હાર્દિકથી માંડીને રેશમા પટેલ સુધી, પાટીદાર આંદોલનના નેતા હાલ ક્યાં છે?

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Getty/Social media

તાજેતરમાં નિરમા ગ્રૂપના સ્થાપક ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતમાં એક દાયકા અગાઉ થયેલા 'પાટીદાર અનામત આંદોલનના ફાયદા-નુકસાન' અંગે એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

જેના કારણે રાજ્યમાં ફરી એક વાર પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે સંકળાયેલા હાર્દિક પટેલ સહિતના નેતાઓને ચર્ચામાં લાવી દીધા છે.

નોંધનીય છે કે ગુજરાતનું મુખ્ય મંત્રીપદ છોડી નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદ ગ્રહણ કરવા આનંદીબહેન પટેલના હાથમાં રાજ્યના રાજકાજની ધુરા સોંપી હતી. તેના માત્ર એક જ વર્ષમાં રાજ્યવ્યાપી પાટીદાર અનામત આંદોલને આનંદીબહેન પટેલની સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી.

પાટીદારોના એક જૂથ સરદાર પટેલ ગ્રૂપના સભ્યોએ સમાજને અનામત આપવાની માગણી સાથે આ આંદોલન શરૂ થયું હતું. જે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરવા લાગ્યું.

નોંધનીય છે કે તે સમયે હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ આ આંદોલનની ધુરા સંભાળેલી હતી.

આંદોલન અંતર્ગત લગભગ લાખો પાટીદાર સમાજના લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેરઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

વિશ્લેષકોનું માનીએ તો આ ઘટના બાદ હાર્દિક બીજા નેતાઓને પાછળ મૂકીને જાણે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો બની ગયા હતા, તેમજ આ જ આંદોલન રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી, આનંદીબહેન પટેલના રાજીનામાનું કારણ પણ બન્યું હતું.

જોકે, હાલ કરસનભાઈ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે થયેલા આરોપ-પ્રત્યારોપની ઘટના બાદ એક સમયે 'પાટીદાર અનામત આંદોલન'નો ચહેરો મનાતા હાર્દિક પટેલ સહિતના લોકો શું કરી રહ્યા છે એ અંગે જાણવાનું કુતૂહલ જોવા મળી રહ્યું છે.

આપણી એ સંદર્ભે વાત કરીએ પહેલાં જાણી લઈએ કે આખરે આ બંને પટેલ આગેવાનોમાં શાબ્દિક મતભેદ કેમ થયો હતો?

હાર્દિક પટેલ અને કરસનભાઈ પટેલ વચ્ચે પાટીદાર આંદોલનના હેતુ અંગે મતભેદ

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Social/Reuters/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાટણમાં લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થી સન્માનસમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા કરસનભાઈ પટેલે એક દાયકા પહેલાં રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલનથી 'કોઈ ફાયદો ન થયો હોવાના' અને 'આંદોલન કરનારે રાજકીય રોટલા શેક્યા' સહિતના આરોપ કર્યા હતા.

તેમણે પાટીદાર અનામત આંદોલનને યાદ કરતાં એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "આનાથી પટેલોને શું મળ્યું? આંદોલનને કારણે પાટીદારની છોકરી અને એ પણ લેઉવા પાટીદારની છોકરી, જે મુખ્ય મંત્રી હતી, તેણે જવું પડ્યું."

કરસનભાઈ પટેલ પોતાના નિવેદનમાં ક્યાંય હાર્દિક અને તેમના એ સમયના સાથીદારોનાં નામ નહોતાં લીધાં, છતાં તેમનો ઇશારો એ લોકો તરફ જ હોવાનું સ્વયંસ્પષ્ટ હતું.

કરસનભાઈના આ નિવેદનની પ્રતિક્રિયા સ્વરૂપે વીરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું કે 'કદાચ પાટીદાર અનામત આંદોલનના ફાયદા વિશે કરસનભાઈને ન ખબર પડે, કારણ કે તેઓ કરોડપતિ છે.'

તેમણે કરસનભાઈના 'કોઈને લાભ ન થયા'ની વાતનો જાણે જવાબ વાળતા હોય એમ દાવો કરતાં નિવેદનમાં કહ્યું કે, "આ આંદોલન સમાજના નબળા વર્ગ માટે હતું. આંદોલનથી 10 ટકા ઈબીસીનો લાભ થયો, 1000 કરોડની સ્વાવલંબન યોજના મળી અને બિનઅનામત આયોગની રચના થઈ. આ યોજનાઓથી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાતમાં હજારો યુવાનોને સરકારી નોકરી અને શિક્ષણનો લાભ મળ્યો."

