મહાકુંભ: નાગા સાધ્વીનું જીવન કેવું હોય છે, દીક્ષા લીધા પછી કેવા કઠોર નિયમો પાળવા પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી સંવાદદાતા
કુંભ મેળાની વાત આવે ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર નાગા સાધુઓનો આવે છે. શાહી સ્નાન કરતા હજારો સાધુઓ. જેઓ મોટા ભાગે પુરુષ સાધુ હોય છે.
જોકે, કુંભ મેળામાં નાગા સાધ્વીઓ પણ હોય છે. પરંતુ તેમની સંખ્યા કેટલી છે અને કુંભ મેળાના સમગ્ર આયોજનમાં તેમનું સ્થાન શું હોય છે તેના વિશે અમારા મનમાં સવાલો હતા.
અમારે જાણવું હતું કે નાગા સાધુઓ કુંભ મેળા માટે કેવી તૈયારીઓ કરે છે. સાથે સાથે મારા મનમાં મહિલા નાગા સાધુઓનો સવાલ પણ ઘૂમરાતો હતો.
કુંભ મેળામાં તમને બધે જ પુરુષ સાધુઓ જોવા મળે છે, તેઓ પોતાની ઝૂંપડીમાં બેઠા છે, અખાડામાં ઘૂમે છે અથવા બહાર આંટા મારે છે.
જોકે, તાજેતરમાં નાગા સાધ્વીનો એક વીડિયો પણ વાઇરલ થયો ત્યારે મારા મનમાં તેમના વિશે જાણવાની જિજ્ઞાસા જાગી.
શું નાગા સાધ્વીઓ પણ હોય છે?

પ્રયાગરાજમાં મહિલા સાધુઓ વિશે જવાબોની શોધમાં અમે સંન્યાસિની અખાડે જઈને ઊભા રહ્યા. આ સાધ્વીઓ માટે બનાવેલો એક અખાડો છે જેને 'માઇવાડા' પણ કહેવામાં આવે છે.
અહીં અમારી મુલાકાત સાધ્વી રાધેનંદ ભારતી સાથે થઈ. તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે સન્યાસ લીધો હતો પરંતુ તેમણે પોતાનું શિક્ષણ બંધ ન કર્યું. હાલમાં તેઓ પીએચડી કરે છે.
તેઓ વાત કરે છે ત્યારે તેમાં ઘણા અંગ્રેજી શબ્દો હોય છે. તેમનું કહેવું છે કે મહિલા સાધ્વીઓ માટે શિક્ષણ મેળવવાની મનાઈ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ તેમને નાગા સાધ્વી કોણ છે તેમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "અમે નાગા સાધ્વી બનવા દીક્ષા લીધી છે. હવે બધા લોકો અમને મળવા આવે છે, તેથી અમે ભગવા વસ્ત્ર પહેરીએ છીએ. પરંતુ અમે ધૂણી ધખાવીએ ત્યારે પુરુષો જે રીતે શરીર પર ભસ્મ લગાવે છે તે રીતે અમારે પણ રાખથી સ્નાન કરવું પડે છે. પુરુષોને જે રીતે સંસારિક વસ્ત્ર છોડ્યા પછી લંગોટ આપવામાં આવે છે તે રીતે અમે સ્ત્રીઓ અલગ વસ્ત્ર પહેરીએ છીએ જે સમગ્ર શરીરને ઢાંકે છે, જેથી મન અને ઇન્દ્રિયો પર સંયમ રહે."
માઇવાડાનાં સાધ્વીઓએ કહ્યું કે તેઓ નાગા હોવા છતાં સાધ્વીઓને નગ્ન થઈને ફરવાની છૂટ નથી. દશનામી સંન્યાસિની જૂના અખાડાનાં વડાં મહંત આરાધના ગિરીએ જણાવ્યું કે "મહિલાઓને દિગંબર (નગ્ન) સ્થિતિમાં રહેવાની છૂટ નથી. અમારા કોઈ સાધ્વી નગ્ન રહી શકતાં નથી. તેમણે કપડાં પહેરવાં પડે છે."
અમે નાગા સાધ્વીઓ વિશે 'ભારતમાં કુંભ' પુસ્તકના લેખક ધનંજય ચોપડા સાથે વાત કરી. તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં મીડિયા સ્ટડી સેન્ટરમાં કોર્સ કૉ-ઑર્ડિનેટર છે.
