પુરુષોને પણ શું પિરિયડ્સ આવે છે, પુરુષોમાં ઍન્ડ્રોપૉઝ એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અહમદ અબ્દુલ્લા
- પદ, બીબીસી આરબ, બૈરૂત
પુરુષોમાં હૉર્મોનલ પરિવર્તનની શક્યતાઓ વિશે સોશિયલ મીડિયા પર ઘણી બધી માહિતી પ્રસારિત થઈ રહી છે. આ હૉર્મોનલ ફેરફારો પુરુષોના વ્યવહાર અને મૂડને અસર કરે છે.
એ નિર્ણાયક રીતે તો સિદ્ધ નથી થયું, પરંતુ, વૈજ્ઞાનિકોનું એક જૂથ માને છે કે, પુરુષોમાં માસિક ધર્મ ચક્ર શક્ય છે. જોકે, એ મહિલા માસિક ધર્મ ચક્ર કરતાં ભિન્ન છે.
તો, આપણે એ વિશે શું જાણીએ છીએ?

યૂનાઇટેડ કિંગ્ડમમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવાની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, ટેસ્ટોસ્ટેરૉન એક સેક્સ હૉર્મોન છે, જે મુખ્યરૂપે પુરુષોના અંડકોષમાં અને મહિલાઆના અંડાશયમાં થોડીક માત્રામાં ઉત્પન્ન થાય છે.
આ હૉર્મોન પુરુષોમાં જાતીય લાક્ષણિકતાના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ કે, માંસપેશીઓમાં વૃદ્ધિ, શરીર પર વાળ ઊગવા અને અવાજ ઘેરો થવો, ઇત્યાદિ.
તે હાડકાંના જથ્થા અને કામેચ્છાને જાળવી રાખવામાં પણ ભાગ ભજવે છે અને શુક્રાણુના ઉત્પાદનમાં મદદ કરે છે.
જોકે, હકીકતમાં પુરુષોમાં માસિક ઋતુસ્રાવ નથી હોતો, પરંતુ કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો એ બાબતની પુષ્ટિ કરે છે કે, ટેસ્ટોસ્ટેરૉનના સ્તરમાં દૈનિક ચડાવઉતાર એક હૉર્મોનલ ચક્ર ઉત્પન્ન કરે છે.
આ સ્થિતિને 'ઇરિટેબલ મૅન સિન્ડ્રોમ' (આઈએમએસ) કહેવામાં આવે છે. આ શબ્દનો ઉપયોગ ત્રીજી સદીની શરૂઆતથી કરવામાં આવી રહ્યો છે અને તેનો વધારેમાં વધારે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, આજ સુધી આ શબ્દને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા માન્યતા આપવામાં નથી આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


35 વર્ષનાં ક્લિનિકલ રિસર્ચ અને લગભગ 10 હજાર પુરુષોની પ્રતિક્રિયાઓના આધારે સંશોધક ઝેડ ડાયમંડે ઇરિટેબલ મૅન સિન્ડ્રોમ નામના એક વિકારનું વર્ણન કર્યું, જે આખા મહિના દરમિયાન પુરુષોના સ્વભાવમાં આવેલા પરિવર્તનનું વર્ણન કરે છે.
તેમના પુસ્તક અનુસાર, સામાન્ય રીતે પુરુષ ક્યારેક-ક્યારેક અવસાદ, ક્રોધ અને ગંભીર ચિંતાથી પીડિત હોય છે, જે તેના સામાજિક અને પારિવારિક સંબંધોમાં સમસ્યા ઊભી કરી શકે છે.
જોકે, પુરુષોમાં હૉર્મોનલ ચડાવઉતારને માન્યતા આપવામાં આવી છે, પરંતુ, 'ઇરિટેબલ મૅન સિન્ડ્રોમ'નો વિચાર વૈજ્ઞાનિકો માટે વિવાદાસ્પદ પણ રહ્યો છે.
