આંજણાધામ: ગુજરાતના રાજકારણમાં ચૌધરી પટેલોનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ છે?

ઇમેજ સ્રોત, @Shankar Chaudhary/Facebook
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના છ જિલ્લામાં નિર્ણાયક મતદાતા ગણાતા ચૌધરી પટેલ દ્વારા રૂ. 300 કરોડના ખર્ચે આંજણાધામનું નિર્માણ થઈ રહ્યું છે.
ત્યારે ગુજરાતના રાજકારણમાં પટેલોની જેમ પોતાનું આગવું સોશિયલ કૅપિટલ ઊભું કરી, રાજ્ય સિવાય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં રાજકીય તાકાત બતાવવા માટે આંજણાધામ બનાવ્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
અલબત્ત આંજણાધામ સાથે જોડાયેલા નેતાઓનો દાવો છે કે આ સ્થળ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ચૌધરી સમાજના ઉત્થાન માટે છે.
જે માત્ર ચૌધરી જ્ઞાતિ પૂરતું સીમિત નહીં રહે અને તમામ જ્ઞાતિના નબળા લોકોને મદદ કરશે તથા એની પાછળ કોઈ રાજકીય હેતુ નહીં હોય.
ગુજરાતમાં લગભગ 15 લાખની વસ્તી ધરાવતા આંજણા પટેલ દ્વારા આંજણાધામ બનાવી ગ્રામીણવિસ્તારમાં રહેતા યુવાનોને શિક્ષણ, સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી એનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.
શું કહે છે રાજકીયવિશ્લેષકો?

ઇમેજ સ્રોત, Anjanadham
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામશાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતમાં 1985 પછી પટેલોએ ખેતીના વ્યવસાયમાંથી બહાર આવી અન્ય ધંધામા જંપલાવ્યું છે, અને 1990ના અંત સુધીમાં નાના, મધ્યમ, મોટા ઉદ્યોગો ઉપરાંત ટ્રેડિંગ, શૈક્ષણિક સંસ્થાઓ, કૉ-ઑપરેટિવ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે પ્રભુત્વ મેળવી પોતાનું આગવું સોશિયલ કૅપિટલ ઊભું કર્યું છે."
"જેના દ્વારા તે પટેલ ઉપરાંત અન્ય જ્ઞાતિના લોકોને શૈક્ષણિક સંસ્થા થકી મદદ કરવા ઉપરાંત રોજગાર પણ આપે છે, જેના કારણે એમનું આ સોશિયલ કૅપિટલ વિસ્તર્યું છે. સંગઠિત થવાને કારણે એમની પોતાની પણ પૉલિટિકલ તાકાત ઊભી થઈ છે."
"ગુજરાત વિધાનસભામાં લગભગ 66 બેઠકો પર 15 થી 48 ટકા મતદાતા ધરાવતા પટેલો ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક બન્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોમાં વસતા પટેલો 'કુર્મી' કે 'પાટીદાર' તરીકે ઓળખાય છે. પટેલો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પણ છે. તેઓ સંગઠિત થતાં એમની રાજકીય તાકાત વધી છે."
"આવું જ કોળી જ્ઞાતિનું છે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના કેટલાક ભાગમાં છે, પરંતુ એમનામાં શિક્ષણ અને જાગૃતિનું પ્રમાણ ઓછું છે એટલે એમની રાજકીય તાકાત મોટા પ્રમાણમાં ઊભી નથી થઈ."

ઇમેજ સ્રોત, Anjanadham
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૌધરી સમાજની વાત કરીએ તો સરકારી નોકરીઓથી માંડી સહકારીક્ષેત્રમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ ઊભું થયું છે. ગુજરાતના છ જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને ગાંધીનગરમાં ચૌધરી હવે નિર્ણાયક મતદાતા બની રહ્યા છે.
ઘનશ્યામ શાહ ઉમેરે છે, "આંજણા પટેલ સમાજમાં ખેતી અને પશુપાલનના કારણે આર્થિક સદ્ધરતા આવી છે. ગુજરાતમાં લગભગ 15 લાખની વસ્તી ધરાવતો આંજણા પટેલ સમાજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ નોંધપાત્ર વસતિ ધરાવ છે."
"ઉત્તર ગુજરાતમાં કેન્દ્રિત ચૌધરી સમાજ સંગઠિત થવા માટે ઉમિયાધામ અને ખોડલધામની તર્જ પર આંજણાધામ બનાવી રહ્યો છે. એમાં શૈક્ષણિકપ્રવૃત્તિ ઉપરાંત, સરકારી નોકરી માટેની પોલીસ, શિક્ષક, લશ્કર સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે."
"આ બતાવે છે કે પટેલની જેમ સોશિયલ કૅપિટલ ઊભું કરી ગુજરાત સિવાય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ પોતાની રાજકીય તાકાત વધારવા પ્રયાસ કરશે."
શિલાન્યાસના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા. આચાર્યે આંજણાધામ માટે રૂ. પાંચ લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.

પ્રયાસ નવા, પ્લાન જૂનો

ઇમેજ સ્રોત, Anjanadham
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ચૌધરી સમાજને ઉત્તર ગુજરાતના છ જિલ્લા સુધી સીમિત રાખવાને બદલે દેશભરમાં ફેલાવવાનું કામ વિશ્વ આંજણાધામ દ્વારા કરવામાં આવી રહ્યું છે."
"ચૌધરીસમાજ સહકાર ક્ષેત્રમાં આવ્યો એના કારણે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આર્થિક રીતે સમૃદ્ધ થયો છે અને શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, એટલે સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ચૌધરીસમાજના યુવાનો કાઠું કાઢી રહ્યા છે."
"હાલમાં લગભગ 15 લાખની વસ્તી ધરાવતો (આંજણા) ચૌધરી સમાજ ગુજરાતમાં 33 વિધાનસભા બેઠકો પર નિર્ણાયક મતદાતા છે, 2013માં એમણે સફળ પ્રયોગ કર્યો હતો અને રાજસ્થાનથી ગુજરાતની યાત્રા કાઢી હતી."
"વસતિની દૃષ્ટિએ નાનો લાગતો ચૌધરી સમાજ પોતાની રાજકીય તાકાત વધારવા ગુજરાત,રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સંગઠિત થઈ રહ્યો છે."
"હવે 13 માળનું વિશ્વ આંજણાધામ બનશે, જેમાં સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવામાં આવશે, જેના કારણે નાના ગામમાંથી ભણીને ગાંધીનગર આવી સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોને ફાયદો થશે."
"ચૌધરી સમાજના યુવામાં પોલીસ, લશ્કરીદળો તથા રમતગમતમાં જવાની ક્ષમતા છે, જે સારી ટ્રેનિંગને કારણે બહાર આવશે. અન્ય જ્ઞાતિને મદદ કરવાની તૈયારીને કારણે ચૌધરી સમાજનું સોશિયલ કૅપિટલ વિસ્તરશે જેનો એમને રાજકીય ફાયદો થશે."
ચૌધરી પટેલો પર સમાજના સામૂહિક નિર્ણયોની વ્યાપક અસર થતી હોય છે. આ અંગે કૌશિક મહેતા ઉમેરે છે:
"વિશ્વ આંજણાધામ બનાવવાનો પ્લાન જૂનો છે, પણ બધાને સાથે લેવા માટે 2023માં ચૌધરી સમાજે 21 નિયમો બનાવ્યા હતા, જેમાં લગ્નમાં ડી.જે. નહીં વગાડવાના, લગ્નની કંકોત્રી સાદી રાખવી જેવા નિયમો સામેલ હતા."
"ઉપરાંત મહત્ત્વનો નિર્ણય હતો કે ચૌધરી સમાજનો યુવાન ફેશનેબલ દાઢી રાખે તો રૂ. 51 હજારનો દંડ કરવો, ત્યાર બાદ ચૌધરી સમાજના યુવાનોમાં ફેશનેબલ દાઢી જોવા નથી મળતી."
વર્ષ 2022માં ચૌધરી સમાજમાં તિરાડ પડી હતી, જેની અસર તેની રાજકીય તાકત ઉપર પણ પડી હતી. કૌશિક પટેલ જણાવે છે:
"વર્ષ 2022માં ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીને કારણે બે ભાગલા પડ્યા હતા, એ સમયે અર્બુદા સેનાએ સમાજના નબળા વર્ગોને મદદ કરવાનું શરૂ કર્યું હતું, પણ એ સંગઠિત રીતે નહોતું એટલે તેની અસર વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં અસર દેખાઈ નથી."
"હવે, સંગઠિત થઈને ચૌધરી સમાજ પોતાનું સોશિયલ કૅપિટલ ઊભું કરે, તો ગુજરાત જ નહીં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે."
શું કહે છે ચૌધરી આગેવાનો?