હાર્દિક પટેલ આગળ કહે છે કે, "આંદોલન ભલે પાટીદારોએ કર્યું પરંતુ તેનો લાભ બીજા સમાજોને પણ મળ્યો, જેમને અગાઉ અનામતનો લાભ નહોતો મળતો. કરસનભાઈ જેવા ઘણા આગેવાનો છે જેઓ વારંવાર સમાજને લેઉવા-કડવામાં વહેંચતા હોય છે. કારણ કે, પાટીદાર સમાજ એક થઈ જાય તો આગેવાનોનો મોભો ન જળવાય. તેથી તેઓ વારંવાર આવાં નિવેદનો આપીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે."

હાર્દિકે કહ્યું, "જે યુવાનોને સરકારી નોકરી મળી હોય, સરકારી શિક્ષણમાં લાભ થયો હોય તેમણે આવા આગેવાનો વિરુદ્ધ બોલવું જોઈએ."

હાર્દિક પટેલ : ભાજપના વિરોધીથી લઈને ભાજપના ધારાસભ્ય સુધી

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

પાટીદારો અન્ય પછાત વર્ગમાં સમાવી લેવાની માગણી સાથે વર્ષ 2013માં વીસનગરની નાની સભાઓથી પટેલ સમાજના યુવાનોને ભગા કરીને વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની રચના કરાઈ હતી.

ત્યારે હાર્દિક પટેલ સહિત દસ જેટલા લોકો ચળવળના માણસો ગણાતા હતા અને આંદોલનને વેગ આપી રહ્યા હતા.

ઑગસ્ટ 2015ની અમદાવાદના GMDCમાં થયેલી રેલી બાદ પાટીદાર અનામતને વેગ મળ્યો અને બીજા તમામ નેતાઓથી ઉપર હાર્દિક પટેલ આ આંદોલનનો ચહેરો બની ગયા હતા.

પાટીદાર આંદોલનની શરૂઆતથી હાર્દિક પટેલ ગુજરાતમાં ભાજપની સરકારની 'કઠોર ટીકા' કરતા જોવા મળતા.

આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહ સહિતના ગુના નોંધવામાં આવ્યા અને તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, અવારનવાર આંદોલન દરમિયાન રાજકારણથી અલગ રહેવાની વાત કરતા હાર્દિક વર્ષ 2019માં પહેલા કૉંગ્રેસમાં પછી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

કૉંગ્રેસમાં તો તેમને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ બનાવી દેવાયા હતા. જોકે, 'પોતાની પાસે કામ ન હોવાનો' આરોપ કરી તેમણે પાર્ટી છોડી દીધી હતી. ભાજપમાં સામેલ થયા બાદ તેઓ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના 'સંનિષ્ઠ કાર્યકર' તરીકે સક્રિય રાજકારણમાં છે.

રેશમા પટેલ

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Resma Patel/FB

પાટીદાર અનામત આંદોલન સમયે આંદોલનના મહિલા ચહેરા તરીકે રેશમા પટેલનું નામ ખૂબ આગળ પડતું હતું.

2015ની પાટીદાર અનામત આંદોલનની રેલી પછીના પોલીસ સાથેનાં ઘર્ષણ અને તોફાનોને કારણે હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા.

તેમને છોડાવવા માટે પોતાના જ ઘરમાં 21 દિવસના ઉપવાસ કરીને રેશમા પટેલે પાસમાં જગ્યા મેળવી લીધી હતી.

રેશમા પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં જગ્યા મેળવી અને ટૂંક સમયમાં તેનું મોટું માથું બની ગયાં.

પાસનાં મુખ્ય નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. પાસના આંદોલનને કારણે તેઓ પોતે પણ એક મહિનો જેલમાં રહ્યાં હતાં.

જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તેઓ અને પાસના બીજા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. પરંતુ વર્ષ 2019માં ભાજપથી મોહભંગ થતાં પાર્ટીને 'માર્કેટિંગ કંપની' ગણાવી માર્ચ 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું.

જે બાદ તેમણે વર્ષ 2020માં નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યો અને પાર્ટીના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ બની ગયાં.

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ નૅશનાલિસ્ટ કૉગ્રેસ પાર્ટી દ્વારા 'ચૂંટણીની ટિકિટ ન અપાવા સહિતનાં કારણો'ને લીધે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતાં. હાલ તેઓ ગુજરાત આપની મહિલા પાંખનાં પ્રમુખ છે.

