ગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખુલ્લેઆમ મળતો દારૂ, પરપ્રાંતીયોની હિજરત વચ્ચેનું સત્ય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ખેતરોની વચ્ચેથી એક સિંગલ લેન રસ્તો છે અને જમણી બાજુ તરફ નજર કરીએ તો માત્ર ફેકટરીઓ જ ફેકટરીઓ નજરે પડે છે.. આ રસ્તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો છે.
હિંમતનગર શહેરથી આગળ જતા રસ્તામાં ઢૂંઢર ગામ આવે છે. ત્યાં એક ઢાબો આવેલો છે, તેની બહાર ગુજરાત પોલીસના જવાનો ખુરશી પર બેઠા છે.
તેની સામે સિરામિકનો પાઉડર બનાવનારી ફેકટરીનો ગેટ છે, જેની ઉપર તાળું મારેલું છે. અંદર સળગી ગયેલી ગાડીઓ પડી છે.
સાઇકલ કે સ્કૂટર પર જતા દરેક શખ્સની નજર ફેકટરી અને તેની સામેના ઢાબા પર પડ્યા વિના રહેતી નથી.
જો કોઈ ઊભું રહે તો પોલીસવાળો બૂમ મારે છે, "આગળ વધો, આગળ વધો. અહીં કાંઈ નાટક નથી ચાલતું."
અહીં 28મી સપ્ટેમ્બરના દિવસે એવી ઘટના ઘટી, જેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું.
ગુજરાતમાં કામ કરવા માટે આવેલા હજારો ઉત્તર ભારતીય શ્રમિકોએ જેમ-તેમ કરીને ઘરે પરત ફરવું પડ્યું.

શરાબ અને કથિત બળાત્કાર

નિયમિત ક્રમ પ્રમાણે, એ દિવસે પણ સિરામિક પાઉડરની ફેકટરીમાં શિફ્ટમાં કામ ચાલી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિફ્ટમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ (યૂપી) અને બિહારના શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ શ્રમિકોને ફેકટરીના પરિસરમાં જ રૂમ આપવામાં આવે છે.
સાંજે છ વાગ્યે શિફ્ટ પૂરી થઈ એટલે બિહારથી આવેલા 19 વર્ષીય શ્રમિકે હંમેશાંની જેમ જ સામે આવેલા ઢાબાની વાટ પકડી.
નિયમિત રીતે ઢાબે બેસનારાઓના કહેવા પ્રમાણે, "શિફ્ટ પતે એટલે શ્રમિકો ફેકટરીમાંથી બહાર નીકળે એટલે પાન-બીડી અને દેશી દારૂ માટે બહાર નીકળે છે."
ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ 'સહેલાઈ મેળ' પડી જાય છે. એ સાંજે પણ કેટલાક શખ્સોએ ઢાબા પાસે દેશી દારૂ પીધો હતો.
અમે સવારે લગભગ સાડા દસ કલાકે ઢૂંઢર ગામ પહોંચ્યા હતા. ત્યારે ચાર-પાંચ શખ્સો સાથે વાત થઈ, તેમના મોંમાંથી દારૂની વાસ આવતી હતી.
ગામના 61 વર્ષીય વૃદ્ધે કહ્યું, "બાપુ, અમારે અહીં કોઈ પીતું નથી, પરંતુ જો તમારે જોઈતો હોય તો વ્યવસ્થા કરી આપીશું."
એ સાંજે પણ કથિત રીતે કેટલાક શખ્સોએ દારૂ પીધો હતો, એ પછી ઢાબાના માલિકની 14 માસની દોહિત્રી ગુમ થઈ ગઈ.
પહેલાં તો પરિવારે જાતે જ આજુબાજુમાં તપાસ કરી, પરંતુ કોઈ સગડ ન મળતા પરિવારે પોલીસને જાણ કરી.
પોલીસે આવીને તપાસ શરૂ કરી, પરંતુ કોઈ સફળતા ન મળી. આથી ઠાકોરોની બહુમતી વાળા ઢૂંઢર ગામમાં હાહાકાર મચી ગયો, કારણ કે ગુમ થયેલી બાળકી પણ ઠાકોર સમાજની જ હતી.
લગભગ સાડા આઠ વાગ્યે આજુબાજુના કેટલાક શખ્સની નજર 19 વર્ષીય શ્રમિક પર પડી. અન્ય એક રસ્તેથી પરત ફરી રહેલા શ્રમિકના કપડાં ઉપર કથિત રીતે લોહીના ડાઘ હતા.
શ્રમિકની પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસના કહેવા પ્રમાણે, "એ અમને એક જગ્યાએ લઈ ગયો. ત્યાં બાળકી ઘાયલ અવસ્થામાં પડી હતી, અમે તેની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધો."

