અઢળક સંપત્તિ, ગગનચુંબી મંદિરો અને છેક જાવા-સુમાત્રા સુધીની પહોંચ : ચોલવંશના વૈભવની કહાણી

બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Abhishek Chinnappa/Getty Images

ઇમેજ કૅપ્શન, થંજાવુરનું બૃહદીશ્વર મંદિર ચોલ સમ્રાટ રાજરાજે 11મી સદીમાં બંધાવ્યું હતું
    • લેેખક, અનિરુદ્ધ કનિસેટ્ટી
    • પદ, ઇતિહાસકાર

ઇતિહાસના મધ્યકાલીન યુગનો બિલકુલ વચ્ચેનો સમયગાળો એટલે કે 9મીથી 13મી સદી.

યુરોપ હજી સ્થિર નહોતું થઈ શક્યું. પછીથી જે દેશો શક્તિશાળી બન્યા તેમનું તો તે સમયે અસ્તિત્વ સુધ્ધાં નહોતું.

યુરોપમાં વિશાળ ગોથિક વાસ્તુશૈલીનાં દેવળો હજુ બન્યાં નહોતાં. દૂરસુદૂર આવેલા અને સમૃદ્ધ ગણાતા કૉન્સ્ટેન્ટિનોપલ શહેર સિવાય બહુ જ ઓછાં શહેરો દુનિયાના નકશા પર હતાં.

પરંતુ, આ જ કાળખંડમાં દક્ષિણ ભારતના એક સમ્રાટ દુનિયાનું સૌથી વિશાળ મંદિર 'બૃહદીશ્વર' બનાવવાની તૈયારી કરી રહ્યા હતા.

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તામિલનાડુસ્થિત બૃહદીશ્વર મંદીર

માત્ર દસ વર્ષમાં આ ભવ્યાતિભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું હતું.

216 ફૂટ ઊંચા આ વિશાળ મંદિરમાં 1,30,000 ટન ગ્રેનાઇટનો ઉપયોગ કરાયો હતો. ઇજિપ્તના પિરામિડો પછી દુનિયાની આ સૌથી ઊંચી ઇમારત હતી.

તેની વચ્ચોવચ 12 ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમા હતી. આ પ્રતિમાને માણેક અને મોતીઓથી જડવામાં આવી હતી અને સોનાથી મઢવામાં આવી હતી.

મંદિરની મશાલોથી ઝળહળતા હોલમાં કાંસાની 60 મૂર્તિઓ હતી. આ મૂર્તિઓમાં જે મોતી જડવામાં આવેલાં તે લંકાને જીત્યા પછી ત્યાંથી લાવવામાં આવ્યાં હતાં.

તેના ખજાનામાં ઘણાં બધાં ટન સોના અને ચાંદીના સિક્કા હતા.

આ ઉપરાંત, દક્ષિણ ભારતના જે રાજાઓને હરાવવામાં આવ્યા હતા તેમની પાસેથી મળેલાં હાર, આભૂષણો, તુરહી અને નગારાં પણ મંદિરમાં રાખવામાં આવ્યાં હતાં.

આ બધી સંપત્તિ ચોલ સમ્રાટને તે યુગમાં ધરતી પરના સૌથી વધુ અમીર વ્યક્તિ બનાવતી હતી. બાકીના સમ્રાટ રાજા કહેવાતા હતા, પરંતુ, તેઓ રાજરાજ એટલે કે રાજાઓના રાજા હતા.

રાજરાજનો સંબંધ તે સમયના શક્તિશાળી રાજવંશ સાથે હતો.

એ રાજવંશ હતો, ચોલ.

આ રાજવંશે આખા મધ્યકાલીન વિશ્વને બદલી નાખ્યું હતું. જોકે, ભારતની બહાર હજુ પણ તેમના વિશે ખૂબ ઓછી માહિતી છે.

