ગ્રાઉન્ડ રિપોર્ટ: અંકિત સક્સેનાના અને યુવતીનાં ઘર સ્થિતિ

ઇમેજ સ્રોત, ANKIT SAXENA/FACEBOOK
- લેેખક, સિન્ધુવાસિની અને ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
બધું એમનું એમ છે. 14 મી ફેબ્રુઆરી એટલે કે વૅલેન્ટાઇન્સ ડેની રાહમાં રસ્તા પર લાલ રંગોના ગુલાબોથી સજાવેલી દુકાનો, રસ્તા પર દોડતી ગાડીઓ, બાળકોનાં હાથ પકડી રસ્તો ઓળંગાવતી માતાઓ અને મંદિરમાંથી આવતા ભજનના અવાજ...
પશ્ચિમ દિલ્હીના રઘુવીર વિસ્તારમાં દાખલ થાઓ એટલે શરૂઆતમાં આવું દૃશ્ય સામે આવે છે, પરંતુ જ્યારે સહેજ આગળ વધવા માંડો તો આ દૃશ્ય બદલાય છે.
તમને આ પણ વાંચવું ગમશે
ઠેકઠેકાણે ફરજ પર હાજર સુરક્ષા કર્મચારીઓ, લોકોની ભીડ અને માઇક-કેમેરા સાથે દોડતા મીડિયાકર્મીઓ જોવા મળે છે.

જ્યાં અંકિતનું ઘર છે...

થોડા નજીક જાઓ એટલે 'અંકિત સક્સેનાની ઘાતકી હત્યા', 'ઑનર કિલિંગ', 'મુસ્લિમ' અને 'સાંપ્રદાયિક તણાવ' જેવા શબ્દો સાંભળવા મળે છે.
અહીં અંકિત સક્સેનાના ઘરનું સરનામું બધા જ જાણે છે. અંકિતની છરીના ઘા મારી બે દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી.
ઘણી સાંકડી ગલીમાંથી પસાર થઈને અમે જ્યાં અંકિતનું ઘર એ શેરીમાં પહોંચ્યા.
ઘરની આસપાસ દુકાનોના શટર બંધ હતા અને ઘરની બહાર ઊભેલા કેટલાક લોકોએ અમને કહ્યું કે અંદર જવાનો કોઈ મતલબ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કારણ કે અંકિતના પિતા અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયા છે અને માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

શું થયું હતું અંકિત સાથે?

પશ્ચિમ દિલ્હીમાં રઘુવીર નગરમાં રહેતા 23 વર્ષના ફોટોગ્રાફર અંકિત સક્સેનાની કથિત રીતે એક યુવતીનાં પરિવારના ચાર સભ્યો સાથેની બોલાચાલી બાદ હત્યા કરવામાં આવી હતી.
તે જ સમયે, તે યુવતી મેટ્રો સ્ટેશનની બહાર અંકિતની રાહ જોઈ રહી હતી.
પોલીસનું કહેવું છે કે અંકિત સક્સેનાનો લઘુમતી સમુદાયની 20 વર્ષીય યુવતી સામે સંબંધ હતો.
પોલીસના કહેવા પ્રમાણે, યુવતીનાં પિતા, કાકા અને 16 વર્ષના ભાઈને તેમના સંબંધ સામે વાંધો હતો. તેમણે અંકિતને તે યુવતીથી દૂર રહેવાનું પણ કહ્યું હતું.
આ પછી બોલાચાલી થઈ અને યુવતીના પિતાએ રસ્તા પર જ કથિત રીતે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. અંકિતની મિત્રનું ઘર તેમના ઘરની પાસે જ હતું.

શું કહેવું છે સંબંધી અને પાડોશીનું?

અંકિતનો પરિવાર અને પાડોશી મીડિયાથી ખૂબ જ નારાજ છે.
પાડોશની એક મહિલાએ કહ્યું, "કૃપા કરીને તમે બધા અહીંથી જતા રહો, અમે કોઈને પણ જોવા નથી માગતા.
"અંકિતના માતા-પિતાએ અમને કોઈની પણ સાથે વાત કરવાની ના પાડી છે."
અન્ય એક મહિલાએ કહ્યું, "અમે હિંદુ-મુસ્લિમનો મુદ્દો ઉઠાવ્યો જ નથી, આ વાતો મીડિયાએ ઉછાળી છે.
"અમારો મીડિયાથી આત્મવિશ્વાસ ડગી ગયો છે. ઘણા લોકો ઝઘડાને વકરાવવા આવ્યા, પરંતુ અમે અમારા બાળકો જ્યાં ભણી-ગણી ઉછરી રહ્યાં છે એ જગ્યાને દૂષિત કરવા નથી માંગતા."