કેટલાક સંશોધકો એવો સવાલ કરે છે કે, શું આઇએમએસ વાસ્તવમાં મેડિકલ સ્થિતિ છે? તેમનો તર્ક છે કે સંબંધિત લક્ષણો અન્ય મનોવૈજ્ઞાનિક કે પર્યાવરણીય કારકોનું પરિણામ હોઈ શકે છે. અને, જરૂરી નથી કે હૉર્મોનલ ફેરફારો થાય.
તેનાથી ઊલટું, અન્ય વિશેષજ્ઞો એવું માને છે કે, લક્ષણો સ્પષ્ટ રીતે પુરુષોના મૂડ અને વ્યવહાર પર ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં થતા ઘટાડાની અસર દર્શાવે છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અહીં પુરુષો અને મહિલાઓના હૉર્મોનલ ચક્ર વચ્ચેના ભેદને સમજવો અગત્યનો છે. મહિલાઓમાં રજોસ્રાવચક્ર એક નિયમિત અને આવર્તિત [વારે વારે થતી] શારીરિક પ્રક્રિયા છે, જે લગભગ દર 28 દિવસે થાય છે અને પ્રજનનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
રજોસ્રાવચક્રનો દરેક તબક્કો ગર્ભાવસ્થા અને પ્રસવની સંભાવનાઓને સીધી અસર કરે છે; કેમ કે, તેમાં ગર્ભાશયને બીજાંડ [બીજનું અંડ રૂપ] માટે તૈયાર કરવું અને એક ફળદ્રુપ અંડ પ્રાપ્ત કરવાનું સામેલ હોય છે. તેથી, આ ચક્રની નિયમિતતા અને આરોગ્ય મહિલાની ગર્ભધારણક્ષમતા સાથે સંકળાયેલાં હોય છે.
તેનાથી વિપરીત, પુરુષોમાં હૉર્મોનલ પરિવર્તન મૂળભૂત રીતે જુદું હોય છે.
પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર દૈનિક પ્રક્રિયાનું પાલન કરે છે, જે સવારે એના ચરમ પર હોય છે અને આખા દિવસ દરમિયાન ધીમે ધીમે ઘટતું જાય છે.
આ દૈનિક વધઘટ સીધી રીતે પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય સાથે સંબંધિત નથી અને માસિક ઋતુચક્ર તેમની પ્રજનનક્ષમતાને એ રીતે અસર નથી કરતું જે રીતે મહિલાઓને અસર કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, મહિલાઓમાં માસિક રજોસ્રાવ પ્રજનનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, જ્યારે પુરુષોમાં હૉર્મોનલ પરિવર્તનની સીધી અસર નથી થતી.
લૈંગિક ભિન્નતાના જૈવિક સંદર્ભમાં ભેદ કરવા માટે આ મૂળભૂત અંતર આવશ્યક છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, પુરુષો અને મહિલાઓમાં હૉર્મોનલ ફેરફારની પ્રકૃતિ અને ભૂમિકાઓ સંપૂર્ણ રીતે જુદી જુદી હોય છે.

સેક્સૂઅલ હેલ્થ અને યુરોલૉજીના સલાહકાર ડૉ. યમન અલ-તાલે એક ઇન્ટરવ્યૂમાં બીબીસીને જણાવ્યું કે, "હૉર્મોનલ પરિવર્તન દરરોજ થઈ શકે છે; કેમ કે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સામાન્ય રીતે સવારે સર્વાધિક હોય છે, પછી દિવસનો સમય પસાર થવા સાથે તે ઘટતું જાય છે. તે ધીરે ધીરે વધે છે અને ધીરે ધીરે ઘટે છે."
ડૉ. તાલનું કહેવું છે કે, આ વધ-ઘટનો ઉપયોગ વ્યક્તિગત પર્ફૉર્મન્સને સુધારવા માટે કરી શકાય છે અને આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં 'બાયોહૅકિંગ' કહેવામાં આવે છે.
તેમણે કહ્યું, "જો કોઈ પુરુષ સમજી જાય કે તેનું શરીર કઈ રીતે કામ કરે છે, તો તે પોતાના હૉર્મોનમાં થતા ફેરફારનો લાભ ઉઠાવી શકે છે."
