મહાકુંભ : નાગાસાધુઓ કોણ હોય છે અને તેમની 'ટાંગતોડ' પ્રક્રિયા શું હોય છે?

નાગાસાધુ, મહાકુંભ, પ્રયાગરાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નાગાસાધુ બનતા પહેલાં પંચસંસ્કાર કરવામાં આવે છે
    • લેેખક, વિનાયક હોગાડે
    • પદ, BBC પ્રતિનિધિ, પ્રયાગરાજથી

"આમ જ નાગા સંન્યાસી બની જવાતું નથી. તે માટે મહેનત કરવી પડે છે. ગુરુની સેવા કરવી પડે છે. ત્યાર બાદ ક્યાંક જઈને નાગા સંન્યાસી બનવાની દીક્ષા લેવી પડે છે. ત્યાર બાદ પણ તપસ્યા કરવી પડે છે, જે મારે પણ કરવી પડશે," એમ બાપ્પા મંડળે એકદમ સહજપણે જણાવ્યું.

આવાહન આખાડામાં રહેતા 32 વર્ષીય બાપ્પા મંડળ મુળ પશ્ચિમ બંગાળના અલિપુરદ્વારના છે.

કુંભમેળાના બીજા શાહી સ્નાન એટલે કે 26 જાન્યુઆરી તારીખે તેમને નાગા સંન્યાસી બનવા માટેની દીક્ષા આપવામાં આવી હતી.

છેલ્લાં છ વર્ષોથી તેઓ પોતાના ગુરુની સેવા કરી રહ્યા છે. તેમની આજ્ઞા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે તેમને નાગા બનવા માટેની દીક્ષા આપવામાં આવશે.

આ દીક્ષા લીધા બાદ તેઓ 'ભુવેનશ્વર પુરી' એવું નવું નામ ધારણ કરશે. તેમના પિતા પણ સાધુ બન્યા હતા. પણ 'નાગા સાધુ' બનવાનો નિર્ણય તેમનો પોતાનો છે.

અંગે ભસ્મ, કપાળે ચંદનનો લેપ, પગે લોખંડી કડા, કમરે અને ગળામાં ગલગોટાની માળા… હાથમાં ક્યારેક ડમરુ, તો ક્યારેક શંખ તો ક્યારેક કમંડળ…

પણ અમુકવાર હાથમાં તમને ગાંજાથી ભરેલી ચિલ્લમ જોવા મળશે. કુંભમેળાની વાત આવે એટલે તમામને ગૂઢ અને ગહન એવા નાગા સાધુઓનું આકર્ષણ થાય.

પણ નગ્ન અને અત્યંત વિચિત્ર દેખાતા આ સાધુઓ આવે છે ક્યાંથી? શાહી સ્નાન વખતે દેખાતા હજારો સાધુઓ કુંભમેળા બાદ ક્યાં ગાયબ થઈ જાય છે? શું તેઓ ખરેખર હિમાલયમાં રહે છે? નવા નાગા સાધુની ભરતી કેવી રીતે થાય છે? તેની પ્રક્રિયા શું હોય છે? આ પ્રશ્નોનો આજે જવાબ મેળવીએ.

નાગા સંન્યાસી કેવી રીતે બને છે? તેમને દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે? તેની પ્રક્રિયા શું હોય છે આ ખરેખર કુતૂહલનો વિષય છે. બાપ્પા મંડળ સાથે વાત કરતા પહેલાં, કુંભમેળામાં અમે ઘણા નાગા સાધુઓ સાથે વાત કરી.

નાગા સાધુ બનવા માટેની પ્રક્રિયા શું હોય છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. કેટલાક નાગા સાધુઓએ તો "આ એક ગુપ્ત પ્રક્રિયા છે, એટલે જાહેરમાં અમે કહી શકીએ નહીં", એવો જવાબ આપ્યો હતો. તો કેટલાકે આશીર્વાદ આપીને સહકાર આપતી સારી માહિતી આપી.

નાગા સાધુના જીવનને સમજવું હોય તો કુંભમેળામાં આવેલા અખાડાની રચના સમજવી પડે. કારણ કે નાગા સાધુઓેને અખાડા સાથે જોડવામાં આવે છે.

જે સાધુ અખાડાઓ સાથે જોડાયેલા નથી હોતા, તેમને સાધુ માનવામાં નથી આવતા. આવા સાધુઓને "ખડિયા પલટન" એટલે કે ખોટા સાધુ કહેવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, વૉટ્સઍપ

ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કુંભમેળામાં અખાડાની રચના કેવી હોય છે?