ઝઘડો નથી વધારવો...

ત્યાં હાજર એક યુવતીએ કહ્યું કે "એક માણસ ગઇકાલે અમારા વિસ્તારમાં આવ્યો હતો, તે કહી રહ્યો હતો કે તમે એક અવાજ કરો, આપણા 100 છોકરા તૈયાર ઊભા છે, આપણે મસ્જિદમાં જઈએ.
"અમે તાત્કાલિક ફોર્સ બોલાવી, તો તે ભાગી ગયો."
તે માણસ કોણ હતો? જેના જવાબમાં બધાએ કહ્યું, "ખબર નથી કે કોણ હતું. તેની પહેલા મનોજ તિવારી (ભાજપના દિલ્હી પ્રદેશ પ્રમુખ) અહીં આવ્યા હતા.
"તેઓ નીકળ્યા પછી તરત જ એ માણસ આવ્યો હતો. અમને કંઈ ખબર નથી, ઝગડો વધારવો નથી."
આ મહિલાઓનું કહેવું છે, "અંકિત બહુ જ હસમુખો હતો, હંમેશા મજાક-મસ્તી કરતો રહેતો. બહુ જ ટૅલન્ટેડ હતો.
"તમે કોઈને પણ પૂછી લો, બધા આવું જ કહેશે."
એક પ્રૌઢ વ્યક્તિએ કહ્યું, "જે દિવસે આ બધું થયું તે જ દિવસે તે બપોરે મારી પાસે આવ્યો હતો. મારા ખભે હાથ રાખી હાલચાલ પૂછ્યા હતા."
પાડોશીઓએ જણાવ્યું કે અંકિતના માતાપિતા આખી રાત રડતાં રહ્યાં હતાં અને સવાર સુધી તેમના ઘરમાંથી રડવાના અવાજ આવતા હતા.
અંકિતના એક સગાંએ કહ્યું, "હવે અમે તેમને અહીં એકલા રહેવા નહીં દઇએ. એક માત્ર છોકરો હતો, તે પણ ગયો, કોનો ચહેરો જોઈને તેઓ જીવશે?"

બાળપણની દોસ્તી

અંકિતના એક મિત્રએ કહ્યું કે બન્ને (ગુલરેઝ અને અંકિત) વચ્ચેની મિત્રતા બાળપણથી હતી.
તેઓ કહે છે, "બંને વચ્ચેનો સંબંધ લગભગ બે વર્ષથી હતો, પરંતુ બંને એકબીજાને બાળપણથી ઓળખતાં હતાં."
"તેમણે કહ્યું હતું કે ગુલરેઝ(નામ બદલ્યું છે)નું કુટુંબ થોડા વર્ષો પહેલા અંકિત રહેતા હતા તે વિસ્તાર છોડી ગયું હતું.
"બાળપણથી જ અંકિત અને ગુલરેઝ આડોશ-પાડોશમાં રહેતાં હતાં."