ઉદાહરણ તરીકે, ડૉક્ટર સલાહ આપે છે કે સવારના સમયે જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે હોય ત્યારે સેક્સૂઅલ પર્ફૉર્મન્સ વધુ સારું થઈ શકે છે.
તેમણે કહ્યું, "તણાવ હૉર્મોન, જે પુરુષોને સૌથી વધારે અસર કરે છે તેને કોર્ટિસોલ કહેવામાં આવે છે."
"શરીરમાં ટેસ્ટોસ્ટેરોન અને કૉર્ટિસોલ કોલેસ્ટ્રૉલથી બને છે. જો કોઈ વ્યક્તિ સતત તણાવમાં રહે, ધૂમ્રપાન કરતી હોય અને મોડી રાત્રિ સુધી જાગતી હોય તો મોટા ભાગનું કોલેસ્ટ્રૉલ કૉર્ટિસોલમાં પરિવર્તિત થઈ જાય છે, જેનાથી ટેસ્ટોસ્ટેરોન ઘટી જાય છે."
જોકે, મોટા ભાગના સંશોધકો 'ઇરિટેબલ મૅન સિન્ડ્રોમ'માં માનતા નથી, પરંતુ, કેટલાક સંશોધકો પુરુષોમાં હૉર્મોનલ પરિવર્તન સંબંધિત લક્ષણો વિશે વાત કરે છે; ભલે ને પછી તે દૈનિક હોય કે ઉંમર વધવાની સાથે સંબંધિત હોય.
આ લક્ષણોમાં શારીરિક અને માનસિક લક્ષણોની એક વિસ્તૃત શ્રુંખલા સામેલ છે. જેવાં કે, મૂડ બદલાવો, સામાન્ય થાક, ઓછી કામેચ્છા, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને વજનમાં સામાન્ય વધારો થવો જેવાં શારીરિક પરિવર્તનો.

પુરુષોમાં હૉર્મોનલ ચક્રના ફેરફાર સાથે સંકળાયેલા સૌથી મુખ્ય વિષયોમાંના એકને ઍન્ડ્રોપૉઝ કહેવામાં આવે છે.
આ શબ્દનો ઉપયોગ શારીરિક અને માનસિક લક્ષણોના એક જૂથના વર્ણન માટે કરવામાં આવે છે, જે 40ના દાયકાના અંતે અથવા 50ના દાયકાની શરૂઆતમાં પુરુષોને અસર કરી શકે છે.
યુકે નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) વેબસાઇટ અનુસાર, 'ઍન્ડ્રોપૉઝ' શબ્દ એક એવી સ્થિતિનો નિર્દેશ કરે છે જેનું મીડિયામાં ઘણી વાર મહિલાઓમાં રજોનિવૃત્તિ જેવા હૉર્મોનલ પરિવર્તન તરીકે વર્ણન કરવામાં આવે છે, જેનાથી ખોટી ધારણા ઉદ્ભવે છે.
આ શબ્દ ભ્રામક છે. કેમ કે, તેનાથી જાણી શકાય છે કે તે મધ્યવયના પુરુષો દ્વારા અનુભવાતાં લક્ષણ ટેસ્ટોસ્ટેરોન અચાનક ઘટી જવાના કારણે થાય છે. જોકે, હકીકતમાં આવું નથી.
આ લક્ષણ જીવનની ગુણવત્તા અને રોજિંદા આનંદને અસર કરી શકે છે. તેથી ખોટી ધારણાઓથી બચીને મૂળ કારણોને સાચી રીતે સમજવાની અને તેના ઉકેલ માટે યોગ્ય સમાધાન શોધવાની જરૂર છે.
મહિલાઓમાં રજોનિવૃત્તિથી ઊલટું, પુરુષોમાં હૉર્મોનલ પરિવર્તન ટેસ્ટોસ્ટેરોનમાં અચાનક થતી ઘટ સાથે સંકળાયેલું નથી હોતું. બલકે, તે એક ધીમી પ્રક્રિયા છે, જે 30 વર્ષની ઉંમરે શરૂ થાય છે અને દર વર્ષે 1 ટકાના દરે ઘટે છે.
