'મને લાગતું કે ડ્રગ લઈને વધુ લાંબો સમય સેક્સ કરી શકતા પણ પછી...', શું હોય છે કેમસેક્સ?

- લેેખક, દિનુક હેવાવિથરાના
- પદ, બીબીસી સિંહાલા
"મને મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડના કારણે આની આદત પડી હતી. તેણે જ મને આની આદત પાડી," 27 વર્ષીય નાઓમીએ બીબીસીને તેમના અનુભવ વિશે જણાવ્યું.
નાઓમીએ કહ્યું કે તેઓ લગભગ એક વર્ષ પહેલાં 'મેથામ્ફેટામાઇન' નામના ડ્રગનાં વ્યસની બની ગયાં હતાં. જેને લોકો સામાન્ય રીતે 'આઇસ' તરીકે ઓળખે છે.
તેઓ પોતાના અનુભવ અંગે વધુ જણાવે છે કે તેઓ અને તેમનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ બંને ડ્રગનું સેવન કરીને સેક્સ કરતાં હતાં.
પોતાની ઓળખને સુરક્ષિત રાખવાની તેમની વિનંતીના લીધે બીબીસીએ આ લેખમાં અનુભવો શેર કરનારા લોકોનો ઉલ્લેખ કાલ્પનિક નામોથી કર્યો છે.

કેમસેક્સ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સેવા સાથે વાત કરતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોના નિષ્ણાત ડૉ. વિનો ધર્મકુલાસિંઘેએ જણાવ્યું હતું કે, "વધુ જાતીય આનંદ મેળવવા માટે સંભોગ પહેલાં લેવામાં આવતા ડ્રગ અથવા દવાઓના ઉપયોગને 'કેમસેક્સ' કહેવામાં આવે છે."
"જો તમે સેક્સ કરતાં પહેલાં કોઈ રાસાયણિક પદાર્થ ( ડ્રગ અને દવા ) લો છો તો અમે તેને કેમસેક્સ કહીએ છીએ. ઘણા લોકો તેનો ઉપયોગ જાતીય આનંદ વધારવા માટે કરે છે."
"આવા કિસ્સાઓમાં તે તબીબી મંજૂરી સાથેની દવાઓ અથવા મંજૂરી વિનાનાં રસોયણો અથવા અન્ય ડ્રગ હોઈ શકે છે. ઘણા લોકો પાર્ટીઓમાં આનો ઉપયોગ કરે છે. કારણ કે આવાં સ્થળોએ જ લોકો અસુરક્ષિત સેક્સ તરફ જતા હોય છે. આવા કિસ્સાઓમાં જાતીય રોગો થવાની શક્યતા વધારે હોય છે."
"આવા જૂથોને આ અંગે જાગૃતિ પૂરી પાડવામાં આવી રહી છે. શ્રીલંકામાં આ અંગે ડેટા સંગ્રહ કાર્યક્રમ આ વર્ષે જ શરૂ કરવામાં આવી રહ્યો છે," નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
25 જૂન 2024 ના રોજ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુરોપિયન દેશોમાં લોકો જાતીય સંભોગને લંબાવવા અને પ્રક્રિયાને સરળ બનાવવા માટે 'કેમસેક્સ' અથવા જાતીય સંભોગ માટે ડ્રગ (દવાઓનો) ઉપયોગ કરવા માટે લલચાય છે.
સંશોધન દર્શાવે છે કે વિવિધ સમુદાયોમાં ખાસ કરીને સમલૈંગિક સમુદાય કેમસેક્સ માટે ડ્રગનો ઉપયોગ કરવાની વૃત્તિ વધુ છે.
13 નવેમ્બર 2024 ના રોજ એચઆઈવી/ઓઇડ્સ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ UNAIDS દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, એવું બહાર આવ્યું છે કે 2023 સુધીમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં એચઆઈવી ના નવા કેસમાંથી લગભગ 43 ટકા પુરુષો એવા હતા જેઓ પુરુષો સાથે જ સેક્સ કરે છે.