ઉશ્કેરાટ અને હિંસા

સમગ્ર ઘટનાક્રમને કારણે ત્યાં હાજર ટોળું ઉશ્કેરાઈ ગયું અને ફેકટરીમાં ઘૂસી જઈને ત્યાં આગ ચાંપી દીધી તથા મજૂરોના રહેવાના રૂમોમાં તોડફોડ કરી.
આ ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ, બીજા દિવસે ઠાકોર સમુદાયે આંદોલનની જાહેરાત કરી.
ઘટનાસ્થળથી લગભગ દસ કિલોમીટર દૂર આવેલા શક્તિનગરમાં લોકોએ અમને વ્હૉટ્સઍપ મૅસેજ દેખાડ્યા, જેમાં લખ્યું હતું, "ભૈયાઓને કાઢવા પડશે."
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મૂળ ઉત્તર પ્રદેશ તથા બહિરાથી આવેલા શ્રમિકોને 'ભૈયા' તરીકે ઓળખવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા સંદેશાઓમાં એવું પણ કહેવામાં આવ્યું, "ગુજરાતની મહિલાઓ પર બહારના લોકોની ખરાબ નજર પડી છે."
કદાચ એટલે જ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાને બીબીસીને કહ્યું, "ખોટી અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવાના આરોપ સબબ સાયબર ક્રાઇમ સેલે 21 કેસ દાખલ કર્યા છે અને તપાસ ચાલુ છે."
ત્રણ દિવસમાં આજુબાજુના વિસ્તારમાં ઉત્તર ભારતીયો પર હુમલા શરૂ થઈ ગયા.

ઇમેજ સ્રોત, Getty Images
સાબરકાંઠા, મોરબી, બનાસકાંઠા, મહેસાણા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં દસ દિવસ દરમિયાન પરપ્રાંતીયો પર હુમલાના બે ડઝનથી વધુ બનાવો નોંધાયા.
હજારો શ્રમિકોએ ગુજરાત છોડવું પડ્યું અને જે લોકો ગયા નહીં, તેમણે ભયના માર્યા ઘરમાં જ રહેવું પડ્યું.
શક્તિનગર વિસ્તારમાં રહેતા પૂરન ચંદ ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી છે. બે અઠવાડિયાં થઈ ગયાં હોવા છતાં પણ એ દિવસોને યાદ કરતા તેઓ ધ્રૂજી જાય છે.
પૂરન ચંદ કહે છે, "અમે અમારો સામાન એક ગુજરાતી મિત્રને ત્યાં મૂકાવી દીધો, જેથી કરીને તેઓ ઘરને આગ ચાંપે તો પણ ઓછું નુકસાન વેઠવું પડે."
"યુપીથી પરિવાર ઉપર દર બે કલાકે ફોન આવતા, હું કહેતો 'બધું બરાબર છે, ચિંતા ન કરશો', પરંતુ મનમાં હું ડરેલો હતો. ઉશ્કેરાયેલી ભીડ હુમલો કરશે, તો અમે ક્યાં જઈશું."
આજે પણ આ વિસ્તારનાં ડઝનબંધ ઘરોના દરવાજા પર તાળાં લટકે છે અને ગલીઓ સૂમસામ છે. ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓની સ્થિતિ પણ આવી જ છે.
સુરક્ષાની દૃષ્ટિએ અમદાવાદને સલામત માનવામાં આવે છે. ત્યાં પણ ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટનાઓ જોવા મળી હતી.
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના વડા શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું, "જે રીતે તેમણે ભાગવું પડ્યું છે, તે અગાઉ ક્યારેય જોયું કે સાંભળ્યું હતું. લોકો તેમના નોકરી-ધંધા છોડીને નાસી ગયા છે."
"અનેક શ્રમિકો પાસે વતન પરત ફરવાનું ભાડું પણ ન હતું. યુપી-બિહાર પરત ફરી ગયેલા લોકો સાથે મારી વાત થાય છે. તેઓ ડરેલાં છે અને પરત ફરવા માંગતા નથી."
પ્રદેશની ભાજપ સરકારમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી હિંદી સાથે વાતચીતમાં કહ્યું, "સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે, જે લોકો ગુજરાત છોડી ગયા છે, તેઓ તહેવાર અને રજાઓ બાદ પરત ફરશે. અમારી સરકાર તેમને સુરક્ષા આપશે."
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ દાવો કર્યો કે ઉત્તર ભારતીયો વિરુદ્ધની હિંસામાં અત્યાર સુધીમાં 541 લોકોની ધરપકડ થઈ છે અને 67 કેસ દાખલ કરવામાં આવ્યા છે. વ્હૉટ્સઍપ ગ્રૂપ્સ પર અમારી નજર છે. સમગ્ર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે."