પુરુષોમાં ઍન્ડ્રોપિયન સાથે સંબંધિત લક્ષણો, જેવાં કે, અવસાદ, કામેચ્છા ઘટવી, સ્થંભનદોષ, મૂડમાં પરિવર્તન અને માંસપેશીઓમાં ક્ષતિ, ઘણી વાર તણાવ અને ચિંતા જેવાં માનસિક કારણો કે ધૂમ્રપાન અને અયોગ્ય આહાર સહિત વિચિત્ર જીવનશૈલી છે.
કેટલાક દુર્લભ કિસ્સામાં, આ લક્ષણ કોઈ તબીબી વિકૃતિઓ [દવાઓની આડઅસર] સાથે પણ સંકળાયેલાં હોઈ શકે છે, જેમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ખૂબ ઘટી જાય છે.
ડૉ. તાલનું કહેવું છે કે, આવી સ્થિતિમાં, "કોઈ વ્યક્તિને, જો આવશ્યક હોય તો, દવાઓ [સપ્લિમેન્ટ્સ] દ્વારા ટેસ્ટોસ્ટેરોન આપવાથી તેની સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે.
તેમણે કહ્યું કે, આ સમસ્યાનું મુખ્ય કારણ વર્તમાન જીવનશૈલી છે – ફાસ્ટ ફૂડ, હાઈડ્રોજનયુક્ત તેલ, વધારે પડતી ખાંડ અને મીઠાનું સેવન, ધૂમ્રપાન અને મોડી રાત્રિ સુધી જાગવું – આ બધાં પરિબળો પુરુષોના હૉર્મોનલ સ્વાસ્થ્યના ઘટાડામાં ઝડપ લાવે છે.
ડૉક્ટર અનુસાર, ઘણા પુરુષોને 40 વર્ષની ઉંમર સુધીમાં આ સમસ્યા વિશે ખબર પડી જાય છે. પરંતુ, તંદુરસ્તી માટેના સફળ પ્રયાસો વીસ વરસની ઉંમર પછી તરત જ શરૂ થઈ જવા જોઈએ.

ડૉ. તાલ કહે છે, "આ મુદ્દા વિશે જાગરૂકતા વધારવી ખૂબ જરૂરી છે. આજે પુરુષોને જે આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમાંની મોટા ભાગની—ચાહે તે શારીરિક હોય કે માનસિક—ટેસ્ટોસ્ટેરોનના સ્તરને અસર કરે છે."
તેઓ જણાવે છે કે, આર્થિક અને સામાજિક ભારણના કારણે યુવાનોમાં ચિંતા, ગભરામણ, અવસાદ, વગેરે જેવી માનસિક બીમારીઓ ટેસ્ટોસ્ટેરોનની તુલનાએ કોર્ટિસોલ હૉર્મોનનું ઉત્પાદન વધારી દે છે.
એક આશ્ચર્યજનક સરખામણી કરતાં તેઓ કહે છે કે, "વર્ષો પહેલાં અમારી પાસે સલાહ લેવા આવનારામાં 40થી 50 વર્ષ સુધીના પુરુષો જ હતા, જેઓ જાતીય સમસ્યાઓથી પીડિત હતા. પરંતુ, આજે અમારા મોટા ભાગના દરદી 30થી ઉપરની વયના યુવાન પુરુષો છે અને તેમની મોટા ભાગની સમસ્યા માનસિક છે, જેની અસર તેમની સેક્સૂઅલ હેલ્થ પર પણ પડે છે."
એટલે કદાચ, આને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનો સમય આવી ગયો છે.
ભલે ને તમે મૂડમાં અચાનક બદલાવનો અનુભવ કરનાર પુરુષો હોવ કે પોતાના સાથીના નાનાં-મોટાં હૉર્મોનલ પરિવર્તનો સામે ઝઝૂમી રહેલી મહિલા હોવ – આ પરિવર્તન તમને પોતાને કે પોતાના સાથીને યોગ્ય રીતે સમજાવવામાં મદદ કરી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