તે જ સમયે અહેવાલમાં જણાવાયું છે કે એવા પુરાવા છે કે આ સમુદાયમાં દેશ પ્રમાણે કેમેક્સેક્સનો ઉપયોગ બદલાતો રહે છે. તે 3 ટકા થી 31 ટકા સુધીનો છે, પરંતુ સમલૈંગિક સમુદાયમાં કેમેક્સેક્સનો ઉપયોગ વધુ માનવામાં આવે છે. જો કે તેનો ઉપયોગ અન્ય લોકો દ્વારા પણ થાય છે.
'હું તેને બચાવવા આવી હતી અને હું પણ તેનો ભોગ બની'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સિંહલાને તેમણે કહ્યું કે, "આ દેશના યુવાનો અને પુખ્ત વયના લોકો જાતીય સંભોગ દરમિયાન લાંબા સમય સુધી આ પ્રક્રિયામાં ટકી રહેવા માટે આઇસ સહિત વિવિધ દવાઓનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે."
નાઓમીએ બીબીસીને કહ્યું કે તેમના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડને કારણે તેમણે આનો અનુભવ કરવો પડ્યો હતો. તેઓ આખી વાત સમજાવે છે.
"મારો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ વિદેશી હતો. તે જ્યારે વિદેશમાં હતો ત્યારે તેણે આઇસ લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે તે બીજી છોકરી સાથે સંબંધમાં હતો. બાદમાં તે શ્રીલંકા આવ્યો અને આઇસ લેવાનું બંધ કરી દીધું. તે સમયે અમે મિત્રો હતા."
"આ દરમિયાન મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડની ગર્લફ્રેન્ડ જે તેની સાથે મિત્ર હતી તેના અચાનક લગ્ન થઈ ગયાં. આ ઘટનાનાં તણાવને કારણે તેણે ફરીથી આઇસનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું."
"મેં તેને આઇસથી બચાવવાનો પ્રયાસ કર્યો કારણ કે તે મારો સૌથી સારો મિત્ર હતો. હું તેનાં વિચારો બદલી રહી હતી અને મેં તેને કહ્યું આને બંધ કરી દે. થોડા સમય પછી જ અમારી વચ્ચે અફેર શરૂ થઈ ગયું."
તેમણે કહ્યું કે, "હું સામાન્ય રીતે દારૂ અને સિગારેટ જેવી વસ્તુઓનું સેવન કરું છું પરંતુ મને આઇસ જેવા ડ્રગ્સનો ઉપયોગ કરવાની આદત નહોતી. થોડા સમય પછી તેણે મને આઇસને અજમાવવા કહ્યું. મેં જિજ્ઞાસાથી તે અજમાવ્યું".
'ન અનુભવાયેલી લાગણીનો અનુભવ'

ઇમેજ સ્રોત, Getty Images
નાઓમીએ કહ્યું કે, "આઇસ લીધા પછી તેમને જાતીય સંભોગ દરમિયાન પહેલાં ક્યારેય ન અનુભવાયેલી લાગણીનો અનુભવ થયો. મને કોઈ થાક લાગ્યો નહીં." અને ત્યારબાદ તેમણે આનો ઉપયોગ ચાલુ રાખ્યો.
"જ્યારે હું અને મારો બૉયફ્રેન્ડ મળ્યા ત્યારે અમે આનો ઉપયોગ કરવા ટેવાયેલા હતા. શરૂઆતમાં તે ડ્રગ શોધવા ઘરે આવતો. જ્યારે અમે બંને આઇસનો ઉપયોગ કરતા અને સેક્સ કરતા ત્યારે અમારી લાગણી સાવ જુદી હતી."
"હું લાંબા સમય સુધી અને વધુ વખત સેક્સ કરી શકતી હતી. જ્યારે મેં તેની સાથે સેક્સ કર્યું ત્યારે મને ખૂબ ઉત્તેજનાનો અનુભવ થતો હતો."