અંકિતના મિત્રોનું નિવેદન

અંકિતના ઘર પાસે મોબાઇલની એક દુકાન છે. સોશિયલ મીડિયા પર આ જ દુકાનની સામે ઊભેલી તેમની તસવીર જોવા મળે છે.
દુકાનમાં જતા ખબર પડી કે અંકિત ઘણી વખત ત્યાં જતા હતા. દુકાનમાં કામ કરતા એક યુવાન તેમના નજીકના મિત્ર છે.
તેમણે અંકિતની યૂ-ટ્યૂબ ચેનલ 'આવારા બોયઝ' માટે કામ પણ કર્યું હતું.
વીડિયોમાં અંકિત સાથે કામ કરતા એક મિત્રએ કહ્યું હતું કે તે બન્ને મેટ્રો સ્ટેશનમાં જ મળતાં હતાં. ફોન પર બન્ને ઘણી બધી વાત કરતાં હતાં.
"અંકિત હંમેશા કહેતો કે તે ગુલરેઝને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરશે.
"અમે તેને સમજાવવા ઘણી મહેનત કરી કે સમસ્યા થશે, પરંતુ તે કહેતો કે હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ."
ગુલરેઝ પણ તેમને ખૂબ પ્રેમ કરતાં હતાં અને લગ્ન પણ કરવા માગતાં હતાં.
અંકિત તેમના ભાવિ વિશે ખૂબ જ સ્પષ્ટ હતા. તેઓ જાણતા હતા કે તેમને શું કરવું છે.
તેઓ મોડેલિંગ કરવા માગતા હતા અને તેના માટે પ્રયત્ન પણ કરી રહ્યા હતા.
અંકિતના પાડોશીઓ કહે છે કે તે હંમેશા કહેતા હતા કે છોકરી મારી પસંદગીની જ હશે. બાકી તમે ઇચ્છો, તેમ લગ્ન કરાવી દેજો.
પાડોશીઓ કહે છે કે તે કહેતા કે તે જ્યારે લગ્ન કરશે, ત્યારે ડીજેના તાલે દરેકને નાચવું પડશે.
દુકાન માલિક સાથે પણ અંકિતને સારી ઓળખાણ હતી. તેમણે જણાવ્યું હતું, "તે દિવસે બપોરે અંકિત એક લેપટોપ લઈને આવ્યો હતો.
"લગભગ એક કલાક રોકાયો, તેની યૂ-ટ્યૂબ ચેનલના કેટલાક વીડિયો એડિટ કર્યા હતા.
"સાંજે જ્યારે આ ઝઘડો થયો, તેની થોડી મિનિટો પહેલાં જ મારી દુકાનની સામે ઊભા રહીને ફોન પર વાત કરતો હતો."

દુકાનમાલિકનો દાવો

દુકાનના માલિકે અમને સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ ફૂટેજ કોઈને પણ આપી શકે તેમ નથી કારણ કે, પોલીસે ના પાડી છે.
ફૂટેજમાં જોઈ શકાય છે કે અંકિત એ રાત્રે લગભગ આઠ વાગ્યે દુકાનની બહાર ફરી રહ્યા છે અને ફોન પર વાત કરી રહ્યા છે.
દુકાનના માલિકે જણાવ્યું હતું કે, મીડિયામાં એવા સમાચાર છે કે એ યુવતી બે દિવસથી લાપતા હતી.
એવું કંઈ નથી, તે દિવસે જ તે સાંજે બહાર નીકળી હતી અને તેને પરત ફરતાં મોડું થયું એટલે તેના માતાપિતા, ભાઈ અને કાકાએ અંકિતને રસ્તામાં જ રોક્યો હતો."

ચડભડ થઈ...

દુકાન માલિકે કહ્યું, "અંકિતની ગુલરેઝનાં પરિવાર વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. તેઓ અંકિતને પકડીને મારવા લાગ્યા, ત્યારે જ કોઈકે અંકિતના ઘરે જાણ કરી દીધી.
"તેના માતાપિતાએ દરમિયાનગીરી કરી, મેં પણ ઝઘડાને શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો.
"અંકિતે કહ્યું કે અંકલ ચાલો પોલીસ સ્ટેશન જઈએ, ગુલરેઝ મારી સાથે નથી. અમે પણ તેમને પોલીસ બોલાવવાનું કહ્યું.
"જે પછી મામલો થોડો શાંત થયો હતો અને બંને પક્ષો અલગ થયા. હું અંકિતને લઈને દુકાનમાં આવી ગયો."
દુકાન માલિકે અમને જે ફૂટેજ બતાવ્યા હતા એ તે જ સમયના હતા જ્યારે અંકિત દુકાન પર બહાર ફોન પર વાત કરતા દેખાતા હતા. કેટલાક સમય પછી અંકિત ત્યાંથી જતા રહ્યા.
દુકાન માલિકે આગળનો ઘટનાક્રમ પોતે તો નહોતો જોયો પણ આસપાસના લોકો પાસેથી જે જાણવા મળ્યું તેના આધારે દાવો કરતા કહે છે, "એ પછી કોઈએ આવીને અંકિતને કહ્યું હતું કે ગુલરેઝની માએ અંકિતની માતાને ધક્કો માર્યો છે અને તે પડી ગયા છે.
"અંકિત દોડતો ત્યાં ગયો હતો. તે પોતાની માતાને ઉઠાવવા જેવો ઝૂક્યો, ત્યારે જ યુવતીના ભાઈ અને મામાએ અંકિતના હાથ પકડી લીધા.
"યુવતીના પિતાએ તેના ગળામાં કસાઈનો છૂરો ભોંકી દીધો."
આ સમાચાર મળતા જ કેટલાક લોકો સાથે દુકાનમાલિક ઘટનાસ્થળે દોડી ગયા.

