'વજનને લીધે જૂતાં ફાટી જતાં, કપડાં મોંઘાં પડતાં', 10 મહિનામાં 125 કિલો વજન કેવી રીતે ઉતાર્યું?

અફઘાનિસ્તાન જલાલાબાદમાં રહેતા એક યુવકનું શાળાનું શિક્ષણ પૂરું થયું. તેના મિત્રો હવે કૉલેજના શિક્ષણની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ યુવક માટે કૉલેજ જવાની તૈયારી કરવી મુશ્કેલ હતી. તેનું કારણ હતું તેનું વજન.
કુદરતુલ્લા નામના આ યુવકનું વજન એટલું વધારે હતું કે શાળાના ક્લાસરૂમમાં બૅન્ચ કે ખુરસી પણ તેના માટે નાની હતી.
કુદરતુલ્લાએ જણાવ્યું હતું કે, "હું એવુંજ વિચારતો હતો કે જ્યારે મારું વજન વધારે છે ત્યારે હું કૉલેજ કેવી રીતે જઈ શકું ? પણ પછી મેં વિચાર્યું કે હું કૉલેજ જઈશ તો પણ શું ફેર પડી જશે?"
તે સમયે કુદરતુલ્લાનું વજન 216 કિલો હતું અને તેમની ઊંચાઈ 180 સેન્ટીમીટર હતી. તેમની કંમરનો પરિઘ 147 સેન્ટમીટર હતો. અને તેમનું બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) 67 હતું.
30થી વધારે બીએમઆઈ ધરાવતી વ્યક્તિને મેદસ્વી માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આઠમાંથી એક વ્યક્તિનું બીએમઆઈ 30થી વધારે હતું.
પરંતુ એક વર્ષ પહેલાં કુદરતુલ્લાએ વજન ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ 10 જ મહિનામાં તેઓ એક ફિટ અને સ્વસ્થ યુવાન બની ગયા હતા.
વજનને કારણે કેટલી મુશ્કેલી થઈ?

કુદરતુલ્લા જ્યારે 13-14 વર્ષના હતા ત્યારે તેમનું વજન વધવા લાગ્યું હતું. પણ સમય જતાં વજન એટલી હદે વધી ગયું હતું કે શાળાનું શિક્ષણ પૂરું થયું ત્યાર સુધીમાં તેઓ તેમના મિત્રો કરતા અનેક ગણા વધુ વજન ધરાવતા હતા.
તેમણે જણાવ્યું કે, "મેં ક્યારેય કોઈ એવી વ્યક્તિને જોઈ નથી જે મારાથી જાડી હોય. જાડા હોવાને કારણે મારી જિંદગી ખૂબ જ મુશ્કેલ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે કામ બાકી લોકો માટે સરળ હોય હતા એ મારા માટે ઘણાં મુશ્કેલ હતા.
કુદરતુલ્લા અનુસાર તેઓ તેમના રોજિંદાં કાર્યો પણ કરી શકતા નહોતા.
કુદરતુલ્લાનું વજન એટલું વધારે હતું કે તેઓ ગંભીર સ્થૂળતાની કૅટેગરીમાં આવતા હતા. તેમના રોજિંદા જીવન પર તેની અસર થવા લાગી હતી.
કુદરતુલ્લા કહે છે કે,"હું સ્વિમિંગ, ક્લાઇમ્બિંગ જેવું કોઈ કામ કરી શકતો ન હતો. મારા માટે તો ચાલવું પણ મુશ્કેલ હતું."
કુદરતુલ્લાએ પોતાના વજનને કારણે બીજા કરતાં વધુ રીક્ષાભાડું ચૂકવવું પડતું હતું.
કુદરતુલ્લાને તેમનાં માપનાં કપડાં કે બૂટ-ચપ્પલ મળતાં ન હતાં. કુદરતુલ્લા કહે છે, "મારા બૂટ મારું વજન સહન નહોતા કરી શકતા અને ફાટી જતા. મારાં કપડાં પણ ફાટી જતાં."
કુદરતુલ્લાને વસ્ત્રો સીવડાવવા માટે નવ મીટર કાપડ જોઈતું, જેના કારણે બીજા લોકો તેમની ઠેકડી ઉડાવતા.
કુદરતુલ્લા કહે છે, "લોકો પીઠ પાછળ મારી મજાક ઉડાવતા. એટલે મેં ક્યાંય પણ આવવા જવાનું બંધ કરી દીધું હતું."
વજન ઘટાડવાનું કેવી રીતે નક્કી કર્યું