તેઓ ઘણાં વર્ષોથી કુંભ મેળાનો અભ્યાસ કરે છે. તેઓ કહે છે, "માઇવાડાની સાધ્વીઓ શૈવ સંન્યાસિની, અવધૂતિની, નાગા સાધુ અથવા સાધ્વી તરીકે ઓળખાય છે. તેઓ પુરુષ સાધુની જેમ નગ્ન નથી હોતાં. બધા નાગા સાધુ નગ્ન હોય છે એવું પણ નથી. મહિલાઓ પણ 'અવધૂતિની' હોઈ શકે છે, પરંતુ તેઓ દિગમ્બર(નગ્ન) નથી હોતાં."
શું સાધ્વીઓ માટે કોઈ અલગ જગ્યા હોય છે?

કુંભ મેળામાં જોવા મળતા સાધુ કોઈને કોઈ અખાડા સાથે સંકળાયેલા હોય છે. સત્તાવાર રીતે હાલમાં 13 અખાડા છે.
સંપૂર્ણ આધ્યાત્મિક જગત હિંદુ ધર્મના બે સંપ્રદાયો- વૈષ્ણવવાદ અને શૈવવાદની વચ્ચે વિભાજિત છે. ભગવાન વિષ્ણુમાં માનતા લોકો વૈષ્ણવ છે જ્યારે શંકર ભગવાનમાં માનતા લોકો શૈવ કહેવાય છે.
13 અખાડાને પણ આ રીતે વિભાજિત કરવામાં આવ્યા છે. તેમાં શૈવ અખાડા, વૈષ્ણવ અખાડા, તથા શીખ ધર્મથી પ્રભાવિત તટસ્થ અખાડા સામેલ છે.
કુંભ મેળામાં સૌથી પહેલાં કોણ શાહી સ્નાન કરે તેવા મુદ્દે પણ અખાડા વચ્ચે સંઘર્ષ થતો હોય છે.
હાલમાં આ 13 અખાડાને અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સંચાલિત કરવામાં આવે છે જેથી સંઘર્ષ ન થાય. આના વિશે માહિતી આપતા પ્રોફેસર ધનંજય ચોપડાએ જણાવ્યું કે "અખિલ ભારતીય અખાડા પરિષદની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. અખાડા વચ્ચે ટક્કર રોકવા અખાડા પરિષદ નામે એક સંકલન મંચ બનાવવામાં આવ્યું હતું."
જોકે, આ અખાડાઓમાં મહિલાઓ માટે કોઈ અલગ અખાડો નથી. હાલમાં કુંભ મેળામાં ટ્રાન્સજેન્ડર લોકો માટે એક અખાડો છે, પરંતુ તેને સત્તાવાર માન્યતા નથી મળી.
જોકે, હાલમાં આ અખાડો મીડિયામાં ચર્ચાસ્પદ છે. તાજેતરમાં અભિનેત્રી મમતા કુલકર્ણીએ આ અખાડામાં મહામંડલેશ્વરનું પદ સ્વીકારતા ચર્ચા શરૂ થઈ હતી.
મહિલાઓ માટેનો આ સંન્યાસિની અખાડો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તેના વિશે કોઈ પણ સાધ્વી સચોટ માહિતી નથી આપી શક્યાં. હાલનાં અધ્યક્ષ શ્રી મહંત આરાધના ગિરી પણ આ જણાવી શક્યા નથી. બહાર લગાવેલા એક બેનર તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે "આ વૃદ્ધ માઈ (સાધ્વી) છે. તેમનાથી જ માઇવાડાની શરૂઆત થઈ હતી."
તેમાં ઘણાં સાધુઓનાં નામ અને ફોટા હતાં. તેમણે કહ્યું કે બ્રહ્મલીન શ્રી 1008 મહંત બ્રહ્માગિરી જી, બ્રહ્મલીન શ્રી મહંત બુધગિરી જી, બ્રહ્મલીન શ્રી મહંત પ્રયાગ ગિરી, બ્રહ્મલીન શ્રી મહંત ભરત ગિરી, શ્રી મહંત વિજય ગિરી વગેરે જૂના અને મહત્ત્વના સાધુઓ હતા.