'ગબ્બર' અલ્પેશ કથિરિયા

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Alpesh Kathiriya/FB

ગુજરાત સરકારે ઘણા પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા.

2015ના આવા જ એક કેસમાં પાટીદાર અનામત આંદોલનના અગ્રણી અલ્પેશ કથિરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી.

વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.

જ્યારે તેઓ જેલમુક્ત થયા ત્યારે હાર્દિક પટેલે પાસનું સુકાન તેમના હાથમાં સોંપવાની જાહેરાત કરી હતી.

એ સમયે બીબીસી ગુજરાતી સાથેની તેમની વાત દરમિયાન અલ્પેશે કહ્યું હતું, "ડિસેમ્બર 25મી પછી પાસમાં નવા સંગઠનની રચનાની શક્યતા છે. સંગઠનમાં હજી વધારે યુવાનો જોડાય તેના માટે અમે પ્રયાસો ચાલુ રાખીશું."

એ સમયે પાસ સાથે સંકળાયેલા ખૂબ ઓછા લોકો માટે હાર્દિક પટેલ વાત કરતા.

પોતાના ઉપવાસ દરમિયાન અલ્પેશને જેલમુક્ત કરાવવાની પણ હાર્દિકની એક માંગણી હતી.

પાટીદાર આંદોલનમાં તેઓ પાસના કન્વીનર હતા. તેમના સમર્થકો તેમને 'ગબ્બર' તરીકે ઓળખતા હતા.

તેમના પર રાજદ્રોહ, જાહેરનામાનો ભંગ અને પરવાનગી વગર કાર્યક્રમ આપવા જેવા ગુનામાં અંદાજે 15 જેટલા કેસો થયા છે. તેમને અલગ અલગ કેસોમાં જેલ પણ થઈ હતી.

તેમણે કુલ 13 મહિનાથી વધારે સમય જેલમાં ગાળ્યો. પહેલીવાર જ્યારે 2017માં રાજદ્રોહના કેસમાં તેમને લાજપોર જેલમાં સાડા ત્રણ મહિના સુધી રાખવામાં આવ્યા હતા, બીજી વખત પણ રાજદ્રોહના કેસમાં ચાર મહિનાની જેલ થઈ.

પછી એટ્રોસિટીના કેસમાં તેમને છ મહિનાની જેલ થઈ હતી. જ્યારે તેઓ જેલમાંથી જામીન પર છૂટ્યા ત્યારે હાર્દિક પટેલ તેમને આવકારવા આવ્યા હતા.

હાર્દિક પટેલ જ્યારે કૉંગ્રેસમાં જોડાયા ત્યારે અલ્પેશ તેમની સાથે પક્ષમાં નહોતા જોડાયા. પરંતુ ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને 2022માં સુરતના વરાછા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા.

તેમની સામે ભાજપના નેતા કુમાર કાનાણી હતા. જાણકારો કહે છે કે અલ્પેશનું તે વખતે જોર એટલું હતું કે તેમને કાઉન્ટર કરવા માટે ભાજપે યુપીના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગીની સભા કરાવડાવી પડી હતી.

જોકે વિધાનસભાની એ ચૂંટણીમાં તેઓ કુમાર કાનાણી સામે હાર્યા હતા. હાર્યા બાદ આમ આદમી પાર્ટીએ તેમને સુરત અને વડોદરા વિસ્તારના કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા હતા.

જોકે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.

દિનેશ બાંભણિયા

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Dinesh Bambhaniya/FB

ઇમેજ કૅપ્શન, દિનેશ બાંભણિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિનું મોટું નામ અને સિનિયર નેતા એવા દિનેશ બાંભણિયા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી સુધી ખૂબ જ સક્રિય રીતે આંદોલન સાથે જોડાયેલા હતા.

જોકે, ચૂંટણીના એક દિવસ અગાઉ જ તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિથી અલગ થઈ ગયા હતા, પરંતુ તેમણે કોઈ રાજકીય પક્ષનો છેડો પકડ્યો નહોતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિથી અલગ થયાના એક દિવસ બાદ જ તેમણે હાર્દિક પટેલ અને કૉંગ્રેસ વચ્ચે 'અમુક પ્રકારની સમજૂતી' થયાનો આરોપ કર્યો હતો.

હાલ તેઓ પાટીદારોની ખોડલધામ સંસ્થાના ટ્રસ્ટી છે.

મુદ્દો તાજેતરમાં અમરેલીના બનાવટી લેટર પ્રકરણમાં આરોપી પાટીદાર યુવતીના કથિત 'સરઘસ'ની કાર્યવાહીના વિરોધનો હોય કે અન્ય કોઈ મામલામાં પાટીદાર હિતની વાત હોય, દિનેશ બાંભણિયા સમાજના આગેવાન તરીકે એ મુદ્દો ઉપાડતા અને રજૂઆતો કરતા જોવા મળે છે.

