ગુજરાતનો સમાન નાગરિક સંહિતા કાયદો ઉત્તરાખંડ કરતાં કેટલો અલગ હોઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા સંદર્ભે પાંચ સભ્યોની સમિતિ બનાવવાની જાહેરાત કરી છે, જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ કરશે.
આ સમિતિ સંબંધિત પક્ષકારો, ધર્મગુરુઓ, હિતધારકો અને લોકો સાથે મળીને તેમના સૂચનો સાંભળીને 45 દિવસમાં પોતાનો અહેવાલ સુપ્રત કરશે. એ પછી રાજ્ય સરકાર તેના ઉપર વિચાર કરશે.
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત વિપક્ષે રાજ્ય સરકારની જાહેરાતને ચૂંટણીલક્ષી ગણાવીને તેનો વિરોધ કર્યો છે.
કેન્દ્રમાં લાગુ કરતા પહેલાં રાજ્યોમાં લાગુ કરવા પાછળ ભાજપની વ્યૂહરચના જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભાજપશાસિત ઉત્તરાખંડે યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે. જોકે ગુજરાતમાં તેનું સ્વરૂપ અલગ હોય શકે છે. આ સિવાય ભારતના અન્ય એક રાજ્યમાં સ્થાપના સમયથી જ તે લાગુ છે.

ઉત્તરાખંડનો યુસીસી કાયદો

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા કાયદામાં લગ્ન અને છૂટાછેડા, વારસો, લિવ-ઇન સંબંધો અને મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યુસીસી પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્ન માટે લઘુત્તમ ઉંમર પણ નક્કી કરે છે. આ સાથે, તે બધા ધર્મોમાં છૂટાછેડા અને અન્ય પ્રક્રિયાઓને અસર કરે છે. આ કાયદો બહુપત્નીત્વ પર પણ પ્રતિબંધ મૂકે છે.
આ કાયદા હેઠળ, લગ્ન ફક્ત એવા બે પક્ષો વચ્ચે જ માન્ય છે જેમના જીવનસાથી જીવિત ન હોય, બંને કાનૂની સંમતિ આપવા માટે માનસિક રીતે સક્ષમ હોય, પુરુષની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન અને છૂટાછેડા અને લિવઇન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મંગળવારે પત્રકારપરિષદ દરમિયાન ઉત્તરાખંડના યુનિફૉર્મ સિવિલ કોડને (યુસીસી) 'ઉત્તમ અને મૉડલરૂપ' ગણાવ્યો હતો. ત્યારે ઉત્તરાખંડના યુસીસીની મુખ્ય જોગવાઈઓ ઉપર નજર કરીએ તો :
લગ્ન ધાર્મિક રિવાજો અથવા કાનૂની જોગવાઈઓ અનુસાર થઈ શકે છે, પરંતુ 60 દિવસની અંદર લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
સરકારી નિવેદન મુજબ, 26 માર્ચ, 2010 પહેલાં રાજ્યની અંદર કે બહાર થયેલાં કોઈપણ લગ્ન અને બંને પક્ષો સાથે રહેતા હોય અને કાયદેસર રીતે લાયક હોય, તો કાયદાના અમલની તારીખથી છ મહિનાની અંદર લગ્નની નોંધણી કરાવી શકાય છે.
કોઈપણ સૈનિક અથવા વાયુસેના, નૌકાદળના કર્મચારીઓ જે લડાઈમાં સામેલ હોય, તેઓ એક વિશેષાધિકૃત વસિયતનામું બનાવી શકે છે, જેના માટે નિયમોમાં થોડી હળવાશ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા અધિનિયમ, 2024ને ઉત્તરાખંડ સરકાર લાગુ કરશે, જે વસિયત ઉત્તરાધિકાર હેઠળ વસિયત કરવા અને તેને રદ કરવા માટે સુવ્યવસ્થિત માળખું સ્થાપિત કરશે.
આ કાયદા મુજબ, જો પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ હોય, તો તેઓ તેના માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે, જેનો ઉકેલ કાયદાના આધારે લાવવામાં આવશે.
આ ઉપરાંત, પરસ્પર સહમતિથી છૂટાછેડાના કિસ્સામાં પણ કોર્ટનો સંપર્ક કરવો પડશે.
