ભાજપ-સંઘને હિંદુઓના ઝંડાધારી બનવાનો મોકો કોંગ્રેસે આપ્યો?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સિત્તેરના દાયકા સુધી ભારતીય જનસંઘની સૌથી મોટી ફરિયાદ એ હતી કે તેને ભારતીય રાજનીતિમાં શા માટે અસ્પૃશ્ય સમજવામાં આવે છે?

વર્ષ 1967ના જનસંઘના કલીકટ સંમેલનમાં પાર્ટીના અધ્યક્ષ દીનદયાળ ઉપાધ્યાયે બહુ જ દુ:ખી થઈને કહ્યું હતું:

"ભારતનો પ્રબુદ્ધ વર્ગ અસ્પૃશ્યતાને બહુ મોટું પાપ માને છે, પરંતુ રાજકીય જીવનમાં ભારતીય જનસંઘ સાથે કરવામાં આવતા અસ્પૃશ્ય વર્તનને ગર્વની બાબત સમજવામાં આવે છે."

સવાલ એ ઉઠે છે કે દશકાઓ સુધી ભારતના રાજકીય દળો, ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય સહયોગ કરવામાં શા માટે ખચકાય છે?

ભારતીય જનતા પાર્ટી ઉપર બહુચર્ચિત પુસ્તક 'ધ સૈફરન ટાઇડ - ધ રાઈઝ ઑફ ધ બીજેપી'ના લેખક કિંગ્શુક નાગ જણાવે છે :

"કદાચ આનું સૌથી મોટું કારણ છે ભારતીય જનતા પાર્ટીનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિન્દુત્વની વ્યાખ્યા છે.

"વર્ષ 1998ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ એક રાષ્ટ્ર, એક લોકો અને એક સંસ્કૃતિ માટે કટિબદ્ધ છે.

"ઘણાં લોકો બીજેપીની આ વિચારધારા સાથે પોતાને જોડી શકતા નથી, કારણકે તેઓને લાગે છે કે બીજેપી ક્યાંક ને ક્યાંક એ વાતને રેખાંકિત કરવા ઈચ્છે છે કે ભારત એક જ સંસ્કૃતિ ધરાવતો દેશ છે."

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમના દીકરી ઇંદિરા ગાંધી સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમના દીકરી ઇંદિરા ગાંધી સાથે

એંશીના દાયકામાં જયારે સંઘ પરિવાર તરફથી એક સુત્ર વહેતું મુકવામાં આવ્યું, "ગર્વથી કહો, અમે હિંદુ છીએ", ત્યારે આ વિચારને વધુ બળ ત્યારે મળ્યું.

આ વાક્યનો સૌપ્રથમ ઉપયોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પહેલા સરસંઘચાલક ગુરુ ગોલવલકરે કર્યો હતો.

ટીકાકારોએ સ્વાભાવિકપણે જ એની તુલના જવાહરલાલ નહેરૂની સાથે કરી, જે ભારતને ધર્મનિરપેક્ષતાના એવા રસ્તે લઇ જવા ઈચ્છતા હતાં, જ્યાં તમામ ધર્મ અને જાતિના લોકોને સમાન અધિકાર હોય.

આપને આ પણ વાંચવું ગમશે

કોંગ્રેસમાં પણ હિંદુ હિતોની વાત કરનારા ઓછા નથી

આઝાદી પછી ભારતમાં પહેલી વાર મોટું કોમી હુલ્લડ મધ્ય પ્રદેશના શહેર જબલપુરમાં થયું હતું, એ સમયે ત્યાં કોંગ્રેસની સરકાર હતી.

નહેરૂને આ ઘટનાથી ખુબ જ આઘાત લાગ્યો હતો અને જયારે તેઓ કોમી રમખાણ બાદ ભોપાલ ગયા, ત્યારે તેઓએ પોતાની જ પાર્ટીના લોકોને ટોણો માર્યો હતો કે તેઓ કોમી હિંસા દરમિયાન શા માટે પોતાના ઘરોમાં છુપાઈ બેઠા હતાં?

નહેરૂ ભલે સૌથી મોટા ધર્મનિરપેક્ષતાની પેરવી કરનાર નેતા હોય, પરંતુ તેઓની પાર્ટીના ઘણાં મોટાં નેતાઓની સહાનુભૂતિ દક્ષિણપંથી તત્વો સાથે હતી.

ઝીણાની મુસ્લિમ લીગનો સ્વીકાર વધવાનું કારણ એ હતું કે, તેઓએ એવું કહેવાનું શરૂ કરી દીધું હતું કે કોંગ્રેસ ફક્ત હિંદુ હિતોની જ વાત કરે છે, જો કે એ ઘણી હદ સુધી સત્ય નહોતું.

