કુંભમેળો દેશમાં માત્ર પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં કેમ યોજાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમરેન્દ્ર યર્લાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગણતરીના દિવસોમાં મહાકુંભમેળો શરૂ થવાનો છે અને ત્યાં હાલ લગભગ દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ રહ્યું છે. દિવસભર ધુમ્મસ રહે છે અને બપોરના સમયે પણ સૂર્ય દેખાતો નથી.
જોકે, અહીં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ત્રિવેણીસંગમની મુલાકાત લઈને સ્નાન કરી રહ્યા છે.
ભક્તોના વધતા ધસારાને ધ્યાને લઈ પોલીસે મહાકુંભમેળાના સ્થળ તરફ જતા માર્ગો પર નિયંત્રણો લાદ્યાં છે.
ત્રિવેણીસંગમ ઘાટ, હનુમાનમંદિર કૉરિડૉર, સરસ્વતી ઘાટ અને અરેઈલ ઘાટ પર નિયંત્રણો જોવા મળી રહ્યાં છે.

મહાકુંભમેળો : 40 કરોડ લોકો આવવાનો અંદાજ
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યના જણાવ્યા મુજબ આ વખતે કુંભમેળામાં દેશનાં વિવિધ રાજ્યો અને 123 દેશોમાંથી 40 કરોડ લોકો આવવાનો અંદાજ છે.
ઉત્તર પ્રદેશ સરકારના અંદાજ મુજબ, છેલ્લે 2013માં અહીં યોજાયેલા કુંભમેળામાં લગભગ 20 કરોડ લોકોએ હાજરી આપી હતી.
ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે કેશવપ્રસાદ મૌર્યએ એક મહિનાથી ઓછા સમય પહેલાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિતનાં દક્ષિણનાં રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. તેમણે પત્રકારપરિષદો યોજી હતી અને ભક્તોને કુંભમેળામાં આવવા આમંત્રણ આપ્યું હતું.
તેમણે બીબીસીને કહ્યું હતું, "અગાઉના કુંભમેળા વખતે અમે રૂ. 4,700 કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે અંદાજે રૂ. 6,500 કરોડનો ખર્ચ થશે. ભંડોળના સંદર્ભમાં કોઈ સમસ્યા નથી. કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંતો-મહંતો કુંભમેળા વિસ્તારમાં પહોંચી ગયા છે અને અખાડાઓમાં રોકાયા છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહાકુંભમેળો દર બાર વર્ષે યોજવામાં આવે છે. છેલ્લો કુંભમેળો 2013માં યોજાયો હતો. ત્યાર બાદ 2019માં અર્ધકુંભમેળો યોજાયો હતો. અર્ધકુંભમેળો દર છ વર્ષે યોજાય છે.
આ વખતે મહાકુંભમેળો પોષ મહિનાની પૂર્ણિમાના દિવસથી એટલે કે 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 45 દિવસ સુધી ચાલશે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના રોજ તેનું સમાપન થશે.
કુલ 45 દિવસમાંથી છ દિવસોને ભક્તો દ્વારા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એ દિવસોમાં ત્રિવેણીસંગમ ખાતે શાહી સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુઓ આવશે તેવો અંદાજ છે.
સામાન્ય ભક્તો ઉપરાંત વીઆઇપી, નાગા સાધુઓ, અન્ય સંતો, મહિનાઓ સુધી દીક્ષાનું પાલન કરતા કલ્પવાસીઓ, પીઠાધિપતિઓ અને મઠાધિપતિઓ તેમાં હાજરી આપશે.
કુંભમેળો દેશમાં ચાર સ્થળે જ શા માટે યોજવામાં આવે છે તેની માહિતી તેલુગુ પૂજારી યાદવેલ્લી ચંદ્રશેખર પ્રવીણ શર્માએ બીબીસીને આપી હતી.
તેઓ છેલ્લાં 12 વર્ષથી પ્રયાગરાજમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ચાર સ્થળોએ જ કુંભમેળો યોજવા બાબતે પુરાણોમાં અલગ-અલગ કથાઓ પ્રચલિત છે.
તેમણે કહ્યું હતું, "સામવેદ અને અથર્વવેદમાં જણાવ્યા મુજબ, દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું ત્યારે અમૃત બહાર આવ્યું હતું. જયંત નામના કાગડાએ તેને મોંમાં લઈને પૃથ્વીની પરિક્રમા કરી હતી."
"એવું કહેવાય છે કે અમૃતકુંભમાંથી ચાર ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યાં હતાં. તેથી આ ચાર સ્થાનો ખાસ છે," એમ પ્રવીણ શર્માએ કહ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ, બીજી કથા એવી છે કે દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધ દરમિયાન કુંભમાંથી ચાર ટીપાં, ચાર જગ્યાએ પડ્યાં હતાં.
આવી જ કથા હોવાનું મથુરાના પૂજારી ધનંજયદાસે પણ જણાવ્યું હતું. જોકે, કાગડાએ નહીં, પરંતુ ગરુડ અમૃતનાં ટીપાં પોતાના મોંમાં લઈને ઊડ્યું હોવાનું ધનંજયદાસે જણાવ્યું હતું.