યુનિફૉર્મ સિવિલ કોડમાં લિવ-ઇનનો જોગવાઈ પણ 'ઈન'
ઉત્તરાખંડના યુસીસીમાં પ્રથમ વખત લિવ-ઇન રિલેશનશિપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે મુજબ સાથે રહેતા અથવા રહેવાની તૈયારી કરી રહેલા લોકો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. જે લોકો લિવ-ઇન રિલેશનશિપમાં છે તેમણે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ તેની જાહેરાત કરવી પડશે.
આ સાથે, ઉત્તરાખંડનો કોઈપણ નાગરિક જો અન્ય કોઈ રાજ્યમાં નિવાસ કરતો હોય તો પણ તે પોતાના જિલ્લામાં લિવ-ઇન રિલેશનશિપ વિશે માહિતી આપી શકે છે. લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલાં બાળકોને પણ કાયદેસર બાળકો જાહેર કરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત, એવા લોકોના લિવ-ઇન રિલેશનશિપ માન્ય ન હોઈ શકે જેઓ સગીર છે, પહેલાંથી જ પરિણીત છે અથવા બળજબરીથી કે છેતરપિંડી આચરી રહ્યા છે.
21 વર્ષથી ઓછી ઉંમરના લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુવાન અને યુવતીના પરિવારના સભ્યોને આ અંગે અગાઉથી જાણ કરવી જરૂરી રહેશે.
જો કોઈ યુવાન અને યુવતી એક મહિનાથી વધુ સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે અને તેણે તેની જાણ કરી નથી, તો તેમને ત્રણ મહિના સુધીની જેલ અથવા 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
લિવ-ઇન રિલેશનશિપનો અંત લાવવાના કિસ્સામાં પણ તેની જાણ કરવી પડશે.
ઉત્તરાખંડ કરતાં અલગ હશે ગુજરાતનું બિલ?

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp
ઉત્તરાખંડ વિધાનસભાની 70 બેઠક છે, જેમાંથી 55 બેઠક બિનઅનામત છે, 12 સીટ અનુસૂચિત જાતિ તથા ત્રણ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
ગુજરાતની 182 બેઠકોમાંથી 13 બેઠક એસસી તથા 27 બેઠક એસટી સમુદાય માટે અનામત છે. એસટી સમાજની વસતિ લગભગ 14 ટકા જેટલી છે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારપરિષદ દરમિયાન બંધારણને 'ધર્મગ્રંથ' ગણાવીને સમાનતા લાવવાની વાત કહી હતી. જોકે, એજ બેઠકમાં સંઘવીએ આદિવાસી સમાજની ચિંતાઓને ધ્યાને લેવાની વાત પણ કરી હતી.
જેને ધ્યાને લેતા ઉત્તરાખંડના યુસીસીની સરખામણીએ ગુજરાતના ધારામાં આદિવાસી સમાજ ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે તેવી શક્યતા છે.
ગુજરાતના અલગ-અલગ શહેરોના કેટલાક વિસ્તારોમાં 'અશાંત ધારો' લાગુ છે. જે મુજબ, કોઈ એક ધર્મની વ્યક્તિ (ચાહે તે હિંદુ હોય કે મુસ્લિમ) તેણે અન્ય ધર્મની બહુમતીવાળા વિસ્તારમાં ઘર કે સંપત્તિ ખરીદવા માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે છે.
આ પ્રક્રિયા ખૂબ જ લાંબી અને જટિલ હોય ચોક્કસ વિસ્તારમાં એક જ ધર્મના લોકો જોવા મળે છે અને તેમની બહુમતી હોય છે.
સંઘવીએ મંગળવારની પત્રકારપરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે યુસીસી અને અશાંત ધારો અલગ-અલગ મુદ્દા છે. આ સિવાય કરપ્રણાલી માટેના હિંદુ અવિભક્ત કુટુંબની સાથે પણ કોઈ છેડછાડ નહીં થાય તેવા અણસાર આપ્યા હતા.
ગુજરાતમાં યુનિફૉર્મ સિવિલ કોડ માટેની કમિટીમાં કોણ-કોણ છે

ઇમેજ સ્રોત, Social Media
ગુજરાત સરકારે જાહેર કરેલી સમિતિમાં બે મહિલા અને ત્રણ પુરુષો એમ કુલ પાંચ સભ્ય છે.