વાત વકરવાનું કારણ

એવું કહેવાય છે કે દુષ્કર્મની ઘટના બાદ પહેલી ઑક્ટોબરે ઓબીસી (અન્ય પછાત જ્ઞાતિ, અધર બેકવર્ડ ક્લાસ) ઠાકોર સમુદાયના નેતા તથા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 'ઉશ્કેરણીજનક ભાષણ' આપ્યું હતું.
બીબીસી સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે આ વાત નકારી. અલ્પેશે કહ્યું, "મારી ઉપર ખોટા આરોપ મૂકાય રહ્યા છે."
"અમારો ઠાકોર સમુદાય ઇચ્છે છે કે ઉત્તર ભારતીયો હંમેશાંની જેમ જ અહીં શાંતિપૂર્ણ અને ખુશીથી અમારી સાથે રહે. અમે તેમનામાં ભરોસો ઊભો કરવા માટે પ્રયાસ કરતા રહીશું."
તમે આ વાંચ્યું કે નહીં?
આ બાબતે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું અને આરોપ-પ્રતિઆરોપ શરૂ થયા, જે આજે પણ ચાલુ જ છે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સરકાર અલ્પેશની 'ઠાકોર સેના' પર હિંસાના આરોપ મૂકે છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે રાજકીય લાભ ખાટવા માટે ભાજપે આ બધું કર્યું છે.
2011માં અલ્પેશ ઠાકોરે 'ક્ષત્રિય ઠાકોર સેના'ના નામે સંગઠન સ્થાપ્યું હતું. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ઠાકોરોની બહુમતી છે, તેમના હિતની વાત કરવી શરૂ કરી.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે અલ્પેશ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

જાણકારોનું માનવું છે કે અલ્પેશ ઠાકોરની લોકપ્રિયતામાં સમુદાયની મહિલાઓનો મોટો ફાળો રહ્યો, કારણ કે અલ્પેશે ગેરકાયદે દારૂના વેચાણ અને ઉત્પાદન સામે પૂરજોશથી અભિયાન હાથ ધર્યું છે.
એવું માનવામાં આવે છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ જ ઠાકોર બહુમતીવાળા જિલ્લાઓમાં પણ દેશી દારૂનું મોટાપાયે વેચાણ થાય છે.
સાબરકાંઠાના ત્રણ સ્થાનિક પત્રકારોએ અમને જણાવ્યું, "એ રાત્રે અને પછીના દિવસો દરમિયાન ફેકટરીઓ ઉપર હુમલા કરનારી ભીડમાં અનેક લોકો દેશી દારૂના નશામાં હતા."
બીબીસીએ એ ઘટનાના દિવસે તથા ઠાકોર વિસ્તારોમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણ અંગે અલ્પેશ ઠાકોરને પૂછ્યું હતું.
અલ્પેશે કહ્યું, "અમારા સમુદાયે સરકાર સુધી માગ પહોંચાડી હતી. સરકારે અમારી માગો સ્વીકારી લેતા બીજા જ દિવસે અમે અમારું આંદોલન પરત ખેંચી લીધું હતું.
"તેના ત્રણ દિવસ બાદ પરપ્રાંતીયો પર હુમલા શરૂ થયા હતા. એ ઘટનાઓ સાથે ઠાકોર સમુદાયે કોઈ લેવા-દેવા નથી.
"દેશી દારૂ સામે મેં ચળવળ હાથ ધરી છે અને આગળ પણ લડતો રહીશ. ઠાકોર સમુદાયના 80 ટકા લોકો આ લત છોડી ચૂક્યા છે."

