દૂલ્હનોનાં વર્જિનિટી ટેસ્ટ કરતા સમુદાય સામે યુવકનું અભિયાન

ઇમેજ સ્રોત, VIVEK TAMAICHIKAR
- લેેખક, પ્રાજક્તા ધુલપ
- પદ, બીબીસી ગુજરાતી માટે
પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં વિચરતા આદિજાતિ સમુદાયમાં નવપરિણીત દૂલ્હનોની થતી કૌમાર્ય (વર્જિનિટી) ચકાસણી રોકવા માટે એક અભિયાન ચાલી રહ્યું છે.
આ પ્રથાની પીડિતા 22 વર્ષીય અનિતા(નામ બદલ્યું છે) કહે છે કે, બે વર્ષ પહેલા તેમનાં લગ્ન થયાં હતાં.
એ સમયેની આ અગ્નિપરીક્ષા વિષે આજે પણ જ્યારે તેઓ વિચારે છે, ત્યારે તેમની આંખમાં આંસુ આવી જાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
મહારાષ્ટ્રમાં કંજારભાટ નામનો સમુદાય આવેલો છે, જેમાં નવપરિણીત દૂલ્હનોએ આ વર્જિનિટી ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.
અનિતાએ પણ તેમના લગ્નની રાત્રે પણ એ પરીક્ષા આપવી પડી હતી.

સફેદ ચાદર અને દૂલ્હન

ઇમેજ સ્રોત, VIVEK TAMAICHIKAR
સમુદાયમાં થતાં લગ્નોમાં કૌમાર્ય ચકાસવાની પ્રથાને એક અવિભાજ્ય અંગ તરીકે જોવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી આ પ્રથા ખૂબ જ પ્રભાવક પંચાયત (સ્થાનિક ગ્રામ પરિષદ) દ્વારા લાગુ કરવામાં આવી છે.
કૌમાર્ય ચકાસવાની પ્રથામાં યુગલને એક હોટેલના રૂમમાં મોકલીને સફેદ ચાદર અપાય છે.
આ રૂમ ક્યાં તો યુગલના પરિવાર અથવા ગામની પંચાયત દ્વારા લેવામાં આવે છે. રૂમમાં યુગલે શારીરિક સંબંધ બાંધવાના હોય છે.
જ્યારે બીજી તરફ યુગલના બન્ને પરિવાર અને પંચાયતના લોકો રૂમની બહાર રાહ જોતાં હોય છે.
શારીરિક સંબંધ બાંધવામાં આવે, ત્યારે યુવતીને રક્તસ્ત્રાવ થાય, તો તેને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જો એવું ન થાય, તો તેના ગંભીર પરિણામ આવતું હોય છે.

જો દૂલ્હન નિષ્ફળ જાય તો...

ઇમેજ સ્રોત, Getty Images
યુવતી આ વર્જિનિટી ટેસ્ટમાં સફળ ન થાય તો, યુવકોએ લગ્ન તોડી નાખ્યા હોય એવું પણ બને છે.
એટલું જ નહીં પણ કસોટીમાં નિષ્ફળ જનારી યુવતીને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.
ઉપરાંત કથિત બદનામીને પગલે યુવતીને માર મારવામાં પણ આવે છે.
અત્રો નોંધવું રહ્યું કે, પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાને રક્તસ્રાવ થવો જ જોઈએ, એવી થિયરીને ઘણા નિષ્ણાતોએ રદિયો આપ્યો છે.

ડૉક્ટરનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. સોનિયાએ બીબીસીને જણાવ્યું કે, સેક્સ અંગેનો અનુભવ વિશે દરેક વ્યક્તિની અલગઅલગ હોય છે.
વળી કુંવારી યુવતીને પ્રથમ વખત સંભોગ વખતે રક્તસ્રાવ થાય જ તે માત્ર એક માન્યતા છે.
અનિતાની બાબતમાં તેમને પહેલાથી જ ખબર હતી કે, તેઓ આ કસોટીમાં સફળ નહીં થાય.
કારણ કે લગ્ન પૂર્વે તેમને પતિ સાથે પહેલાથી જ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જોકે તેમણે કહ્યું કે, વર્જિનિટી મામલે જે કંઈ પણ થયું તે માટે તેઓ જરાય તૈયાર ન હતાં.

જ્યારે પતિએ જ ટેકો ન આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે બીબીસીને કહ્યું, "મને એવું લાગતું હતું કે મારા પતિ પંચાયત સમક્ષ મને ટેકો આપશે.
"પણ જ્યારે પંચાયતે તેમને પૂછ્યું કે, 'શું હું કુંવારી(વર્જિન છે કે કેમ?) છું કે નહીં?'
"ત્યારે તેમણે સફેદ ચાદર બતાવીને કહ્યું, 'ના હું નથી.'
અનિતાએ વધુમાં ઉમેર્યું, "હું આ વાતથી સ્તબ્ધ રહી ગઈ કેમ કે, તેમના આગ્રહને લીધે હું છેલ્લા છ મહિનાથી તેમની સાથે શારીરિક સંબંધમાં હતી.
"પંચાયતે મને ખોટી વ્યક્તિ જાહેર કર્યા બાદ તમામ લોકો ત્યાંથી જતાં રહ્યાં હતાં અને હું એકલી રહી ગઈ.
"એ સમયે હું ચોધાર આંસુએ રડી પડી હતી."

