ચાઈનીઝ કંપની ડીપસીક શું છે, જેણે અમેરિકાનાં શૅરબજારોમાં હલચલ મચાવી દીધી

બીબીસી ગુજરાતી ડીપસીક એનવીડિયા અમેરિકા ચેટ જીપીટી એઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીપસીકના કારણે અમેરિકાની એઆઈ કંપનીઓ માટે પડકાર પેદા થયો છે
    • લેેખક, બ્રેન્ડન ડ્રેનોન, પીટર હૉસ્કિન્સ અને ઈમરાન રહમાન-જોન્સ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતી કંપની ડીપસીકે દુનિયાભરનાં બજારોમાં હલચલ મચાવી દીધી છે.

ચાલુ મહિનામાં જ અમેરિકામાં ડીપસીકની ઍપ લૉન્ચ કરાઈ હતી અને ઍપલ સ્ટોર પર તે સૌથી વધુ ડાઉનલોડ થયેલી ફ્રી ઍપ બની ગઈ છે.

ડીપસીકની ખાસિયત એ છે કે અમેરિકાની AI કંપનીઓની તુલનામાં તે બહુ સસ્તી પડે છે અને અમેરિકન એઆઈ કંપનીઓને હંફાવે એવું કામ કરે છે. જેના કારણે સોમવારે અમેરિકન બજારોમાં મોટો આંચકો લાગ્યો હતો.

સોમવારે ચાઇનીઝ એઆઈ ડેવલપર ડીપસીકના કારણે શૅરબજારોમાં એવો ગભરાટ ફેલાયો કે એનવીડિયાનો શૅર 17 ટકા તૂટ્યો હતો જેના કારણે નાસ્ડેક ઇન્ડેક્સ ત્રણ ટકા ઘટી ગયો હતો. એકલી એનવીડિયાને 600 અબજ ડૉલરનો ફટકો પડ્યો છે.

એઆઈની દુનિયામાં મોટી સફળતા

બીબીસી ગુજરાતી ડીપસીક એનવીડિયા અમેરિકા ચેટ જીપીટી એઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનવીડિયા કોર્પના સહસ્થાપક જેસેન હુઆંગની સંપત્તિમાં 20.1 અબજ ડૉલરનો ઘટાડો થયો

સિલિકોન વેલીના વેન્ચર કેપિટાલિસ્ટ માર્ક એન્ડ્રેસીને ડીપસીકને એઆઈની દુનિયામાં એક 'અદ્ભૂત અને મોટી સફળતા' ગણાવી છે.

કંપનીનો દાવો છે કે તેના લેટેસ્ટ એઆઈ મૉડલ એટલાં આધુનિક છે કે અમેરિકાના ચેટ જીપીટીની બરાબરી કરી શકે છે અને તે પણ બહુ મામૂલી ખર્ચે.

ડીપસીક ઍપ બનાવવા પાછળ રિસર્ચરોને માત્ર 60 લાખ ડૉલરનો ખર્ચ આવ્યો હોવાનું કહેવાય છે જ્યારે અમેરિકાની એઆઈ કંપનીઓએ અબજો ડૉલર ખર્ચી નાખ્યા છે.

આના કારણે જે અબજોપતિઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મૂડી રોકીને સંપત્તિ બનાવી છે તેમને સૌથી મોટો ફટકો પડ્યો હતો.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ એક જ દિવસમાં એનવીડિયા કોર્પના સહસ્થાપક જેસેન હુઆંગની સંપત્તિમાં 20.1 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. તેમની સંપત્તિ લગભગ 20 ટકા ઘટી ગઈ હતી.

જ્યારે ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસને એક દિવસમાં 22.6 અબજ ડૉલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેમણે 12 ટકા સંપત્તિ ગુમાવી છે.

ડેલ કંપનીના માઇકલ ડેલને પણ 13 અબજ ડૉલરનું નુકસાન એક જ દિવસમાં થયું છે.

ડીપસીક શું છે? કંપની કોણે સ્થાપી છે?

બીબીસી ગુજરાતી ડીપસીક એનવીડિયા અમેરિકા ચેટ જીપીટી એઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડીપસીકના કારણે ગભરાટ ફેલાતા નાસ્ડેકમાં ત્રણ ટકાથી મોટો ઘટાડો થયો (પ્રતીકાત્મક તસવીર)

ડીપસીક એ ચીનના હાંગઝુ શહેરમાં સ્થાપવામાં આવેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે. જુલાઈ 2023માં કંપનીની સ્થાપના થઈ હતી, પરંતુ અમેરિકામાં તેની એઆઈ આસિસ્ટન્ટ ઍપ 10મી જાન્યુઆરીએ લૉન્ચ કરવામાં આવી હતી.

આ કંપનીએ હવે એઆઈના ક્ષેત્રે અમેરિકાના પ્રભુત્વ સામે પડકાર ફેંક્યો છે. 40 વર્ષીય લિયાંગ વેનફેંગ નામના એન્જિનિયરે તેની સ્થાપના કરી છે જેઓ પોતે ઇન્ફર્મેશન અને ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી હતા.

લિયાંગે અમેરિકાની એનવીડિયા એ100 ચિપ્સનો ઉપયોગ કરીને સ્ટોર બનાવ્યો હોવાનું કહેવાય છે. હાલમાં આ ચિપ્સની ચીનમાં નિકાસ કરવા પર પ્રતિબંધ છે. ઍક્સપર્ટ્સ માને છે કે આવી 50,000 ચિપ્સની મદદથી લિયાંગે ડીપસીક લૉન્ચ કરી હોવાની શક્યતા છે.