અફસોસ

આ બાજુ ઢાબો ચલાવનારા વૃદ્ધ નાનાને આજે પણ એ વાતનો અફસોસ છે કે 14 માસની દોહિત્રીને "પલંગ પર એકલી મૂકીને ઢાબાનો બલ્બ ચાલુ કરવા પાછળ કેમ જોયું? "
એમનાં પુત્રી દૂધ પીતી દીકરી સાથે એ જ દિવસે સવારે ઢૂંઢર આવ્યાં હતાં. તેઓ પાસેના ગામમાં રહે છે.
ઘટનાના બે માસ બાદ આજુબાજુની સિરામિક ફેકટરીઓમાં અમુક રાજસ્થાની શ્રમિક પરત ફર્યા છે.
નામ ન આપવાની શરતે એક શ્રમિકે જણાવ્યું, "સાહેબ, આ સમગ્ર ઘટનાક્રમના મૂળમાં દારૂ છે. અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. તે પકડાય પણ છે. શરાબને કારણે જ ઝગડા શરૂ થાય છે. જ્યાં ઘટના ઘટી, એ ઢાબા પર દરરોજ સાંજે લગભગ બધા લોકો દારૂ પીને બેસતા."
ઢાબાના માલિકે આ અંગે અજ્ઞાન વ્યક્ત કર્યું અને કહ્યું, "મને નથી ખબર કે કોણ દારૂ પીવે છે અને કોણ નહીં. કેટલાક લોકો ક્યારેક દારૂ પીને આવે છે. આ વિસ્તારમાં આટલા બધા પરપ્રાંતીય મજૂરો છે, હું દરેકને નથી ઓળખતો."

દારૂબંધી હોવાના કારણે ગુજરાતમાં દારૂ વેચાવા અને પીવા પર પ્રતિબંધ છે. અન્ય પ્રાંતના લોકો વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને દારૂ પીવાની પરમીટ મેળવી શકે છે. જેના આધારે તેઓ મર્યાદિત પ્રમાણમાં દારૂ ખરીદી શકે છે.
ગુજરાત સરકાર અનેક વર્ષોથી ગેરકાયદે દારૂના વેપારને નાથવા પ્રયાસરત છે.
પ્રદેશના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે. વ્હૉટ્સઍપ ગ્રૂપ્સ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. નિયમિત મૉનિટરિંગ દ્વારા દારુ પર અંકુશ લગાવવા માટે પ્રયાસરત છીએ."
28મી સપ્ટેમ્બરે ઘટેલી કથિત બળાત્કારની ઘટનાના બે દિવસ પછી આ વિસ્તારમાં ગેરકાયદે રીતે ધમધમી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવ્યા હતા.
વાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તવલસિંહ ઝાલા તથા પરવાલીના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પીડિત બાળકીના પરિવારને મળવા માટે હિંમતનગર પહોંચવાના હતા.
ગામથી લગભગ સાત કિલોમીટર દૂર NH-8 ઉપર આવેલી ગેરકાયદે દારૂની ભઠ્ઠી પર બંનેએ રેડ પાડી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પરંતુ જાણકારોનું કહેવુંછે કે આ વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓની સંખ્યા સેંકડોમાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