ચોલવંશ અને નટરાજનું પ્રતીક

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નટરાજ મૂળપણે મધ્યયુગીન ભારતમાં ચોલ વંશનું પ્રતીક હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

11મી સદી પહેલાં ચોલ કાવેરીના મેદાની પ્રદેશમાં રહેતી નાની નાની શક્તિઓમાંનો એક ગણાતી હતી. આ વિસ્તાર કાંપથી બનેલો હતો.

ચોલોને બીજા લોકોથી જે વસ્તુ અલગ પાડતી હતી, તે હતી તેમની શોધ કરવાની અનંત ક્ષમતા.

મધ્યયુગીન વિશ્વના માપદંડોના આધારે ચોલ રાજવંશની રાણીઓનું મહત્ત્વ પણ નોંધપાત્ર હતું અને તેઓ રાજવંશનો સાર્વજનિક ચહેરો ગણાતી હતી.

રાજરાજનાં સંબંધી સેંબિયાન મહાદેવી વિધવા હતાં. તમિળ ગામોમાં ફરતાં ફરતાં તેમણે જૂની માટીની ઈંટોથી બનેલાં મંદિરોનું પુનર્નિર્માણ કરાવ્યું અને ચમકતા પથ્થર લગાવડાવ્યા હતા.

તેનાથી ચોલવંશની શિવના સૌથી મોટા ભક્ત તરીકેની છાપ ઊભી થઈ.

સેંબિયાન 'નટરાજ'ની પૂજા કરતાં હતાં. નટરાજ, શિવ ભગવાનનું 'નૃત્યના રાજા' તરીકેનું ઓછું પ્રચલિત સ્વરૂપ હતું. સેંબિયાનનાં બધાં મંદિરોમાં મુખ્ય રૂપે નટરાજની મૂર્તિ જોવા મળતી હતી.

ત્યાર પછીના સમયગાળામાં આ સ્વરૂપ ખૂબ પ્રચલિત થયું. આજે નટરાજ હિન્દુ ધર્મનાં પ્રતીકોમાંનું એક છે, પરંતુ, મધ્યકાલીન ભારતીય જનમાનસમાં નટરાજ, હકીકતમાં, ચોલ રાજવંશનું પ્રતીક ગણાતું હતું.

સમ્રાટ રાજરાજ ચોલ પણ સેંબિયન મહાદેવીની જેમ પ્રજાને હળવામળવામાં અને ભક્તિમાં રુચિ ધરાવતા હતા. પરંતુ, તેઓ થોડા અલગ પણ હતા.

વિજેતા રાજરાજ ચોલ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તામિલનાડુમાં ચોલ વંશના જમાનામાં બનેલો નાનો કિલ્લો

રાજરાજ એક વિજેતા સમ્રાટ હતા.

ઈ.સ. 990ના દાયકામાં રાજરાજે પશ્ચિમી સમુદ્રી ઘાટ પર ચડાઈ કરી અને ત્યાંનાં બંદરો પર લાંગરેલાં જહાજોને સળગાવી દીધાં હતાં.

ત્યાર પછી તેમણે લંકાદ્વીપના આંતરિક ઝઘડાઓનો લાભ ઉઠાવ્યો અને ત્યાં ચોલવંશની ચોકી સ્થાપી દીધી. રાજરાજ લંકા ઉપર લાંબા સમય સુધી પોતાનું આધિપત્ય જમાવનારા પહેલા ભારતીય રાજા હતા.

ત્યાર પછી તેમણે દક્ષિણના પઢારી વિસ્તારો પર હુમલો કર્યો અને તેનો મોટો ભાગ પોતાના તાબામાં લઈ લીધો.

આ યુદ્ધોમાં મળેલી જીત દરમિયાન લૂંટવામાં આવેલી સંપત્તિથી રાજરાજે બૃહદીશ્વર મંદિરને સજાવ્યું. રાજરાજેના કીમતી ખજાના ઉપરાંત, મંદિરને આખા દક્ષિણ ભારતમાં તેમણે જીતેલા વિસ્તારોમાંથી દર વર્ષે 5,000 ટન ચોખા મળતા હતા.