પંચાયત પણ સામેલ

ઇમેજ સ્રોત, INDREKAR
જોકે સમગ્ર બાબત અંગે કેટલાક સામાજિક કાર્યકર્તાઓને જાણ થતા તેમણે પોલીસની દરમિયાનગીરી કરાવી હતી.
આથી શરૂઆતમાં લગ્ન માટે ઇન્કાર કરનાર તેમના પતિએ પાછળથી અનિતા સાથે લગ્ન કરવા પડ્યાં હતાં.
અનિતાએ વધુમાં કહ્યું, "હું ગર્ભવતી થઈ પછી પણ સ્થિતિમાં સુધારો ન થયો. મારા પતિ મને વારંવાર પૂછતા કે આ કોનું બાળક છે?
"પંચાયતના સભ્યો પણ તેમને હજી આ વાત પૂછે છે."
તદુપરાંત બે મહિના પહેલા અનિતાને નવજાત બાળક સાથે સાસરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. આથી તેઓ માતાપિતાના ઘરે રહે છે.
પણ તેઓ કહે છે કે, વર્જિનિટી ટેસ્ટમાં તેઓ સફળ ન રહ્યાં હોવાના લાંછનની સમગ્ર પરિવાર પર અસર થઈ છે.

અસંસ્કારી પ્રથા સામે અવાજ ઉઠાવનાર યુવક
25 વર્ષીય વિવેક તમાઇચિકરે તેમના સમુદાયના યુવાઓ સાથે મળીને આ વર્જિનિટી ટેસ્ટની પ્રથા અટકાવવા અભિયાન શરૂ કર્યું છે.
જેવું અનિતા સાથે થયું તેવું કોઈ અન્ય મહિલા સાથે ન થાય તેને રોકવા માટે વિવેકે દૃઢ નિશ્ચય કર્યો છે.
વિવેક તમાઇચિકરે કહ્યું, "જ્યારે હું બાર વર્ષના હતો, ત્યારે એક લગ્નમાં ગયો હતો. જેમાં એકાએક લોકો દૂલ્હનને ચપ્પલ-બૂટથી મારવા લાગ્યાં હતાં.
"મને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. જ્યારે હું સમજતો થયો, ત્યારે મને ખબર પડી કે આવું કેમ થયું હતું."

આ યુગલ પ્રથાનું પાલન નહીં કરે

ઇમેજ સ્રોત, VIVEK TAMAICHIKAR
વિવેક તમાઇચિકર અને તેમના મંગેતર આ વર્ષના અંતે લગ્ન કરવાના છે.
તેમણે બન્નેએ પંચાયતને પહેલાંથી જ જાણ કરી દીધી છે, કે તેઓ આ પ્રથાનું પાલન નહીં કરે.
વિવેક એવું પણ ઇચ્છે છે, કે અન્ય યુવાઓ પણ તેમના આ અભિયાનમાં જોડાય અને કડક વલણ અપનાવે.
વિવેકની ઇચ્છા છે કે, આ પ્રથા અંગેની ચૂપકીદીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે.

અભિયાન ચલાવતું ગૃપ

ઇમેજ સ્રોત, VIVEK TAMAICHIKAR
વિવેકે 'stop the V ritual' નામનું વૉટઍપ ગ્રૂપ બનાવ્યું છે, જેમાં 60 સભ્યો છે અને તેમાં અડધા સભ્યો મહિલા છે.
આ લોકો તેમના સમુદાયમાં અન્ય લોકોને વર્જિનિટી ટેસ્ટની પ્રથા પર પૂર્ણવિરામ મૂકવા સમજાવવાના પ્રયાસ કરે છે.
વિવેકે કહ્યું, "આ પ્રકારની પ્રથા કે પ્રવૃત્તિ યુગલની પ્રાઇવસીનાં અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
"તદુપરાંત જે રીતે તેને હાથ ધરવામાં આવે છે, તે યુગલો માટે ખૂબ જ અસંસ્કારી અને માનસિક રીતે આઘાતજનક છે.
"ઘણા યુગલને વર્જિનિટી અંગેની પ્રથાનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે.
"રૂમની બહાર ઘણા બધા લોકો બેઠા હોય છે અને યુવક(દૂલ્હા)ને ક્યારેક મદ્યપાન કરાવીને અશ્લીલ ફિલ્મ બતાવી પ્રથા વિશે માહિતગાર કરવામાં આવે છે."
બીજા દિવસે યુવકને એક સમારોહ માટે બોલાવવામાં આવે છે અને તેને ખૂબ જ અભદ્ર રીતે પૂછવામાં આવે છે કે,'શું તેની દૂલ્હન કુંવારી હતી કે નહીં?'

અભિયાન ચવાલનારા લોકો પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે પ્રથા અટકાવવા માટે અવાજ ઉઠાવનારા લોકોએ તેની ભારે કિંમત ચૂકવવી પડી છે.
એક વખત પૂણેમાં તેમના ગ્રૂપના સભ્યોએ સમુદાયમાં થઈ રહેલા લગ્નમાં હાજરી આપી, ત્યારે ક્રોધે ભરાયેલા મહેમાનોએ તેમના પર હુમલો કર્યો હતો.
પંચાયતે ગ્રૂપના સભ્યોને ચેતવણી આપી છે કે, જો તેઓ અભિયાન બંધ નહીં કરે અને કંજારભાટ સમુદાયને બદનામ કરવાની કોશિશ બદલ માફી નહીં માંગે, તો તેમનાં પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.
તેમ છતાં વિવેક તમાઇચિકર તેમનું અભિયાન ચાલુ રાખવા માટે મક્કમ છે.
તેમના ગ્રૂપ પર થયેલા હુમલા દેશભરનાં મીડિયામાં પણ પ્રકાશમાં આવ્યા હતા.
જેના પરિણામે કૌમાર્યના પરીક્ષણની પ્રથાનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
વિવેકને આશા છે કે આ બાબતને લીધે હવે પ્રથાનો હંમેશા માટે અંત આવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












