શૅરબજાર : મહિનાઓથી ગગડેલું સ્ટૉક માર્કેટ હજુ કેટલું ઘટશે, ક્યારે પાછું ઊંચું આવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કે શુભગુણમ
- પદ, બીબીસી તમિલ
છેલ્લા ઘણા સમયથી ભારતીય શૅરબજારમાં ખરીદી કરનારાઓ કરતાં વેચવાલી કરનારાની સંખ્યા ઘણી વધુ છે. આ સપ્તાહે બજાર આઠ મહિનાના નીચલા સ્તર પર બંધ થયું છે, અને 2024ની ચૂંટણીના પરિણામ બાદ આવેલી તેજી અંતે આ સપ્તાહે ધોવાઈ ગઈ હતી.
આ સપ્તાહે બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જનો સેન્સેક્સ અને નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જ પરનો નિફ્ટી સૂચકાંક અડધા ટકા જેટલો ઘટ્યો હતો.
બજારમાં આમ તો ઘટાડો સપ્ટેમ્બર મહિનાથી શરૂ થયો છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા બાદથી આ સિલસિલો રોકાઈ નથી રહ્યો.
માત્ર 21 જાન્યુઆરીના રોજ બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં સાત લાખ કરોડનું ધોવાણ થયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યાર પછી આવેલા આ ઘટાડાએ રોકાણકારોમાં ચિંતા પેદા કરી છે.
ભારતીય અર્થતંત્ર પર આ ઘટાડાની શું અસર રહેશે? દરેક રોકાણકારો આ ઘટાડાને કઈ રીતે જોવું જોઈએ? આ સ્થિતિમાં શું બજારમાં રોકાણ કરવું યોગ્ય છે? આ બાબતે અમે અર્થશાસ્ત્રના નિષ્ણાતો સાથે વાત કરી હતી. આવો સમજીએ તેમનું શું માનવું છે.
બજારમાં આવેલા ઘટાડા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દોષી છે?

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશાસ્ત્રી વી. નાગપ્પન કહે છે કે સપ્ટેમ્બર મહિનાથી જ બજારમાં મંદીનો દોર ચાલી રહ્યો છે.
તેમના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરમાં બજારે નવાં શિખર સર કર્યાં, સતત ચાર મહિનાથી ઘટાડા સાથે જ કારોબાર ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમનું કહેવું છે કે છેલ્લાં ચાર વર્ષથી બજારમાં સતત વધારો આવ્યો છે એટલે આટલા ઉછાળા બાદ ઘટાડો આવે એવી આશા તો હતી જ.
"કંપનીઓનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. પરંતુ કંપનીના શૅરના આસમાને પહોંચેલા ભાવને ઉપરના સ્તરે ટકાવી રાખવા અનુરૂપ પ્રદર્શન ન હતું. પરિણામ બજારમાં ઘટાડાની જરૂર હતી. હાલમાં એ જ ઘટાડો બજારમાં આવી રહ્યો છે."
એમ નાગપ્પને જણાવ્યું હતું, "ઉદાહરણ તરીકે કોઈ શૅરનો ભાવ રૂ. 100ને લાયક હતો તે રૂ. 200એ પહોંચી ગયો હતો. હવે આ ભાવ તેના યોગ્ય સ્તરે આવી રહ્યા છે. આપણે ત્યારે ચિંતા કરવી જોઈએ જ્યારે આ ભાવ એનાથી નીચે જાય એટલે કે રૂ. 100ની લાયકાત ધરાવતો શૅર રૂ. 50 પર પહોંચે. પરંતુ હાલમાં એવું કશે નથી થઈ રહ્યું."
સાથે જ તેમણે નોંધ્યું હતું કે સપ્ટેમ્બરથી માર્કેટમાં ઘટાડો આવવાનો શરૂ થયો હતો અને સંયોગથી એ જ સમય દરમિયાન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ટ્રમ્પના શપથગ્રહણ સમારોહ આવ્યાં. જોકે તેઓ માને છે કે આ બધા પ્રસંગોની ભારતીય બજારના ઘટાડા પર કોઈ પ્રત્યક્ષ અસર નથી આવી.