કોંગ્રેસે હિંદુ પ્રતીક જેવા 'વંદે માતરમ'ને સ્વતંત્રતા સેનાનીઓનું ગીત બનાવ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપન્યાસ 'આનંદમઠ'માં હિંદુ વિદ્રોહીઓને મુસ્લિમ શાસકો વિરુદ્ધ આ ગીત ગાતા દર્શાવવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધીએ પણ 'રામરાજ્ય'ની વાત કરી અને તેમનું સૌથી પ્રિય ગુજરાતી ભજન 'વૈષ્ણવ જન તો તેને કહીએ...' હતું.

line

સરદાર પટેલ અને સંઘ

ભારતના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, PHOTO DIVISON

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ

નહેરૂ મંત્રીમંડળના ઘણાં સભ્યો જેવા કે મેહરચંદ ખન્ના અને કનૈયાલાલ મુનશી હિંદુ રાષ્ટ્રની અવધારણામાં વિશ્વાસ ધરાવતા હતાં.

વળી પાછા ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી નહેરૂના પહેલા મંત્રીમંડળના સભ્ય હતાં.

વર્ષ 2002ના ગુજરાત કોમી રમખાણો પછી કરવામાં આવેલા એક અભ્યાસનું તારણ એવું આવ્યું કે કનૈયાલાલ મુનશીની નવલકથાઓની લોકપ્રિયતાએ, જેનો સાર સોમનાથનાં મંદિર ઉપર મહમૂદ ગઝનીનો હુમલો હતો, રાજ્યમાં હિન્દુત્ની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.

દક્ષિણપંથ તરફ ઝુકાવ ધરાવનારાઓમાં 1950માં કોંગ્રેસના અધ્યક્ષ બનેલા પુરુષોત્તમદાસ ટંડન અને ભારતના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલનું નામ પણ લેવામાં આવે છે.

મહાત્મા ગાંધીની હત્યા નહોતી થઈ, ત્યાં સુધી સરદાર આરએસએસ વિષે સકારાત્મક મંતવ્ય ધરાવતા હતા.

સંઘના બીજા પ્રમુખ ગુરુ ગોલવલકર

ઇમેજ સ્રોત, RSS.ORG

ઇમેજ કૅપ્શન, સંઘના બીજા પ્રમુખ ગુરુ ગોલવલકર

સરદારની નજરમાં આ સંઘે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓનું પુનર્વસન કરાવવામાં અને તેઓને રાહત સામગ્રી પહોંચાડવામાં ઘણું યોગદાન આપ્યું હતું.

સરદાર પટેલના કહેવાથી જ ગુરુ ગોલવલકરે કાશ્મીર જઈને મહારાજા હરિ સિંહ ઉપર ભારતમાં વિલય કરવા માટે દબાણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ગૃહ સચિવ રહી રાજેશ્વર દયાળ પોતાની આત્મકથા 'અ લાઈફ ઑફ અવર ટાઇમ્સ'માં લખે છે :

"જયારે મેં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક તણાવ વધારવામાં ગુરુ ગોલવલકરની ભૂમિકાના પુરાવા પંતજી સામે મુક્યાં તો તેઓએ ગોલવલકરની ધરપકડ કરવાનો ઇન્કાર કર્યો. ઉપરાંત તેઓને એ વિષે જણાવી પણ દીધું અને ગોલવલકર તરત જ પ્રદેશમાંથી બહાર જતા રહ્યા."

વર્ષ 1962ના ચીન યુદ્ધમાં સંઘના કાર્યકર્તાઓએ સિવિલ ડિફેન્સનું કામને પોતાના હાથમાં લીધું હતું, જેનાથી ખુશ થઈને તેઓને 1963ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાનો અવસર આપવામાં આવ્યો હતો.

એક જમાનામાં હિંદુ વોટબેંક ઉપર કોંગ્રેસનું એકચક્રી રાજ હતું

અહીંયા આ તમામ વાતોનો ઉલ્લેખ કરવાનો મકસદ એ છે કે ધર્મનિરપેક્ષતાનો દમ મારનારી કોંગ્રેસ પાર્ટી હિંદુત્વના તાવથી બચી શકી નહોતી.

કેટલાંક વિશ્લેષક તો એટલે સુધી માને છે કે તે જ્યાં સુધી હિંદુ વોટ તેની સાથે રહ્યાં ત્યાં સુધી કોંગ્રેસ સતત સત્તામાં જ રહી.

જયારે હિંદુઓને લાગ્યું કે કોંગ્રેસે હિંદુઓના હિતોને મુદ્દે ધ્યાન આપવાનું ઓછું કરી દીધું છે તો હિંદુઓએ તેનો સાથ છોડી દીધો અને અન્ય વિકલ્પ શોધવા લાગ્યા.