ઇમેજ સ્રોત, Anjanadham
ગુજરાત ચૌધરી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આંજણા ચૌધરી સમાજના મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એમનામાં પહેલેથી શારીરિક ક્ષમતા વધુ છે, એટલે એક દાયકામાં પોલીસ અને લશ્કરમાં અને શિક્ષણક્ષેત્રમાં પણ વધુ આવી રહ્યા છે."
"આ 13 માળનું વિશ્વ આંજણાધામ ગ્રામીણ વિસ્તારમાં રહેતા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવા, નવી ટેક્નૉલૉજી સાથે એમને જોડાવાનું કામ કરશે એટલે, જેથી બદલાતા યુગ સાથે કદમ મિલાવી શકે, આ માત્ર આંજણા સમાજ માટે નથી તમામ જ્ઞાતિના લોકો માટે છે."
"આ વિચાર ચાર વર્ષથી ચાલતો હતો છેવટે દાતા મળી જતા અમે રૂ. 300 કરોડનું વિશ્વ આંજણાધામ બનાવી રહ્યા છીએ, એ રાજકીય તાકાત બતાવવા માટે નથી કરી રહ્યા."
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને વિશ્વ આંજણાધામના સક્રિય નેતા શંકર ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું :
"આ (વિશ્વ આંજણાધામ) કોઈ રાજકીય પ્લૅટફૉર્મ નહીં હોય, પણ સમાજના વિકાસ માટેનું કામ હશે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા નબળા વર્ગના વિદ્યાર્થીઓને આનો ફાયદો મળશે."
"આ ઉપરાંત અમે ગર્ભસંસ્કાર આપીશું, અહીં ધાર્મિકપ્રવૃત્તિ ઉપરાંત શિક્ષણ, વ્યસનમુક્તિ જેવાં કામો કરવામાં આવશે, આંજણાધામમાં રાજકીય માણસો હશે, પણ એનો રાજકીય ઉપયોગ નહીં થાય."
શંકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે, આંજણાધામ માત્ર ચૌધરી પટેલ જ નહીં, પરંતુ અન્ય જ્ઞાતિના લોકોના ઉત્કર્ષ માટે પણ કામ કરશે. તેમણે કહ્યું :
"બીજું કે અમે આંજણાધામ બનાવવા માટે પટેલ સમાજ પાસેથી સરદારધામ જેવું આધુનિક કેમ બનાવાય એનું માર્ગદર્શન લીધું છે. અમે તમામ જ્ઞાતિના આર્થિક રીતે નબળા લોકોને સાથે રાખવાના છીએ, જેના કારણે એક સમાજ નહીં તમામ લોકોના વિકાસમાં સહાય કરી શકાય."
"સહકારી ક્ષેત્રમાં બનસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ડેરી અને સહકારી બૅન્કમાં ચૌધરી સમાજનું પ્રભુત્વ છે, પણ તેનો લાભ રાજ્યના દરેકને (સમાજ) મળે છે, એમ વિશ્વ આંજણાધામનો લાભ દરેક લોકોને મળશે."
ચૌધરી સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :
"વિશ્વ આંજણાધામ સમાજના ગરીબોના ભલા માટે નહીં, પણ કરોડોપતિઓના આધિપત્ય માટે બનવવામાં આવી રહ્યું છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં જેમ હવે કરોડોપતિઓનું વર્ચસ્વ વધ્યું છે, એમ એમાં (આંજણાધામ) થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી."
વિપુલ ચૌધરી અર્બુદા સેના સાથે જોડાયેલા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