લોકોએ બચાવ ન કર્યો?

દુકાન માલિકનું કહેવું છે કે અંકિતની છેતરપિંડી કરી હત્યા કરવામાં આવી હતી.
તેઓ કહે છે, "તેને પાછળથી પકડીને માર્યો હતો. એ લોકો અંકિતની સામે આવત તો ચાર લોકો પર અંકિત ભારે પડે તેમ હતો. બહુ જ લોહી વહી રહ્યું હતું."
તેમના જણાવ્યા અનુસાર, "ગુલરેઝ માટે અંકિતથી સારો છોકરો કોઈ હોઈ જ ન શકે. તેનાં માતા-પિતા પણ અંકિતથી સારો છોકરો ન શોધી શકત.
"અમને એવો અણસાર બિલકુલ નહોતો કે અંકિતના જીવને જોખમ છે, નહીં તો અમે પોલીસ રક્ષણ માંગત."
પશ્ચિમ દિલ્હીના DCP વિજય કુમાર સિંઘે જણાવ્યું કે ગુલરેઝનો પરિવાર અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને ગુલરેઝને નારી નિકેતન (આ પ્રકારના સંજોગોમાં એકલી પડેલી મહિલા-યુવતીઓની સંભાળ લેતી સંસ્થા) મોકલવામાં આવ્યાં છે.

યુવતીનું ઘર

ગુલરેઝનું ઘર અંકિતના ઘરથી વધારે દૂર નથી. શેરીના છેડે ત્રીજા માળે ગુલરેઝનું ઘર છે, જ્યાં લીલા રંગનો ચમકતો ઝંડો દેખાય છે.
ઘર પર તાળું મારેલું હતું અને પાડોશીઓએ કહ્યું હતું કે ત્યાં કોઈ નથી.
છત પર ઊભેલી એક યુવતીએ કહ્યું, "આ બહુ સારા લોકો હતાં, અમે થોડા દિવસો પહેલાં અહીં શિફ્ટ થયાં હતાં.
"બધાએ અમને ખૂબ મદદ કરી હતી. મને વિશ્વાસ નથી બેસતો કે તેઓ આવું કરી શકે છે."
અન્ય એક પાડોશી મહિલાએ કહ્યું, "અંકિત અને ગુલરેઝનું અફેર હતું, પરંતુ બંનેને કોઈએ સાથે જોયા નહોતાં, બંને ખૂબ સુશીલ બાળકો હતાં."
તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું કે, "જે થયું તેમાં કોઈને ફાયદો નથી થયો, બે પરિવારો બરબાદ થઈ ગયાં. કાશ! બંનેના લગ્ન થઈ ગયા હોત.
"હવે ગુલરેઝનો પરિવાર અહીં આવશે તો પણ અમે તેમને રહેવા નહીં દઈએ. અમે અમારા બાળકોને જોખમમાં ન મૂકી શકીએ."

ચાલતા-ચાલતા અમારું ધ્યાન એ ઘરની છત પર ગયું જ્યાં લીલો ઝંડો લહેરાતો હતો.
તે ઘરનો કપડાં સુકવવાનો તાર તે બાલ્કનીની છત સાથે બાંધેલો હતો, જ્યાં તુલસીનો છોડ વાવવામાં આવ્યો હતો.
તે તાર પર 'અસલમનો કુર્તો' અને 'સોનમની ઓઢણી' સાથે સૂકાઈ રહ્યાં હતાં.
અમને અંકિતના સંબંધીઓના શબ્દો યાદ આવ્યા, જેમાં તેમણે કહ્યું હતું કે, "આ હિંદુ-મુસ્લિમનો મામલો નથી, બસ ન્યાય અને અન્યાયનો છે..."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














