મહાકુંભ : શાહી સ્નાન એટલે શું, સાધુઓમાં મૌની અમાસનું માહાત્મ્ય કેવું હોય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં ભાગદોડ થઈ છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. મૌની અમાસના સ્નાન માટે લાખો લોકો સંગમસ્થાને એકઠા થયા હતા અને તેમાં આ ઘટના બની છે.

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં બુધવારે રાત્રે લગભગ દોઢ વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી.

મૌની અમાસના દિવસે લગભગ દસ કરોડ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે તેવી શક્યતા હતી. જેના લીધે કુંભમેળાની જગ્યા અને પ્રયાગરાજ બંનેમાં ભારે ભીડ છે.

અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ તરીકે પ્રસિદ્ધ છે. મહાકુંભમેળો એ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે, જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુઓ માને છે.

કુંભમેળાને સદીઓથી પૃથ્વી પરના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ મેળાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચે છે.

જોકે, સરસ્વતી નદીના અસ્તિત્વને લઈને વાદ-વિવાદ છે. આ નદી હાલ લુપ્ત થઈ છે અને તેના અસ્તિત્વને શોધવા માટે સંશોધનો ચાલી રહ્યાં છે. પરંતુ એ નિર્વિવાદ છે કે અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ એ ગંગા અને યમુનાનું સંગમસ્થાન છે.

કુંભમેળા દરમિયાન પ્રયાગરાજના આ ત્રિવેણી સંગમ પર લાખો શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવવા આવે છે.

કુંભમેળો મકરસંક્રાંતિ એટલે કે હિંદુ શાસ્ત્રો અને હિંદુ પંચાગ પ્રમાણે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અથવા તો પોષ પૂર્ણિમાના રોજ આરંભ થાય છે. 2025નો મહાકુંભમેળો પોષ પૂર્ણિમા એટલે કે 13મી જાન્યુઆરીએ શરૂ થશે અને મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે.

કુંભમેળાના આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે, પરંતુ કેટલીક તિથિઓ વિશિષ્ટ હોય છે જ્યારે વિભિન્ન અખાડાઓના સંતો પોતાના શિષ્યો સાથે ભવ્ય સરઘસ કાઢે છે અને તેઓ ભવ્ય અનુષ્ઠાન કરે છે. આ વિધિને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે. શાહી સ્નાન એ કુંભમેળાના શુભારંભનું પ્રતીક છે સાથે આકર્ષણનું કેન્દ્ર પણ.

નોંધનીય છે કે મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે અને તે અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન પૈકી એક શહેરની યજમાન શહેર તરીકેની પસંદગી થતી હોય છે.

મહાકુંભ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, અહલ્લાબાદ, ઉત્તર પ્રદેશ, નાગા બાવા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જૂના અખાડાના નાગા સાધુઓનો પ્રયાગરાજમાં નગરપ્રવેશ

પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમેળામાં શાહી સ્નાન માટે વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવે છે. આમ તો જાણકારો માને છે કે શાહી સ્નાન અને સાધુઓના સરઘસ કે જેને પેશવાઈ પણ કહે છે તેનો ઉલ્લેખ વેદ-પુરાણ કે કોઈ હિંદુ શાસ્ત્રોમાં નથી, છતાં આ પરંપરા વર્ષો જૂની છે.

જ્યારે મહાકુંભ માટે સરઘસ સાથે સાધુઓ પ્રયાગરાજ આવે છે ત્યારે તેમનું જે પ્રકારે સ્વાગત થાય છે તેને પેશવાઈ કહે છે. આ સરઘસ સાથે વિવિધ અખાડાના સાધુ-સંતો હાથી, ઘોડા કે પાલખીમાં મહાકુંભનગરીમાં પ્રવેશ કરે છે.

આ પવિત્ર સ્નાનની શરૂઆત નાગા સાધુઓથી થાય છે ત્યાર બાદ અન્ય શ્રદ્ધાળુઓની સ્નાન કરવાની પરંપરા છે.

જોકે, હવે શાહી સ્નાનની જગ્યાએ ઉત્તર પ્રદેશની સરકારે અમૃત સ્નાન શબ્દપ્રયોગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કે સાધુઓના સરઘસની પેશવાઈને હવે નગરપ્રવેશથી ઓળખાવાશે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવાયેલ પ્રયાગરાજ મેળા ઑથૉરિટીની વેબસાઇટ અનુસાર મહાકુંભ 2025માં મુખ્ય સ્નાનની છ તિથિ છે.

13મી જાન્યુઆરી, 2025ના રોજ પહેલું શાહી સ્નાન

મહાકુંભ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, અહલ્લાબાદ, ઉત્તર પ્રદેશ, નાગા બાવા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગંગાસ્નાન કરતાં સાધુ નજરે પડે છે (પ્રતીકાત્મક તસવીર)

કુંભમેળાની વેબસાઇટ અનુસાર પોષ પૂર્ણિમાના રોજ એટલે કે 13મી જાન્યુઆરી, 2025ના રોજ પહેલું શાહી સ્નાન થશે.

હિંદુ પંચાંગ અનુસાર પોષ માસના શુક્લપક્ષની પૂર્ણિમા તિથિને પોષ પૂર્ણિમા પણ કહે છે. આ પોષ માસની શુક્લપક્ષની અંતિમ તિથિનું નામ છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ દેખાય છે.