આ સાથે જ તેમણે ઉમેર્યું કે આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ નથી એવી શક્યતાઓ નકારી શકાય નહીં.
તેઓ કહે છે કે,"ટ્રમ્પે ડૉલરના વૈકલ્પિક ઉપયોગ કરવા પર 100 ટકા ટેરિફની ચીમકી આપી હતી. ટ્રમ્પ કદાચ આ નિર્ણયને અમલમાં મૂકી શકે એવા ડરને કારણે પણ બજારમાં ઘટાડાની તીવ્રતા વધુ છે."
જોકે બજારમાં આવેલા આ ઘટાડાને તેઓ 'સુધારાનો સમય' કહે છે જેમાં બજાર સ્થિતિને અનુકૂળ થઈ રહ્યું છે અને આ સુધારો એક કે દોઢ વર્ષ ચાલે તો પણ ગભરાવું ન જોઈએ એમ તેમનું કહેવું છે.
નાગપ્પને જણાવ્યું હતું કે,"અત્યારની સ્થિતિમાં IPOમાં આવતા રોકાણમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો. આ જોખમ અંગે ચિંતા કરવાની જરૂર નથી. જો આ સ્થિતિ ચાર-પાંચ વર્ષ પહેલાં બની હોત તો, ચોક્કસથી તણાવની સ્થિતિ ઊભી થાત. તે સમયે બજારમાં મોટો ઘટાડો આવ્યો હોત, કારણ કે એ સમયે માત્ર ચાર કરોડ જેટલાં ડિમેટ એકાઉન્ટ હતાં. પરંતુ અત્યારે 18 કરોડ જેટલાં ડિમેટ એકાઉન્ટ થઈ ગયાં છે."
મ્યુચ્યુઅલ ફંડ અને SIPના રોકાણકારોની સંખ્યા પણ વધી છે. એટલે બજારમાં આવેલો સુધારો સ્વસ્થ સુધારો છે એમ તેમનું કહેવું છે.
તેઓ કહે છે કે, "ખૂબ વધી ગયેલા સ્ટૉક હવે સાચા ભાવ પર આવે એવો સમય આવી ગયો છે. આનાથી કોઈ મોટો વિક્ષેપ નહીં આવે."
શું કેન્દ્રીય બજેટને કારણે શૅરબજારમાં ઘટાડો આવી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
શૅરબજારમાં આવેલા ઘટાડાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું નથી એવા નાગપ્પનના દાવાને અર્થશાસ્ત્રી કે. રાજેશે પણ સમર્થન આપ્યું છે.
તેમનું કહેવું છે કે ઑક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એમ પાંચ મહિનામાં બજાર નીચે રહે છે તે બજારની વૃદ્ધિ માટે સાવ સામાન્ય બાબત છે.
રાજેશનું એવું પણ કહેવું છે કે રોકાણકારો હાલમાં મોદી સરકારના બજેટની પણ રાહ જોઈ રહ્યા છે.
"બજેટમાં ટૅક્સને લઈને શું જાહેરાતો આવે છે તેના પરથી રોકાણકારો નિર્ણય લેશે. જો ભારત સરકાર વધુ ટૅક્સનો બોજો નાખતી રહેશે તો, તેની અસર બજાર પર પણ દેખાશે."
"બજારમાં સરળતાથી ગ્રૉથ આવતો રહે તે માટે કંપની દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ થવો જરૂરી છે. તેના માટે લોકોના હાથમાં નાણાં હોવાં જરૂરી છે."
રાજેશે સમજાવ્યું કે "આપણે એવું ઇચ્છતા હોઈએ કે લોકોના હાથમાં નાણાં વધુ રહે તો તેના માટે ક્યાં તો ભાવ ઓછા હોવા જોઈએ, ક્યાં તો લોકોની આવક વધવી જોઈએ, ક્યાં તો ટૅક્સ ઓછાં હોવાં જોઈએ."
