ગુજરાત : પાટીદાર આંદોલન મામલે નિરમાના કરસનભાઈ પટેલ અને હાર્દિક પટેલ સામસામે

ઇમેજ સ્રોત, Social/Reuters/BBC
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું તેને લગભગ એક દાયકો થઈ ગયો છે, ત્યારે આ આંદોલનનો હેતુ શું હતો અને તેનાથી ખરેખર ફાયદો થયો કે નહીં તે મામલે બે પાટીદાર આગેવાનો આમનેસામને આવી ગયા છે. એક તરફ જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા જૂથના સ્થાપક કરસનભાઈ પટેલ છે, જ્યારે બીજી તરફ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ છે જેઓ હવે ભાજપના ધારાસભ્ય પણ છે.
તાજેતરમાં પાટણમાં પાટીદાર વિદ્યાર્થીઓના એક સન્માન સમારંભના કાર્યક્રમમાં કરસનભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાંથી પેદા થયેલા પાટીદાર આંદોલનને યાદ કરીને કહ્યું કે "પાટીદાર આંદોલનથી કોઈ ફાયદો નથી થયો અને કેટલાય યુવાનોનાં મોત થયાં છે. બીજી તરફ આ આંદોલનના નામે કેટલાક લોકોએ પોતાના રાજકીય રોટલા શેક્યા છે."
જાણકારો અનુસાર તેમનો આ ઇશારો સ્પષ્ટ રીતે 'હાર્દિક પટેલ અને તેમના સાથીદારો' તરફ હતો.
જોકે, હાર્દિક પટેલે પણ કરસનભાઈ પટેલને જવાબ આપ્યો છે.
ભાજપના ધારાસભ્ય બની ગયેલા હાર્દિક પટેલે કહ્યું કે "આ આંદોલનનું મહત્ત્વ કરસનભાઈને નહીં સમજાય કારણ કે તેઓ કરોડોપતિ છે. તેમના જેવા લોકો સમાજને વિભાજિત કરવાનું કામ કરે છે."
એક દાયકા અગાઉ હાર્દિક પટેલ જ્યારે હજારો પાટીદાર યુવાનોને લઈને આંદોલનની આગેવાની કરતા હતા ત્યારે તેઓ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ અને તેમના મંત્રી નીતિન પટેલ માટે બહુ ઉગ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા. પરંતુ તાજેતરમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલ બંને હાજર હતા, ત્યારે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા અને નીતિન પટેલે તો હાર્દિક પટેલને ગુજરાત સરકારમાં મંત્રીપદ મળે તેવી શુભકામના પણ પાઠવી હતી.
ઘટનાક્રમની શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, Anandiben Patel
પાટણમાં લેઉઆ સમાજના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિરમા જૂથના સ્થાપક કરસનભાઈ પટેલ ઉપસ્થિત હતા.
તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "અમારો પાટીદાર સમાજ છે. સમાજના લોકો મોટેભાગે ખેડૂત છે. તેમણે ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો. તેમણે હંમેશા બધાને કંઈને કંઈ આપ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે પાટીદાર આંદોલન સામે પણ સવાલો ઉઠાવ્યા. તેમણે સવાલ કર્યો કે શું આ આંદોલન આનંદીબહેન પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવવા માટે હતું?
તેમણે કહ્યું, "આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું. પાટીદારોએ જ કર્યું હતું. તેમાં પટેલોને શું મળ્યું? કંઈ નહીં. તેમાં આપણા યુવાનો શહીદ થયા અને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ પણ લેઉવા પાટીદારની છોકરી, જે મુખ્ય મંત્રી હતી, તેણે જવું પડ્યું. તેથી આ આંદોલન અનામત માટે હતું કે કોઈને કાઢવા માટે હતું? પટેલને જ પટેલ હટાવે તે શક્ય નથી તે આ સંશોધનનો વિષય છે."
કરસનભાઈના નિવેદનમાં હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ ન હતો, પરંતુ તેમનો ઇશારો કોના તરફ હતો તે સ્પષ્ટ હતું. તેથી થોડા જ કલાકોમાં હાર્દિક પટેલે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું.
હાર્દિક પટેલે કરસનભાઈ પટેલને જવાબ આપ્યો.
હાર્દિક પટેલે જવાબ આપતા કહ્યું કે, "પાટીદાર અનામત આંદોલનના ફાયદા વિશે કદાચ કરસન ભાઈને ન ખબર પડે, કારણ કે કરસનભાઈ કરોડપતિ છે. આ આંદોલન સમાજના નબળા વર્ગ માટે હતું. આંદોલનથી 10 ટકા ઈબીસીનો લાભ થયો, 1000 કરોડની સ્વાવલંબન યોજના મળી અને બિનઅનામત આયોગની રચના થઈ. આ યોજનાઓથી ત્રણ-ચાર વર્ષમાં ગુજરાતમાં હજારો યુવાનોને સરકારી નોકરી અને શિક્ષણનો લાભ મળ્યો."