કુદરતુલ્લાના વજનની અસર તેમના આરોગ્ય પર પણ પડવા લાગી હતી. તેમને ડાયાબિટીસ થઈ ગયું અને કૉલેસ્ટ્રૉલનું સ્તર પણ વધી ગયું હતું. તેમને હાઈ બ્લડપ્રેશર પણ હતું.
કુદરતુલ્લા કહે છે, "મને ઊંઘવા માટે માથાંની નીચે બે તકિયાની જરૂર પડતી અને ઘણીવાર બેઠાબેઠા સૂવું પડતું."
આ તબક્કે તબીબોએ તેમને વજન ઘટાડવાની સલાહ આપી. કુદરતુલ્લાને આ તબક્કે મોટાભાઈ હેવાદ ખાનમાંથી પ્રેરણા મળી.
હેવાદખાનનું વજન એક સમયે 110 કિલોગ્રામ પહોંચી ગયું હતું, જ્યાંથી ઘટાડીને તેમણે 70 કિલોગ્રામ કર્યું હતું.
મોટાભાઈને જોઈને કુદરતુલ્લાને લાગ્યું કે તેઓ પણ વજન ઘટાડી શકે છે. તેમણે જીમ જોઇન કર્યું તથા ટ્રેનર રાખ્યા. જેમણે કુદરતુલ્લાને ડાયટ પ્લાન આપ્યો.
કુદરતુલ્લાના ડાયટે કમાલ કરી

કુદરતુલ્લાએ ડાયટ પ્લાનને અનુસરતા તૈલી પદાર્થો, ઠંડાપીણાં, ચોખા અને માંસનો ત્યાગ કર્યો.
આ સાથે જ તેમણે સફેદ ઈંડાં, બાફેલાં ચિકન બ્રૅસ્ટ, ફિશ અને જવની રોટલી ખાવાનું શરૂ કર્યું.
કુદરતુલ્લા કહે છે, "શરૂઆતમાં ખાવાનું ઘટાડવામાં મને ખૂબ જ તકલીફ પડી, કારણ કે હું ખૂબ જ ખાતો હતો. એ પછી મેં ડાયટ પ્લાન શરૂ કર્યો અને ધીમે-ધીમે ટેવાઈ ગયો. આ દરમિયાન મેં પાણી પીવાનું વધારી દીધું હતું."
કુદરતુલ્લા દરરોજ સરેરાશ પાંચ કલાક જીમમાં ગાળતા. તેમની મહેનત રંગ દેખાડવા લાગી હતી. તેમના કપડાં મોટા થવા લાગ્યા.
કુદરતુલ્લાએ 10 મહિનામાં 216 કિલોગ્રામથી 91 કિલો સુધી વજન ઘટાડ્યું. જે તેમના વજન કરતાં અડધું હતું. એક તબક્કે દરરોજ 400 ગ્રામ જેટલું કુદરતુલ્લાનું વજન ઘટતું હતું.
હાલ તેમની વેસ્ટસાઇઝ 86 સેન્ટિમીટર છે તથા બીએમઆઈ 29 પર આવી ગયો છે. આનો મતલબ એ છે કે કુદરતુલ્લા તેમની હાઇટના પ્રમાણમાં ઓવરવેઇટ છે, પરંતુ મેદસ્વી નથી.