જોકે આ ત્રણેય પરિબળો માટે અત્યારે સ્થિતિ યોગ્ય ન હોવાથી બજેટમાં શું પરિવર્તન આવશે તેને ધ્યાનમાં રાખીને રોકાણકારો અત્યારે રોકાણ કરતાં ખચકાઈ રહ્યા છે એમ રાજેશે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે લોકો બજેટમાં આવેલા પરિવર્તનને કારણે પોતાનાં નાણાં ગુમાવવાનો ડર છે એટલા માટે પણ રોકાણ કરતા વિચારી રહ્યા છે.
નાના રોકાણકારને ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજેશનું કહેવું છે કે જો તમે પહેલેથી રોકાણ કરી રાખ્યું છે તો અત્યારે વેચવાનો સમય છે, નહીં તો માર્ચ સુધી થોડી રાહ જોઈ લો.
"જેમણે પહેલેથી રોકાણ કર્યું છે અને હાલમાં નફા પર બેઠા છે તેમણે પોતાનો નફો બાંધી લેવો જોઈએ અને બજેટ પૂર્ણ થયા બાદ કે પછી બજારમાં સ્થિતિ સ્થિર થયા બાદ રોકાણ કરવું જોઈએ. આ દરમિયાન જો તમારે રોકાણ કરવું જ હોય તો ગોલ્ડ ETF કે ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરી શકાય," એમ તેમણે સૂચન કર્યું.
બજારની પરિસ્થિતિ અસ્થિર હોય ત્યારે સોનામાં રોકાણ કરવું ફાયદાકારક રહી શકે છે એવું તેમનું કહેવું છે.
બીજી બાજુ નાગપ્પન કહે છે કે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે તેઓ આવનારા એકથી દોઢ વર્ષમાં રોકાણ કરી શકે છે. તેમના મુજબમાં ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ જોવા નહીં મળે જે વૃદ્ધિ આવશે તે પણ સ્થિર અને સાતત્યપૂર્ણ રહેશે.
"આવનારા બે ત્રિમાસિક માટે બજાર થોડું નરમ રહી શકે છે. ભારતીય કંપનીઓ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે અત્યાર સુધી તેનાં વેલ્યુએશન ઘણાં ઊંચાં હતાં તે હાલમાં ઘટ્યાં છે. આ સ્થિતિમાં તેમને મળેલાં ઊંચાં વૅલ્યુએશન મુજબનું કંપનીએ પ્રદર્શન કરવું પડે કે પછી બજાર વૅલ્યુએશનને પ્રદર્શનની સમકક્ષ લાવીને ઊભું રહે."
"આ સંતુલન મેળવવામાં થોડો સમય લાગી શકે છે. એટલા માટે જ આવનારા બે ત્રિમાસિક કે છ મહિના સુધી બજાર થોડું ફ્લેટ રહી શકે છે. બજારમાં કોઈ ઉછાળો આવશે તો પણ તે ઘણો મર્યાદિત રહેશે,"એમ નાગપ્પને જણાવ્યું હતું.
"આવનારું એક દોઢ વર્ષ જેમને લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તેમના માટે સારું રહી શકે છે અને તેના માટે ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ જાળવી રાખવો પડશે."
"કારણ કે રોકાણકારોએ બજારમાં ઘટાડો આવે ત્યારે ખરીદવું જોઈએ અને જ્યારે ભાવ વધી જાય ત્યારે નફો બાંધી લેવો જોઈએ,"એમ નાગપ્પને જણાવ્યું હતું.
(નોંધ : રોકાણને લગતા આપેલાં સૂચનો અર્થશાસ્ત્રીઓના વ્યક્તિગત મત છે, રોકાણકારે નિષ્ણાતોની સલાહ પ્રમાણે વર્તવું જોઈએ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















