મહાકુંભ : ક્યાં છે પ્રયાગરાજ અને ગુજરાતથી ત્યાં કેવી રીતે પહોંચી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આ ઐતિહાસિક આયોજનમાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ પર દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. સરકારનું અનુમાન છે કે આ વર્ષે મહાકુંભમાં 40 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લેશે. પહેલું શાહી સ્નાન આજે છે. જોકે, ઉત્તર પ્રદેશ સરકારે હવે શાહી સ્નાનનું નામ બદલીને અમૃત સ્નાન કર્યું છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરી, 2025થી મહાકુંભમેળો શરૂ થશે. ઉત્તર પ્રદેશની સરકારનું અનુમાન છે કે 45 દિવસ ચાલનારા આ ઉત્સવમાં લગભગ 40 કરોડ લોકો આવશે.
આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે યોજાતા આ મહાકુંભમેળામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે.
ગુજરાતથી પણ મોટી સંખ્યામાં મહાકુંભમેળામાં લોકો જાય તેવી સંભાવના છે, ત્યારે પ્રયાગરાજ કેવી રીતે પહોંચી શકાય, મહાકુંભમાં જવા માગતા ગુજરાતી યાત્રાળુઓ માટે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? આ લેખમાં આપણે જાણીએ.
ગુજરાતથી કઈ કઈ ટ્રેનો?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતનાં ઘણાં શહેરોથી પ્રયાગરાજ જવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જો તમે ટ્રેન મારફતે મહાકુંભમેળામાં જવા માગતા હો તો તમારા માટે આ પ્રયાગરાજ જતી આ ટ્રેનોનું ટાઇમટેબલ જાણવું જરૂરી છે.
- અમદાવાદ-પટના એક્સપ્રેસ- રવિવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-રવિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- રવિવારે મધરાત્રે 12.35 કલાકે
- બનારસ એક્સપ્રેસ- સોમવારે બપોરે 1.45 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ સોમવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- સોમવારે મધરાત્રે 12.35 કલાકે
- પારસનાથ એક્સપ્રેસ- મંગળવારે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-મંગળવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- મંગળવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-બુધવારે સવારે 9.10 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ બુધવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- બુધવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- ગુરુવારે સવારે 9.10 કલાકે
- ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ-ગુરુવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ- ગુરુવારે બપોરે 4.35 કલાકે
- અમદાવાદ-જંઘઈ સ્પેશિયલ ટ્રેન- ગુરુવારે રાત્રે 9.15 કલાકે
- અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન- ગુરુવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન- શુક્રવારે મધરાત્રે 12.10 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શુક્રવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શુક્રવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ- શનિવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શનિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શનિવારે મધરાત્રે 12.35 કલાકે
- તાપી-ગંગા એક્સપ્રેસ (મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- સુરત-છાપરા સ્પેશિયલ ટ્રેન(સોમવારે સવારે 8.35 કલાકે ઉધનાથી ઊપડે છે)
- બાન્દ્રા ગાઝીપુર સિટી એક્સપ્રેસ(સોમવારે અને શનિવારે સવારે 3.00 કલાકે સુરતથી ઊપડે છે)
- બાન્દ્રાથી ગોરખપુર એક્સપ્રેસ(સોમવારે સવારે 8.35 કલાકે સુરત ખાતેથી ઊપડે છે)
- સુરત-ભાગલપુર એક્સપ્રેસ(મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- કેવડિયા કૉલોની-વારાણસી એક્સપ્રેસ(મંગળવારે રાત્રે 22.42 વાગ્યે સુરતથી)
- ઉધનાથી બનારસ સુપરફાસ્ટ(મંગળવારે સવારે 7.25 કલાકે)
- રાજકોટથી કોઈ સીધી ટ્રેન પ્રયાગરાજ માટે ઉપલબ્ધ નથી
મહાકુંભ માટે ગુજરાતથી સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ખાસ સાત સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો આ પ્રકારે છે.