મહાકુંભ, બીબીસી ગુજરાતી, શાહીસ્નાન, નાગા સાધુ
ઇમેજ કૅપ્શન, હાલમાં 13 અખાડા અસ્તિત્વ ધરાવે છે

હિંદુ ધર્મમાં મોટા ભાગનું આધ્યાત્મિક જગત વૈષ્ણવ અને શૈવ એમ બે સંપ્રદાયમાં વહેંચાયેલું છે. ભગવાન વિષ્ણુના અવતાર જેવા કે રામ અને કૃષ્ણને જે લોકો પૂજે છે એમને વૈષ્ણવ કહેવાય છે અને જે લોકો શિવની ભક્તિ કરે છે એમને શૈવ કહેવાય છે.

કુંભમેળા જેવી પ્રંચડ મોટા આયોજનમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરવાની તક સંપ્રદાયોને મળે છે. આ બન્ને સંપ્રદાયના ભારતભરમાં વિસ્તરેલા મઠ કે આશ્રમને વિવિધ અખાડા સાથે જોડવામાં આવે છે. અખાડો શબ્દ આમ તો કુસ્તી સાથે સંબંધ ધરાવે છે અને ત્યાંથી જ આધ્યાત્મિક જગતમાં તેનો પ્રવેશ થયો છે.

હાલમાં 13 અખાડા અસ્તિત્વ ધરાવે છે. 'અખિલ ભારતીય અખાડા પરિષદ' આ 13 અખાડાનું નિયમન કરે છે અને કુંભમેળાનું પણ આયોજન કરે છે. 13 અખાડા ત્રણ પ્રકારના વિભાગમાં વહેંચાયેલા છે. શૈવ અખાડા, વૈષ્ણવ અખાડા અને શીખ ધર્મથી પ્રભાવિત થયેલા ઉદાસીન અખાડા.

નાગા સાધુના જીવનને સમજવું હોય તો કુંભમેળામાં આવેલા અખાડાની રચના સમજવી પડે.
ઇમેજ કૅપ્શન, નાગા સાધુના જીવનને સમજવું હોય તો કુંભમેળામાં આવેલા અખાડાની રચના સમજવી પડે

શૈવ સંપ્રદાયમાં 7 અખાડા છે જ્યારે વૈષ્ણવ અને શીખ ધર્મ પ્રત્યેકમાં ત્રણ-ત્રણ અખાડા છે. મહાનિર્વાણ, જૂના, નિરંજની, અટલ, આનંદ, આવાહન, અગ્નિ આ શૈવ અખાડા છે.

જ્યારે નિર્વાણી, નિર્મોહી, દિંગબર આ વૈષ્ણવ અખાડા છે. ઉદાસીનમાં બાબા ઉદાસીન, છોટા ઉદાસીન અને નિર્મળ એમ ત્રણ અખાડા છે. આ તેર અખાડા ત્રણ પ્રમુખ અખાડામાં વહેંચવામાં આવ્યા હોવા છતાં પ્રત્યેક અખાડામાં ઓછા વત્તા અંશે થોડો ઘણો ફરક હોય છે.

વૈષ્ણવ અખાડામાં સાધુને વૈરાગી કહેવાય છે જ્યારે શિવ અખાડામાં સાધુને દશનામી કે સંન્યાસી કહેવાય છે. એટલે નાગા સંન્યાસીઓ ફક્ત શૈવ અખાડામાંથી જ આવે છે. શૈવ અખાડાઓમાં આવાહનને સૌથી પહેલો અખાડો માનવામાં આવે છે.

પરંતુ આ બાબતે કોઈ લેખિત પુરાવા ન હોવાથી તે બાબતે મતમતાંતર છે. પહેલાં 13 અખાડા મહત્ત્વના માનવામાં આવે છે, છતાં પણ મતભેદોને લઈને તેની અનેક શાખાઓ બની ગઈ છે.

નાગા સાધુ બનવાની પ્રક્રિયા એટલે શું?

નાગા સંન્યાસી બનવાની ઇચ્છા ધરાવતા સાધુનું લિંગ ખેંચીને તેને નિષ્ક્રિય કરવામાં આવે છે
ઇમેજ કૅપ્શન, નાગા સંન્યાસી બનવાની ઇચ્છા ધરાવતા સાધુનું લિંગ ખેંચીને તેને નિષ્ક્રિય કરવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાબા બાલક ગિરિ 2016માં નાગા સાધુ બન્યા હતા. તેઓ કહે છે, "અમારે જીવતા જીવ પોતાનું પિંડદાન કરવું પડે છે. ત્યાર બાદ પરિવાર સાથે અમારો કોઈ સંબંધ હોતો નથી. અમારા પંચસંસ્કાર કરવામાં આવે છે.