ઇમેજ સ્રોત, HARDIK PATEL
હાર્દિક પટેલ આગળ કહે છે કે, "આંદોલન ભલે પાટીદારોએ કર્યું પરંતુ તેનો લાભ બીજા સમાજોને પણ મળ્યો, જેમને અગાઉ અનામતનો લાભ નહોતો મળતો. કરસનભાઈ જેવા ઘણા આગેવાનો છે જેઓ વારંવાર સમાજને લેઉવા-કડવામાં વહેંચતા હોય છે. કારણ કે, પાટીદાર સમાજ એક થઈ જાય તો આગેવાનોનો મોભો ન જળવાય. તેથી તેઓ વારંવાર આવાં નિવેદનો આપીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે."
હાર્દિકે કહ્યું, "જે યુવાનોને સરકારી નોકરી મળી હોય, સરકારી શિક્ષણમાં લાભ થયો હોય તેમણે આવા આગેવાનો વિરુદ્ધ બોલવું જોઈએ."
આ વિશે બીબીસી ગુજરાતીએ કરસનભાઈ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે "મેં વિચારીને મારું નિવેદન આપ્યું છે. કોઈ પટેલ બીજા પટેલને સત્તા પરથી ઉતારે નહીં. બાકીનું સત્ય પત્રકારોએ શોધવાનું છે."
બીબીસી ગુજરાતીએ હાર્દિક પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે વીડિયો મૅસેજ મોકલીને પોતાનું નિવેદન આપ્યું હતું.
પાટીદાર આંદોલન વખતના આગેવાનો હવે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાટીદાર આંદોલન વખતે ઘણા પટેલ આગેવાનો સક્રિય હતા, પરંતુ તેઓ હવે અલગ અલગ દિશામાં છે. આંદોલન પછી ભાજપમાં જોડાયેલાં અને પછી એનસીપીનો છેડો પકડનારાં રેશ્મા પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે કેટલાક મતભેદો થયા હતા. તે વખતે અમને રાજકારણના 'ર'ની પણ ખબર ન હતી. બધા સામાન્ય ઘરમાંથી આવતા લોકો હતા. આંદોલન વખતે 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમને સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવવાની ખાતરી મળી હતી પરંતુ તે સંતોષાઈ નથી તેનું દુ:ખ છે."
કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "કરસનભાઈ પટેલને આંદોલનમાં પણ નફા અને નુકસાનનો તાળો જોવાની ખરાબ આદત પડી ગઈ છે. દરેક આંદોલન નવા નેતાઓને જન્મ આપે છે. પરંતુ ભૂતકાળમાં સરકારી લાભ લેનારા કરસનભાઈ પટેલ કોના ઇશારે આ બધું બોલે છે તે સમજાતું નથી? પાટીદાર આંદોલન પછી લેઉવા અને કડવા વચ્ચેનો ભુલાયો છે, ત્યારે આવાં નિવેદનો કરીને તેઓ સમાજમાં ભાગલા પડાવવા માગે છે."
શું આ આંદોલન માત્ર આનંદીબેન પટેલને મુખ્ય મંત્રી પદેથી હટાવવા માટે હતું? આ સવાલના જવાબમાં રેશ્મા પટેલ કહે છે કે, "અમે કોઈને સત્તા પરથી હટાવવા આંદોલન કર્યું ન હતું. અમારા ઉપર પહેલાં પણ આરોપો લાગ્યા હતા અને હવે સમાજના મોભી આવા આરોપો લગાવે એ દુઃખદ છે. એમણે જોવું જોઈએ કે આજે પણ પાટીદાર આંદોલનના નેતાઓ સામે કેસ ચાલે છે. ભાજપ કોઈ વચન પાળતો નથી, તેથી મેં ભાજપ છોડ્યો હતો. મારે કોઈનું નામ નથી લેવું, પરંતુ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા આંદોલનના નેતાઓએ આંદોલનમાં માર્યા ગયેલા લોકોના વારસદારોને નોકરી અપાવવી જોઈએ."