"અમે લગભગ એક વર્ષથી આઇસ લેતા અને સેક્સ કરતા હતા. આ ડ્રગ હવે અમારા માટે અનિવાર્ય બની ગયું હતું."
"થોડા સમય પછી જ્યારે મારા બૉયફ્રેન્ડને આ ડ્રગ મળતું ન હતું ત્યારે હું તેને મારા સંપર્કોથી શોધી આપતી. હું તેના બચાવવા આવી હતી અને આખરે હું જ આનો ભોગ બની."
તેણે કહ્યું કે, "થોડા સમય પછી મને સમજાયું કે તે આ ડ્રગનો ઉપયોગ કરવા જ મારી પાસે આવી રહ્યો હતો. કારણ કે એને આ ડ્રગ મળતું જ નહતું."
'મને ગંભીરતા સમજાઈ'

ઇમેજ સ્રોત, Getty Images
નાઓમીએ ખુલાસો કર્યો કે સમય જતાં તેમના બૉયફ્રેન્ડનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અને બંને માનસિક અને શારીરિક રીતે નબળા પડી ગયાં હતાં.
"થોડા સમય પછી મને સમજાયું કે હું અને મારો બૉયફ્રેન્ડ ડ્રગ્સ લેવાને કારણે નબળા પડી રહ્યાં હતાં. કારણ કે તેનો ઉપયોગ કર્યા પછી અમે એક દિવસ કંઈ ખાઈ શકતાં ન હતાં. અમને ફક્ત પીવાનું મન જ થતું હતું. તે સાથે અમે બંને વધુને વધુ પાતળાં થતાં ગયાં. અમારા મિત્રો પણ અમને પૂછવા લાગ્યા કે શું થયું છે તમને."
"ડ્રગનો ઉપયોગ શરૂ કર્યાના લગભગ એક વર્ષ પછી મારા બૉયફ્રેન્ડને સેક્સ કરવામાં મુશ્કેલી પડવા લાગી. આખરે તેણે કામોત્તેજક દવાઓ લીધી પરંતુ તે એવી સ્થિતિ સુધી પહોંચી ગયો હતો કે તે સેક્સ કરી શકતો ન હતો."
"મને તેની ગંભીરતા ત્યારે સમજાઈ જ્યારે મારા બૉયફ્રેન્ડના મિત્રોએ મને કહ્યું કે જ્યારે તે ઘરે પાછો ફરે છે ત્યારે તે અઠવાડિયા સુધી તેના રૂમમાંથી બહાર પણ આવતો નથી. ત્યારે મેં આ બાબતમાં તપાસ કરવાનું ચાલુ કર્યું. ક્યારેક મને ફક્ત સંગીત અથવા રેડિયો ચાલુ હોય તેવા અવાજો સંભળાતા."
નાઓમીએ તેમના અનુભવ વિશે કહ્યું કે, "તે સમયે મારા બૉયફ્રેન્ડના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં તેને ઘણી વાર ડૉક્ટર પાસે જવાનું કહ્યું પરંતુ તે છેલ્લી ઘડીએ નહતો જતો. તે ખૂબ જ જીદ્દી બની ગયો અને મારા પર શંકા કરવા લાગ્યો. અંતે તેણે મને કહ્યા વિના દેશ છોડી દેવાનું નક્કી કર્યું. હું હાલમાં મનોવૈજ્ઞાનિક સલાહ સેવાઓ લઇ રહી છું અને ધીમે ધીમે સામાન્ય થઈ રહી છું."
'જાતીય રોગો થવાનું જોખમ વધારે'

ઇમેજ સ્રોત, Getty Images
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોના નિષ્ણાત ડૉ. નિમાલી જયસૂર્યાએ બીબીસી સેવાને જણાવ્યું કે, "જે લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે તેઓ પછી અસુરક્ષિત જાતીય પ્રવૃત્તિમાં જોડાય છે. આના લીધે ઘણીવાર HIV અને હેપેટાઇટિસ B જેવા જાતીય રોગો થવાનું જોખમ વધી જાય છે."