ડીપસીકનો ઉપયોગ કોણ કરે છે?

બીબીસી ગુજરાતી ડીપસીક એનવીડિયા અમેરિકા ચેટ જીપીટી એઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચેટજીપીટીની તુલનામાં ડીપસીક ઘણા નીચા ખર્ચ પર કામ કરે છે

ઍપલના ઍપ સ્ટોર પર ડીપસીકની એઆઈ ઍપ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તેને વેબસાઇટ પરથી ઑનલાઇન પણ મેળવી શકાય છે. ડીપસીકની સર્વિસ ફ્રી છે અને ઍપલ સ્ટોરમાં તે સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી ઍપ બની ગઈ છે.

જે રીતે ચેટજીપીટી તમને એઆઈ આધારિત સહાય પૂરી પાડે છે તેવી જ રીતે ડીપસીક પણ કામ કરે છે. ઍપ સ્ટોર પર તેના માટે લખવામાં આવ્યું છે કે આ ઍપ તમારા સવાલોના જવાબ આપે છે અને તમને કાર્યક્ષમ રીતે જીવવામાં મદદ કરે છે.

કેટલીક કૉમેન્ટમાં જણાવાયું છે કે ડીપસીકનું લખાણ વધારે પર્સનાલિટી પૂરી પાડે છે. જોકે, તેમાં રાજકીય રીતે સંવેદનશીલ સવાલોના જવાબ ટાળવામાં આવે છે.

બીબીસીએ જ્યારે ઍપને પૂછ્યું કે "ચોથી જૂન 1989ના રોજ તિયાનાનમેન સ્કવેરમાં શું થયું હતું?"

ત્યારે ડીપસીકે જવાબ આપ્યો, "હું આ સવાલનો જવાબ આપી શકું તેમ નથી. હું એઆઈ આસિસ્ટન્ટ છું જે ઉપયોગી અને બિનજોખમી જવાબો આપવા માટે ડિઝાઇન કરાયું છે."

અમેરિકા-ચીન વચ્ચે ટેકનોલૉજીની ટક્કર

બીબીસી ગુજરાતી ડીપસીક એનવીડિયા અમેરિકા ચેટ જીપીટી એઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આગામી દિવસોમાં એઆઈના ક્ષેત્રે અમેરિકાનું પ્રભુત્વ જોખમમાં મુકાઈ શકે છે

અમેરિકામાં એઆઈના ક્ષેત્રે મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. ગયા સપ્તાહમાં ઓપનએઆઈએ AIના માળખા પાછળ 500 અબજ ડૉલર ખર્ચવાની જાહેરાત કરી હતી.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ જાહેરાત કરી હતી કે ભવિષ્યની ટેકનોલૉજી અમેરિકાના હાથમાં જ રહે તે માટે તેઓ કામ કરશે.

ડીપસીક ઓપનસોર્સ ડીપસીક - વી3 મૉડલ પર કામ કરે છે.

અમેરિકા ચીનમાં એઆઈમાં મદદરૂપ બને તેવી એડવાન્સ્ડ ચિપ ટેકનોલૉજીના વેચાણ પર નિયંત્રણ લાદી રહ્યું છે.

એનવીડિયા જેવી અમેરિકન કંપનીઓને કેમ ફટકો પડ્યો?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એનવીડિયા જેવી કંપનીઓ માટે ડીપસીક એક મોટી હરીફ બની શકે છે. એનવીડિયાની તુલનામાં લાખો કરોડો ડોલરના ઓછા ખર્ચે ડીપસીક એપ તૈયાર થઈ છે. તેથી ભવિષ્યમાં અમેરિકા એઆઈના ક્ષેત્રે ક્યાં સુધી પ્રભાવશાળી રહી શકશે તે સવાલ છે.

સોમવારે ડીપસીકના કારણે જ એવો ભય ફેલાયો કે નાસ્ડેક ઈન્ડેક્સ ત્રણ ટકા કરતા વધુ તૂટ્યો હતો. દુનિયાભરની ચિપ ઉત્પાદક અન ડેટા સેન્ટર કંપનીઓના શેર ઘટ્યા હતા.

પરંતુ ડીપસીકના કારણે સૌથી વધુ ખતરો કોઈને હોય તો તે અમેરિકાની એનવીડિયાને છે. સોમવારે એનવીડિયાની માર્કેટ વેલ્યૂમાં લગભગ 600 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

અમેરિકાના શેરબજારના ઈતિહાસમાં કોઈ એક કંપનીએ એક જ દિવસની અંદર આટલી બધી વેલ્યૂ ગુમાવી હોય તેવું પહેલી વખત બન્યું છે.

સોમવાર સુધી એનવીડિયા દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન કંપની હતી. પરંતુ હવે તેની વેલ્યૂ 3.5 લાખ કરોડ ડોલરથી ઘટીને 2.9 લાખ કરોડ ડોલર થઈ ગઈ છે.

તેથી માર્કેટ વેલ્યૂની દૃષ્ટિએ તે એપલ અને માઈક્રોસૉફ્ટ પછી ત્રીજા નંબર પર આવી ગઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.