તેમાં મંત્ર ગુરુ, વિભૂતિ ગુરુ, લંગોટી ગુરુ, રુદ્રાક્ષ ગુરુ અને જનેઉ ગુરુ એમ પાંચ ગુરુ એક-એક પ્રક્રિયા પાર પાડે છે. મંત્ર ગુરુ અમારી ચોટલી કાપે અને કાનમાં ત્રણવાર મંત્ર ફૂંકે. વિભૂતિ ગુરુ અમને વિભૂતિ આપે. ત્રીજા ગુરુ લંગોટી આપે, ચોથા ગુરુ અમને રુદ્રાક્ષમાળા આપે અને પાંચમા ગુરુ અમને જનોઈ પહેરાવે. ત્યાર બાદ અમારું લિંગ તોડવામાં આવે છે."

ઘણા બધા નાગા સાધુઓ સાથે વાત કરી ત્યારે આ લિંગ તોડવાની પ્રક્રિયાનો ઉલ્લેખ તેમણે વિવિધ શબ્દોમાં કર્યો, જેમ કે 'હમારા લિંગ તોડા જાતા હૈ', 'ઇંદ્રિય નિસ્તેજ કિયા જાતા હૈ', 'ટાંગ તોડી જાતી હૈ,' 'કામ ભાવના નષ્ટ કી જાતી હૈ' વગેરે.

પણ આ પ્રક્રિયામાં ખરેખર શું કરવામાં આવે છે તેની સવિસ્તાર માહિતી આવાહન અખાડાના થાનાપતિ વિજય પુરીએ આપી. તેમણે સોળ વર્ષની ઉંમરે નાગા સંન્યાસી થવાની દીક્ષા લીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે અખાડાના કામકાજ માટે તેમણે હાલમાં વસ્ત્રો ધારણ કર્યા છે નહીં તો પોતે દિંગબર સાધુ છે.

થાનાપતિ વિજયપુરી જણાવે છે કે, "જેમને નાગા સંન્યાસી બનવું હોય તેમણે બીજા એવા સંન્યાસી પાસે જવું પડે, જેમનો વિજય હવન થયો હોય અને સોળ સંસ્કાર પૂર્ણ થયા હોય. સૌથી પહેલાં તો તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપવામાં આવે છે. તેમને સફેદ વસ્ત્રો આપવામાં આવે છે.

ત્યાર બાદ ત્રણ, પાંચ, આઠ કે બાર વર્ષ સુધી ગુરુની સેવા કરવી પડે છે. તેમની યોગ્યતા તપાસીને ગુરુ પાસેથી તેમને નાગા સંન્યાસીની દીક્ષા આપવામાં આવે છે. આમાં પંચસંસ્કાર પૂર્ણ થાય ત્યારે તેમને 'મહાપુરુષ' કહેવામાં આવે છે. ત્યાર બાદ નજીકના આવનારા કુંભમેળામાં તેમના સોળ સંસ્કાર થાય અને તેમનું પિંડદાન કરવામાં આવે."

મહાકુંભ, બીબીસી ગુજરાતી, શાહીસ્નાન, નાગા સાધુ

આવાહન અખાડાના મહંત કૈલાશ પુરી જણાવે છે કે, "ત્યાર બાદ જેમની નાગા સાધુ બનવાની ઇચ્છા હોય તેમણે એક ગુરુ બનાવવા પડે છે. તેમને 'દિગંબર ગુરુ' કહેવામાં આવે છે. અખાડાના મધ્યમાં જ્યાં ધજા ઊભી કરવામાં આવી છે, ત્યાં વિજય હવન થયા બાદ ટાંગતોડ પ્રક્રિયા કરવામાં આવે છે.

ત્યાં નાગા સાધુ બનવા ઇચ્છતા સાધુઓને ઉપર રહેલી ધજાને લક્ષ્યમાં રાખીને ધ્યાન કેંદ્રિત કરવાનું કહેવામાં આવે છે. ત્યાર બાદ દિગંબર ગુરુ એક વિશેષ મુદ્રામાં તેમના લિંગને પકડે છે, એક વિશિષ્ટ મંત્ર બોલે અને ત્રણ વાર લિંગને ઝટકો આપે. ત્યાર બાદ તેઓ અલગ જ સ્થિતિમાં મુકાય છે, જેના વિશે હું ખુલીને કહી શકું એમ નથી."