"એવી માહિતી છે કે આવું હવે શ્રીલંકામાં પણ થાય છે. પરંતુ અમારી પાસે તેનો ચોક્કસ ડેટા નથી. હેરોઇનના વ્યસની લોકોથી વિપરીત 20 થી 40 વર્ષની વયના સુશિક્ષિત લોકો પણ આઇસ જેવા ડ્રગ્સ લે તેની શક્યતાઓ વધારે રહેલી છે."
'મને આની આદત પડી ગઈ છે'

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સિંહાલી સેવા સાથે વાત કરતા 26 વર્ષીય યુવક યોમાલે કહ્યું કે ચોક્કસ પ્રસંગોએ સંગીત કૉન્સર્ટમાં હાજરી આપતી વખતે તેઓ ચોક્કસ પ્રકારના ડ્રગ્સનો ઉપયોગ કરવાની લાલચ રોકી નહોતા શક્યા.
"મારું કામ એવું છે કે જેના કારણે હું ઘણીવાર સંગીતના કૉન્સર્ટમાં હાજરી આપું છું. સંગીતનો અનુભવ માટે કૉન્સર્ટમાં કેટલાક પાર્ટી ડ્રગ્સ પણ હોય છે. હું પણ તેનો ઉપયોગ પણ કરું છું."
"જ્યારે હું તે દવાઓનો ઉપયોગ કરું છું ત્યારે મને દવાની અસર અનુભવવામાં સામાન્ય રીતે અડધો કલાક લાગે છે."
" 7-8 કલાક પછી હું નાચવાનું અને ઉપર-નીચે કૂદવાનું બંધ કરી દઉં છું. પછી મેં મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કર્યું. અને બાકીનો આખા સમય દરમિયાન હું મોટાભાગે સેક્સ કરી શકતો."
"પરંતુ આ દવાઓનો ઉપયોગ કર્યા પછી તેની અસરો થોડા દિવસો સુધી અનુભવું છું. ક્યારેક મારું જડબું પણ ધ્રુજે છે. દવાની અસરોને કારણે હું એક કે બે દિવસ ખાઈ શકતો નથી." તેણે પોતાનો અનુભવ કહ્યો.
'હવે હું આમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યો છું'

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન બીબીસી સેવા દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવેલા 36 વર્ષીય પથુમે કહ્યું કે તેઓ પણ લાંબા સમય સુધી સેક્સ કરવાની ઇચ્છાને કારણે વિવિધ દવાઓનો ઉપયોગ કરતા હતા.
"મારાં લગ્નને આઠ વર્ષ થઈ ગયાં છે. હાલમાં મારાં બે બાળકો છે."
"મારા મિત્રએ મને પહેલાં કહ્યું હતું કે જો તમે આ રીતે સેક્સ કરશો તો તમે લાંબા સમય સુધી સેક્સ કરી શકો છો."
"મેં એક દિવસ તેનો ઉપયોગ કર્યો. પછી હું સ્પામાં ગયો. ત્યારે મને સમજાયું કે તેની વાત સાચી હતી. પછી મેં આઇસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, સામાન્ય રીતે મહિનામાં એક કે બે વાર અને પાર્ટીઓમાં ઉપયોગમાં લેવાતા અન્ય કેટલાક ડ્રગ."
"પરંતુ હવે હું આને બંધ કરવા માંગુ છું. કારણ કે મને ખ્યાલ છે કે હવે મારી બોલવાની રીતમાં ફરક પડ્યો છે. જ્યારે હું આ લઉં છું ત્યારે મને ઊંઘ આવતી નથી. મારી પત્ની પણ મને પૂછે છે કે મારામાં બદલાવ કેમ આવ્યો છે. તે મને ડૉક્ટર પાસે લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. પણ હું જતો નથી."
