જ 'સમયનું ચક્ર' પૂર્ણ થયું હતું.
વર્ષ 2015ની શરૂઆતથી ગુજરાતમાં સરદાર પટેલ ગ્રૂપના નેજા હેઠળ પાટીદારોને અનામત મળે તે માટે આંદોલન હાથ ધર્યું હતું. તા. 23મી જુલાઈએ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉગ્ર ભીડે ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસને આગ ચાપી દીધી હતી.
જુલાઈ-2018માં હાર્દિક પટેલ, લાલજી પટેલ તથા એકે પટેલ ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠર્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે જ તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
વિસનગરના કારણે હાર્દિક પટેલની વર્ષ 2019ની લોકસભા ચૂંટણી લડવાની મંછા ઉપર પાણી ફરી વળ્યું હતું.
હવે, ઋષિકેશ પટેલે જ વિરમગામની બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત આપતના નિર્ણયની જાહેરાત કરી હતી.
હાર્દિક પટેલ, નરેશ પટેલ સહિતના ખોડલધામ અને ઉમિયાધામના આગેવાનોએ પટેલ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાત સરકારનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે ઉત્તર પ્રદેશના કુંભમેળામાં સ્નાન કરવા માટે ગયા, તેના એક દિવસ પહેલાં તેમણે રાજ્ય કૅબિનેટની બેઠક ભરી અને તેમાં પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા 14 કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારપરિષદ ભરીને અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર નેતાઓને રાહત આપતા નિર્ણય અંગે માહિતી આપી હતી.
ઋષિકેશ પટેલે કહ્યું, "વખતોવખત (ગુજરાત સરકાર દ્વારા) કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ ચાર જેટલા કેસો જ બાકી છે."
રાજ્ય સરકારે અમદાવાદમાં નોંધાયેલા આઠ, ગાંધીનગરના ત્રણ, સુરતના બે અને મહેસાણામાં દાખલ થયેલા કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
કેસ પાછા ખેંચાવામાં શા માટે સમય લાગ્યો? એવા એક સવાલનો જવાબ આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું, "કોઈપણ કેસ નોંધાય એટલે કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પાછા ખેંચી શકાય એવા છે. એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે."
પટેલના કહેવા પ્રમાણે, 'લાગણી અને માગણી' દર્શાવવાની રીત હોય છે, પરંતુ આંદોલન 'શાંત અને અહિંસક' હોવું જોઈએ. પટેલે ઉમેર્યું કે 'યોગ્ય અને ન્યાયિક' રીતે જે કેસો પાછા ખેંચી શકાય એમ છે, એ ખેંચાયા છે.
એ સમયે મોટાભાગના કેસ જાહેરનામાના ભંગ, ઉશ્કેરણીજનક ભાષણ, ગેરકાયદેસર એકઠા થવું અને સુલેહ-શાંતિના ભંગના હતા. જોકે, અમુક નેતાઓ સામે રાજદ્રોહ જેવા ગંભીર ગુના પણ દાખલ થયા હતા.
પરંતુ, સુપ્રીમ કોર્ટે રાજદ્રોહની કલમને મોકૂફ કરતો ચુકાદો આપ્યો હતો, જેનો લાભ આરોપીઓને મળ્યો હતો. આંદોલન બાદ કૉંગ્રેસમાં જોડાનારા હાર્દિક પટેલ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને વિરમગામની બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.
હવે શું થશે ?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 360 હેઠળ કેસ પાછા ખેંચ્યા છે. જે મુજબ, પબ્લિક પ્રૉસિક્યૂટર કે તેમના સહાયક અદાલતનો ચુકાદો આવે તે પહેલાં કોઈપણ તબક્કે કેસ (કે કેસો) પાછા ખેંચવાની અરજી કરી શકે છે.
જો, આરોપો ઘડાવાના બાકી હોય તો આરોપીઓ ડિસ્ચાર્જ થઈ જશે અને જો ચાર્જશિટ દાખલ થઈ ગઈ હોય તો તેમનો નિર્દોષ છૂટકારો થશે, પરંતુ કેન્દ્રીય કાયદા કે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળની કોઈ બાબતમાં રાજ્ય સરકાર આરોપીઓને છોડી નથી શકતી.