નાગા સંન્યાસી બનવાની ઇચ્છા ધરાવતા સાધુનું લિંગ ખેંચીને તેને નિષ્ક્રિય કરવામાં આવે છે. આને જ 'ટાંગતોડ' કહેવામાં આવે છે. લિંગ હાથ વડે ખેંચવામાં આવે એટલે ભંયકર વેદના થાય તે સ્વાભાવિક છે. જોકે બીબીસી સાથે વાત કરતા કેટલાક નાગા સંન્યાસીએ આવી પીડા ન થઈ હોવાનું જણાવ્યું હતું.

વૈષ્ણવ અખાડામાં સાધુને વૈરાગી કહેવાય છે જ્યારે શિવ અખાડામાં સાધુને દશનામી કે સંન્યાસી કહેવાય છે
ઇમેજ કૅપ્શન, વૈષ્ણવ અખાડામાં સાધુને વૈરાગી કહેવાય છે જ્યારે શિવ અખાડામાં સાધુને દશનામી કે સંન્યાસી કહેવાય છે

ટાંગાતોડ પછી શું વેદના નથી થતી એવા સવાલ જ્યારે પૂછ્યો ત્યારે ઘણાં સાધુઓએ કહ્યું "દર્દ વેદના વગેરે કંઈ નથી થતું. ગુરુની કૃપા હોય હૈ." જોકે ટાંગાતોડ પ્રક્રિયા બાદ થતી વેદના અંગેનું વાસ્તવિક વર્ણન આવાહન અખાડાના થાનાપતિ મહંત વિજય પુરીએ કર્યું.

પોતાને થયેલી વેદના વિશે તેમણે જણાવ્યું, "જ્યારે મારી ટાંગતોડ પ્રક્રિયા થઈ હતી ત્યાર બાદ એક મહિના સુધી હું નાભી પકડીને કણસતો હતો. તે સમયે એટલી વેદના થતી હતી કે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે."

નામ ન છાપવાની શરતે એક સાધુએ બીબીસીને જણાવ્યું હતું કે, "મને જો પહેલેથી જાણ હોત કે આટલી વેદના થાય છે, તો કદાચ મેં દીક્ષા લીધી જ ન હોત."

'ટાંગતોડ' પ્રક્રિયા શું વૈજ્ઞાનિક છે?

નાગ સાધુઓએ આજન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે
ઇમેજ કૅપ્શન, નાગ સાધુઓએ આજન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે

ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનના પૂર્વ ચૅરમૅન અને કન્સલ્ટિંગ સર્જન તેમ જ ઍનોરેક્ટલ સર્જન ડૉ. રવીન્દ્ર વાનખેડેકરે આ અંગે જણાવ્યું કે, "લિંગમાં ત્રણ નળી હોય છે. તેમાં એક મૂત્રવાહિની હોય છે અને બાકીની બે કઠોરતા આવે તે માટેની નસો હોય છે. જ્યારે લિંગને આ પ્રકારે ખેંચવામાં આવે ત્યારે તે નળીઓમાં ફ્રૅક્ચર થાય છે એટલે કે તૂટે છે. એટલે તેમાં પ્રચંડ પ્રમાણમાં રક્ત જમા થાય છે. તેનાથી લાંબાગાળે એવું પરિણામ આવે છે કે ભવિષ્યમાં લિંગ ક્યારેય પણ કઠોર કે સજ્જડ નહીં થાય."

"નાગ સાધુઓએ આજન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. એટલે ભવિષ્યમાં જો ક્યારેક પણ કામભાવનાનું નિર્માણ થાય તો પણ તેમનું લિંગ કઠણ ન થાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આ પ્રચંડ અઘોરી વિધિ છે. આનાથી ભવિષ્યમાં ક્યારેય પણ લિંગ કઠણ થઈ શકતું નથી અને જો થાય તો પણ ઘણી પીડા ઊપડે છે."

વિરક્તિ કે સુખ?