સ્વતંત્ર છતાં સ્વાયત્તતા વગરનું ક્ષેત્ર

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર દીપ્તિ રાઉતે પોતાના પુસ્તક 'કુભ મેળોઃ એક પરિપ્રેક્ષ્ય'માં માઇવાડાના ચોક્કસ ઇતિહાસ વિશે માહિતી આપી છે.
તેઓ પોતાના પુસ્તકમાં લખે છે કે, "ત્રિકાળ ભવંતાએ મહિલાઓના અખાડા માટે માંગણી કરીને આંદોલન શરૂ કર્યું. તેમણે દાવો કર્યો કે તેમને હજારો સાધુઓનો ટેકો છે. તેમણે પોતાને 'પરી અખાડા'ના વિશ્વગુરુ ઘોષિત કરી દીધા. અખાડા પરિષદ અને સાધુઓનું કહેવું છે કે અખાડાની કોઈ પરંપરા નથી. તમામ શંકરાચાર્યોએ પણ મહિલાઓની વિરુદ્ધ વલણ અપનાવ્યું. ત્રિકાળ ભવંતાની આ માંગણી ઉદ્ભવ્યા પછી શૈવ શ્રી પંચદશનામ જૂના અખાડાએ એક આંતરિક વ્યવસ્થા કરી. પ્રયાગમાં 2013ના કુંભ મેળા દરમિયાન સાધ્વીઓ માટે 'માઇવાડા' નામે એક સંરચના ઘડવામાં આવી."
આ વિશે માહિતી આપતા પ્રોફેસર ધનંજય ચોપડાએ કહ્યું કે, "નવા અખાડાને મંજૂરી આપવાનો અધિકાર માત્ર અખાડા પરિષદને છે. ત્રિકાળ ભવંતાએ મહિલાઓ માટે 'પરી અખાડા' નામે એક નવો અખાડો સ્થાપિત કર્યો. તેમણે તેને અલગથી માન્યતા આપવામાં આવે તેવી માંગણી કરી. જોકે, અખિલ ભારતીય અખાડા પરિષદે આ માંગણી ફગાવી દેતા કહ્યું કે મહિલાઓને ધીમે ધીમે દરેક અખાડામાં સ્થાન મળી રહ્યું છે, તેથી મહિલાઓ માટે અલગ અખાડાની જરૂર નથી."
તેઓ કહે છે, "કુલ 13 અખાડામાંથી કેટલાંકમાં કોઈ મહિલા નથી જ્યારે અમુક અખાડામાં થોડી મહિલાઓ છે. જોકે, માત્ર મહિલાઓ માટે હોય એવા કોઈ અખાડાને મંજૂરી નથી અપાઈ."
દીપ્તિ રાઉત કહે છે કે, "ત્રિકાળ ભવંતાએ અલગ મહિલા અકાદમી માટે માંગણીને વેગ આપ્યો. તેથી 2013માં માઇવાડાને 'દશનામ સંન્યાસિની અખાડા' નામ આપવામાં આવ્યું અને તેને અલગ ઝંડો પણ અપાયો. તેનું લક્ષ્ય એક જ હતું કે મહિલાઓની શક્તિ જળવાયેલી રહેવી જોઈએ. અકાદમીને અલગ મુદ્દો બનાવવો ન જોઈએ."
પ્રોફેસર ધનંજય ચોપરા થોડો અલગ મત ધરાવે છે. તેઓ કહે છે કે "જૂના અખાડા પહેલેથી જ સર્વવ્યાપક ભૂમિકા ધરાવતા હતા. તેમણે માઇવાડા બનાવ્યું. તેઓ પોતાની સાથે કિન્નર અખાડો લઈ ગયા. તેમની પાસે નાગા સાધુઓની પણ મોટી સંખ્યા છે. તેથી મને નથી લાગતું કે ત્રિકાળ ભવંતાની માંગને રોકવા માટે માઇવાડા અખાડો બનાવવામાં આવ્યો હોય. જોકે, એ વાત ખરી કે અખાડા પરિષદે મહિલાઓ માટે અલગ અખાડાની માંગણી ફગાવી હતી."
સાધ્વીઓને કેવી રીતે દીક્ષા અપાય છે?