પચાસના દશકાથી માંડીને 1967 સુધી હિંદુ મતો ઉપર કોંગ્રેસનું એકચક્રી શાસન રહ્યું, જેને લીધે તેને સત્તા હાંસલ કરવાના રસ્તામાં કોઈ ગંભીર પડકારો આવ્યાં નહીં.

line

સંઘના કાર્યકર્તાઓ માટે ઈમરજન્સી વરદાન હતી

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1975માં જયારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે સંઘ પરિવારના વિકાસ માટેની ફળદ્રૂપ રાજકીય જમીન તૈયાર થઈ ગઈ.

ઈમર્જન્સી દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હજારો કાર્યકર્તાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આમ છતાં તેઓએ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અન્ડરગ્રાઉન્ડ આંદોલન ચલાવ્યું.

જેલમાં તેઓને અન્ય વિપક્ષી નેતાઓની સાથે રહેવાની તક મળી, જેનાથી તેઓની વિચારધારાને ખાસ્સો વિસ્તાર મળ્યો.

ઈમર્જન્સી સમાપ્ત થયા બાદ જયપ્રકાશ નારાયણે એ વાત ઉપર ભાર મૂક્યો કે તેઓ કોંગ્રેસની વિરુદ્ધ બનાવવામાં આવી રહેલા ચૂંટણી લક્ષી સંગઠનનો ભાગ બને.

line

ધર્માંતરણને કારણે થયો હતો વિશ્વ હિંદુ પરિષદનો ઉદય

પાર્ટીના સમર્થકો

જનતા પાર્ટીના વિઘટન પછી વર્ષ 1980માં ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટીના રૂપમાં ફરીથી સામે આવ્યો.

ત્યારે જ તેણે ગાંધીવાદી સમાજવાદને પોતાનો મુખ્ય સિદ્ધાંત બનાવ્યો.

આ મુદ્દે થોડા સમય માટે સંઘના પ્રમુખ બાલાસાહેબ દેવરસ વિચલિત પણ થયા.

દેવરસને લાગ્યું કે પાર્ટી કદાચ પોતાનો હિન્દુત્વનો આધાર છોડી રહી છે.

દેવરસે હિંદુ વિચારધારાને જીવંત રાખવા માટે વિશ્વ હિંદુ પરિષદનો આશરો લેવાની રણનીતિ બનાવી.

આનું મુખ્ય કારણ વર્ષ 1981માં તમિલનાડુના ગામ મીનાક્ષીપુરમમાં સેંકડો દલિતોનું ઇસ્લામમાં ધર્માંતરણ હતું.

line

શાહબાનો કેસ અને રામજન્મભૂમિ આંદોલન

સંઘ

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલી સામાન્ય ચૂંટણીમાં સંઘે ભારતીય જનતા પાર્ટીને સાથ ના આપીને કોંગ્રેસનો સાથ આપ્યો, જેને લીધે કોંગ્રેસ 400થી પણ વધુ બેઠકો જીતવામાં સફળ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ ફક્ત બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો.

કદાચ એ જ કારણ હતું કે પાર્ટીએ હિંદુ સમાજને જાગૃત કરવા માટે રામ જન્મભૂમિ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો.

શાહબાનો કેસમાં રાજીવ ગાંધી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી મતદાતાઓમાં તેઓની લોકપ્રિયતા ઘટી અને ભારતીય જનતા પાર્ટીને પોતાના મૂળિયા મજબૂત કરવામાં મદદ મળી.

સૌથી મોટો પડકાર

ભાજપના સમર્થકો

ઇમેજ સ્રોત, Getty Images

એ પછી સંઘ પરિવારે પાછળ વળીને જોયું નથી. નેવુંના દાયકા પછીથી આરએસએસની ગણતરી દુનિયાના સૌથી મોટા બિનસરકારી સંગઠનોમાં થવા લાગી.

એક અનુમાન મુજબ, અત્યારે આરએસએસના સભ્યોની સંખ્યા 15થી 20 લાખની વચ્ચે છે.

આરએસએસની 57,000 શાખાઓની બેઠક રોજ મળે છે. આ સિવાય 14,000 સાપ્તાહિક અને 7000 માસિક શાખાઓ પણ આયોજિત કરવામાં આવે છે.

આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 6000 સંપૂર્ણસમયના સભ્યો પણ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આગળ પડતાં રહીને અસરગ્રસ્ત લોકોની મદદ કરી છે.

ઉત્તરાખંડની વિનાશક પૂરની ઘટના હોય કે કેરળમાં હાલમાં જ આવેલું પ્રચંડ પુર, સ્વયંસેવકોએ આગળ પડતાં રહીને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી છે.