"જો હું ડૉક્ટર પાસે જઈશ તો તેને ખબર પડી જશે કે હું આવું કંઈક વાપરું છું તેના કારણે મને આમ થાય છે."
પથુમે કહ્યું કે, "હવે હું આમાંથી છટકવા માટે બને એટલું કરી રહ્યો છું."
શું ડ્રગ્સનો ઉપયોગ જાતીય પ્રવૃત્તિને લંબાવી શકે છે?
બીબીસી સિંહાલી સેવા સાથે વાત કરતા રાજારતા યુનિવર્સિટીના સિનિયર લેક્ચરર ડૉ. મનોજ ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે લોકો ફક્ત 'ગેરમાન્યતા અને તેને વધારવા માટે બનાવેલી વાર્તાઓ'ને કારણે જાતીય સંભોગને લંબાવવા માટે લોકો ડ્રગ્સનો ઉપયોગ કરવા માટે લલચાય છે.
ડૉક્ટર આગળ જણાવે છે કે માનસિક રીતે બીમાર લોકો ડ્રગ્સનો ઉપયોગ કરે છે તે સામાન્ય છે.
"ઘણી ગેરમાન્યતાઓ અને વહેમો છે જે લોકોને આ પ્રકારના ડ્રગ્સ લેવા તરફ દોરી જાય છે. આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કે તે જાતીય શક્તિ વધારે છે. પરંતુ બધી દવાઓમાં આવી વાર્તાઓ હોય છે."
"હેરોઇનથી લઈને આઇસ સુધી ઉપયોગમાં લેવાતી ઘણી દવાઓ સાથે કેટલીક સામાન્ય ગેરમાન્યતા જોડાયેલી છે. કેટલીક વાર્તાઓ પણ તેની સાથે જોડાયેલી છે જેમ કે જાતીય શક્તિ વધે અને આનંદ આપે."
"કેટલાક લોકો માનસિક તણાવને કારણે ડ્રગ્સ લેવા માટે લલચાય છે. બીજુ કારણ એ છે કે ડ્રગ્સનું આકર્ષક રીતે કરાયેલું ચિત્રણ છે. જેમ તમે ફિલ્મોમાં જુઓ છો તેમ જ ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો બીજાને પણ તેની તરફ આકર્ષવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. ઉપરાંત વા કિસ્સાઓ પણ છે કે જ્યાં ઘણા લોકો મિત્રોની લાલચને કારણે ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે."
"દવાઓમાં જાતીય સંભોગને લંબાવવાની ક્ષમતા હોતી નથી. જે લોકો આ દવાઓનો ઉપયોગ કરે છે તેઓ વિચારે છે કે તેઓ લાંબા સમય સુધી સેક્સ કરી રહ્યા છે. જ્યારે આવું થાય છે ત્યારે તેઓ માનસિક રીતે માને છે કે તેઓ લાંબા સમય સુધી સેક્સ કરી રહ્યા હતા."
ડૉ. મનોજ ફર્નાન્ડોએ જણાવ્યું, "કેટલાક લોકો ડ્રગ લેતી વખતે ઊંઘ અને નિર્જીવતા અનુભવે છે. જે લોકો આવા ડ્રગ લે છે તેમને જાતીય સંભોગ દરમિયાન ઉત્તેજિત થવામાં ઘણો સમય લાગે છે. તેથી તેઓ વિચારે છે કે ઉત્તેજિત થવામાં જેટલો સમય લાગે છે તેટલા સમય સાથે તેઓ જાતીય સંભોગમાં જોડાયાલે છે. પરંતુ સત્ય એ છે કે આઇસ કે હેરોઈન કે અન્ય દવાઓમાં જાતીય સંભોગને લાંબા સમય સુધી ટકી રાખવાની ક્ષમતા હોતી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