ઇમેજ સ્રોત, Facebook/Shankaracharya Trikal Bhawanta
મહિલા અને પુરુષ સાધુઓ માટે દીક્ષાની વિધિ એક સરખી જ છે. પરંતુ જે પુરુષ નાગા સાધુ બનવાના હોય તેમના લિંગને 'ટાંગતોડ વિધિ' મુજબ તોડી નાખવામાં આવે છે. જેથી તેમનામાં જાતિય ઇચ્છા જાગી ન શકે.
અમે સંન્યાસિની અખાડાનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહંત 1008 ઉમા ભારતી મહારાજ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, તેમણે કહ્યું કે હું આ રીતે ઇન્ટરવ્યૂ આપી શકતી નથી. તેમણે એમ પણ કહ્યું કે તાજેતરમાં સંન્યાસની દીક્ષા લેનારા રાધેનંદ ભારતી આ વિશે માહિતી આપી શકશે.
સાધ્વીઓને કેવી રીતે દીક્ષા અપાય છે તેની વાત કરતાં રાધેનંદ ભારતીએ કહ્યું કે મહિલા અને પુરુષ માટે દીક્ષા વિધી સરખી જ છે.
તેમણે જણાવ્યું, "જે વ્યક્તિ સંસારથી અલગ થઈને ઈશ્વરને પ્રાપ્ત કરવા માગતી હોય, તેમણે ગુરુ મહારાજ પાસે જવું પડે છે. ત્યાર પછી તેઓ શિષ્યને દીક્ષા આપે છે, તેમને અખાડામાં પ્રવેશ મળે છે. તેમને ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને બીજી બધી વાતો શીખવવામાં આવે છે."
"ત્યાર બાદ શિષ્યની યોગ્યતા ચકાસીને આગામી કુંભ મેળામાં તેમને દીક્ષા આપવાનો નિર્ણય લેવાય છે. તેમાં સૌથી પહેલાં પાંચ સંસ્કાર અપાય છે. તેમાં પાંચ ગુરુ - મંત્ર ગુરુ, વિભૂતિ ગુરુ, લંગોટી ગુરુ, રુદ્રાક્ષ ગુરુ અને જનોઈ ગુરુ, દરેક પ્રક્રિયા પૂરી કરે છે. તેમાં મુંડન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન મહિલા સાધ્વીઓને લંગોટની જગ્યાએ બાઘંબરી પહેરાવવામાં આવે છે. દીક્ષાના દિવસો દરમિયાન કઠોર વ્રત રાખવામાં આવે છે. છેલ્લે વ્યક્તિએ પોતાની સાથે સાથે માતાપિતાનું પણ પિંડદાન કરવાનું હોય છે."
માસિક દરમિયાન સાધ્વીઓ સાથે કેવો વ્યવહાર કરાય છે?

જે પુરુષ સાધુઓએ નાગા સાધુ બનવાની દીક્ષા લીધી હોય તેમણે ટાંગતોડ સંસ્કારની વિધિમાંથી પસાર થવું પડે છે. તે મુજબ દિગંબર ગુરુ નાગા સાધુના લિંગને એક વિશેષ રીતે પકડે છે, એક ખાસ મંત્રનો જાપ કરે છે, ત્યાર પછી ત્રણ વખત પ્રહાર કરીને લિંગને નિષ્ક્રિય કરી દે છે.
તેની પાછળનો હેતુ નાગા સાધુઓમાં કામેચ્છા જાગૃત ન થાય તેવો છે. જોકે, અમને સ્વભાવિક રીતે પ્રશ્ન થયો કે મહિલાઓમાં કામેચ્છા ન જાગે તે માટે કેવી પ્રક્રિયા કરવામાં આવતી હશે.
મેં ઘણાં સાધ્વીઓને આ વિશે પૂછ્યું. આંતરરાષ્ટ્રીય શ્રી મહંત માતા પ્રેમગીરીએ જણાવ્યું, "સાધ્વીઓમાં કામવાસના પર નિયંત્રણ માટે આવી કોઈ પ્રક્રિયા થતી નથી. આવું નિયંત્રણ મેળવવા માટે સાધ્વીઓએ ધ્યાનના માધ્યમથી પોતાની કામેચ્છા અને તૃષ્ણાને ખતમ કરવી પડે છે. તેઓ જેમ વધારે તપ કરશે, તેમ વધુ ફાયદો થશે. તેઓ જેટલી વધારે સાધના કરશે, તેટલા જ પ્રમાણમાં તેઓ સંસારિક જીવનમાંથી મુક્ત થઈ શકશે."
રાધેનંદ ભારતીએ કહ્યું કે, "ઘણી સ્વર્ગીય વૃદ્ધ માતા સાધ્વીઓએ અમને જણાવ્યું કે તેમના ગર્ભાશય કાઢી નાખવામાં આવે છે. જ્યારે પુરુષ સાધુઓના લિંગને નુકસાન કરાય છે જેથી તેમનામાં વાસના પેદા ન થાય."

ઇમેજ સ્રોત, Facebook/Swami Avdheshanand Giri
નવી નવી દીક્ષા લેનારાં રાધેનંદ ભારતીએ ગર્ભાશય કાઢી નાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પંરતુ અન્ય સાધુઓએ આ વિશે વાત કરવાનું ટાળ્યું હતું.
રાધેનંદ ભારતી જેવા ઘણાં સાધ્વીઓએ બહુ નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી.
તેમાંથી કેટલાંક સાધ્વીઓ તો બાળવયમાં જ સાધ્વી બની ગયાં હતાં. એક પ્રશ્ન એવો પણ છે કે માસિકચક્ર દરમિયાન આ સાધ્વીઓ સાથે કેવો વ્યવહાર થાય છે?
માઇવાડાના એક વરિષ્ઠ સાધ્વી શ્રી મહંત માઈ ઉમા ગિરી આ પ્રશ્નથી ગુસ્સે થઈ ગયાં હતાં.
જોકે, રાધેનંદ ભારતીએ તેનો ખુલીને જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, "અત્યારે 2025નું વર્ષ ચાલે છે. સ્વતંત્રતા પણ એક મુદ્દો છે. છતાં કેટલાક નિયમો પાળવાના હોય છે. ઉદાહરણ તરીકે તમે ભંડારામાં ન જઈ શકો, દેવી-દેવતા પાસે જવાની કે ગુરુ મહારાજ પાસે પણ જવાની છૂટ નથી હોતી."
કોઈ સાધ્વી જાણતાં કે અજાણતાં પોતાનું સંન્યાસત્વ અથવા બ્રહ્મચર્યની દીક્ષા તોડે તો શું કરવામાં આવે છે? આ વિશે શ્રી મહંત આરાધના ગિરીએ કહ્યું, "તેમની સામે અખાડા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને તેમને અખાડામાંથી બરતરફ પણ કરી શકાય છે. કેટલાંક સાધ્વીઓ સંન્યાસ જીવન છોડીને તેમનાં સામાન્ય જીવનમાં પાછા ફરે છે. આવા લોકોને ફરીથી સંન્યાસ આપવામાં આવતો નથી."
મૈવાડાની સાધ્વીઓએ મહિલાઓના ગૌણ સ્થાન વિશે શું કહ્યું?

માઇવાડાના વરિષ્ઠ સાધ્વી શ્રીમહંત માઇ ઓમા ગિરીએ કૅમેરા સામે બોલતાં પહેલાં માથા પર પાઘડી બાંધી હતી.
શું તેઓ માને છે કે તેમનાં માથા પર પાઘડી બાંધવી એ પુરુષવાદી વર્ચસ્વનું પ્રતીક છે, એવા સવાલનો તેમણે જવાબ આપ્યો ન હતો. થોડીવાર પછી પાઘડી બાંધીને તેઓ બોલ્યાં, "આ મહંત પદનો મહિમા છે."
મહિલાઓનાં ગૌણ સ્થાન વિશે પૂછવામાં આવતા તેણે મજાકમાં જવાબ આપ્યો હતો.
"શું તમને લાગે છે કે અન્ય ક્ષેત્રોની જેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ મહિલાઓનું સ્થાન ગૌણ છે?" સંન્યાસિની અખાડામાં કોઈ પણ સાધ્વીએ આ પ્રશ્ન પર સ્પષ્ટ ટિપ્પણી ન કરી.