સંઘ

ઇમેજ સ્રોત, FACEBOOK@RSSORG

પરંતુ આરએસએસ ઉપર પુસ્તક લખનારા શમ્સુલ ઇસ્લામનું માનવું છે કે દલિતો અથવા મહિલાઓ ઉપર થનારા અત્યાચારો ઉપર આરએસએસનું મૌન રહસ્યમય છે.

એ વાતના પણ બહુ ઓછા ઉદાહરણ મળે છે કે 1984ના શીખ વિરોધી કોમી હિંસાના બનાવોમાં તેઓ શીખોની મદદ માટે આગળ આવ્યા હોય.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર બહુચર્ચિત પુસ્તક 'ધ આરએસએસ અ વ્યૂ ટૂ ધ ઇનસાઇડ' લખનાર વૉલ્ટર એન્ડરસન જણાવે છે:

"યુવાઓમાં આરએસએસની લોકપ્રિયતાનું મુખ્ય કારણ ભારતીય સમાજનું આધુનિકીકરણની સાથે સાથે પરંપરાગત મૂલ્યોને પણ એટલું જ મહત્ત્વ આપવાનું વલણ છે.

"આમ છતાં આરએસએસની સામે સૌથી મોટો પડકાર, આ યુવાનોનું સમર્થન જાળવી રાખવાનો છે."

આરએસએસ ઉપર ચર્ચિત પુસ્તક 'લૉસ્ટ ઈયર્સ ઑફ આરએસએસ'ના લેખક સંજીવ કેલકર કહે છે:

"એક આધુનિક સંગઠનના સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)ના તમામ પ્રયત્નો હોય છે કે સંગઠનની અંદર એ રીતનું સકારાત્મક વાતાવરણ પેદા થાય કે તેના સભ્યોને કામ કરવામાં મજા પડે.

"પરંતુ સંઘની કઠોર હાઈરાર્કી અને સરળતાથી અપરિવર્તનશીલ કાર્યપદ્ધતિને કારણે ઝડપથી તેઓનો મોહભંગ થઈ જાય છે."

સામાજિક સ્વીકાર ઉપર સવાલ

આધુનિક યુગમાં એ જ સંગઠનો વિકસે છે, જ્યાં જ્ઞાન સર્વોપરી હોય, જ્યાં તમામ પ્રાસંગિક માહિતીઓનાં વિશ્લેષણ માટે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી સંચાર તકનીકનો ઉપયોગ થતો હોય.

સંજીવ કેલકર કહે છે: "આરએસએસના કટ્ટર સમર્થક પણ સ્વીકારશે કે તે ક્યારેય જ્ઞાન કેન્દ્રિત સંગઠન રહ્યું નથી.

"તેઓને એ વાતનો અંદાજ જ નથી કે જ્ઞાન એ જરૂરિયાત કેન્દ્રિત ગુણ નથી. જ્ઞાનને જ્ઞાન માટે અર્જિત કરવામાં આવવું જોઈએ, જેના વગર સામાન્ય હોવું એક આદર્શ બની જશે.

"આરએસએસને પ્રભાવશાળી રણનીતિ બનાવવા માટે સંચાર તકનીકના આ ઓજારોનો ઉપયોગ કરવો જોઈએ.

"આરએસએસની સામે એક અન્ય લક્ષ્ય હોવું જોઈએ અને જે તરફ તેમનું ધ્યાન બિલકુલ નથી ગયું, એ છે સમાજના સક્ષમ અને બૌદ્ધિક લોકોને પોતાની સાથે લેવા.

જ્યાં સુદી દેશના ઉચ્ચ શ્રેણીના બુદ્ધિજીવી, લેખક, વૈજ્ઞાનિક, અભ્યાસુઓ અને અભિપ્રાય ઘડનારા તેની સાથે નહીં જોડાય, તેના સામાજિક સ્વીકારએ મુદ્દે સવાલો ઉઠતા રહેશે."

જરૂર છે વૈચારિક બદલાવની

સંઘની અંદર તેના બહારના સ્વરૂપના વિષયમાં વિચારવાને મુદ્દે પણ એક રીતનો પ્રતિબંધ રહ્યો છે.

સંઘની શાખાઓ દેશભક્તિના ગીત અને પુરાણા સંસ્કૃત શ્લોકો ગાતા બોરિંગ ડ્રીલ (લાઠી અથવા લાઠી વગર પણ) યુવકોને વધુ દિવસો સુધી આકર્ષિત નહીં કરી શકે.

જ્યાં સુધી સંઘના કામ કરવાની તરાહમાં આધુનિક વિચાર અને દુનિયાબહારના યુવાઓના બદલાતા વિચારોનો સમન્વય નહીં હોય, યુવાનો તેની તરફ આકર્ષિત થઈ પણ જાય તો ય લાંબો સમય તેની સાથે જોડાયેલા નહીં રહી શકે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો