ગ્રાઉન્ડ રિપોર્ટ : અલાહાબાદ શહેરનું પ્રાચીન નામ ખરેખર પ્રયાગરાજ હતું?

ઇમેજ સ્રોત, Sameeratmaj Mishra
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
"એક સમયે અલાહાબાદ ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સાહિત્યકારો, સંસ્કૃતિકર્મીઓ માટેનું ગઢ હતું. ફેક્ટરીઓ હતી અને લોકોનો રોજગાર મળતો હતો. આજે ચમક ઉડી ગઈ છે અને લાખોની સંખ્યામાં લોકો બેકાર છે."
"શિક્ષણનું સ્તર નીચું જતું રહ્યું છે. ત્યારે માત્ર હવન કરવા હોય અને મંદિરનો ઘંટ જ વગાડવો હોય તો પછી તેનું નામ પ્રયાગરાજ ઠીક છે."
અલાહાબાદ યુનિવર્સિટીના રિસર્ચ સ્ટુડન્ટ રાહુલ દ્વિવેદી ઘણા રોષ અને નિરાશા સાથે આ વાત કરે છે, ત્યારે તેમના સમર્થનમાં ઘણા યુવાનો સૂર પૂરાવે છે.
અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાથી આ યુવાઓ ખુશ નથી અને તેમને કોઈ વાંધો પણ નથી.
પરંતુ તેમની ફરિયાદ છે કે તમામ મહત્ત્વપૂર્ણ અને જરૂરી કાર્યોના બદલે શહેરનું નામ બદલવાનું બિનજરૂરી કામ થઈ રહ્યું છે અને તેનો ઢંઢેરો પણ પીટવામાં આવી રહ્યો છે.

રાજકીય પક્ષો દ્વારા નિર્ણયની ટીકા

ઇમેજ સ્રોત, Sameeratmaj Mishra
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી ગત રવિવારે અલાહાબાદમાં શહેરનું નામ બદલવાની માંગણીના મામલે તેને પૂરી કરવાનું આશ્વાસન આપીને ગયા હતા અને બે દિવસ બાદ રાજ્યની કૅબિનેટમાં તેનો સ્વીકાર કરીને તેનો અમલ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી.
જોકે રાજકીય પક્ષો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર કામકાજથી લોકોનું ધ્યાન દૂર કરવા માટે આવું કરી રહી છે.
જ્યારે વિશ્લેષકો તેને એક બિનજરૂરી નિર્ણય ગણાવી રહ્યા છે, પરંતુ અખાડા પરિષદ સહિતના તમામ હિંદુ સંગઠન સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
અલાહાબાદના લોકોનું કહેવું છે કે શહેરનું નામ બદલવું જરૂરી હતું, પરંતુ ધાર્મિક દૃષ્ટિએ તેની ઓળખ પ્રાચીન નામ એટલે કે પ્રયાગરાજથી જ છે અને પ્રયાગ નામનું અહીં એક રેલ્વે સ્ટેશન પણ છે.
સરકારનો તર્ક છે કે પહેલા શહેરનું નામ પ્રયાગરાજ જ હતું અને તેને બાદમાં બદલીને અલાહાબાદ કરી દેવાયું હતું.
પરંતુ ઇતિહાસકારો અનુસાર પ્રયાગરાજ અથવા પ્રયાગ નામ બદલીને અલાહાબાદ નથી કરાયું, પરંતુ અલાહાબાદ એક શહેર તરીકે સ્થાપવામાં આવ્યું અને તેની એક અલગ ઓળખ રહી છે.

અલાહાબાદ યુનિવર્સિટીમાં મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ વિભાગના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે :
"પ્રથમ વાત તો એ છે કે ઇલાવાસથી ક્યારે અલાહાબાદ બની ગયું તેની કોઈ પ્રામાણભૂત જાણકારી નથી. બીજું અકબરે જ્યારે યમુનાના કિનારે કિલ્લો બનાવ્યો અને પછી ગંગા અને યમુનાના કિનારે બંધ બનાવીને વર્ષ 1583માં આ શહેરને વસાવ્યું, એ પૂર્વે અહીં કોઈ શહેરનું અસ્તિત્વ નહોતું."
"પ્રાચીન ગ્રંથોમાં પ્રયાગ વનનો ઉલ્લેખ છે જે અહીંથી છેક અયોધ્યા સુધી ફેલાયેલું હતું."
જાણકારોના કહેવા અનુસાર, પ્રાચીન ગ્રંથોમાં આ શહેરનું નામ પ્રયાગ અથવા પ્રયાગરાજ જ છે. એવું કહેવાય છે કે બ્રહ્માએ સૌ પહેલા અહીં જ યજ્ઞ કર્યો હતો. આથી આ ભૂમિનું નામ પ્રયાગ પડ્યું.
રામચરિત માનસમાં પણ તેને પ્રયાગ જ કહેવાયું છે જોકે આ ગ્રંથ સોળમી સદીનો છે.
અકબરનામા અને તથા મુગલકાલીન ઐતિહાસિક પુસ્તકોથી માલૂમ પડે છે કે અકબરે વર્ષ 1574 આસપાસ પ્રયાગરાજમાં કિલ્લાની આધારશીલા મૂકી હતી અને એક નવું શહેર બનાવ્યું હતું.
તેને અલાહાબાદ નામ આપવામાં આવ્યું હતું.
1583માં આ શહેરનું નામ અકબર દ્વારા ચલાવવામાં આલા સંપ્રદાય દીન-એ-ઇલાહીના નામ પર રાખવામાં આવ્યું હતું.
હેરંબ ચતુર્વેદી કહે છે કે આ દરમિયાન પણ અને આજ સુધી પણ સંગમ તટની આસપાસના વિસ્તારોને પ્રયાગ જ કહેવામાં આવે છે.
દર વર્ષે ભરાતો માઘનો મેળો અથવા છ વર્ષ અને 12 વર્ષના ગાળા બાદ અર્ધ-કુંભ અને કુંભનો મેળા દરમિયાન મૂકવામાં આવતા તંબુઓના શહેરને પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે.
હેરંબ ચતુર્વેદી અનુસાર,"ભૌગોલિક અને પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો પ્રયાગનો વિસ્તાર ઘણો સીમિત છે.
"ગંગાની પેલે પાર ઝૂંસી અને યમુનાની પેલે પાર અરૈલ ક્ષેત્ર જ જૂના પ્રયાગ શહેરમાં ગણવામાં આવે છે. અકબરે આ બન્ને નદીઓના કિનારે બંધ બનાવીને આ શહેરને વસાવ્યું ન હોત તો આજે જે અલાહાબાદ છે તેનું અસ્તિત્વ નહોત."

સ્થાનિકો શું કહે છે?
સ્થાનિક લોકો અનુસાર, "અલ્હાબાદનું જૂનું શહેર જેમાં ચોક, ખુલ્દાબાદ, નખાસકોના, ખુસરો બાગ વગેરે વિસ્તારો ત્યારે જ વિકસી શકે, જયારે બંધ બનાવીને ગંગા અને યમુનાના પાણીને રોકવામાં આવ્યું હોય."
ચોક વિસ્તારના નિવાસી અને અલ્હાબાદ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અભય અવસ્થી કહે છે:
"ધાર્મિક સ્તર પર તો આ શહેરની આંતરરાષ્ટ્રીય ઓળખ પહેલાંથી જ હતી અને સ્થાનિક સ્તરે જે અલાહાબાદીપણું છે તે પોતાનામાં એક અલગ જ છે.
"તકલીફ એ વાતની છે કે સરકાર અમારી સંસ્કૃતિ અટલે કે અલાહાબાદીપણાને અમારાથી છીનવી લેવા માંગે છે, પરંતુ આવું થશે નહીં."

ઇમેજ સ્રોત, Reuters
જોકે, અલાહાબાદ શહેર સાથે જોડાયેલું એક પરિબળ એપણ છે કે દેશ-દુનિયામાં તેની વિશેષ ઓળખ છે તે આ નામથી જ છે.
પ્રયાગ નામ માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવે છે, જે પહેલાં પણ હતું અને આજે પણ છે.
મધ્યકાળમાં મહત્ત્વપૂર્ણ શહેર હોવા ઉપરાંત આધુનિક યુગમાં યુનિવર્સિટી, હાઈકોર્ટ, લોકસેવા આયોગ સહિતના કેન્દ્ર અને રાજ્ય સરકારોની તમામ કચેરીઓ આવેલી હોવાથી આ શહેર સાહિત્ય, કળા અને સંસ્કૃતિનું એક મુખ્ય પ્રમુખ કેન્દ્ર રૂપે સ્થાપિત થયું જેની ઝલક આજે પણ જોવા મળે છે.
આ તમામ ક્ષેત્રો સાથે જોડાયેલા નામચીન લોકોને માત્ર અલાહાબાદ સાથે જ સંબંધ નથી રહ્યો પણ એવી કદાચ જ કોઈ નામચીન વ્યક્તિ હશે જેમણે તેમના સંસ્મરણોમાં આ શહેરની વિશેષ સંસ્કૃતિનો ઉલ્લેખ ન કર્યો હોય.
શહેરથી જોડાયેલી દરેક વ્યક્તિ આજે પણ આ બાબતે ગર્વ અનુભવે છે અને આજ કારણે તેમને પ્રયાગરાજ નામ સાથે કોઈ વાંધો ન હોવા છતાં પણ અલાહાબાદનું નામ સમાપ્ત કરી દેવા મામલેની આવી લાગણી વ્યક્ત કરવી જરૂરી છે.

'અન્ય શહેરોના નામ બદલો'

ઇમેજ સ્રોત, Getty Images
અલાહાબાદના રેહવાસી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અને પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ રહી ચૂકેલા માર્કંડેય કાતજૂએ તેમની ફેસબુક પોસ્ટમાં અલાહાબાદનું નામ બદલવા મામલે એક વ્યંગાત્મક અંદાજમાં આભાર માન્યો.
એટલું જ નહીં તેમણે રાજ્યના 18 અન્ય શહેરોના નામ પણ બદલી નાખવાની સલાહ આપી જેમાં તેમણે ફૈઝાબાદને નરેન્દ્રનગર, ફતેહપુરને અમિત શાહ નગર, ફતેહપુર સિકરીને યોગી આદિત્યનાથ નગર અને ગાઝિયાબાદને ઘટોત્કચનગર કરી દેવાની સલાહ પણ આપી.
વળી શહેરના લોકો આ નિર્ણયના રાજનીતિની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. જ્યારે કેટલાક સરકારના નિર્ણયથી ખુદને ગૌરવાન્વિત અનુભવી રહ્યા છે.
અલાહાબાદમાં એક સાહિત્યિક પત્રિકા ચલાવતા પત્રકાર આલોક ચતુર્વેદી કહે છે,"અમારી ઉપર એક ઘા કરવામાં આવ્યો હતો અને તેને આજે સુધારવામાં આવ્યો છે. મને આશા છે કે આગામી સમયમાં એ સ્થળોના નામ પણ બદલી નાખવામાં આવશે જ્યાં અમને પ્રતાડિત કરવામાં આવ્યા હતા."
જાણકારોનું કહેવું છે કે, નામ બદલી નાખવા બાબતે સરકારની મંશા સ્પષ્ટ છે અને તેઓ એક ખાસ વર્ગને સંદેશ આપવા માંગે છે.
અલાહાબાદના રહેવાસી ફુઝૈલ હાશમીનું કહેવું છે કે આનાથી કંઈ મળશે નહીં, પરંતુ લોકોમાં વર્ગવિગ્રહ ફેલાવવાનો પ્રયાસ છે.
ફુઝૈલ હાશમી સવાલ કરે છે કે જ્યારે દેશ સ્વતંત્રતા માટે લડાઈ લડી રહ્યો હતો ત્યારે આ લોકો ક્યાં હતા જેઓ આજે શહેરોના નામ બદલવામાં વિકાસનો માર્ગ શોધી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરાંત આ મુદ્દે તમામ લોકોને એવી પણ ચિંતા છે કે આ પ્રક્રિયામાં થનારો કરોડો રૂપિયાનો ખર્ચ આખરે કરદાતાઓ પર જ નાખવામાં આવશે.
અલાહાબાદ કટરામાં રહેતા હાઈકોર્ટના વકીલ દિનેશ પટેલ કહે છે કે સરકારને પ્રયાગરાજ નામથી આટલો જ પ્રેમ છે તો તેઓ આ નામથી એક અલગ જિલ્લો પણ બનાવી શકતા હતા. કૌશાંબી તેનું ઉદાહરણ છે.
અલાહાબાદની એક ઓળખ એ પણ રહી છે કે આ શહેરમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો અને તેમનું કર્મસ્થળ પણ આ જ શહેર છે.
અલાહાબાદ જિલ્લામાં આવેલી ફૂલપુર લોકસભા બેઠક પરથી નહેરુ ચૂંટણી લડતા હતા.
આ સિવાય અલાહાબાદ યુનિવર્સિટીમાં ભણેલા કેટલાક લોકો દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યોના મુખ્ય મંત્રી સહિતના ઉચ્ચ રાજકીય પદો સુધી પહોંચ્યા હતા.
દેશના તમામ એટલે કે જાણીતા સાહિત્યકાર, કાનૂનવિદ, વૈજ્ઞાનિક અને કલા-સંસ્કૃતિ સાથે જોડાયેલ અનેક લોકો આ યાદીમાં સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