મહાકુંભ મેળો દર બાર વર્ષે જ શા માટે યોજાય છે? આ વિશે ચંદ્રશેખર પ્રવીણ શર્માએ સમજાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "આપણા માટે એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ દેવતાઓનો એક દિવસ એક વર્ષનો હોય છે. પુરાણો અનુસાર પક્ષીએ બાર દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરી હતી. તેથી મહાકુંભમેળો દર બાર વર્ષે યોજવામાં આવે છે."
કુંભમેળો ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર યોજાય છે. સરસ્વતી નદી ભૂગર્ભમાં વહેતી હોવાનું વિદ્વાનો કહે છે.

પ્રયાગરાજમાં ત્રિવેણીસંગમ ખાતે વિશેષ ઘાટ બનાવવામાં આવ્યો છે. અહીં પહોંચવા માટે લગભગ ત્રણ-ચાર કિલોમીટર પ્રવાસ કરવો પડે છે.
લોકો ત્રિવેણીસંગમમાં સ્નાન કર્યા પછી વસ્ત્રો બદલી શકે, એટલા માટે ઉત્તર પ્રદેશ સરકારે ત્રિવેણીસંગમ વિસ્તારમાં ફ્લોટિંગ ચૅન્જિંગ રૂમની વ્યવસ્થા કરી છે.
ફ્લોટિંગ રૂમ્સનું નિર્માણ કરતી દાસ ઍન્ડ કુમાર કંપનીના ભાગીદાર યશ અગ્રવાલે કહ્યું હતું, "અમે 12 જેટી પર સામાન્ય ભક્તો તેમજ વીઆઇપીઓ માટે ચૅન્જિંગ રૂમ બનાવી રહ્યા છીએ. ભક્તો જેટી પર પહોંચી, પગથિયાં ઊતરીને નદીમાં પહોંચી શકશે. પછી સ્નાન કરીને ફરી જેટી પર આવીને કપડાં બદલી શકશે."
આ ઉપરાંત રાજ્ય સરકારે સંગમના કિનારા પર પણ હંગામી ચૅન્જિંગ રૂમ્સ બનાવ્યા છે.
કુંભમેળા વિસ્તારમાં જમીનને સમતળ કરવાનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. ફ્લોટિંગ બ્રિજ બનાવવાનું કામ પણ ચાલુ છે.
ગત કુંભમેળામાં 22 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે 30 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
માત્ર પગપાળા જતા લોકો જ નહીં, પરંતુ પાંચ ટન વજનવાળાં વાહનો પણ આવા બ્રિજ પરથી પસાર થઈ શકશે.

રાજ્ય સરકાર કુલ 488 કિલોમીટરના માર્ગો બનાવી રહી છે. એ પૈકીના કેટલાક માર્ગો નદી પર જ બનાવવામાં આવ્યા છે.
વાહનો રેતીમાં અટવાઈ ન જાય એટલા માટે લોખંડની 2.69 લાખ ચેકર્ડ પ્લેટ્સ રસ્તાઓ પર નાખવામાં આવી છે.
જમીન સમતળ કરવા ઉપરાંત નદીમાં રેતીની થેલીઓ ગોઠવવાની કામગીરી પણ ચાલી રહી છે. માટી ઉપાડવાનું અને ડમ્પિંગનું કામ જેસીબી મશીનો સવારથી રાત સુધી કરતાં રહે છે.
ટેન્ટ સિટીમાં ટેન્ટનું નિર્માણકાર્ય અધૂરું છે.
ત્રિવેણીસંગમની આસપાસના 4,000 હેક્ટર વિસ્તારમાં કુંભમેળાસંબંધી વ્યવસ્થા કરવામાં આવી છે.
કુંભમેળાના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જમીનની ફાળવણી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે કરવામાં આવી છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "અમે 4,000 હેક્ટર જમીન સમથળ કરી છે. તે અખાડાઓષ દાંડીવાડા, આચરવાડા, શંકરાચાર્યો અને મહામંડલેશ્વર સહિતની વિવિધ સંસ્થાઓને મફતમાં ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા ત્યાં તંબુ અને પાણી તથા વીજળીના જોડાણ જેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે."
તેમના કહેવા મુજબ, 1850 હેક્ટરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

2019માં યોજાયેલા અર્ધકુંભમેળામાં 80,000 ટેન્ટ્સ (તંબુ) બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે 1.60 લાખ ટેન્ટ બનાવવામાં આવ્યા છે.
ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટી નામે કામચલાઉ આવાસ બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ પ્રવાસનવિભાગ અને આઇઆરસીટીસી સહિતની 11 ખાનગી સંસ્થાઓ ટેન્ટ્સનું નિર્માણ કરી રહી છે.
પ્રવાસનવિભાગ દ્વારા ડોર્મેટરી, ડબલ બેડરૂમ વિલા, સિંગલ બેડરૂમ, મહારાજા કૉટેજ વગેરે નામે બુકિંગ ઑફર કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે તેમાં પલંગ, એટેચ્ડ બાથરૂમ, સોફા અથવા ખુરશી અને જમવાની સુવિધાનો સમાવેશ થાય છે.
અખાડાઓ માટેના ટેન્ટ્સનું નિર્માણ પરંપરાગત રીતે સ્ટ્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
અહીં રૂ. 1,500થી માંડીને રૂ. 1.10 લાખ સુધીના દૈનિક ભાડા પર ટેન્ટ્સ ઉપલબ્ધ હશે.
ડોમ સિટી નામના સ્થળે નિર્મિત ટેન્ટ્સનું દૈનિક ભાડું રૂ. 1.10 છે.
પ્રવાસનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિશેની વધુ વિગત તેમની વેબસાઇટ https://kumbh.gov.in/en/Wheretostaylist પર ઉપલબ્ધ છે.

ઇમેજ સ્રોત, Getty Images

કુંભમેળાની શરૂઆત પહેલાં યમુના અને ગંગા નદીમાં કચરો તથા ગંદકી જોવા મળી રહ્યાં છે. ભક્તોએ ફેંકેલાં ફૂલો અને પૂજાનો અન્ય કચરો ત્રિવેણીસંગમ ઘાટ પર જોવા મળી રહ્યો છે. સફાઈ કામદારો નદીની સફાઈ કરતા જોવા મળે છે.
વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે નદીમાં કચરો ન જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. નૅશનલ ગ્રીન ટિરીબ્યુનલના નિર્દેશો અનુસારનાં તમામ પગલાં નદીની સફાઈ માટે લેવામાં આવી રહ્યાં છે.
કેશવપ્રસાદ મૌર્યના જણાવ્યા મુજબ, સ્વચ્છતામાં સુધારા સંબંધે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું, "આ વખતે અમે મહાકુંભમેળાને દિવ્ય-ભવ્ય ડિજિટલ કુંભમેળો કહી રહ્યા છીએ. અમે દોઢ લાખ શૌચાલયો બનાવી રહ્યા છીએ. પર્યાવરણની સુરક્ષાની સાથે સાથે અમે સિંગલ યૂઝ પ્લાસ્ટિકને દૂર કરવાના પગલાં પણ લઈશું. અમે ચૅટ બોટ બનાવ્યા છે, જે 11 ભાષાઓમાં ઉપલબ્ધ છે."

વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું હતું કે મહાકુંભમેળામાં સુરક્ષા માટે 50,000 પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું, "અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત 2,700 સીસીટીવી કૅમેરા લગાવ્યા છે. એ બધા કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલા છે. એ ઉપરાંત ભક્તોની હિલચાલ અને મેળાનાં સ્થળો પર પણ અમે સતત નજર રાખી રહ્યા છીએ."
અધિકારીઓના જણાવ્યા મુજબ, 100 મીટરની ઊંડાઈ સુધી જઈ શકતા અન્ડરવૉટર ડ્રોન્સ વડે પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
બધા પોન્ટુન બ્રિજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. બધા પોન્ટુન બ્રિજ વન-વે છે.
છેલ્લા એક વર્ષમાં સંગમ તરફના રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હોવા છતાં ટ્રાફિકની સમસ્યા ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
રસ્તાઓ પર વાહનવ્યવહાર થંભી જાય છે અને વાહનચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પ્રયાગરાજના રહેવાસીઓનું કહેવું છે કે મહાકુંભમેળા દરમિયાન સમસ્યાઓ વધી શકે છે.
વિવેક ચતુર્વેદીએ કહ્યું હતું, "પબ્લિક ટ્રાન્સપૉર્ટ માટે 5,000થી 6,000 બસ હશે. લોકોની અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. ઍરપૉર્ટ પરનું નવું ટર્મિનલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અમે કુલ 67,000 એલઇડી લાઇટ્સ લગાવી રહ્યા છીએ."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)