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ
પાંચ સભ્યોની સમિતિનાં અધ્યક્ષા જસ્ટિસ (રિટાયર્ડ) રંજના પ્રકાશ દેસાઈ છે. તેમનો જન્મ વર્ષ 1949માં થયો છે. તેમણે તત્કાલીન બૉમ્બેની ઍલ્ફિનસ્ટોનમાંથી બીએ (1970) અને સરકારી કૉલેજમાંથી એલએલબીનો (1973) અભ્યાસ કર્યો.
જસ્ટિસ રંજના દેસાઈના પિતા એસ.જી. સામંત વિખ્યાત ક્રિમિનલ લૉયર હતા. જસ્ટિસ પ્રકાશના હાથ નીચે નાગરિક તથા ફોજદારી કેસોની તાલીમ લીધી.
એ પછી તેમની સરકારી વકીલ (1979) અને સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યુટર (1986) તથા બૉમ્બે હાઈકોર્ટમાં સરકારી વકીલ (1995) બન્યાં.
વર્ષ 1996માં રંજના દેસાઈની નિમણૂક બૉમ્બે હાઈકોર્ટના જજ તરીકે થઈ. એ પછી વર્ષ 2011માં તેઓ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ બન્યાં અને વર્ષ ઑક્ટોબર-2014માં નિવૃત્ત થયાં.
ઉત્તરાખંડ સરકારની યુસીસી કમિટીનાં પણ તેઓ જ વડાં હતાં.
સી.એલ. મીણા
સી. એલ. મીણા લાઇમલાઇટથી દૂર નરેન્દ્ર મોદી અને ભાજપના 'સંકટમોચક સનદી સાહેબ' રહ્યા છે. નિવૃત્તિ પછી વર્ષ 2012માં તેઓ ગુજરાત સિવિલ સર્વિસીઝ ટ્રિબ્યૂનલના અધ્યક્ષપદે નિમાયા.
એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે આ એ ગાળો હતો કે જ્યારે અનેક સનદી અધિકારીઓ રાજ્યની મોદી સરકાર સામે પડ્યા હતા. તેઓ વર્ષ 2017 સુધી આ પદે રહ્યા.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગને દુરસ્ત કરવા તથા તેમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચાર સભ્યોની સમિતિ નિમવામાં આવી હતી, જેણે જમીનોના વર્ગીકરણ અંગે સૂચનો પણ આપ્યાં. આ કમિટીના અધ્યક્ષ સી.એલ. મીણા હતા.
તેઓ ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ્સ ઑથૉરિટીના ચૅરમૅન પણ છે.
રતનલાલ છનાલાલ કોડેકર
આર.સી. કોડેકર અમદાવાદસ્થિત વકીલ છે. તેમનો જન્મ અમદાવાદના છારાનગર વિસ્તારમાં થયો હતો. તેઓ છારા સમાજમાંથી આવે છે. જેનો સમાવેશ ડિનૉટિફાઇડ ટ્રાઇબ તરીકે કરવામાં આવ્યો છે.
તેઓ આસારામ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હતા. આ સિવાય તેઓ ગોધરાકાંડ પછીનાં રમખાણોના કેસમાં સીબીઆઈના વકીલ તરીકે પણ અદાલતમાં હાજર રહ્યા હતા.
કોડેકરે નવનિર્માણ આંદોલન સમયે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી અને લગભગ બે-એક મહિના પહેલાં જ તેમના પદ પરથી નિવૃત્ત થયા હતા.

ઇમેજ સ્રોત, ANI
ગીતા શ્રૉફ
ગીતા દીપક શ્રોફ સુરતસ્થિત મહિલા અને બાળ કર્મશીલ છે. તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો છે. તેઓ લગભગ 30 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. ગીતા શ્રૉફ ગુજરાતની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પરામર્શક હતાં.
તેઓ પોલીસ, અદાલત તથા સ્વૈચ્છિક સંસ્થાઓમાં છૂટાછેડા લેવા માગતાં દંપતીઓ સાથે પરામર્શન કરે છે અને મૉટિવેશનલ સ્પીકર પણ છે.
તેઓ અપમૃત્યુ નિવારણ સહાય (અનિસ) નામની સંસ્થાનાં વડાં છે. જે મહિલાનાં લગ્નને 10 વર્ષ કરતાં ઓછો સમય થયો હોય અને તે આપઘાત કરે તો મૃત્યુસ્થળનું વીડિયો શૂટિંગ કરાવવાની ચળવળ હાથ ધરી હતી. આગળ જતાં રાજ્ય સરકારે તમામ જિલ્લામાં તેનું અમલીકરણ કરાવડાવ્યું હતું.