મહાકુંભ, બીબીસી ગુજરાતી, શાહીસ્નાન, નાગા સાધુ

દીક્ષા માટેની આ વિધિને ઘણી કઠોર માનવામાં આવે છે. કેટલાક દિવસ કડક ઉપવાસ કરવા પડે છે. ત્યાર બાદ ફક્ત લંગોટી એટલે કે એક વસ્ત્રી વ્રત હોય છે. ત્યાર બાદ મા-બાપનું શ્રાદ્ધ કરવામાં આવે છે. ત્યાર બાદ પોતાનું પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. ટૂંકમાં આગળના આખા જીવનનો ત્યાગ કરવાનો હોય છે.

પહેલાંના જીવન સાથેના દરેક સંબંધોને તોડીને નવું જીવન શરુ કરવાનું હોય છે. ઘરબાર, મિત્રો બધાનો જ ત્યાગ કરવાનો હોય છે. કોઈ પણ વસ્તુની આસક્તિ રાખવાની નહીં. ત્યાં સુધી કે કપડાંની પણ આસક્તિને નકારી કાઢવાની. તમામ સુખને જાકારો આપવાનો. વિરક્તિને પોતાની કરવાની. ત્યાર બાદ ગુરુ એક મંત્ર આપે. નવું સાધુનામ આપે. જૂની ઓળખ સંપૂર્ણપણે લૂંછી નાખવામાં આવે.

સર જદુનાથ સરકારે 'ધ હિસ્ટ્રી ઑફ દશનામી નાગા સંન્યાસીઝ' નામના પુસ્તકમાં નાગા સાધુ વિશે સવિસ્તર માહિતી આપી છે. તેઓ કહે છે કે, "જે દિક્ષા લે છે, ત્યારથી તે દિવસમાં એક જ વાર જમે છે."

સાતથી અધિક ઘરમાં અન્ન માટે ભિક્ષા માગી શકે નહીં. ફક્ત જમીન પર જ સુઈ જવું પડે. કોઈની સામે નમવાનું નહીં, કોઈની પ્રશંસા કરવી નહીં, તેમ જ કોઈના વિશે ખરાબ પણ બોલવું નહીં. પોતાનાથી મોટા હોય એવા સંન્યાસી સામે નમીને વંદન કરી શકે છે. તેમણે વસ્ત્રો ધારણ કરવાના નથી હોતા. કરે તો પણ ફક્ત ભગવા જ."

દીક્ષા માટેની આ વિધિને ઘણી કઠોર માનવામાં આવે છે
ઇમેજ કૅપ્શન, દીક્ષા માટેની આ વિધિને ઘણી કઠોર માનવામાં આવે છે

આ દીક્ષા લીધા બાદ સાધુ વિરક્તિમાં પોતાનું જીવન કાઢે છે. તે સુખ અને અહંકારથી અલિપ્ત હોય છે એવું કહેવામાં આવે છે. જોકે હકીકત આનાથી તદ્દન અલગ છે.

કુંભમેળામાં સાધુનું વર્તન આનાથી તદ્દન વિપરીત જોવા મળ્યું. તેઓએ સુખ મેળવી લીધું હોવાનું જણાય આવે છે. ગૉગલ્સ પહેરે છે, સ્માર્ટફોન વાપરે છે, મોંઘી ગાડીઓનો ઉપયોગ કરે છે. વાંરવાર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા દેખાય છે. ચિલમ અને ગાંજાનું સેવન એ તેમના માટે રોજનું કામ થઈ ગયું છે. કેટલાક નાગા સાધુઓ તો પૈસાની માગણીઓ પણ કરે છે. તે માટે ધાક-ધમકી પણ આપે છે.

વિરક્તિ એ જ જીવનનો સાર છે એવું કહેનારા સાધુ હવે તો સ્માર્ટફોન વાપરતા દેખાય છે. અમુક વખત સામાન્ય કારણો પર ઝઘડા કરે છે, અમારુંતમારું કરવા લાગે છે.

મારામારી કરે છે. કોણે પહેલાં સ્નાન કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું આ માટે અખાડાઓ અંદરો-અદર ઝઘડે છે, દલીલો કરે છે અને ક્યારેક લોહિયાળ સંઘર્ષ પણ થાય છે. અત્યાર સુધીનો ઇતિહાસ આપણને આ જ કહે છે.

