ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના, વિપક્ષે જાહેરાતને 'ચૂંટણીલક્ષી' ગણાવી

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી છે.

ગુજરાતમાં કૉમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી હોવાની જાહેરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત પત્રકારપરિષદ ભરીને આ માહિતી આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે પત્રકારપરિષદમાં જણાવ્યું કે "રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે."

સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે બનાવેલી કમિટીમાં સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, સિનિયર વકીલ આર.સી. કોડેકર, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી એલ.સી મીણા, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમાવેશ થાય છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે "ભાજપે જે વચનો આપ્યાં છે એનું પાલન કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ યુસીસીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. "

તેમણે વધુમાં કહ્યું કે "45 દિવસમાં યુસીસી કમિટી સરકારને રિપોર્ટ રજૂ કરશે. ત્યાર બાદ સરકાર એનો રિવ્યૂ કરશે અને પછી એના અંગે નિર્ણય લેવાશે."

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

હર્ષ સંઘવીએ કહ્યું કે "આ કાયદાથી સમાજના બધા લોકોને ફાયદો થવાનો છે. અશાંતધારાને યુસીસી સાથે કોઈ સંબંધ નથી."

હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું કે આદિવાસી સમાજના રીતિ-રિવાજોને કોઈ પણ પ્રકારે નુકસાન કરવામાં આવ્યું નથી, યુસીસીના કાયદામાં આદિવાસી સમાજના રીત-રિવાજોનું સંપૂર્ણ સંરક્ષણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં યુસીસી લાગુ કર્યો છે. ઉત્તરાખંડ દેશમાં આ કાયદો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

કૉંગ્રેસ અને આપે જાહેરાતને 'ચૂંટણીલક્ષી' ગણાવી

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

ઇમેજ સ્રોત, amit chavda

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો સરકારની આ જાહેરાત બાદ ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસ અને આપ બંનેએ આ જાહેરાતને 'ચૂંટણીલક્ષી' ગણાવી છે.

કૉંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે "દેશના બંધારણે આપણને સમાન અધિકાર આપ્યા છે. તો ચોક્કસ સમુદાયને કેટલીક છૂટ પણ આપી છે. આ યુસીસીનો જે રીતે પ્રચારપ્રસાર થઈ રહ્યો છે કે આ મુસ્લિમ સમુદાય માટે યુસીસી લાગુ કરવામાં આવશે. પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની છે? મુસ્લિમ સમાજની સાથે ગુજરાતની 14 ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની છે, કેમ કે તેની અલગ પરંપરા છે. તો જૈન સમાજની પણ અલગ પરંપરા છે. તો વિચરતી જાતિની પણ અલગ પરંપરા-સંસ્કૃતિ છે. આ કાયદાની તેમને મોટી અસર થવાની છે."

તેમણે વધુમાં કહ્યું કે "ભાજપમાં જિલ્લે જિલ્લે જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, એનાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. ક્યાંક વોટબૅન્કની રાજનીતિ હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે."

આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ યુનિફૉર્મ સિવિલ કોડને પરંપરાગત સંસ્કૃતિ પર એક તરાપ સમાન ગણાવ્યો છે.

તેમણે કહ્યું કે હાલમાં ગુજરાતમાં મોંઘવારી વધી છે, બેરોજગારી છે, ખેડૂતો નારાજ છે, સરકારી ભરતીઓ આવતી નથી. આ બધાથી ધ્યાન હટાવવા માટે સરકાર આવું કરી રહી છે."

તેમણે કહ્યું કે "ગુજરાતમાં આદિવાસી સમાજ હોય કે માલધારી હોય, દરેક સમાજની એક પરંપરા છે રહી છે. આ યુસીસી તેની સામે છે. ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ યુસીસીનો કાયદો અડચણરૂપ થવાનો છે."

"અમે કાયદાની જોગવાઈને જોઈશું. અમે ભાજપના ધારાસભ્યોને પણ પૂછશું કે તમે આદિવાસીઓની સામે છો કે સાથે છો, જો અમને આમાં કંઈ પણ સમાજની પરંપરાની વિરુદ્ધનું લાગશે તો અમે સમગ્ર ગુજરાતમાં તેનો વિરોધ કરીશું."

શું છે યુનિફૉર્મ સિવિલ કોડ?

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

ઇમેજ સ્રોત, AFP

લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવાની બાબતોમાં ભારતમાં અલગઅલગ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસના આધારે અલગઅલગ કાયદો છે.

યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર, જે મુજબ લગ્ન, તલાક, ઉત્તરાધિકાર અને બાળક દત્તક લેવાની બાબતમાં ભારતમાં વિવિધ સમુદાયોમાં તેમના ધર્મ, આસ્થા અને વિશ્વાસ પર આધારિત અલગ-અલગ કાયદા છે.

જોકે, ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે.

યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના 'પ્રયાસ' કરવા જોઈએ.

અલબત્ત, એકસમાન કાયદાની ટીકા દેશના બહુમતી હિન્દુઓ અને લઘુમતી મુસ્લિમો બન્ને સમાજ કરતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટના શબ્દોમાં કહીએ તો આ એક 'ડેડ લેટર' છે.

જમણેરી હિન્દુત્વવાદી સંગઠનો, મુસ્લિમ પર્સનલ લૉના કથિત 'પછાત' કાયદાઓને આગળ ધરીને યુસીસીના અમલની માગણી કરતાં રહ્યાં છે.

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈ મુજબ ત્રણ તલાક કાયદેસર હતા અને એ કાયદા મારફત મુસલમાનો તેમની પત્નીઓને તત્કાળ છૂટાછેડા આપી શકતા હતા, પરંતુ મોદી સરકારે 2019માં તે કાયદાને દંડપાત્ર બનાવી દીધો હતો.

ભારતના બંધારણના ચોથા ભાગમાં મુકાયેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતા અંગે વાત કરાઈ છે. જે મુજબ રાજ્યોએ 'સમાન નાગરિક સંહિતા'ના અમલીકરણ માટે કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એવી માર્ગદર્શક નોંધ કરાઈ છે.

અહીં નોંધનીય છે કે ભારતમાં હાલ જુદાં જુદાં ધાર્મિક સમૂહોના જુદા જુદા પર્સનલ લૉ અમલમાં છે. જેમ કે, હિંદુ મૅરેજ ઍક્ટ, હિંદુ સક્સેશન ઍક્ટ, ઇન્ડિયન ક્રિશ્ચિયન મૅરેજ ઍક્ટ, ઇન્ડિયન ડિવોર્સ ઍક્ટ, પારસી મૅરેજ ઍન્ડ ડિવોર્સ ઍક્ટ અને મુસ્લિમ પર્સનલ લૉ વગેરે.

હિન્દુ અને મુસ્લિમની અલગઅલગ પરંપરા અને કાયદા

ગુજરાત, બીબીસી ગુજરાતી, યુનિફૉર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા

ઇમેજ સ્રોત, AFP

ભારતમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોને લાગુ પડતા વિવિધ કાયદાઓ પર એક નજર ફેરવીએ.

હિંદુ કાયદા હેઠળ લગ્નને પરંપરાગત રીતે પવિત્ર સંસ્કાર તરીકે જોવામાં આવે છે જ્યારે મુસ્લિમ કાયદામાં લગ્નને એક કરાર માનવામાં આવે છે. ત્યાંથી જ લગ્નમાં છૂટાછેડાનો વિચાર આવે છે.

જોકે ઘણા નિષ્ણાતો માને છે કે હિંદુ મેરેજ ઍક્ટ પસાર થવાથી તે પણ એક કરાર જેવું જ બની ગયું છે.

લગ્નની રીત અલગ હોવા ઉપરાંત પણ કોણ કોની સાથે લગ્ન કરી શકે તે અંગે બંને ધર્મોમાં અલગ-અલગ નિયમો છે.

સંહિતાબદ્ધ હોવા છતાં હિંદુ કાયદો વિવિધ સમુદાયોના રિવાજો અને પ્રથાઓને માન્યતા આપે છે.

જોકે, હિંદુ મૅરેજ ઍક્ટ સ્પષ્ટ કરે છે કે અમુક લગ્નો થઈ શકતાં નથી. જેમ કે લોહીનો સંબંધ હોય તેમની વચ્ચે, કાકા અને ભત્રીજી વચ્ચે લગ્ન શક્ય નથી. પરંતુ કેટલીક પરંપરાઓ જેમ કે ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભત્રીજી અને કાકા વચ્ચે લગ્નની મંજૂરી આપવામાં આવી છે.

બીજી તરફ મુસ્લિમ કાયદો પિતરાઈ ભાઈ-બહેનો વચ્ચે લગ્નની મંજૂરી આપે છે.

મુસ્લિમ લગ્નોને કરારની જેમ ગણવામાં આવે છે તેથી છૂટાછેડા સરળ છે. જોકે આ અધિકારો વધુ પિતૃસત્તાત્મક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.