આ ધન-સંપત્તિએ બૃહદીશ્વર મંદિરને એક વિશાળ લોકનિર્માણ અને કલ્યાણ મંત્રાલય બનાવી દીધું. મંદિરમાં સિંચાઈ, ખેતીનો વિસ્તાર અને ઘેટાં-ભેંસોની સંખ્યા વધારવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

દુનિયામાં થોડાંક જ રાજ્ય એવાં હતાં જેમણે આ પ્રકારે આર્થિક નિયંત્રણની કલ્પના કરી હતી.

ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતાં 700 વર્ષ પહેલાં નિગમ બનાવ્યાં

બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, બૃહદીશ્વર મંદિર ભારતનાં સૌથી મોટાં મંદિરોમાંથી એક છે

આ કાળમાં યુરેશિયાના આંતરિક ભાગોમાં મંગોલોની જેવી ધાક હતી તેવી જ ધાક હિંદ મહાસાગરમાં ચોલ રાજવંશની હતી.

રાજરાજ ચોલના વારસ રાજેન્દ્રએ તમિળ વેપારી નિગમો સાથે સંબંધો સ્થાપ્યા હતા. તેના કારણે વેપારીઓ અને રાજસત્તા વચ્ચે એક ભાગીદારી ઊભી થઈ. આ પગલામાં 700 વર્ષ પછી આવેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઝલક જોવા મળે છે.

એ ઈ.સ. 1026નું વર્ષ હતું, જ્યારે રાજેન્દ્ર ચોલે વેપારીઓનાં સમુદ્રી જહાજો પર પોતાના સૈનિકો તહેનાત કરી દીધા અને જ્યાં કીમતી લાકડું અને મસાલાના વૈશ્વિક વેપારનો દબદબો હતો એ મલય શહેરના કેદાહને લૂંટી લીધું.

કેટલાક ભારતીય રાષ્ટ્રવાદી આને દક્ષિણપૂર્વમાં ચોલ 'વિજય' કે 'સંસ્થાનીકરણ' ગણાવે છે, પરંતુ, પુરાતત્ત્વ તેની એક જુદી જ તસવીર રજૂ કરે છે.

એવું નથી લાગતું કે ચોલ રાજાઓની પોતાની નૌસેના હતી, પરંતુ, તેમની છત્રછાયામાં તમિળ વેપારીઓ બંગાળની ખાડી સુધી ફેલાયા હતા.

11મી સદી આવતાં પહેલાં તો આ વેપારીઓએ ઉત્તર સુમાત્રામાં પોતાનું જ બંદર શરૂ કરી દીધું હતું. તેની એક સદી પછી તેમની હાજરી હાલના મ્યાનમાર અને થાઇલૅન્ડ સુધી વધી. જાવામાં તેઓ વેપારી કર ઉઘરાવવાનું કામ પણ કરતા હતા.

13મી સદીમાં તમિળ વેપારીઓએ મંગોલ સમ્રાટ કુબલઈ ખાનના વંશજોના સહકારથી મંગોલશાસિત ચીનની સાથે, કુઆંઝાઉ બંદરમાં પણ સફળ વેપાર કર્યો હતો.

આ વેપારીઓએ પૂર્વ ચીનના સાગરતટે એક શિવમંદિર પણ બનાવડાવ્યું હતું.

એ કોઈ સંયોગ નહોતો કે 19મી સદીમાં બ્રિટિશરાજ દરમિયાન દક્ષિણપૂર્વ એશિયામાં કામ કરતા ભારતીયોમાં તમિળોની સંખ્યા સૌથી વધારે હતી.