'ખડિયા પલટન' એટલે ખોટા નાગા સાધુ

વિરક્તિ એ જ જીવનનો સાર છે એવું કહેનારા સાધુ હવે તો સ્માર્ટફોન વાપરતા દેખાય છે
ઇમેજ કૅપ્શન, વિરક્તિ એ જ જીવનનો સાર છે એવું કહેનારા સાધુ હવે તો સ્માર્ટફોન વાપરતા દેખાય છે

થાનાપતિ મહંત પ્રશાંત ગિરિ ખોટા નાગા સાધુઓ પર ગુસ્સે થાય છે. બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "અનેક લોકો વિભૂતિ ઘસીને ડુપ્લિકેટ બાબા બને છે. કુંભમેળામાં આવા અનેક ડુપ્લિકેટ બાબાઓ છે. જેમણે દીક્ષા લીધી હોય તેમને અમારા અખાડામાંથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવા ખોટા સાધુઓ પાસે કંઈ હોતું નથી. તેઓ માત્ર પૈસા માટે અહીં આવે છે."

આગળ તેઓ કહે છે કે લોકોને અસલી અને નકલી નાગા સાધુઓ વચ્ચે ફરક ઓળખતા આવડતું નથી. બધાની વેષભૂષા અને કેશભૂષા એક જેવી હોવાથી આ સમસ્યા થાય છે. એવાને તેઓ ખડિયા પલટન નામ આપે છે. જેમણે દીક્ષા નથી લીધી તેને ખડિયા પલટન કહે છે. તેઓ કોઈ પણ અખાડાના સભ્ય હોતા નથી.

ખોજી પત્રકાર ધીરેન્દ્ર ઝા પોતાનાં પુસ્તક 'અસેટિક ગેમ્સ: સાધુઝ, અખાડાઝ, ઍન્ડ ધ મેકિંગ ઑફ ધ હિંદુ વ્હૉટ'માં આવા નાગા સાધુઓ માટે અલગ દાવો કરે છે.

તેઓ કહે છે કે શાહી સ્નાન સમયે પોતાના અખાડાના નાગા સાધુની સંખ્યા વધારે દર્શાવવા માટે આવા ખોટા નાગા સાધુઓને પૈસા આપીને બોલાવવામાં આવે છે. બાકીના દિવસોમાં આ લોકો તીર્થસ્થળોમાં ભિખારીની જેમ ફરતા હોય છે.

તેઓ પુસ્તકમાં લખે છે કે જે નાગા સાધુઓએ દીક્ષા લીધી હોય છે તેમનું લિંગ ક્યારેય કઠોર નથી થતું. તેઓ કહે છે કે હકીકતમાં અસલી અને નકલી નાગા સાધુઓને ઓળખવાની આ એક અનોખી અને અજાણી પદ્ધતિ છે.

બાકીના સમયે નાગા સાધુઓ ક્યાં રહે છે?

બાકીને સમયે આ નાગા સાધુઓ ક્યાં હોય છે તે ગૂઢ પ્રશ્ન છે
ઇમેજ કૅપ્શન, બાકીને સમયે આ નાગા સાધુઓ ક્યાં હોય છે તે ગૂઢ પ્રશ્ન છે

'કુંભમેળો: એક દૃષ્ટિક્ષેપ' આ પુસ્તકમાં પત્રકાર દિપ્તી રાઉત લખે છે કે, "દીક્ષા લેવી, સંન્યાસી જીવન જીવવું ઘણું મુશ્કેલ છે, જો નાગા સાધુઓ આવો દાવો કરતા હોય તો પણ આ બાબતે પહેલાંની જેમ હવે નિયમો એટલા કડક રહ્યા નથી. સંસાર, ઘરગૃહસ્થી ન હોય એવા પણ ઘણા સાધુઓ પોતાના પરિવારના સંપર્કમાં હોય છે."

હાલમાં જ નાગા સાધુ બનેલા બાપ્પા મંડળને જ્યારે આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, "હું મારાં માતા-પિતા પાસે જઈશ નહીં. પણ જો તેઓ જાતે આવશે તો તેમને મળીશ."

બાકીને સમયે આ નાગા સાધુઓ ક્યાં હોય છે તે ગૂઢ પ્રશ્ન છે.

"બાકીના સમયે અમે હિમાલયમાં રહીએ છીએ. તપસ્યા કરીએ છીએ," એવો જવાબ ઘણા નાગા સાધુઓએ આપ્યો.

આવાહન અખાડાના થાનાપતિ મહંત વિજય પુરી કહે છે કે, "કુંભમેળો ન હોય ત્યારે ઘણા નાગા સાધુઓ ઠેકઠેકાણે ભ્રમણ કરે છે. આ સિવાય ઘણા એવા પણ હોય છે કે પોતાના અખાડાના આશ્રમ કે મઠમાં જ રહે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.