- સાબરમતી-બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 11.00 કલાકે ( 16 જાન્યુઆરી, 5,9,14 અને 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રવાના થશે)
- સાબરમતી વાયા ગાંધીનગરથી બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 10.25 કલાકે (19,23 અને 26 જાન્યુઆરીના રોજ)
- ઉધના-બલિયા મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 6.40 કલાકે(17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી)
- વલસાડ-દાનાપુર મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 8.40 કલાકે (8,17,21,25 જાન્યુઆરી, 8,15,19 અને 26 ફેબ્રુઆરી)
- વાપી-ગયા સ્પેશિયલ, સવારે 8.20 કલાકે (9,16,18,20,22,24 જાન્યુઆરી અને 7,14,18,22 ફેબ્રુઆરી)
- વિશ્વામિત્રી-બલિયા સ્પેશિયલ સવારે 8.35 કલાકે (17 ફેબ્રુઆરી)
- ભાવનગર-બનારસ સ્પેશિયલ સવારે પાંચ વાગ્યે (22 જાન્યુઆરી, 16 અને 20 ફેબ્રુઆરી)
ગુજરાતથી પ્રયાગરાજ સુધી કઈ કઈ ફ્લાઇટ્સ?

ઇમેજ સ્રોત, ANI
અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે. જેમાં સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટ મુખ્ય છે. કેટલાક દિવસોએ આકાશા ઍર અને ઍર ઇન્ડિયાની ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.
સુરતથી પણ વાયા વડોદરા અને વાયા હૈદરાબાદ થઈને પ્રયાગરાજની ફ્લાઇટ ઉપલબ્ધ છે. વડોદરાથી પણ પ્રયાગરાજ માટેની ફ્લાઇટ ઉપલબ્ધ છે, જોકે તે કનેક્ટિંગ ફ્લાઇટ છે. જેમાં દસ કલાકથી વધારે સમય લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકોટથી પણ પ્રયાગરાજ સુધીની ફ્લાઇટ છે. જે મુંબઈ થઈને પ્રયાગરાજ લઈ જાય છે, તેનું ભાડું 12 હજારની આસપાસ છે.
ઉપરાંત કંડલાથી પણ પ્રયાગરાજ સુધીની કનેક્ટિંગ ફ્લાઇટ છે, પણ તે 24 કલાક કરતાં વધુ સમય લે છે અને તેનું ભાડું 25 હજાર કરતાં વધુ છે.
ભુજથી વારાણસી અને ગોરખપુરની ફ્લાઇટ છે. જે નીચે પ્રમાણે છે.
સ્પાઇસજેટની સવારે 8.10 અને મોડી સાંજે 7.20.
ઇન્ડિગોની સવારે 4.45, 5.45, 7.05 અને 11.50 વાગ્યે.
આકાશા ઍર અને ઍર ઇન્ડિયાની ફ્લાઇટો પણ આ રૂટ પર ઉપબલ્ધ છે.
કેટલાક દિવસે વધુ ફ્લાઇટ પણ ઉપલબ્ધ છે.
અમદાવાદથી સીધી ફ્લાઇટ હોય તો પ્રયાગરાજ પહોંચતાં એક કલાક અને 45 કલાક લાગે છે. કનેક્ટિંગ ફ્લાઇટ હોય તો તેના માટે આઠથી 12 કલાક લાગતી હોય છે.
પ્રયાગરાજ ઍરપૉર્ટ પર પ્રીપેઇડ ટૅક્સી અને બૅટરી રિક્ષા ઉપલબ્ધ છે. ટૅક્સીચાલક પ્રયાગરાજ શહેર સુધી પહોંચવા માટે 800 રૂપિયા સુધી તથા કુંભમેળાના સ્થળ સુધી પહોંચવા માટે 1000 રૂપિયા સુધી વસુલ કરે છે.
બૅટરી રિક્ષા મારફતે પ્રયાગરાજ સુધી 200 રૂપિયા તથા કુંભમેળાસ્થળ સુધી પહોંચવામાં 400 રૂપિયા લાગે છે.
પ્રયાગરાજ ઍરપૉર્ટથી પ્રયાગરાજ શહેર 16 કિલોમીટર દૂર છે. પ્રયાગરાજ શહેરથી કુંભમેળાનું સ્થળ છ કિલોમીટર દૂર છે.
અમદાવાદથી ફ્લાઇટની કિંમત આઠ હજારથી 27 હજાર રૂપિયા છે.
ગુજરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ પ્રયાગરાજ માટે કોઈ ખાસ બસની વ્યવસ્થા નથી કરી રહ્યું.
કેટલીક ખાનગી ટ્રાવેલ્સ કંપની પ્રયાગરાજ સુધી બસ દોડાવે છે. જોકે તેનું ભાડું 1,700થી 3,500 રૂ. છે અને તે 30થી 35 કલાકનો સમય લે છે.