ઇમેજ સ્રોત, Reshma Patel/FB
પટેલ અનામત આંદોલન વખતે દિનેશ બાંભણીયા એક જાણીતા આગેવાન હતા, જેઓ હાલમાં ખોડલધામ સંસ્થાનના ટ્રસ્ટી છે. તેમણે કહ્યું કે, "ઈડબલ્યુસીના લાભ મળવાથી જે વિદ્યાર્થીઓને ફાયદો થયો તેમનું સન્માન કરવા કરસનભાઈ ગયા હતા. તેથી તેમણે યાદ રાખવું જોઈએ કે આંદોલનથી સમાજને ફાયદો થયો છે. આનંદીબહેન ગુજરાતના મોટાં નેતા હતાં અને તેમને માત્ર લેઉવા પટેલ તરીકે ઓળખાવીને કરસનભાઈ તેમનું કદ ઘટાડી રહ્યા છે. કેશુભાઈ પટેલ પણ લેઉવા નેતા હતા તો તેમને ગાદી પરથી ઉતારવામાં આવ્યા ત્યારે કરસનભાઈ કેમ ચૂપ હતા? હવે પહેલી વખત ગુજરાતને કડવા પટેલ મુખ્ય મંત્રી મળ્યા છે ત્યારે કડવા-લેઉવાનો ભેદ ભુલવાના બદલે કરસનભાઈ પટેલ કડવા પટેલ મુખ્ય મંત્રી સામે વિવાદ પેદા કરવાનો પ્રયાસ તો નથી કરતા ને?"
દિનેશ બાંભણીયાએ વધુમાં કહ્યું, "આંદોલન વખતે 14 યુવાનોનાં મોતનું દુઃખ તો અમને પણ છે. પરંતુ કરસનભાઈ પાસે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો હોવા છતાં આ 14 શહીદોના પરિવાર માટે કંઈ કર્યું નથી કે મને ફોન કરીને સાંત્વના પણ નથી આપી. આવામાં તેઓ કડવા-લેઉવા ભેદ કેમ ઊભો કરી રહ્યા છે તે તપાસનો વિષય છે."
બીજી તરફ સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી)ના નેતા લાલજી પટેલે કહ્યું, "આંદોલનના નામે ઘણા લોકો રાજકીય રોટલા શેકીને નેતા બની ગયા તે વાત સાચી છે. પણ આંદોલનથી કોઈ ફાયદો નથી થયો તેવી તેમની વાતથી મને દુ:ખ થાય છે. ઈડબલ્યુસી હેઠળ ઘણા વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે, વિદેશ ભણવા જવા માટે 15 લાખ રૂપિયાની મદદ મળી છે. તેનો ફાયદો સમાજના દરેક વર્ગને થયો છે."
તેમણે કહ્યું કે, "આનંદીબહેનને સત્તા પરથી હટાવવાની વાત છે ત્યારે હું કહીશ કે ઈડબલ્યુસીનો લાભ 2019માં મળ્યો તેના બદલે આનંદીબહેન સીએમ હતા ત્યારે જ લાભ આપ્યો હોત તો ઘણી સમસ્યા દૂર થઈ હોત. રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનના અભાવે તે લાભ નહોતા અપાયા કે કેમ તે બાબતની કરસનભાઈએ તપાસ કરવી જોઈએ. આંદોલનથી પટેલ દીકરીને સત્તા પરથી હઠાવવાની વાત તેમણે ત્યાર પછી કરવી જોઈએ."
કરસનભાઈ પટેલે અત્યારે આવું નિવેદન કેમ આપ્યું?
ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલ સામાન્ય રીતે રાજકીય નિવેદનો નથી કરતાં. પરંતુ પાટીદાર આંદોલન માટે તેઓ અત્યારે શા માટે બોલ્યા તે એક સવાલ છે.
આ વિશે રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "કરસનભાઈ સામાન્ય રીતે નિવેદન કરીને કે કોઈ રીતે વિવાદમાં આવતા નથી. છતાં તેમણે જે નિવેદન આપ્યું તે આશ્ચર્યજનક છે. નિરમા કંપની હવે ફાર્માસ્યુટિકલ્સ અને સિમેન્ટમાં પણ કદ વધારી રહી છે. કરસનભાઈ પટેલને કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને નીતિન પટેલ સાથે ઘણો સારો ઘરોબો રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ કદાચ બીજા ઉદ્યોગપતિઓની જેમ પોતાનું વર્ચસ્વ બનાવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગે છે."
વરિષ્ઠ પત્રકાર અજય નાયકના માનવા પ્રમાણે, "ગુજરાતના અન્ય ઉદ્યોગપતિઓનું એક અલગ પ્રભુત્વ હોય છે. પરંતુ કરસનભાઈ પટેલ તે હરોળમાં નથી. તેથી તેઓ બીજા ઉદ્યોગપતિઓની જેમ વર્ચસ્વ બનાવવા માંગતા હોય તે શક્ય છે. તેમની સિમેન્ટ કંપની લગભગ ચોથા ક્રમે પહોંચવાની તૈયારીમાં છે અને ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમનું કદ વધી રહ્યું છે. તેથી પોતાની એક સોશિયલ અસર પેદા કરવા કરસનભાઈએ આ નિવેદન આપ્યું હોય તેમ લાગે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