શ્રી મહંત આરાધના ગિરી હાલમાં દશનામી સન્યાસિની જુના અખાડાનાં પ્રમુખ છે. તેમણે કહ્યું કે સાધ્વીનો કાર્યકાળ કુંભ મેળાથી કુંભ મેળા સુધી ત્રણ વર્ષનો હોય છે.
તેમણે કહ્યું, "ગુરુ મહારાજનું જૂથ અમને તેમના સમાન માને છે, તેથી તેઓ અમને ઘણાં બધાં પદ આપે છે. જો તેઓ અમને સમાન ગણતા ન હોત તો કદાચ માઈને હોદ્દા આપ્યા ન હોત."
અખાડામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં તમારો કેટલો પ્રભાવ છે, આવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "અમારા વરિષ્ઠ પદાધિકારીઓ આ સંબંધમાં નિર્ણયો લે છે. તેઓ જે આદેશ આપે છે તેનું અમે પાલન કરીએ છીએ."
બીબીસી સાથે વાત કરતા પ્રોફેસર ધનંજય ચોપરાએ કહ્યું કે, "વૈષ્ણવ અને ઉદાર અખાડાઓમાં માઇવાડા જેવી શાખા હોવાના કોઈ પુરાવા નથી. જોકે, કેટલાક અખાડાઓમાં ચોક્કસપણે સંન્યાસીઓ હોય છે, અને તાજેતરમાં કેટલાક અખાડાઓએ મહિલાઓને પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે. કેટલાકમાં પહેલેથી જ મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી."

સાધ્વીઓને અપાતા પદ અંગે તેઓ કહે છે, "મહિલાઓને અત્યાર સુધી શ્રીમહંતના પદ સુધી જવાની મંજૂરી આપવામાં આવી છે. તેમને હજુ સુધી મહામંડલેશ્વર, મંડલેશ્વર કે આચાર્યનાં ઉચ્ચ પદો અપાયાં નથી. જૂના અખાડામાં મહિલાઓને 'શ્રીમહંત'ના પદ સુધીનું સ્થાન આપવામાં આવ્યું છે, મેં અન્ય કોઈ અખાડામાં મહિલાઓને આ પદ સુધી જવા મળ્યું હોય એવું સાંભળ્યું નથી."
તેઓ કહે છે, "આંતરરાષ્ટ્રીય પ્રમુખ, અધ્યક્ષ અથવા સચિવ જેવા તમામ પદો વહીવટી પદો છે. મહંત, શ્રી મહંત, અષ્ટકૌશલ મહંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર જેવાં પદો સન્યાસી અથવા આધ્યાત્મિક પદો છે. તેમનું વધારે મહત્ત્વ છે. શ્રી મહંતનાં કેટલાંક પદોમાં સત્તા છે. સત્તાધિકારી માઇવાડાના શ્રી મહંત પણ જૂના અખાડાની મુખ્ય પરિષદમાં હાજર છે. એ વાત સાચી છે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓને એટલું સ્થાન નથી અપાતું. સ્પષ્ટ છે કે 2013માં સ્થપાયેલ આ માઇવાડાને નિર્ણય લેવાની પ્રક્રિયામાં એટલું સ્થાન નહીં અપાય."
કુંભ મેળામાં ભાગ લેનારાં મહિલા ભક્તોની સંખ્યા વધુ છે; જોકે, પુરુષ સાધુઓની સરખામણીમાં સાધ્વીઓની સંખ્યા ઘણી ઓછી છે. માત્ર સાધુઓ જ નહીં પરંતુ મહંતો, મહામંડલેશ્વર અને આચાર્ય જેવાં મહત્ત્વના હોદ્દા પર પહોંચેલી મહિલાઓ પણ બહુ ઓછી જોવા મળે છે.
માઇવાડામાં અમે જે સાધ્વીઓને મળ્યા તેમણે સનાતન પરંપરામાં લગ્ન અને કુટુંબની સંસ્થાઓનો ત્યાગ કર્યો હતો. તેમાંથી કેટલાંક બાળ સાધ્વી હતાં, કેટલાંક અપરિણીત હતાં, કેટલાંક વિધવા હતાં, અને કેટલાંકને ત્યજી દેવાયા હતાં. તેમાંથી મોટાભાગની સિંગલ મહિલાઓ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