પ્રયાગરાજમાં આવાસ માટે ટેન્ટ (તંબુ)

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશની સરકારનું કહેવું છે કે કુંભમેળામાં વધારે શ્રદ્ધાળુ આવશે. સરકારનું અનુમાન છે કે 2013માં આયોજિત મહાકુંભમાં 20 કરોડ લોકો સામેલ થયા હતા. આ વખતે આ સંખ્યા બમણી થાય તેવી સંભાવના છે.
યુપી સરકારના જણાવ્યા પ્રમાણે ખાનગી કંપનીઓના સહયોગથી અહીં 1.60 લાખ ટેન્ટ તૈયાર કરાયા છે.
ઉત્તર પ્રદેશ પર્યટનવિભાગે પણ જાહેરાત કરી છે કે આ ટેન્ટો માટે ઑનલાઇન બુકિંગ થઈ શકે છે.
https://kumbh.gov.in/ કે upstdc.co.in વેબસાઇટ પર તેનું બુકિંગ થઈ શકે છે.
આ ઉપરાંત 8887847135 પર વૉટ્સઍપ કરવાથી પણ તમને ચૅટબૉટ ઉપલબ્ધ થશે. ટેન્ટનું બુકિંગ ટેન્ટનાં પ્રકાર અને સુવિધા પર આધારિત છે.
IRCTC એ પણ મહાકુંભ માટે વિશેષ ટેન્ટની વ્યવસ્થા કરી છે. તેનું બુકિંગ તમે https://www.irctctourism.com/mahakumbhgram પરથી કરી શકો છો. ટેન્ટનો ભાવ 16 હજારથી 18 હજાર છે. જેમાં રહેવાનું ઉપરાંત નાસ્તો અને જમવાનું પણ સામેલ છે.
તમે રહેવા માટે ધર્મશાળા, ખાનગી હોટલો કે રિસોર્ટ્સનું બુકિંગ પણ ખાનગી ટ્રાવેલિંગ વેબસાઇટ પરથી કરી શકો છો.
અમદાવાદથી કેટલાક ટુર અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખાસ પ્રયાગરાજ માટેનું પૅકેજ પણ ઉપલબ્ધ છે. જેના મારફતે પણ તમે બુકિંગ કરાવીને મહાકુંભની યાત્રા કરી શકો છો. જોકે, કોઈ પણ બુકિંગ કરાવતા પહેલાં એજન્ટોની તપાસ અને ચકાસણી કરવી જરૂરી છે, જેથી પાછળથી કોઈ ફરિયાદ ન રહે.
આસપાસનાં જોવાલાયક સ્થળો

ઇમેજ સ્રોત, ANI
પ્રયાગરાજમાં મહાકુંભમેળા ઉપરાંત આસપાસ અન્ય જોવાલાયક સ્થળો પણ છે. જો તમે તમારી યાત્રાની યોજના બનાવો છો તો તેને પણ તમારી યાત્રાના આયોજનમાં સમાવી શકો છો.
હનુમાનમંદિર, અલોપમંદિર, ઇલાહાબાદ કિલ્લો, આનંદભવન, ચંદ્રશેખર આઝાદ પાર્ક જેવાં જોવાલાયક સ્થળો પણ પ્રયાગરાજમાં છે.
અયોધ્યા પણ પ્રયાગરાજથી માત્ર 180 કિલોમીટર છે. વારાણસી અને ચિત્રકૂટ 130 કિલોમીટર છે. આ તમામ લોકપ્રિય ધાર્મિકસ્થળો છે, જેની તમે યોગ્ય આયોજન, ખર્ચ અને સુવિધા સાથે મુલાકાત લઈ શકો છો.
ડિસેમ્બરમાં પ્રયાગરાજમાં ઠંડી દસ ડિગ્રી સુધી રહે છે. સાથેસાથે ધુમ્મસ પણ રહે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે મહાકુંભમેળાનું આયોજન છે, ત્યારે તાપમાન વધુ નીચે જવાની સંભાવના છે. તેથી ઉત્તર પ્રદેશ સરકારે યાત્રાળુઓને ઠંડીથી બચવા અનુરૂપ સુરક્ષાત્મક વ્યવસ્થા સાથે મહાકુંભમેળામાં આવવાની અપીલ કરી છે.
વધુ માહિતી માટે તમે પ્રયાગરાજ મેળા ઑથૉરિટીના ફોન નંબર 0532-2504011, 0532-2500775 પર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત તમે [email protected] પર ઇ-મેઇલ પણ કરી શકો છો.
ઉપરાંત મહાકુંભ હેલ્પલાઇન નંબર 1920 છે અને પોલીસ હેલ્પલાઇન નંબર 112 છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