લાલજી પટેલ

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન
ઇમેજ કૅપ્શન, લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલન ઉપાડનાર પાટીદાર અનાત આંદોલન સમિતિની માતૃ સંસ્થા સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) હોવાનું મનાય છે.

હાર્દિક પહેલાં આ જ સંસ્થામાં હતા અને તે બાદ તેમણે વર્ષ 2015માં પાસની સ્થાપના કરી હતી.

પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સાથોસાથ સરદાર પટેલ ગ્રૂપના સમર્થકો અને આગેવાનોની પણ આગળ પડતી ભૂમિકા હતી. આવા જ એક આગેવાન હતા લાલજી પટેલ.

તેઓ સરદાર પટેલ ગ્રૂપના આગેવાન છે. તેમણે અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે 'જેલભરો આંદોલન'નું આહ્વાન કર્યું હતું.

એસપીજીએ સરકારના મનાઈહુકમની દરકાર કર્યા વગર મહેસાણા ખાતે જંગી રેલીનું આયોજન કર્યું, જેને લાલજીએ પોતે સંબોધી હતી.

આ દરમિયાનપોલીસ અને એસપીજીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં સાત પોલીસકર્મી અને લાલજી સહિતના ઘણા આંદોલનકારીઓને ઈજા થઈ હતી.

પોલીસ ઍક્શનમાં લાલજીને થયેલી ઈજાની તસવીરો એ સમયે ખૂબ વાઇરલ થઈ હતી.

વર્ષ 2022માં તેઓ ફરી એક વાર સક્રિય થયા હતા.

એસપીજીના નેજા હેઠળ તેમણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ ફરી એક વાર પટેલ સમાજને એક કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "અમે લોકોને સરકાર સામેની અમારી નારાજગી કેમ છે એ સમજાવવાનો પ્રયાસ કરીશું, અમે તેમને સમજાવશું કે આપણી માગણીઓ માટે આપણી પાસે ચૂંટણી જ એક હથિયાર છે, મને વિશ્વાસ છે કે સમાજ આનો હકારાત્મક પ્રતિસાદ આપશે, પરંતુ આ વખત હું સુનિશ્ચિત કરીશ કે કોઈ એક જ વ્યક્તિ રાજકારણની દૃષ્ટિએ આ આંદોલનનો લાભ ન લઈ જાય."

નોંધનીય છે કે 2015ના મધ્યભાગમાં જ્યારે હાર્દિક પટેલ આંદોલનના કેન્દ્રસ્થાનમાં આવી ગયા ત્યારે સરદાર પટેલ જૂથના લાલજી પટેલે તેમની ઉપર સંગઠન તથા આંદોલનને હાઈજેક કરવાનો આરોપ મૂક્યો હતો.

લલિત વસોયા

બીબીસી ગુજરાતી, રાજકારણ, પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Lalit Vasoya/FB

ઇમેજ કૅપ્શન, લલિત વસોયા

પાટીદાર અનામત આંદોલનના અન્ય અગ્રગણ્ય ચહેરાઓની માફક આંદોલનના વધુ વધુ એક મોટા નામ લલિત વસોયાએ પણ આંદોલન બાદ રાજકારણમાં ઝંપલાવ્યું હતું.

તેઓ વર્ષ 2017ની ચૂંટણીમાં ધોરાજી વિધાનસભા બેઠકથી કૉંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, વર્ષ 2022ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમની ભાજપના મહેન્દ્રભાઈ પડાલિયા સામે હાર થઈ હતી.

આ સિવાય વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ઊતરેલ તત્કાલીન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા સામે પોરબંદર લોકસભા બેઠક પર લલિત વસોયાને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતારાયા હતા.

ઘણા રાજકીય વિશ્લેષકો આ બેઠક રસપ્રદ ચૂંટણીજંગની આગાહી કરી ચૂક્યા હતા. જોકે, લોકસભા ચૂંટણીમાં આખરે તો વસોયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે લલિત વસોયા પાસના દિવસોથી હાર્દિક પટેલના અત્યંત નજીકના નેતા મનાતા હતા.

હાર્દિકના ઉપવાસ દરમિયાન લલિત વસોયાએ કિરીટ પટેલની હાર્દિકને મદદ જ નહોતી કરી, પરંતુ તેમની સાથે તેમના બંગલા પર જ રહેવા આવી ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.