મેદસ્વીતા કેટલી ગંભીર સમસ્યા

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનાં આંકડા પ્રમાણે, વિશ્વની દર આઠમાંથી એક વ્યક્તિ મેદસ્વી છે. જેના કારણે ટાઇપ-2 ડાયાબિટીસ તથા હૃદયને લગતી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
સ્થૂળતાની અસર શરીરના હાડકાને તથા પ્રજનનક્ષમતાને પણ થઈ શકે છે. તેના કારણે અમુક પ્રકારના કૅન્સર થવાની શક્યતા પણ વધી જાય છે.
મેદસ્વિતાને કારણે વ્યક્તિની ઊંઘવા, હરફર તથા અવરજવરની ક્ષમતા ઘટી જાય છે, જેની અસર તેના જીવન પર પણ પડે છે.
યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ લોકોને ઉપવાસ નહીં કરવાના તથા દર અઠવાડિયે એક કિલોગ્રામ કરતાં વધુ વજન નહીં ઉતારવાની સલાહ આપે છે.
લંડનસ્થિત ડૉ. ઇબ્રાહિમ દલીલીના કહેવા પ્રમાણે, "કુદરતુલ્લા ખૂબ જ ઓવરવેઇટ હતા. એટલે લાંબાગાળા સુધી સ્વસ્થ રહેવા માટે આ પ્રકારના લોકો કૅલરી લેવાનું ઘટાડે, તે જરૂરી છે."
"ઓવરવેઇટ હોવાની જીવન ઉપર નકારાત્મક અસર થાય છે. એટલે આવા લોકો માટે વજન ઘટાડવું અનિવાર્ય બની રહે છે. કુદરતુલ્લાએ સુનિશ્ચિત કર્યું હતું કે તેમના ખોરાકમાં પ્રોટિન, કૅલરી તથા વિટામીન પૂરતા પ્રમાણમાં હોય. એટલે ડાયટ તથા ઍક્સરસાઇઝની મદદથી તેઓ વજન ઘટાડી શક્યા."
વજન ઘટાડવાથી આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધ્યા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુરતુલ્લાનાં માતા-પિતાને છ સંતાનો છે. દીકરાની સિદ્ધિથી તેમનાં માતા-પિતા પણ ખુશ છે.
કુદરતુલ્લા કહે છે, "હવે હું તદ્દન અલગ વ્યક્તિ છું. મને ખૂબ જ નાની ઉંમરે અનેક બીમારીઓ થઈ ગઈ હતી, એટલે તેઓ મારા માટે ચિંતિત હતા. હવે તેઓ ખુશ છે."
કુદરતુલ્લાને રોજબરોજની નાની જણાતી બાબતોમાં પણ આનંદ મળવા લાગ્યો છે. તેઓ પબ્લિક ટ્રાન્સ્પૉર્ટનો ઉપયોગ કરી શકે છે. રીક્ષામાં આરામથી બેસી શકે છે અને ક્રિકેટ પણ રમી શકે છે.
કુદરતુલ્લા કહે છે, "હવે મારું જીવન અન્ય લોકો જેવું જ સામાન્ય બની ગયું છે. તેથી હું વધારે ખુશ રહું છું. મને મારા માપના બૂટ શોધવામાં મુશ્કેલી નથી પડતી."
કુદરતુલ્લા નર્સિંગનો અભ્યાસ કરીને પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરવા ચાહે છે. કૉલેજ જતાં પહેલાં કુદરતુલ્લા સામે અલગ મુશ્કેલી આવી ગઈ છે. તેમની પાસે કબાટ ભરીને બ્રાન્ડ ન્યૂ કપડાં છે.
કુદરતુલ્લા હરખ સાથે કહે છે, "મારાં જૂનાં કપડાં નકામાં થઈ ગયાં છે. તે કોઈને ફિટ નહીં થાય તેથી કશા કામનાં નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