છેલ્લા લગભગ એક દાયકાથી કોર્ટ-કચેરી અને ન્યાયિકપ્રક્રિયામાં ખેંચાઈ રહેલા લોકોને રાહત મળશે. અનેકના પાસપૉર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા, તો અમુકને અમુક સરકારી નોકરી માટેનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ પડી રહી હતી કે સરકારી નોકરી માટે અરજીની ઉંમર પાર કરી ગયા છે.
પાટીદાર આંદોલનમાં ભોગ બનેલાઓના કેસ લડી ચૂકેલા ઍડવોકેટ બાબુભાઈ માગુકિયાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું, "જેતે પબ્લિક પ્રૉસિક્યૂટર હોય તેણે જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય, ત્યાં સરકાર હવે કેસ ચલાવવા નથી માગતી એમ જણાવીને કેસ પાછો ખેંચવા માટેની અરજી આપવી પડે છે."
"જો કોર્ટને લાગે કે પબ્લિક પ્રૉસિક્યૂટરની અરજી અને સરકારનો નિર્ણય જાહેરહિતમાં છે, તો તે કેસ પાછા ખેંચવાની મંજૂરી આપે. જો પબ્લિક પ્રૉસિક્યૂટર કેસ પાછા ખેંચવાની અરજીની સાથે પોતાનો અભિપ્રાય ન આપે અને માત્ર સરકારના નિર્ણયને કારણે અરજી કરી હોવાનું જણાવે, તો અદાલત (જે-તે) કેસ પાછો ખેંચવાની મંજૂરી ન પણ આપે."

ઇમેજ સ્રોત, Getty/FB
ગુજરાતના તત્કાલીન પોલીસવડા શિવાનંદ ઝાએ પૂંજ કમિશનમાં આખા ગુજરાતની સ્થિતિ અંગે 55 પાનાંની ઍફિડેવિટ રજૂ કરીને સમગ્ર ઘટનામાં પોલીસે કરેલી કામગીરી અંગે માહિતી આપી હતી.
તા. 14 ઑક્ટોબર 2018ના દિવસે રજૂ કરેલી ઍફિડેવિટમાં નોંધ્યું હતું કે આ તોફાનો ન થાય એ માટે ગુજરાત પોલીસે 1 ઑગસ્ટથી 23 ઑગસ્ટ 2015 સુધીમાં થયેલાં હિંસક તોફાનોમાં સીઆરપીસીની (ક્રિમિનલ પ્રોસિજર કોડ) કલમ 107, 109, 542, 110, 278 તથા ગુજરાત પોલીસ ઍક્ટની સૅક્શન 56, 57, 122, 124, 142 હેઠળ અને પ્રોહિબિશન ઍક્ટ 93 મુજબ કુલ 3126 કેસ નોંધ્યા હતા.
તા. 25 ઑગસ્ટ 2015ના અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામતની માગ સાથે જાહેરસભા મળી, એ પછી ગુજરાતમાં ઠેર-ઠેર હિંસા ફાટી નીકળી હતી. પોલીસે કરેલી કાર્યવાહીમાં 14 પાટીદાર યુવકનાં મૃત્યુ થયાં હતાં.
એક તબક્કે હાર્દિક પટેલ સહિત અનેક પાસ આગેવાનોના કેસ લડનારા વકીલ બાબુભાઈ માગુકિયાએ કહ્યું હતું કે હજુ 50થી 100 જેટલા કેસ પેન્ડિંગ હોય શકે છે. આ અંગે કોઈ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી, કારણ કે અલગ-અલગ શહેરોમાં નાના લોકો સામે પણ છૂટાછવાયા કેસ નોંધાયેલા છે. માગુકિયાએ માગ કરી હતી કે આ તમામને રાજ્ય સરકારે રાહત આપવી જોઈએ.
પાટીદાર અનામત આંદોલનને સમાંતર જ ઓબીસી (અન્ય પછાત વર્ગ) અને દલિત આંદોલન થયા હતા. આ સમાજના લોકો સામે પણ અલગ-અલગ કેસ દાખલ થયા હતા, ત્યારે આગામી દિવસોમાં તેમના દ્વારા પણ આ મુદ્દે રાજ્ય સરકાર પર દબાણ લાવવા પ્રયાસ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ન્યાયિકપ્રક્રિયાના કોઈપણ તબક્કે અસંતુષ્ટ પક્ષકાર અદાલતના ચુકાદા કે નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે અને ન્યાય માટે દાદ માગી શકે છે. ગંભીર પ્રકારના કેસોમાં અરજદાર પોતે પક્ષકાર ન હોય તો પણ અરજી કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