ગીતાબહેને વર્ષ 2005માં સુરત પોલીસમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા અભિયાન હાથ ધર્યું હતું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજકોટ, વડોદરા, અમદાવાદ, વલસાડ અને નવસારીમાં પણ આ પ્રકારના અભિયાન કર્યાં.
નરેન્દ્ર મોદી ઉપર કન્નડ ભાષામાં પ્રકાશિત પુસ્તકનું 'નરકેસરી નરેન્દ્ર મોદી' તરીકે અનુવાદ કરાવવાનો પ્રોજેક્ટને તેમણે લીડ કર્યો હતો.
સમિતિમાં સમાવેશ બાદ ગીતાબહેને વીડિયો નિવેદન બહાર પાડીને નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે 'યુસીસી હોય તો મહિલાઓને સાનુકૂળતા રહે.'
ડૉ. દક્ષેશ ઠાકર
દક્ષેશ ઠાકર લગભગ ચાલીસેક વર્ષથી શિક્ષણક્ષેત્રે સંકળાયેલા છે. ઠાકરે સાહિત્યમાં પીએચડી કર્યું છે.
ડૉ. દક્ષેશ રસિકલાલ ઠાકર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટના પ્રૉ-વાઇસ ચાન્સેલર તથા વાઇસ ચાન્સેલરપદે રહ્યા છે.
હાલમાં તેઓ સુરતસ્થિત વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ (શૈક્ષણિક બાબતોના વડા) છે. યુનિવર્સિટીનું ગાન પણ તેમણે જ લખ્યું છે.
UCC પાછળ ભાજપની ગણતરી

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરાખંડમાં ભાજપશાસિત સરકારે યુસીસી લાગુ કરી દીધો છે. ગુજરાતે સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી યુતિસરકારે યુસીસી લાગુ કરવાની વાત કરી છે, પરંતુ એ દિશામાં નક્કર પ્રગતિ નથી કરી.
ભાજપની સ્થાપના સમયથી જ રામજન્મભૂમિ અને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ની નાબૂદીની સાથે યુનિફૉર્મ સિવિલ કોડ પણ તેના માટે વૈચારિક મુદ્દો રહ્યો છે.
જોકે, તેને કેન્દ્રીય કાયદા દ્વારા દેશવ્યાપી લાગુ કરવાના બદલે ભાજપના પ્રભુત્વવાળાં રાજ્યોમાં લાગુ કરવા પાછળ પાર્ટીની વ્યૂહાત્મક ગણતરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી તથા ગાંધીનગરની બેઠક ઉપરથી સંસદસભ્ય અમિત શાહ અનેક વખત સાર્વજનિક મંચ પરથી કહી ચૂક્યા છે કે પહેલાં રાજ્ય સરકારો દ્વારા યુસીસી લાગુ કરવામાં આવશે તો તેની સામે જે લોકોને વાંધો હશે, તેઓ અદાલતમાં તેને પડકારશે અને તેની 'ન્યાયિક મીમાંસા' થઈ જશે.
હવે ગુજરાતમાં કમિટીની રચના બાદ જે રિપોર્ટ તૈયાર થશે તેના આધારે ગુજરાતના સમાન નાગરિક ધારાનો મુસદ્દો ઘડવાની તજવીજ હાથ ધરાશે.
મંગળવારની પત્રકાર પરિષદમાં સંઘવીએ કહ્યું હતું કે સમિતિ તેનો રિપોર્ટ આપશે, એટલે ગુજરાત સરકાર તેના ઉપર 'યોગ્ય નિર્ણય' લેશે.
સામાન્ય રીતે આ પ્રકારનો રિપોર્ટ કૅબિનેટ સમક્ષ રજૂ થતો હોય છે અને તેને વિધાનસભામાં રજૂ કરવા અંગે વિચાર થતો હોય છે.
ઉલ્લેખનીય છે કે ગોવામાં સ્થાપના સમયથી જ યુસીસી લાગુ છે, કારણ કે ત્યાં પૉર્ટુગલના સમાન કાયદા હેઠળ શાસન ચાલતું હતું અને ભારતમાં ભળ્યા બાદ પણ તે કલેવર જળવાઈ રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