યુદ્ધ દ્વારા મળેલી સંપત્તિથી નવાં મંદિરોનું નિર્માણ

બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

યુદ્ધમાં મળેલી જીતો અને બહારની દુનિયાના સંપર્કે ચોલશાસિત દક્ષિણ ભારતને સાંસ્કૃતિક અને આર્થિક શક્તિના એક વૈશ્વિક વ્યાપારિક નેટવર્ક સાથે જોડી દીધું હતું.

ચોલ રાજવંશે યુદ્ધમાં લૂંટેલી સંપત્તિઓનો નવાં મંદિરોનાં નિર્માણકાર્યોમાં ઉપયોગ કર્યો હતો.

આ મંદિરોના કાંસા માટે તાંબા અને ટિનનો પુરવઠો ઇજિપ્ત—અને શક્ય છે કે સ્પેનથી પણ—આવ્યો હતો. પૂજા માટે કપૂર અને ચંદનનાં લાકડાંનો પુરવઠો સુમાત્રાથી આવતો હતો.

તમિળ મંદિરો વિશાળ પરિસરો ધરાવતાં હતાં, જે ચારેબાજુ બજારો અને ડાંગરનાં ખેતરોથી ઘેરાયેલાં રહેતાં.

કાવેરીના કિનારે ચોલ રાજવંશનું રાજધાની ક્ષેત્ર, આજના કુંબાકોનમ શહેરના જેવું જ હતું. જે એક ડઝન મંદિર–કસબાવાળો લાખોની વસ્તી ધરાવતો વિસ્તાર હતો; અને કદાચ, તે સમયે યુરોપનાં મોટા ભાગનાં શહેરોને માત આપતો હતો.

ચોલ સામ્રાજ્યનાં આ શહેર આશ્ચર્યજનક રીતે બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક હતાં. આ શહેરોમાં ચીની બૌદ્ધ, ટ્યૂનિશિયન યહૂદી, બંગાળી તાંત્રિક અને શ્રીલંકન મુસલમાન ખભેખભા મિલાવીને વેપાર કરતા હતા.

આજના સમયે તામિલનાડુ રાજ્ય ભારતનું સૌથી શહેરીકૃત રાજ્ય છે. તેના મોટા ભાગના કસબા ચોલયુગનાં ધાર્મિક સ્થળો અને બજારોની આજુબાજુ જ વિકસ્યા છે.

શહેરીકરણ અને વાસ્તુકળામાંનો આ વિકાસ કળા અને સાહિત્યમાં પણ જોવા મળતો હતો.

સમૃદ્ધ વારસો

ચોલયુગનાં મંદિરોમાં કરાયેલું ધાતુકામ માણસના હાથે થયેલાં અત્યાર સુધીનાં કામોમાં શક્યતઃ સૌથી ઉત્કૃષ્ટ છે. માનવીય આકૃતિઓની બાબતમાં એ માઇકલ એન્જેલો કે ડોનાટેલોને ટક્કર આપે છે.

ચોલ રાજાઓનાં વખાણ કરવા અને દેવતાઓની આરાધના કરવા માટે, તમિળ કવિઓએ સંતત્વ, ઇતિહાસ અને એટલે સુધી કે જાદુઈ વાસ્તવવાદના સિદ્ધાંતો વિકસાવ્યા.

ભારતથી લઈને દક્ષિણપૂર્વ એશિયા સુધી ફેલાયેલી આ વિરાસતે દુનિયાને જોડવાનું કામ કર્યું.

ચોલ શાસન દરમિયાન વિશાળકાય ધર્મસ્થળોનાં નિર્માણ થયાં. તેમના શાસને વેપારીઓ, કળાકારો અને રાજાઓને આશ્ચર્યજનક સંપત્તિઓથી માલામાલ કર્યા.

અનિરુદ્ધ કનિસેટ્ટી એક ભારતીય લેખક છે. 'લૉર્ડ્સ ઑફ અર્થ ઍન્ડ સીઃ એ હિસ્ટરી ઑફ ધ ચોલા એમ્પાયર' તેમનું તાજેતરનું પુસ્તક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.