હિંદુ માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય તથા ચંદ્રની પૂજા તથા આરાધના ઉપરાંત ગંગાસ્નાન કરવું શુભ માનવામાં આવે છે. પોષ પૂર્ણિમાના રોજથી જ કલ્પવાસનો આરંભ થાય છે. આ દિવસે કલ્પવાસનો સંકલ્પ કરવામાં આવે છે. જે માઘ પૂર્ણિમા સુધી એક મહીનાના કઠોર આધ્યાત્મિક તપ અને શ્રદ્ધાને પ્રદર્શિત કરે છે.

14મી જાન્યુઆરીના રોજ બીજું શાહી સ્નાન

મહાકુંભ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, અહલ્લાબાદ, ઉત્તર પ્રદેશ, નાગા બાવા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નિરંજની અખાડાનાં સાધ્વી અને સાધુઓ ગંગા સ્નાન કરતાં નજરે પડે છે (પ્રતીકાત્મક તસવીર)

મકરસંક્રાંતિ એટલે કે 14મી જાન્યુઆરીના રોજ બીજું શાહી સ્નાન થશે.

હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય ધન રાશિમાં ભ્રમણ પૂર્ણ કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તે કાળને મકરસંક્રાંતિ કહે છે.

આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ હોય છે એટલે કે દિવસ મોટા થવા લાગે છે. હિંદુઓની માન્યતા પ્રમાણે આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરવાથી પૂણ્યની પ્રાપ્તિ થાય છે.

29મી જાન્યુઆરીના રોજ ત્રીજું શાહી સ્નાન

મહાકુંભ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, અહલ્લાબાદ, ઉત્તર પ્રદેશ, નાગા બાવા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જૂના અખાડાના એક સાધુ શંખધ્વની કરતાં નજરે પડે છે(ફાઇલ તસવીર)

મૌની અમાવસ્યા એટલે કે 29મી જાન્યુઆરીના રોજ ત્રીજું શાહી સ્નાન થશે.

હિંદુઓની માન્યતા પ્રમાણે મૌની અમાવસ્યાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આવું એટલા માટે માનવામાં આવે છે કારણકે હિંદુ પંચાંગ પ્રમાણે ગ્રહોની સ્થિતિ સર્વથા અનુકૂળ હોય છે. એક માન્યતા અનુસાર આ તિથિના રોજ આદિ ઋષિ ઋષભદેવે પોતાના મૌન રહેવાના શપથ તોડીને સંગમના પવિત્ર જળમાં સ્વયંને લીન કરી દીધા હતા.

તિર્થયાત્રીઓની વિશાળ મંડળીઓ મૌની અમાવસ્યાના રોજ કુંભમેળામાં આવે છે અને પવિત્ર સ્નાન કરીને ધન્યતા અનુભવે છે.

હિંદુ માન્યતાઓ અનુસાર આ દિવસે જેઓ મૌન ધારણ કરીને ઉપાસના કરે છે તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે.

3 ફેબ્રુઆરીના રોજ ચોથું શાહી સ્નાન

વસંતપંચમી એટલે કે ત્રણ ફેબ્રુઆરીના રોજ ચોથું શાહી સ્નાન છે.

હિંદુ પંચાંગ પ્રમાણે માઘ માસની શુક્લપક્ષની પાંચમને વસંત પંચમીના નામે ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર વસંતપંચમી ઋતુઓમાં પરિવર્તન તથા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીના આવિર્ભાવના ઉત્સવનું પ્રતીક છે. આ દિવસે નદીમાં સ્નાન, દાન અને પૂજનનું અનોખું મહત્ત્વ છે.

12 ફેબ્રુઆરીના રોજ પાંચમું શાહી સ્નાન

મહાકુંભ, પ્રયાગરાજ, ઇલાહાબાદ, અહલ્લાબાદ, ઉત્તર પ્રદેશ, નાગા બાવા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તૈયારીનું દૃશ્ય

માઘી પૂર્ણિમા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ પાંચમું શાહી સ્નાન થશે.

હિંદુ પંચાંગ પ્રમાણે માઘી પૂર્ણિમાને માઘ માસનો અંતિમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પણ પવિત્ર જળમાં સ્નાનનું મહત્ત્વ છે. હિંદુ માન્યતાઓ પ્રમાણે આ દિવસે દેવતાગણ પૃથ્વીલોકમાં ભ્રમણ માટે આવે છે. માઘી પૂર્ણિમા કલ્પવાસની પૂર્ણતાનો પર્વ પણ છે.

હિંદુ શાસ્ત્રોની માન્યતા પ્રમાણે કલ્પવાસ એ એક માસની તપસ્યા અને સાધના આ તિથિના રોજ પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.

26મી ફેબ્રુઆરીના રોજ અંતિમ શાહી સ્નાન

મહાશિવરાત્રિ એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ અંતિમ શાહી સ્નાન છે. આ દિવસે મહાકુંભ મેળાની પૂર્ણાહુતિ પણ છે.

હિંદુ પંચાંગ પ્રમાણે ફાગણ માસના કૃષ્ણપક્ષની ત્યયોદશી એટલે કે તેરસને મહાશિવરાત્રિના રૂપે મનાવવામાં આવે છે.

હિંદુ શાસ્ત્રો અને પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો. આ કુંભનું અંતિમ સ્નાન પણ છે.

હિંદુ માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન કરવાથી અને શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

વધારે માહિતી માટે તમે પ્રયાગરાજ મેળા ઑથૉરિટીનો ફોન નંબર 0532-2504011, 0532-2500775 પર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે [email protected] પર ઇ-મેઇલ પણ કરી શકો છો. મહાકુંભ હેલ્પલાઇન નંબર 1920 છે અને પોલીસ હેલ્પલાઇન નંબર 112 છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.